સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/જેમ્સ જૉયસકૃત યુલિસિસ

From Ekatra Foundation
Revision as of 02:47, 17 January 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જેમ્સ જોય્સકૃત ‘યુલિસિસ’

ટી. એસ. એલિયટે જે ‘યુલિસિસ’ના પ્રકાશન વખતે કહ્યું હતું કે ‘વર્તમાન જગતને કલાના રૂપમાં સફળતાપૂર્વક ઉતારવાનો પ્રયોગ એક કદમ આગળ વધ્યો છે.’ તે ‘યુલિસિસ’ને ધારાવાહિક રૂપે પ્રકાશિત કરવાને કારણે ન્યૂયૉર્કની અદાલતે ‘લિટર રિવ્યુ’નો સો ડૉલરનો દંડ કર્યો હતો. અને અમેરિકામાં તેને છાપવા માટે મનાઈહુકમ ફરમાવવામાં આવ્યો હતો. પણ પરિણામે તો ‘યુલિસિસ’ની અનેક અપૂર્ણ અને ઉટપુટાંગ આવૃત્તિઓ બજારમાં વહેતી થયેલી. તેના પ્રકાશનથી માંડી આજ સુધી આ કૃતિને એક લેખક-સમસ્યાના રૂપમાં જ જોવામાં આવે છે. કોઈએ તેના લેખક જોય્સને અર્ધ પાગલ તરીકે જાહેર કર્યો તો કોઈએ ખોટી રીતે સમજાયેલા જીનિયસ તરીકે. એટલે સુધી કે તેની થનાર પત્નીએ પણ જોય્સ વિશે કહેલું કે "હું માનું છું કે માણસ છે તો જીનિયસ, પણ મગજનો જરા ગંદો છે." પછી તો એ લેખકને જ નહિ, તેની કૃતિ ‘યુલિસિસ’ ને પણ અશ્લીલ જાહેર કરવામાં આવી. નવાઈની વાત તો એ છે કે જોય્સની બધી રચનાઓના પ્રકાશનમાં કોઈ ને કોઈ મુશ્કેલી નડેલી. જ્યારે સંપાદકોએ સ્વીકાર કર્યો ત્યારે મુદ્રકોએ છાપવાનો ઇન્કાર કર્યો; જ્યારે પ્રકાશકોએ છાપવાનું સ્વીકાર્યું ત્યારે સેંસર બૉર્ડ તેની રચનાઓને અશ્લીલ જાહેર કરી. જ્યારે અશ્લીલતાનો આરોપ દૂર થયો ત્યારે અનૈતિકતા અને ઈશ્વરનિન્દાનો આરોપ મૂકવામાં આવ્યો. છેવટે જ્યારે એ આરોપ પણ નિર્મૂળ ઠર્યો ત્યારે જોય્સને દેશદ્રોહી ઠારવવામાં આવ્યો. તેની કૃતિ પર જ્યારે આયર્લેન્ડમાં પ્રતિબંધ આવ્યો ત્યારે તે ઇંગ્લેંડમાં છપાઈ, ઇંગ્લૅન્ડમાં પ્રતિબંધ આવ્યો ત્યારે અમેરિકામાં છપાઈ. આ બધું જોતાં સમગ્રપણે એટલું જરૂર કહી શકાય કે જોય્સે સાહિત્યના ક્ષેત્રમાં જે પ્રયોગો કર્યા છે તેને લોકો સમજ્યા નથી અથવા તો એ પ્રયોગોનો સ્વીકાર કરવા તૈયાર નથી. જોય્સની બીજી નવલકથાઓમાં ‘ફિનેગન્સ વેક’ એકદમ અસ્પષ્ટ (obscure) છે, જ્યારે ‘ધ પોર્ટ્રેટ ઑફ ધ આર્ટિસ્ટ’ લેખકની પહેલી રચના હોવાની ચાડી ખાય છે, ‘યુલિસિસ’માં જ લેખકની ટેકનિકનો પૂરેપૂરો વિકાસ જોવા મળે છે. આ લેખમાં ‘યુલિસિસ’ના કથ્ય અને શૈલી સંબંધી સંક્ષેપમાં કહેવાનો પ્રયત્ન કર્યો છે.

પહેલાં કથ્ય. ‘યુલિસિસ’ની દુરૂહ શૈલીને બાજુ પર રાખીને એકવાર તેની રૂપરેખાને ધ્યાનથી જોઈએ તો સમજાશે કે બાહ્ય વિશૃંખલતા હોવા છતાં તેમાં એક સળંગ વાર્તા ગુંથાયેલી છે. સને ૧૯૦૪ના ૧૬મી જૂનના દિવસે આયર્લેન્ડની રાજધાની ડબ્લિનમાં જે કૈં બને છે તેનું નિરૂપણ આ કૃતિમાં કરવામાં આવ્યું છે. સવારમાં જાગ્યા પછી મોડી રાતે સૂઈ જાય ત્યાં સુધીના સમય દરમ્યાન ત્રણ ચેતનાઓ પોતાની ચિંતાઓ લઈને કેવી રીતે દિવસ પસાર કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. બ્લૂમની દિનચર્યા સંક્ષેપમાં આ પ્રમાણે છે : એ એક કસાઈની દુકાનેથી નાસ્તા માટે માંસ લઈ આવે છે, એક અખબારની ઑફિસમાં હાજરી આપે છે, નેશનલ લાયબ્રેરીમાં જાય છે, એક સ્મશાનયાત્રામાં જોડાય છે, એક છોકરીની સ્મૃતિમાં દિવાસ્વપ્ન જોતો અપ્રકટ રહેલા પ્રેમને અભિવ્યક્ત કરે છે, એક પ્રસૂતિગૃહમાં વિદ્યાર્થીઓ (મેડિકલ કૉલેજના) સાથે બેસીને અંગ્રેજ લેખકોની શૈલીની પેરડી (પ્રતિકાવ્યરચના) કરીને નવા પત્રકારત્વ પર પ્રકાશ પાડે છે અને પછી સ્ટીફન સાથે પોતાને ઘેર પાછો આવે છે, અને પોતાની પત્ની સાથે સૂઈ જાય છે. તેની નજર સામે જે જે બને છે તેના પર ત વિચાર કરે છે, કોઈ રિમાર્ક પસાર કરે છે અને વારેવારે મનમાં પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે યોજનાઓ ઘડે છે. પરન્તુ દરેક વખતે તેની બેવફા પત્નીના બ્લેજિજ બૉયલન સાથેના સંબંધોની યાદ તેને દુઃખીદુઃખી કરી મૂકે છે. તેના એક પુત્રનું નાનપણમાં મૃત્યુ થયું હોવાથી તેને એક એવી વ્યક્તિની જરૂર હતી જેના પર તે પુત્રવત્‌ સ્નેહ રાખી શકે અને જે પોતાની ઉમ્મરલાયક દીકરીનો વર પણ થઈ શકે. સ્ટીફન ડેડાલસ આ બંને માટે યોગ્ય હતો. ડેડાલસ સુંદર યુવક છે અને સાહિત્યમાં તેને રુચિ છે. વળી તે પોતે પણ પોતાની માની આખરી ઘડીઓમાં માના આત્માની શાંતિ માટે પ્રાર્થના નહોતો કરી શક્યો તે બદલ મનોમન દુઃખી છે. બ્લૂમ યહૂદી છે અને ડબ્લિન જેવા શહેરમાં રહેવા છતાં કોઈ અજાણ્યા મુલકમાં આવીને વસ્યો હોય તેવું તેને લાગે છે. ડેડાલસ પોતાના વતનમાં હોવા છતાં સ્વભાવે કલાકાર જીવડો હોવાથી શહેરના જીવનપ્રવાહથી નિર્લિપ્સ રહે છે. આમ આ બન્નેને અન્યોન્યની આવશ્યકતા હતી. વળી બ્લૂમના મનમાં સાહિત્ય અને કલા માટે જે અભિરુચિ હતી, તેની અભિવ્યક્તિ ડેડાલસ સાથેની વાતચીતો દ્વારા થતી. આ ડેડાલસનું પાત્ર બીજું કોઈ નહિ, લેખક પોતે જ છે. ડેડાલસ - લેખક ડાબ્લિનની સડકો અને ગલીઓમાં રખડી રખડીને થાકી ગયો તેમ છતાં તેને ક્યાંય પોતાપણું ન લાગ્યું. તે એટલે સુધી કે વિદ્યાલયથી માંડી વેશ્યાગૃહ સુધીની યાત્રા કર્યા પછી પણ તે કોઈ પ્રકારના સ્થાયિત્વનો અનુભવ કરતો નથી. જાણે તેની ધરી જ અદૃશ્ય ન થઈ ગઈ હોય! બ્લૂમ અને ડેડાલસ દિવસમાં ઘણીવાર એકબીજાનેક મળે છે. છેવટે વેશ્યાગૃહમાં મળ્યા પછી પીધેલ હાલતમાં ઘેર પાછા આવતા હોય છે ત્યારે એક ગાડીવાળાને ત્યાં થોભે છે. અહીં તેઓ પોતપોતાના વ્યક્તિત્વનો સાચો પરિચય આપી રહે છે. અહીં તેમની ચેતનાઓ પરસ્પરથી એકદમ જુદી જુદી લાગે છે. લેખક આ વસ્તુ પર ભાર મૂકી એમ કહેવા માગે છે કે દરેકની ચેતના અને તેનું વ્યક્તિત્વ જ નહિ, નિયતિ પણ અલગ અલગ હોય છે. અંતમાં બ્લૂમ જ્યારે સૂઈ જાય છે ત્યારે તેની સાથે સૂઈ ગયેલી તેની પત્ની મૉલી તેના પ્રેમીનું સ્મરણ કરતી હોય છે. ધીરે ધીરે લગભગ ૪૦ પાનાં ભરાય તેટલું ‘સ્વગત’ સમાપ્ત કરી રહેવા આવે છે ત્યારે તેનાં પોપચાં પર નીંદનાં ભારણ વરતાય છે. અહીં મૉલીનું પાત્ર સ્પષ્ટ ઊપસી આવે છે. આમ તો આખો દિવસ તેની હાજરીનું ભાન થતું રહેતું હોય છે, પરન્તુ અહીં તેના અસ્તિત્વનો પૂરા રૂપમાં પરિચય મળે છે. એના અસ્તિત્વનું મહત્ત્વ એટલું બધું છે કે બ્લૂમ આખો દિવસ તેની સ્મૃતિથી ગ્રસ્ત રહે છે. કથાનકના આ આછાપાતળા કંકાલ પર જોય્સે વિચારોનાં લોહી-માંસ ચઢાવીને આ કથા રજૂ કરી છે. જોય્સના પુરોગામી વાસ્તવવાદી લેખકો - એચ.જી.વેલ્સ, આર્નલ્ડ બેનેટ અને ગાલ્સવર્ધીની રચનાઓની જેમ જો આ વાર્તા પણ લખાઈ હોત તો કોઈને તેમાં મુશ્કેલી ન લાગત. વળી ‘યુલિસિસ’માં ઉપરથી જે દેખાય છે તેટલું જ નથી. પડ ઉપર પડ અને વિચાર પર વિચાર, બધું જ સુવિચારિત અને સુનિશ્ચિત. વર્ષો સુધી લેખકે આ નવલકથા પર કામ કર્યું છે. સંભવ છે કદાચ તેને કારણે પણ આ કૃતિ જટિલ લાગે. ‘યુલિસિસ’માં એકીસાથે અનેક વાતો ગૂંથી લેવામાં આવી છે. એમ કહી શકાય ‘યુલિસિસ’ એ બે યાત્રીઓની વાત છે, જેઓ પોતાને ‘ઘેર’ પહોંચવા વ્યાકુળ છે - કુટિલ સંસારના કુચક્રમાંથી મુક્ત બનીને, પારિવારિક સુખની કલ્પનામાત્રથી જેમને રોમાંચ થઈ આવે છે પણ દુર્ભાગ્યે તેઓ ‘ગૃહહીન’ છે. આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી રાત્રિની વેળાએ સ્ટીફન બ્લૂમને ઘેર ચા પીવા માટે પહોંચી જાય છે, કારણકે તે પોતાના જ દેશમાં નિર્વાસિત અને એકલો હોય તેવો અનુભવ કરે છે. બ્લૂમ માટે તો પોતાનું ઘર પણ પારકાના ઘર જેવું જ છે ને? જે ઘરમાં તેની પત્ની તેની સાથે સૂતાં સૂતાં અન્ય પ્રેમીનાં સપનાં નિહાળ્યા કરતી હોય તે વળી પોતાનું ઘર કેવું? લેખક જોય્સે પણ વર્ષોથી પોતાનું ઘર છોડી જ દીધું હતું ને! તેના જીવનનો મોટો ભાગ વિદેશોમાં વીત્યો હતો. તેણે ‘ધ પોર્ટ્રટ ઑફ ધ આર્ટિસ્ટ’માં મોટા વિશ્વાસથી લખ્યું હતું : "આ દેશમાં જન્મતાંવેંત આત્માને અપંગ બનાવવા માટે માણસો પર એક જાળ ફેંકવામાં આવે છે. તમે મને સ્વદેશ, ભાષા અને ધર્મની વાત કરો છો? હું તો આ જાળોની જ મદદથી ઊડી જાઉં એવી કોશિશ કરું છું." (પૃ. ૨૩૪). આ લેખકને જે વસ્તુમાં વિશ્વાસ નહોતો, તેની ચર્ચા કરવાનું પણ પસંદ નહોતું. પછી તે પોતાનો દેશ કે ધર્મ જ કેમ ન હોય. જે અનુભવ તેમને તત્ત્વદર્શન કરાવે તે દ્વારા પોતાની જાતિ (Race)ને એક નવી જ અંતશ્ચેતના આપવી હતી. એટલા માટે તો પોતાના દેશ, ધર્મ, સમાજ અને સ્થાનિક રાજકારણથી અલગ રહી ‘યુલિસિસ’માં આ બે યાત્રીઓની વાત આલેખી. જો ગુલીવર, કાઁદિદ અને રાસેલાસની નવી આવૃત્તિ લિયોપોલ્ડ બ્લૂમ છે, તો બ્લૂમનું પ્રતિરૂપ ગ્રીક યાત્રી ઑડિસિયસ છે. ખરી વાત તો એ છે કે ૧૬ જૂન ૧૯૦૪નો દિવસ માણસની તે યાત્રાનો એક અંશ છે, જેનું નામ છે ‘જીવન.’ આપણે જાણતા નથી કે સ્થળકાળના બંધનમાં બંધાયેલો માણસ કઈ દિશામાં પ્રાયાણ કરી રહ્યો છે, પણ એટલું તો સ્વીકારવું પડશે કે તે એક ચિરયાત્રી છે. હોમરના મહાકાવ્ય ‘ઑડિસિ’માં દશ વર્ષના યુદ્ધ પછી ઘેર પહોંચતાં પહોંચતાં ઑડિસ્યુસને આઠ વર્ષ લાગ્યાં. આ દરમ્યાન તેનો પુત્ર યુવાન થયો હતો અને પોતાના પિતાની શોધમાં નીકળી પડ્યો હતો. ઑડિસ્યુસની પત્ની પેનેલપિ તેના પ્રશંસકોની ઢંગધડા વિનાની પ્રેમની વાતો સાંભળી સાંભળીને પણ પોતાના પતિની પ્રતીક્ષા કરતી હતી, જ્યારે અહીં ‘યુલિસિસ’માં સવારથી મોડી રાત સુધી અનેક પ્રકારનાં દૈનિક કામ આટોપીને બ્લૂમ ઘેર પાછો આવે છે - પોતાની બેવફા પત્નીને મળવા. એ રીતે બીજાં સામ્ય પણ દેખાય છે. - વાતોડિયા સ્કૂલ માસ્તર અને નેસ્ટરમાં, અશ્લીલ ઇશારા કરતી ગર્ટી ડૉવેલ અને સુકુમારી નૉસિકા વચ્ચે. જોય્સના મનમાં આ નવલકથા લખતી વખતે હોમરના ‘ઑડિસિ’ની રૂપરેખા હતી પણ છાપતી વેળાએ નવલકથાનાં પ્રકારણોનાં મથાળાં કાઢી નાખ્યાં. હોમરે ‘ઑડિસિ’ને ચોવીસ ભાગોમાં વહેંચ્યું છે. જોય્સે આ નવલકથાને માત્ર ત્રણ ભાગમાં વહેંચી છે. ‘ઑડિસિ’નો પહેલો ખંડ ‘ટેલિમેકિયા’ તે મહાકાવ્યની ભૂમિકા તૈયાર કરે છે. ટેલિમેક્સ પોતાના બાપ ઑડિસ્યુસને શોધવા માટે ઠેર ઠેર ભટકવા નીકળી પડે છે. ‘યુલિસિસ’માં સ્ટીફન સવારે આટ વાગે મૉર્ટેલો ટાવરમાં નાસ્તો કરીને નીકળી પડે છે, દશ વાગ્યે મિસ્ટર ડીઝીની સ્કૂલમાં ઇતિહાસ ભણાવે છે અને અગિયાર વાગે સેન્ડીમાઉન્ટના સમુદ્રકિનારે ફરતો હોય છે. આ પછી ‘યુલિસિસ’નો મુખ્ય ભાગ છે, જેમાં બાર પ્રસંગોને ગૂંથી લેવામાં આવ્યા છે. આ બાર પ્રસંગોમાં થોડા ફેર સાથે ‘ઑડિસિ’ના ઑડિસ્યુસની યાત્રાનું બૃહદ્‌ વર્ણન છે : લિયોપોલ્ડ બ્લૂમે સવારે આઠ વાગે એકબીજ સ્ટ્રીટમાં નાસ્તો લેવો (ઑડિસ્યુસનું કૅલિપ્સો સાથે રહેવું.) દશ વાગે સ્નાન (લોટસઇટર્સના પ્રદેશમાં ગમન), અગિયાર વાગે સ્મશાનયાત્રામાં (હેઈડ્‌સ - નરકમાં) જવું, બાર વાગે પોતાના અખબારની ઑફિસમાં (થોલસદ્વીપમાં) જવું, એક વાગે ભોજન માટે (લીસ્ટ્રાઈગોનિયન્સ - નરભીક્ષઓના પ્રદેશમાં) જવું, બે વાગે લાયબ્રેરીમાં જવું (શિલા અને કૅરિબ્ડીસથી ઘેરાવું), ત્રણ વાગે ચોપડીઓની દુકાનમાં (વૉન્ડરિંગ રૉક્સની પાસે) જવું, ચાર વાગે આરમૉન્ડ હોટલમાં (સાયરન્સના પ્રદેશમાં) બાર મેઈડ્‌સ સાથે શબ્દહીન સંગીત સાંભળવું, પાંચ વાગે ‘સલૂન’માં નાગરિકો સાથે બેસી અપમાન સહન કરવું (સાઈક્લૉપ્સ લોકો વચ્ચે), આઠ વાગે ગર્ટી મૅકડૉવેલ સાથે છેડછાડ (નૉસિકા સાથે), દશ વાગે રાત્રે પ્રસૂતિગૃહમાં (ઑક્સન ઑફ ધ સન પ્રસંગ) જવું, બાર વાગે રાત્રે વેશ્યાગૃહમાં જવું (સર્સી નામે જાદુગરણી સાથે ઑડિસ્યુસનું મળવું). આ વર્ણન પછીની વાર્તા બ્લૂમના ઘેર પાછા ફરવાની વાર્તા છે. ‘ઑડિસિ’માં જેવો ત્રીજો ભાગ નાસ્ટૉસ અર્થાત્‌ ગૃહપ્રાયાણનો છે. એમ તો સ્ટફીન આખો દિવસ (મોટે ભાગે) ગેરહાજર જ રહ્યો છે, પણ સાંજની વેળાએ તે બ્લૂમ સાથે વાતો કરવા પહોંચી જાય છે. બન્ને લાંબો સમય સાથે રહે છે. પરંતુ વાર્તાના આ ભાગનું મુખ્ય પાત્ર તો છે મૉલી બ્લૂમ. પાછા ફરતી વેળાએ લિયોપોલ્ડ બ્લૂમનું ડ્રાઈવરને ત્યાં થોડા સમય માટે રોકાવું (એમ્યુલસને ત્યાં ઑડિસ્યુસનું શરણ લેવું), દોઢ વાગ્યે રસોડામાં ઍકલીજ સ્ટ્રીટ (ઇથાકા પ્રસંગ) અને પોણા ત્રણ વાગે સવારે પોતાની પત્ની મૉલી બ્લૂમ સાથે પથારીમાં શયન (ઑડિસ્યુસ અને પેનેલપિનું મિલન). આ છે આ વાર્તાના પ્રસંગોની રૂપરેખા બન્ને યાત્રી લિયોપોલ્ડ બ્લૂમ અને ઑડિસ્યુસનું ગૃહપ્રાયાણ. પરંતુ બન્ને કથાઓમાં સામ્ય કરતાં વૈષમ્ય જ વધારે છે. બ્લૂમ ડબ્લિનની જે સડકો પર ભટકે છે તે સડકો આપણા જ યુગની છે. માણસ આજે પણ યાત્રિક છે. પણ તેની અને ઑડિસ્યુસની યાત્રામાં કેટળી વિષમતા છે? ‘યુલિસિસ’માં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન પરિવર્તનશીલ હોવા છતાં પ્રવહમાન છે, હમેશાં આગળ વધતું જ જાય છે. આ વીસમી શતાબ્દીમાં ડબ્લિનને નરક સિવાય બીજું શું કહી શકાય? ત્યાં બ્લૂમ અને સ્ટીફન બન્ને એકાકીપણાના બોજથી દબાયેલા છે, મૅકડૉવલ અને માંસલ મૉલી બ્લૂમ પણ એકાકીપણાનો અનુભવ કરે છે એટલું જ નહિ પણ જે પાત્રો બહુમુખી છે તેમના આત્માની પોકળતા પણ એટલી જ સ્પષ્ટ છે. એકાકીપણાથી બચવા તેઓ એકબીજાની મૈત્રી શોધે છે. બ્લૂમના એકાકીપણાનાં કારણ છે : તેના પુત્રનું અસામયિક મરણ (જેની યાદ તેને સ્મશાનયાત્રામાં અને ફોરફોયના પુત્રજન્મ પ્રસંગે આવે છે), તેના પિતાના આપઘાતની વાત, પોતે માર્થ ક્લિફોર્ડ સાથે પ્રેમ કરતો હોવા છતાં પોતાની બેવફા પત્નીના ખ્યાલથી થતું દુઃખ, વળી પોતાની પુત્રી પણ તેની મા જેવી છે એવી શંકા (જે પિતા-પુત્રી વચ્ચે એક મોટી ખાઈ નિર્મે છે), અને અંતમાં તેનું પોતાનું યહૂદી હોવું. યહૂદી પૈસાનો લોભી હોવાથી આજની વેપારપ્રધાન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ સારી રીતે કરી શકે છે. યહૂદીની જેમ આજનો કલાકાર પણ છે. જે દેશમાં રાજકારણી ભાષણોની પ્રશંસા થતી હોય, નાની નાની વાતોને મહત્ત્વ આપવામાં આવતું હોય, ‘સેન્ટિમેન્ટલ’ ગીતોને સારી કવિતામાં ખપાવવામાં આવતાં હોય, તેવા દેશમાં સ્ટીફન જેવો યુવાન કલાકાર શી રીતે સુખી રહી શકે? તેને નથી કોઈ ઘર, નથી કોઈ ધંધો. તેની રહેવાની રીતભાત જ મનુષ્યના મનની ઘોષણા કરી દે છે. તેણે ધર્મનો ત્યાગ કર્યો છે કારણકે કુટુંબનો કોઈ માણસ તેની કક્ષાનો નથી, જે તેને બરાબર સમજી શકે. એથી બરાબર ઊલટી રીતે બ્લૂમ સામાજિક અને મળતાવડા સ્વભાવવાળો છે. બીજા લોકો સાથે સંબંધ બાંધવામાં વિશ્વાસ રાખે છે. પણ બધી જગ્યાએ તેના ઘરની સ્થિતિ તેના વ્યવહાર પર સવાર થઈ જાય છે. લોકોના બેફામ વ્યંગોથી બચવા સ્ટીફન ‘સિનિક’ જેવો વ્યવહાર કરે છે. એને વારે વારે એવું લાગે છે કે આયર્લેન્ડમાં લોકો તેને હૅમ્લેટની જેમ માત્ર નભાવી લે છે, તેનું સન્માન નથી કરતા. તેની સ્થિતિ એક વિદૂષક જેવી છે, જેને રાજાની ખુશી મળતાં ઇનામ મળે છે અને નારાજી મળતાં મોત (‘યુલિસિસ’, પૃ.૨૬). આખરી શ્વાસ લેતી માના ઓશીકે બેસી તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના નથી કરી શક્યો તેથી તે દુઃખી છે. તેને માણસમાં કોઈ રુચિ નથી, કારણકે તેને વારે વારે લાગ્યું છે કે આજ સુધીના ઇતિહાસમાં તેણે પ્રસંગોની જવાબદારીહીન હવાઓ જ વણી છે. જેઓ હવા વણે છે, તેમના મનમાં રિક્તતા સિવાય બીજું શું હોઈ શકે? (‘યુલિસિસ’, પૃ.૨૨.) તેની સાથે સાથે સ્ટીફનને આયર્લેન્ડની વર્તમાન સ્થિતિનું ભાન છે. આ દેશમાં બે ક્રૂરતાઓ (રાજા અને પુરોહિત Priest)નું શાસન છે. આ દેશમાં કેટલીયે જવાબદારીઓ તેને માથે છે. પ્રામાણિકપણે તે આ જવાબદારીઓ અદા કરવાની ઇચ્છા રાખે છે. પણ હૅમ્લેટની જેમ અશક્તિમાન છે. સામાન્ય કૌટુંબિક સુખથી વંચિત, પોતાના જ નગરમાં બહિષ્કૃત, જવાબદારીઓના બોજા તળે દબાયેલા સ્ટીફન અને હૅમ્લેટમાં કેટલું બધું સામ્ય છે! આ વાતની પૂરી ખાતરી સ્ટીફનને છે. જેવી રીતે હૅમ્લેટે પોલોનિયસની મજાક ઉડાવી હતી તેમ સ્ટીફને મિસ્ટર ડીઝીની ઉડાવી. જેમ હૅમ્લેટની સંવેદનશીલતા અને ઉદાસી તેની સ્વગતોક્તિઓમાં વ્યક્ત થઈ છે તેવી રીતે સ્ટીફનની મનઃસ્થિતિની અભિવ્યક્તિ તેના ચેતનાપ્રવાહમાં (Stream of Consciousness) માં થઈ છે, ખાસ કરીને સમુદ્ર કિનારે ભ્રમણ કરતી વેળાએ, સ્ટીફને શેક્સપિયરના હૅમ્લેટની પોતાની આગવી રીતે મૌલિક વ્યાખ્યા કરી છે, પરંતુ જ્યાં સુધી તેનાથી કોઈ આર્થિક લાભ ન થાય ત્યાં સુધી તેને પ્રકાશિત નથી કરવાનો. અને તેના પ્રકાશનની કોઈ સંભાવના નથી. આ પણ તેના એકાકીપણાનું એક કારણ છે. બ્લૂમ અને સ્ટીફન અનેક પ્રકારની સમસ્યાઓ પર ગંભીરતાપૂર્વક વિચાર કર્યા પછી એ નિષ્કર્મ પર પહોંચે છે કે ‘એ હકીકત છે કે આપણે દેશને બદલી શકતા નથી. તો બહેતર તો એ છે કે આપણે ચર્ચાનો વિષય જ બદલી નાખીએ.’ યાત્રાનો આરંભ કર્યો ત્યારે બ્લૂમે સમાજની માન્યતાઓને સ્વીકારીને ચાલવાનું શરૂ કર્યું હતું, પરંતુ સાંજ પડતાં પડતાં તો તેના વિશ્વાસના પાયા ડગમગવા માંડ્યા હતા. ડબ્લિન પોતાની તમામ વિશેષતાઓ સાથે આજના જગતનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંની જનતા ગંદા રાજકારણને નાપસંદ કરે છે, દુનિયાના બીજા દેશની જનતાની જેમ જ. અહીં પણ કલા એવી સસ્તી અને બજારુ વસ્તુ થઈ ગઈ છે, જેમ અન્યત્ર. અહીંની કલાને સ્ટીફન ‘કોઈ નોકરનું તૂટેલું દર્પણ’ કહે છે, (‘યુલિસિસ’, પૃ.૮). આ શહેરમાં હવે કલાની જે દેવીઓનીદદ પૂજા થાય છે તે છે વેપાર, ઑપેરા સંગીત, પ્રેમ, પ્રચાર, ઉત્પાદન, વાણીસ્વાતંત્ર્ય, મતાધિકાર, મનોરંજન વગેરે. આયર્લેન્ડ હવે ‘એરર લૅન્ડ’(Error Land) થઈ ગયો છે અને ડબ્લિન ‘ડિડલડમ’ (Diddldem- એક અર્થહીન શબ્દ). તેથી આ નગરનો નિવાસી પણ અન્ય કોઈ દેશના નિવાસીની જેમ ધરીહીન છે. એટલું જ નહિ, પણ આ નવલકથા બધું મળીને આપણા અસ્તિત્વનું જ એક સંક્ષિપ્ત રૂપ છે. તેમાં આપણા જીવનના લગભગ તમામ અનુભવોનો સમાવેશ થાય છે : જન્મ (પ્રસૂતિગૃહનું દૃશ્ય), બચપણ (મારટેલો ટાવરનું દૃશ્ય), શિક્ષણ (વિદ્યાલયમાં), ધર્મ (લોટસ-ઈટર્સનું વર્ણન), તત્ત્વજ્ઞાન (સમુદ્ર કિનારે ટહેલતા સ્ટીફનનો રજૂ થયેલો ચેતનાપ્રવાહ), સંગીત (આર્મોન્ડ હોટેલમાં), પત્રકારત્વ (ફ્રીમૅન છાપાની ઑફિસમાં), સાહિત્ય (લાયબ્રેરીમાં), શહેરી જીવન (વૉન્ડરિંગ રોક્સમાં), જીન્સીજીવન (મૉલી બ્લૂમના શબ્દોમાં), રાજનીતિ (કિરનાનમાં) તથા મૃત્યુ (પૅડીડિગનમની સ્મશાનયાત્રામાં). એટલે એમ કહી શકાય કે ડબ્લિન વર્તમાન જગતનું સંક્ષિપ્ત સંસ્કરણ છે. તેવી જ રીતે ૧૬ જૂન ૧૯૦૪નો દિવસ છે વર્તમાન જીવનના કોઈ પણ એક દિવસનો નમૂનો. આ બધીય વાતોને સમાવવાનો સંકલ્પ કરી નવલકથાકાર કલમ ઉપાડે તો તે માટે તેને વિશાળ પાયા પર સંકેતો, પ્રતીકો અને ભાતનો ઉપયોગ કરવો રહ્યો. વર્તમાન જીવનને સાકાર અને સુસ્પષ્ટ કરવા માટે ‘ઑડિસિ’ અને ‘હૅમ્લેટ’ ને સમાનાન્તર રાખી નવી વાસ્તવિકતાઓને પ્રતિસ્થાપિત કરવામાં જ એક મોટો પ્રયોગ રહેલો છે.

વિચારના ક્ષેત્રમાં જોય્સે જેવો પ્રયોગ કર્યો છે તેવો શૈલીના ક્ષેત્રમાં પણ. ‘ફિનેગન્સ વેક’માં નવા શબ્દોની એટલી ભરમાર છે કે વાંચતાં વાંચતાં ધીરજ ખૂટી જાય, અને કેટલીયે જગાઓએ અર્થ સ્પષ્ટ ન થાય એવું પણ બને. ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન સ્પૃહણીય હોવા છતાં તેનું મૂલ્ય પ્રયોગની દૃષ્ટિએ જ વધારે છે. નવલકથાની દૃષ્ટિએ (ભલે કેટલાક વિવેચકો ‘ફિનેગન્સ વેક’ને કવિતા માનતા હોય) આ કૌશલ બહુ વખાણવાલાયક નથી ‘યુલિસિસ’માં નવા શબ્દોનો ઉપયોગ જરૂર થયો છે તેમ છતાં અહીં મહત્ત્વની વસ્તુ તો બીજી જ છે. ઉપર બતાવ્યું છે તેમ ત્રણે વાર્તાઓને એકીસાથે જોડીને વર્તમાન યુગના જીવનની કરુણાને વ્યક્ત કરવાનું કામ કંઈ સહેલું નથિ. એ વખતે જે શૈલી પ્રચલિત હતી તેમાં આ બધું કહેવું સંભવિત નહોતું. એટલે જોય્સે એવી શૈલીનો પ્રયોગ કર્યો, જેમાં દુ જાર્દિન, હેનરી જેમ્સ, કોનરેડ, ડોરોથી રિચાર્ડસન અને માર્શલ પ્રુસ્ત આદિ પુરોગામી લેખકોની શૈલીનો વિકાસ જોવા મળે છે, તે સાથે લેખકના નવા પ્રયોગો પણ છે. ‘યુલિસિસ’માં જોય્સનું લક્ષ્ય પાઠકને નવલકથા દ્વારા જીવનના સીધા સંપર્કમાં લાવવાનું છે. પોતા તરફથી કોઈ પણ જાતની દખલગીરી કર્યા સિવાય લેખકે જીવનને તેના મૂળ રૂપમાં આપણી સામે ધર્યું છે. ‘ધ પોર્ટ્રેટ ઑફ ધ આર્ટીસ્ટ’માં જોય્સે લખ્યું હતું : "કલાકારનું વ્યક્તિત્વ ધીમે ધીમે વૈયક્તિક્તા અને અસ્તિત્વના ઘેરાવામાંથી બહાર નીકળી જાય છે અને છેવટે પોતાની કૃતિનો સ્રષ્ટા કલાકાર તે કૃતિના અન્તરમાં, તેની બહાર, તે કૃતિથી ઉપર અથવા તેનાથી બિલકુલ અલગ હોય છે." આ વાત ‘યુલિસિસ’ માટે બિલકુલ સાચી છે. નિર્વૈયક્તિકતા પ્રાપ્ત કરવા માટે આ નવલકથામાં ચેતનાપ્રવાહ (Stream of Consciousness)- ટેકનિકલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રોજના વ્યવહારમાં આપણી જાતને જેટલા પ્રમાણમાં આપણે રજૂ કરીએ છીએ તેના કરતાં ઘણું ઘણું વધારે આપણા મસ્તિષ્કમાં હોય છે. હરક્ષણે મગજ કંઈ ને કંઈ વિચારતું હોય છે જો કોઈ વ્યક્તિને સાચા રૂપમાં જોવી હોય તો તેના મગજમાં ચાલતા નાટકને બહાર લાવવાથી જોઈ શકાય. એટલે જોય્સે અન્ય પુરોગામી લેખકોની જેમ ‘ઇન્ટિરિયર મોનોલોગ’નો પ્રયોગ કર્યો. એણે ક્યાંક ‘સોલીલોકવી’ના માધ્યમથી ક્યાંક ‘ફલૅશબેક’ પદ્ધતિથી આપણા ભૂત, ભવિષ્ય અને વર્તમાનને એક સૂત્રમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ‘યુલિસિસ’માં જે વેળા ગર્ટી મૅકડોવેલ એક શિલા પર બેઠી બેઠી તેના પ્રશંસકોને રમતા જોઈ રહી છે, (નૉસિકા પ્રસંગ, પૃ. ૩૨૯) અને લિયોપોલ્ડ બ્લૂમ તેને પોતાની તરસી નજરથી જોઈ રહ્યો છે ત્યાં અપ્રત્યક્ષ ‘ઇન્ટિરિયર મોનોલોગ’નો સર્વોત્તમ પ્રયોગ થયો છે. અહીં જોય્સે લેખક તરફથી એક પણ શબ્દ કહ્યા વગરદ ગર્ટીના મનમાં જે કૈં ચાલી રહ્યું હતું તેને કાગળ પર ઉતારીને તે સમયના સંપૂર્ણ દૃશ્યની ઝાંખી કરાવી છે. આવી રીતના ચેતનાપ્રવાહને નિયંત્રિત કરવા માટે ‘ફ્રી એસોસિયેશન’નો પણ ઉપયોગમાં કરવામાં આવ્યો છે, જેની આધારશિલા છે સ્મૃતિ, માર્ગદર્શક છે જ્ઞાનેન્દ્રિયો અને રૂપપ્રદાયિની છે કલ્પના. આનું ઉત્તમ ઉદાહરણ મૉલી બ્લૂમની ‘સોલીલોક્વી’ માં જોવા મળે છે, જ્યાં ચેતના તેની પૂરી વક્રતા સાથે ઉતારવામાં આવી છે. કવિતા અને નાટકની પણ ક્યાંક ક્યાંક મદદ લેવામાં આવી છે. રાતના બાર વાગે સ્ટીફન અને બ્લૂમ વેશ્યાગૃહમાં જાય છે. ત્યાંથી શરાબમાં ચકચૂર થઈને નીકળે છે અત્યંત કુશળતા વાપરીને લેખકે આ બે યાત્રી અને વેશ્યાગૃહના પ્રસંગને પોતાના શબ્દોમાં ન ઉતારતાં, તેમની જ અસ્વસ્થ માનસિક સ્થિતિ દ્વારા તેનું ચિત્રણ કરીને બતાવ્યું છે. બ્લૂમ અને સ્ટીફનના મગજમાં જ એક નાટક ભજવાઈ રહ્યું હોય છે. લેખક તે બધું ઉતારે છે. વેશ્યાગૃહમાં જે કંઈ તે બોલ્યા હતા, જે કંઈ કર્યું હતું, તે તમામ આ નાટક દ્વાર અહીં ફરીથી રજૂ થાય છે. આ પ્રસંગના આલેખન માટે તેમની વેશભૂષા, વ્યવહાર, શબ્દાવલી વગેરેનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. આ ટેકનિકનો પ્રયોગ કરવાથી લેખક કોઈપણ જગાએ પોતાના વિચારો ભૂલથી પણ રજૂ કરવામાંથી બચી શક્યા છે અને તે બન્ને પાત્રોની કેટલીયે અપ્રકટ ઇચ્છાઓને પ્રકટ કરવામાં સફળ થઈ શક્યા છે. ચિત્રપટોની સૌથી મોટી મર્યાદા એ છે કે તે બે પરિણામનાં હોય છે. આ મર્યાદાને દૂર કરવા માટે ત્યાં ‘ટાઈમ’ અને ‘સ્પેઈસ’ મૉન્ટેજ ટેકનિકનો પ્રયોગ કરવામાં આવે છે, જેમાં સમયને સાંધવા માટે, ભૂતકાળનો વર્તમાન પર અને વર્તમાનનો ભવિષ્ય સાથે સંબંધ બતાવવા માટે ‘મલ્ટિપલ વ્યૂ’, ‘સ્લો-અપ્સ’, ‘ફેડ-આઉટ્‌સ’, ‘કટિંગ’, ‘ક્લોઝ-અપ્સ’, ‘પેનોરમા’ અને ‘ફૂલૅશબૅક’નો ઉપયોગ કરવામાં આવે છે. ‘યુલિસિસ’માં સ્પેસ મૉન્ટેજનો સર્વોત્તમ પ્રયોગ ‘વૉન્ડરિંગ રૉક્સ’ પ્રસંગમાં થયો છે. અહીં નાનાં નાનાં અઢાર દૃશ્યો છે. એક જ સમયે ઘણાં સ્થાન પર ઘણા પ્રસંગો બની રહ્યા હોવાથી અને બધાનું વર્નન પણ જરૂરી હોવાથી, લેખકે નાની નાની વિગતોનો એકબીજા સાથે સંબંધ બતાવવા માટે ક્રૉસરેફરેન્સ આપ્યા છે. (આ ટેકનિકનો એક સારો પ્રયોગ આલ્ડસ હક્સલેએ ‘પૉઈન્ટ કાઉન્ટરપૉઈન્ટ’માં કર્યો છે.) ચેતનાપ્રવાહને નવલકથામાં ઉતારવા જતાં બે મુશ્કેલીઓ ઊભી થાય છે. એક તો એ કે પ્રત્યેક પાત્રની ચેતના અલગ પ્રકારની હોય છે અને બીજી મુશ્કેલી એ છે કે ચેતના સદા પ્રવહમાન હોય છે, કદી સ્થિર નથી હોતી. આ મુશ્કેલીઓ ટાળવા માટે જોય્સે પ્રયત્નપૂર્વક ખાસ ખાસ ઉપાયો (devices)નો સહારો લીધો છે. સૌથી પહેલાં તો તેમણે માનસશાસ્રીઓએ માન્ય કરેલા associations- સાહચર્યોના રૂપનો સ્વીકાર કરી લીધો અને મગજમાં થનારી હલચલને મહત્ત્વ આપ્યું, અને બીજાં કેટલાંય ભાવબિંબો અને પ્રતીકોની મદદથી તે બધું કહી શકાયું જે સીધી રીતે ન કહેવાતું હોત. એક ઉદાહરણ લઈએ. પોતાની માની મરણ પથારીએ સ્ટીફન પ્રાર્થના ન કરી શક્યો. આ વસ્તુની સ્ટીફનને વારેવારે યાદ આવે છે અને તેના હૃદયને કોતરી ખાય છે (જેને તે agenbite of inwit કહે છે.) આ અપરાધી મનોવૃત્તિ માત્ર પોતાની મા પ્રત્યે જ નહિ પરંતુ બધી માનવજાત તરફ છે. પહેલા પ્રસંગ વખતે આ ભાવબિંબની ભૂમિકા તૈયાર થાય છે. અને તે પછી તો નેસ્ટર પ્રોટિયસ તથા સર્સી પ્રસંગોમાં આ ભાવબિંબનો ઉલ્લેખ આવે છે. બરાબર આ રીતનું બીજું પણ એક મજાનું ઉદાહરણ છે. બ્લૂમ પોતાના ખિસ્સામાં એક બાફેલો બટાટો રાખે છે. તેને માટે આ એક પ્રકારનું માદળિયું છે (આ વાત તેણે વેશ્યા બેલાને પણ કરી હતી.) તે વારે વારે ખિસ્સામાં હાથ નાખી આંગળીએથી અડકી જોઈ લે છે કે બટાટો તેની જગ્યાએ છે કે નહિ, કારણ કે, જ્યારે કોઈપણ કામ કરવા તે નીકળે છે ત્યારે વિશ્વાસ પેદા કરવા માટે તેને કૈંક જોઈતું હોય છે : એનાં બહાદુરીનાં (?) કામની વેળાએ જેમકે માંસ લાવવા વખતે. જ્યારે તે મૂંઝવણમાં પડે છે ત્યારે પણ તેના હાથ તે બટાટા પર જાય છે, જેમકે, જ્યારે તે પોતાની પત્નીના પ્રેમી બ્લેજીજ બૉયલન સાથે લડવાની અણી પર હોય છે ત્યારે પણ તેનો હાથ તે બટાટા પર જાય છે. ક્યારેક ક્યારેક કેટલાક ખાસ શબ્દો આ ભાવબિંબો અને પ્રતીકોની જેમ જ ઘણા મહત્ત્વપૂર્ણ હોય છે. ‘Metempsychosis’ (પુર્નજન્મ) શબ્દનો ઉચ્ચાર મૉલી દિવસના આરંભે સવારમાં જ કરવા ઇચ્છે છે, પણ બરાબર ઉચ્ચાર કરી શકતી નથી. ભારે મુશ્કેલી પછી તે આટલું જ કહી શકે છે : ‘Methimpikehoses’. આ શબ્દ કૅલિપ્સો પ્રસંગમાં પહેલીવાર આવે છે. જે વખતે મૉલી બ્લૂમને તેનો અર્થ પૂછે છે. તે પછી આખો દિવસ બ્લૂમ આ શબ્દને ભૂલી શકતો નથિ. નૉસિકા, સાયરન, ઑક્સન ઑફ ધ સન પ્રસંગો વખતે વારે વારે તેને આ શબ્દ યાદ આવે છે. તેનું કારણ એ છે કે જોય્સ આ નવલકથમાં પુનર્જન્મ પર પણ પ્રકાશ પાડવા માંગે છે. બ્લૂમ માટે તો આ શબ્દ ખાસ મહત્ત્વનો હતો. કૌટુંબિક તથા સમાજિક ક્ષેત્રમાં અસંતોષને કારણે તેના મનમાં આ જીવનની નિસ્સારતાનો જે ભાવ હતો તેને કારણે સ્તો. ‘યુલિસિસ’ પર દોષારોપણ કરવામાં આવે છે કે તેમાં ઘટનાબાહુલ્ય છે, અને ઘટનાઓ અસમતોલ અને અસંબદ્ધ છે, સામાન્ય પાત્રોની સંખ્યા જોઈએ તે કરતાં વધારે છે. ભૌગોલિક દૃષ્ટિથી પણ જીબ્રાલ્ટર, પૅરિસ, ભારત અને ઇંગ્લૅન્ડ જેવાં શહેરો અને દેશોમાં પ્રસંગો બને છે એટલું જ નહિ, પ્રસંગોનો વિસ્તાર પણ ઘણો વધારે છે. સ્ટીફનના વિદ્યાર્થીજીવનથી શરૂ કરીને પૅરિસમાં એ રહે છે તે સમય સુધી, બ્લૂમ તથા મૉલીના રમતિયાળ બચપણથી આરંભી તેમના આજના જીવન સુધી. કેટલી મોટી પરિધિ છે આ? પરન્તુ આ બધી વસ્તુને જોય્સે જે રીતે નવલકથામાં ગૂંથી લીધી છે આશ્ચર્યજનક છે. આ નવલકથામાં એકસૂત્રતા (Unity)નો અભાવ છે એમ કહેવું સુસંગત નથી, કેમકે ‘યુલિસિસ’ની આખી કથા માત્ર એક દિવસની (અઢાર કલાકની) અને એક જ શહેર (ડબ્લિન)ની છે. વર્ણન બે જગાએથી શરૂ થાય છે. એક મોર્ટેલો ટાવરથી જ્યાં આઠ વાગે બક મુલીગન અને સ્ટીફન વાતો કરતા હોય છે. બીજી જગા છે મૉલી બ્લૂમનું ઘર, જ્યાંથી ચોથો પ્રસંગ શરૂ થાય છે. બન્ને પ્રસંગો એક જ સમયે - લગભગ આઠથી દશ વાગ્યાની વચ્ચે જ શરૂ થાય છે. પ્રસંગોનો વિકાસ પણ એક એક કલાકના અંતર પર બતાવવામાં આવે છે. હા, ‘ઑડિસિ’ સાથે જે જે સરખામણી કરવામાં આવી છે તે તેની સામયિક વિશેષતાઓ સાથે છે. આજનો માણસ ઑડિસ્યુસ જેવો સાહસિક વીર નથી, જે પોતાના બહુબલને આધારે દુનિયાને પોતાના ચરણમાં ઝુકાવી શકે, અથવા કૃપાળુ દેવતાઓની મદદથી ઈર્ષ્યાળુ પૉઝાઈડોન જેવા દેવતાનો સામનો કરી શકે. આજનો માણસ લિયોપોલ્ડ બ્લૂમ છે, જે એક નિકૃષ્ટ નગરની ગલીઓ અને સડકો પર ભાગ્યનો માર્યો ભટકે છે. એટલે ‘યુલિસિસ’ એક મહાકાવ્યની ભાત પર રચાયું હોવા છતાં એક પ્રહસન (Burlesque)છે, જેમાં વર્તમાન મનુષ્યની કરુણ સ્થિતિ પર વ્યંગ કરવામાં આવ્યો છે. ઑડિસ્યુસ નરભક્ષીઓના પ્રદેશમાં ગયો હતો, તો ‘યુલિસિસ’ નો બ્લૂમ માત્ર એટલા માટે પરેશાન હતો કે તેને બપોરનું લંચ ખાવા માટે કોઈ સ્થાન મળતું નથી. આ બે ઘટનાઓમાં જો કોઈ સમાનતા હોય તો તે છે ભોજન. ડબ્લિનની એક સસ્તી હોટેલમાં માંસની પ્લેટમાંથી તેને માણસના માંસની ગંધ આવતી હતી. બ્લૂમે એવી રીતે આશ્ચર્ય પ્રકટ કર્યું, જેવી રીતે ઑડિસ્યુસે નરભક્ષીઓ દ્વારા પોતાના મિત્રયાત્રીઓનું ભક્ષણ થતું જોઈને કર્યું હશે. આ રીતે ‘યુલિસિસ’નું દરેક દૃશ્ય અને પ્રસંગ હોમરના ‘ઑડિસિ’ની ઘટનાઓ સાથે જોડાયેલો લાગે છે, પરંતુ તેનો રંગ જુદો છે, તેની ટેકનિક જુદી છે, તેનુ પ્રતીક જુદું છે. તેમ છતાં આ બધી વસ્તુઓને બાજુ પર રાખીને કહી શકાય કે ‘યુલિસિસ’ એક સ્વતંત્ર કૃતિ છે. વર્તમાન જીવન પર ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. સમગ્રપણે જોતાં એમ કહી શકાય કે ‘યુલિસિસ’ એક પ્રયોગકૃતિ છે, જેમાં જુદા જુદા પ્રકારના ઉપાયો (devices) દ્વારા ત્રણ મુખ્ય પાત્રો સાથે બીજાં કેટલાંયે પાત્રોના ચેતનપ્રવાહને અંકિત કરવામાં આવ્યા છે, અને તેમના દ્વારા આજના જીવનની કરુણા તથા અસહાયતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ‘યુલિસિસ’માં રજૂ થતો દૃષ્ટિકોણ કેટલે અંશે nihilistic (શૂન્યતાવાદી) છે તે એક અલગ ચર્ચાનો વિષય છે. અહીં તો માત્ર વિચાર અને શૈલીના ક્ષેત્રમાં જોેય્સે જે પ્રયોગ કર્યો છે તેની આછી ઝાંખી કરાવવાનો પ્રયત્ન કર્યો છે.[1] (અનુ. ભો. પ.)

સંસ્કૃતિ, ૧૯૬૩

  1. મૂળ લેખક (સ્વ.) ડૉ. રામસેવક સિંહ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(સાહિત્યક પરંપરાનો વિસ્તાર)

૦૦૦