વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/વર્જિલ સાથે વિદેશયાત્રા

Revision as of 03:12, 25 January 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વર્જિલ સાથે વિદેશયાત્રા (ઇન્ફર્નોનાં ઊંડાણથી
પારાડીઝોના પાદર સુધી?)

સિતાંશુ યશશ્ચન્દ્ર

વિદેશવાસી ગુજરાતી લેખકો જેટલા ‘સર્જનાત્મક’ લેખનની બાબતમાં શૂરા જણાય છે તેટલા સાહિત્યવિવેચન પરત્વે નથી જણાતા. આત્મપરીક્ષણનો અભાવ કોઈ પણ વાઙ્મય-વિશ્વ માટે એક જાનલેવા ઊણપ બની રહે. પૈસો અને પબ્લિસિટી, એ બે ઔષધો અજમાવવાની ટેવ તો એ રોગ કરતાં યે વધારે વસમી છે. એવી ઘાતક પરિસ્થિતિમાં આ વિવેચનગ્રંથ વડે પ્રા. મધુસૂદન કાપડિયાએ એક પ્રાણપ્રદ પહેલ કરી છે. ગુજરાતી ડાયસ્પોરાના વાઙ્મય -વિશ્વના રચાતા આવતા ઇતિહાસમાં ઐતિહાસિક મહત્ત્વનો ગણી શકાય એવો આ વિવેચનગ્રંથ એ ક્ષેત્રે નવી કેડી પાડે છે. આ પુસ્તકનું ઉષ્માભર્યું સ્વાગત. અને કેટલાક સવાલો. એ પ્રશ્નો પુસ્તકની સૈદ્ધાંતિક ભૂમિકા અંગે અને એમાં ચર્ચાયેલી (અને ન ચર્ચાયેલી) કૃતિઓના ચયન-માવજત (અને ઉપેક્ષા-અણસમજ) અંગે, આ ગ્રંથના ઐતિહાસિક મહત્ત્વને તત્તુલ્ય કાવ્યશાસ્ત્રીય મહત્ત્વમાં વિકસતું એક તબક્કે અટકાવે એવી કેટલીક સમસ્યાઓ સિદ્ધાંત અને પ્રયોગ બંને સ્તરે જણાય છે એટલે આ પ્રશ્નો.

પણ પહેલાં પુસ્તક પરિચય. આ પુસ્તકમાં છવ્વીસ અમેરિકાવાસી ગુજરાતી લેખકો વિશેના લેખોનો ૩૨૨ પાનાંમાં સમાવેશ થયો છે. સહુથી લાંબો લેખ પન્ના નાયક વિશે (૪૮ પાનાં) છે. અગિયાર લેખકો વિશે છ-સાત પાનાના લેખો છે. મધુ રાય અને આદિલ મન્સૂરી વિશે લેખ નથી. પણ પ્રસ્તાવનામાં એ અંગે એક ખુલાસો છે. મનીષા જોશીની કવિતા પન્ના નાયક વિશેનાં લેખમાં ટાંકી છે, પણ એમના વિશે લેખ નથી. પ્રીતિ સેનગુપ્તા, નટવર ગાંધી, વિરાફ કાપડિયા, ચન્દ્રકાંત શાહ, ઘનશ્યામ ઠક્કર અને નાટ્યકાર આર. પી. શાહ વિશે ઝીણવટભર્યા અભ્યાસ-લેખો છે. બાબુ સુથાર વિશે શિરીષ પંચાલનો લેખ આ પુસ્તક માટે મેળવ્યો છે. ગુજરાતી લિટરરી અકૅડેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા આ પુસ્તક એના સભ્યોને ભેટ આપવામાં આવ્યું છે. ગ્રંથ પાછળ એમાં ઉલ્લેખાયેલી-ચર્ચાયેલી કૃતિઓની સૂચિ અને પૃષ્ઠાંક સંદર્ભ નથી. લેખકનું અને પ્રકાશકસંસ્થાનું સ્વાસ્થ્ય એ ઊણપનું કારણ હશે.

મધુસૂદનભાઈએ પોતે લખેલી પ્રસ્તાવના એ આ પુસ્તકનું માતબર જમા પાસું છે. દસ પાનાંના પ્રસ્તાવ-લેખમાં આ વિવેચક કેટલાક મહત્ત્વના મુદ્દા ઉઠાવે છે. ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોના સાહિત્યને ડાયસ્પોરા સાહિત્ય કહી શકાય ખરું? - આ પ્રશ્નની ઊંડી તાત્ત્વિક પર્યેષણા થવી જોઈએ,’ એવું નોંધી, એ પૂછે છે : ‘પણ બસ, ડાયસ્પોરા એટલે માત્ર ઘરઝુરાપો, વતન—જન્મસ્થળ-માતૃભૂમિ માટેનો નોસ્ટાલ્જિયા? માત્ર વ્યતીતરાગ કહેતાં સમય માટેનો નોસ્ટાલ્જિયા? એમ જ હોય તો પછી અમેરિકન અને ભારતીય સંસ્કૃતિનો સંઘર્ષ ક્યાં? સમન્વય ક્યાં? નવવસાહતીઓના પારાવાર સંઘર્ષોની વેદના અને ગૌરવ-ગાથા ક્યાં?’ અને ઉમેરે છે : ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની કૃતિઓ વસાહતીઓના સાંકડા વર્તુળમાં ફર્યા કરે છે. એમાં અમેરિકાની સંસ્કૃતિ, વિજ્ઞાન, કળા અને જીવનશૈલીનો અંશ સુધ્ધાં આલેખાયો નથી. …અરે, ખુદ ભારતીયોએ અમેરિકામાં અનેક ક્ષેત્રે મેળવેલી સફળતાઓ અને સિદ્ધિઓની વાત પણ ક્યાં થઈ છે?’ ત્રીજો સવાલ : ‘અહીં અમેરિકામાં વસતા ભારતીયોની બે પેઢી વચ્ચે માઈલોનું અંતર છે… એ બંને જુદી જ ભાષા બોલે છે, એકબીજાને સમજી જ શકતી નથી. બે પેઢી વચ્ચેના આ સંઘર્ષને, આ સોરાબ-રુસ્તમીને હજુ આ સાહિત્યમાં વાચા ક્યાં સાંપડી છે?’ (પા. ૯). મધુસૂદન કાપડિયા, આ પછી, ડાયસ્પોરા અંગેની પોતાની સમજણ વ્યક્ત કરે છે : ‘વતનથી દૂર રહેવું અને વતનમાં પોતાનાં મૂળ રોપી રાખવાં, ત્યાં પાછા ફરવાની ઝંખના અને સમાંતરે જ્યાં હોઈએ ત્યાં ઝળહળવાની તીવ્રતા - આ સઘળી વાતનો સહિયારો અનુભવ એટલે ડાયસ્પોરા.’ (એ જ)… ડાયસ્પોરાની આવી સરસ વ્યાખ્યા બીજી કેટલી થઈ હશે - કોઈ પણ ભાષામાં? પણ આવા પ્રશ્નો અને મુદ્દાઓ અમેરિકાવાસી ગુજરાતીઓના વાઙ્મયવિશ્વમાં કેમ હાંસિયામાં મુકાયા છે? કારણ, મધુસૂદનભાઈ લખે છે, આ છે : ‘સુપ્રતિષ્ઠિત વિવેચકોએ પણ ડાયસ્પોરા સાહિત્યકારોનું અને સાહિત્યકૃતિઓનું ગુણસંકીર્તન જ કર્યું છે. નથી થઈ આ કૃતિઓની આલોચના કે નથી થયું તટસ્થ અને નિર્મમ અવલોકન. થઈ છે માત્ર એકલી પ્રશસ્તિ.’ (પા. ૧૨) મધુસૂદન કાપડિયાનું વિવેચનકર્મ આથી અલગ છે. ઉત્કટ સાહિત્યપ્રીતિ અને જીવનભરની વિવેચનપ્રીતિથી દોરવાઈને એ થયેલું છે. પ્રસ્તાવનામાં એ લખે છે? ‘આ [વિવેચનલેખો] લખતી વખતે કૃતિને જ નજર રસમક્ષ રાખી છે, એના કર્તાને નહીં. આમાં સમાવિષ્ટ લગભગ બધા જ સાહિત્યકારોની સાથે મારે પરિચય છે, ઘણાની જોડે સ્નેહસંબંધ છે. થોડાની સાથે મૈત્રી છે. કૃતિઓની મર્યાદાઓની ચર્ચા કરતી વખતે લેશ પણ ઉદારતા રાખી નથી. જેવું છે તેવું, જેવું મને લાગ્યું છે તેવું સ્પષ્ટ, કદાચ કઠોર વાણીમાં લખ્યું છે. મિત્રો ક્ષમા કરશે.’ (પા. ૮) છતાં, ‘મારો અભિગમ ગુણદર્શી જ રહ્યો છે. …ટીકા જો કઠોરતાથી કરી છે તો પ્રશંસા પણ ઉમળકાભેર કરી છે. (એ જ.) ‘પ્રસ્તાવનામાં લેખક આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ અને કુન્તકના કાવ્યવિચારના ઉલ્લેખ કરે છે. સંસ્કૃત કાવ્ય અને કાવ્યશાસ્ત્રના આ તેજસ્વી વિદ્યાર્થી અને ગુજરાતી સાહિત્યના આજીવન અભ્યાસીએ ૧૯૬૮થી શરૂ થયેલા એમના અમેરિકાનિવાસ દરમિયાન ગુજરાતીની કેવી વાઙ્મય -દુનિયા જોઈ છે? મધુસૂદનભાઈ કલમચોરી કર્યા વિના લખે છે: ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની સૌથી ગંભીર મર્યાદા સાહિત્યિક સજ્જતાનો અભાવ છે. બે-ચાર અપવાદ બાદ કરતાં આ સાહિત્યકારોનું વાચન એટલું દરિદ્ર છે કે આપણે હેબત ખાઈ જઈએ. (પ્રસ્તાવના, પા. ૧૧), આ વિવેચક વાતો મભમ રાખતા હોય એવી છાપ ‘કેટલાક’ અને ‘બે ચાર અપવાદ’ જેવા પ્રયોગોથી પડી હોય તો આ વાંચો : ‘અમેરિકાવાસી સર્જકો માટે એક વધુ ગંભીર વિઘ્નનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ અને તે છે સમયનો સદંતર અભાવ. દા.ત., નટવર ગાંધી, ડૉ. અશરફ ડબાવાલા અને રાહુલ શુક્લ એમના વ્યવસાયમાં એટલા ઊંડા ખૂંપેલા છે કે સર્જનાત્મક પ્રવૃત્તિ માટે એમને આટલો, આંગળીના વેઢા જેટલો સમય પણ મળી રહે છે તેનું આશ્ચર્ય છે. મુદ્દો સ્પષ્ટ ન થયો હોય તો આ વિવેચક ઉમેરે છે : ‘અહીં એ પણ સ્વીકારીએ કે સમયની આ મારામારી સર્જનાત્મકતાનો અને સાહિત્યિક સજ્જતાનો ભોગ લીધા વિના ન જ રહે.’ (પા. ૧૨) આ વિવેચક જે વિધાનો કરે છે તે કૃતિઓનાં વાચનો અને ફેર-વાચનો કર્યા પછી. કહે છે : આ પુસ્તકમાં જે જે સાહિત્યકારોનો સમાવેશ કર્યો છે તે સહુની કૃતિઓ એકથી વધુ વાર વાંચી છે. (એ જ.)

પુસ્તકનું બીજું જમા પાસું છે આ આજીવન અધ્યાપકનો, રસજ્ઞ ભાવકનો, ખંતીલા વાચકનો વિદ્યા-શ્રમ. પુસ્તકમાં પસંદ કરાયેલા પચીસ લેખકોની બધી કૃતિઓ આટલી ઝીણવટથી વાંચવી, એ સાચા વિદ્યાવ્યાસંગ અને ઉત્કટ સાહિત્યપ્રીતિ વિના કેમ બને? એ ઉપરાંત બીજા અનેકોની કૂડીબંધ કૃતિઓ જાણવાનો પ્રયાસ પોતાના અમેરિકા-નિવાસના દશકો દરમિયાન એમણે કર્યો છે. ‘અર્વાચીન કવિતા’ માટે સુન્દરમે ઉઠાવેલા સાહિત્ય-પ્રીતિમૂલક પરિશ્રમની કંઈક યાદ અપાવે, એવું (અલબત્ત, એ તુલનાએ, કાળ અને કળા બંને રીતે મર્યાદિત એવું) એમનું આ અભ્યાસ-ક્ષેત્ર હોવા છતાં, અને રુચિ અને પહોંચ પરત્વે મર્યાદિત એવી એના આ અભ્યાસીની સજ્જતા હોવા છતાં, ‘લવ્ઝ લેબર’ રૂપે કરેલા સુદીર્ઘ અભ્યાસનું ઘૂંટેલું પરિણામ, તે આ પુસ્તક. અને એવા એક પુસ્તકનું લેખન? એનો અહેવાલ મધુસૂદનભાઈના હાસ્યરસિક શબ્દોમાં વાંચવાની મજા ઑર છે : ‘સામાન્યતઃ જે કામ કરતાં એકાદ વર્ષ માંડ લાગે તે પૂરું કરતાં મને ચાર વર્ષ લાગ્યાં. કમબખ્ત કમરનો દુખાવો મારો પીછો છોડતો નથી. એટલું ઓછું હોય તેમ, છેલ્લા વરસમાં કૅન્સર. દર પંદર દિવસે કિમોથેરપી. તેની પ્રતિકૂળ અસરો. હરિ હરિ!… ત્યાં બીજું એક્ટિવ કૅન્સર! હશે, તથૈવ તસ્ય લીલા!’ (પા. ૧૩). છતાં ‘આ પુસ્તકમાં જે જે સાહિત્યકારોનો સમાવેશ કર્યો છે તે સહુની કૃતિઓ એકથી વધુ વાર વાંચી છે.’ અને દેહપીડામુક્ત સમયખંડોમાં લખાણ ‘ટુકડે ટુકડે લખ્યું છે એટલે પુસ્તક રૂપે પ્રગટ કરતાં પહેલાં બધા જ લેખો ફરીફરી નિરાંતે વિગતે જોઈ ગયો છું. જરૂર પડી ત્યાં સુધારાવધારા કર્યા છે અને અપવાદ રૂપે કેટલોક ભાગ નવેસરથી લખ્યો છે.’ (પા. ૧૪). આવી માવજત, બીજાંનાં અને પોતાનાં લખાણોની આજે કેટલા વિવેચકો કરતા હશે?

પ્રસ્તાવના અને પુસ્તક વચ્ચેનો સંબંધ, અલબત્ત, અટપટો હોઈ શકે. એથી જ કોઈ પણ પુસ્તકની પ્રસ્તાવનામાં, અન્ય પ્રસ્તાવનાકારે કે એ પુસ્તકના લેખકે પોતે જે ભૂમિકા બાંધી આપી હોય એનો સંબંધ પુસ્તકના સમગ્ર લખાણ સાથે કેવો થયો છે, એ જોવાનું કામ અવલોકનકારે કરવું ઘટે. ઘણી વાર પ્રસ્તાવનાનો મુગટ પુસ્તકના મસ્તકના માપનો નથી હોતો. કે નથી હોતો એમાં ચર્ચાયેલી સામગ્રીના માપનો.

આ પુસ્તક વાંચતાં, ફરીફરી વાંચતાં, અને મધુસૂદનભાઈ સાથે આ ડાયસ્પોરિ સાહિત્યવિશ્વ યાત્રા કરતાં કરતાં ઘણી વાર મને વર્જિલ યાદ આવી ગયા છે, જેમ ‘ડિવાઈન કોમેડી’માં ઈશુ પૂર્વે થઈ ગયેલા એ લૅટિન ભાષાના કવિ ભૂલા પડેલા ‘નવકવિ દાન્તેને ત્રિલોકમાં ઈન્ફર્નો (પર્ગેટોરિયો અને પારાડીઝોમાં) ભોમિયા થઈને બધે ફેરવે છે, બધું બતાડે છે. એમ અમેરિકાવાસી ગુજરાતીઓની સાહિત્યસૃષ્ટિના ત્રણે લોકમાં આ નિર્ભિક અને ખંતીલા ‘વર્જિલ’ વાચકોને જોવા જેવું બધું બતાડે છે. આ વર્જિલ વગર અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરાના આટઆટલા વિવિધ પ્રદેશોથી, આટલા લેખકોની આટલી કૃતિઓથી પરિચિત થવું ભારત-સ્થિત વાચક માટે ભારે મુશ્કેલ બનત. ઈન્ફર્નોમાંથી પસાર થવું અને પારાડીઝો સુધી પહોંચવું, એ જેમ ધર્મ-અધ્યાત્મના જગતમાં તેમ કલાવિશ્વમાં પણ દુષ્કર કામ છે. દાન્તેને વર્જિલ લગભગ છેક સુધી કામ લાગેલો - સ્વર્ગના હાર્દ સમા ઈશ્વરના (અને સર્જકતાના અંતેવાસની સરહદ સુધી.) ઈન્ફર્નોનાં પણ અનેક વર્તુળો દાન્તેએ આલેખ્યાં છે. દરેકની પોતાની ચાર્મ પણ હોય. પ્રીતમ લખલાણી વિશેના લેખમાં એમની ‘અસંયમી ઉતાવળ’ અંગે કહે છે : ‘કાવ્યસંગ્રહો’ના પ્રકાશનમાં ઝટઝટ કવિ થઈ જવાની ઉતાવળ દેખાય છે. અને પછી ૧૯૯૫, ૯૮, ૯૯, ૨૦૦૨માં પ્રકાશનો કરવાની તાલાવેલીમાં ‘સૌથી વિચિત્ર તો એ છે કે અધઝાઝેરાં—હા ત્રીસથી વધુ કાવ્યો ડુપ્લિકેટ છે, આગળના કાવ્યસંગ્રહોમાં આવી ગયાં છે. આ, નવા કાવ્યસંગ્રહના વ્યામોહ વિના બીજું શું છે?’ (પા. ૧૩૯) એ જ લેખકના ‘સુગન્ધની પરબ’ નામના સ્મૃતિચિત્રોના પુસ્તક અંગે : ‘સુગન્ધની પરબ’માં લેખકે સુષ્ઠુસુષ્ઠુ મંગલમંગલ લાગણીવેડાની પરબ માંડી છે[…] આ છે તો સ્મૃતિચિત્રો છતાં વાસ્તવિકતાનો અભાવ આ કૃતિઓની વિલક્ષણતા છે.’ અને ગુજરાત-અમેરિકા વચ્ચેના ભ્રષ્ટ સાહિત્યિક સંબંધ અંગે મધુસૂદનભાઈ નોંધે છે : આ પુસ્તકની વળી એક વધુ વિલક્ષણતા! આમાં ચાર - એક નહીં ચાર - આવકારનાં વચનો અને અતિપ્રશંસાના ઉદ્ગારો છે. ડાયસ્પોરાના લેખકોમાં તો આ ચાલ જોવા મળે જ છે, પણ ભારતના સાહિત્યકારોને પણ આ રોગ લાગુ પડ્યો છે. (પા. ૧૪૦) આનંદરાવ લિંગાયતની કલમ વિશે એમણે જે નોંધ્યું છે, એ બીજા ઘણાને લાગુ પડતું હશે : ‘લેખકની ભાષાશુદ્ધિ બલકે અશુદ્ધિ વિશે શું કહેવું? અહીં જેટલાં અવતરણો આપ્યાં છે તે જોડણી, અનુસ્વાર અને ક્યારેક વ્યાકરણ સુધારીને આપ્યાં છે.’ ગુજરાતી ભાષા અંગે લિંગાયત ઊંઝા જોડણીના હિમાયતી લાગે છે. તેઓ લખે છે: ‘આ પુસ્તકમાં જોડણીની ભૂલો છે એવું ન માનવા વાચકોને નમ્ર વિનંતી છે. કમ્પ્યુટર યુગમાં હવે ગુજરાતમાં પણ હ્રસ્વ કે દીર્ઘ ‘ઈ.ઈ’નું મહત્ત્વ બહુ નથી રહ્યું.’ આ વિધાન ટાંક્યા પછી મધુસૂદનભાઈ આનંદરાવની ભાષાનાં બે ઉદાહરણ આપે છે. એ લખે છે: ‘જોડણીનો સ્વેચ્છાચાર કે અનાચાર તો જરૂર ખૂંચે. ક્યાંક ક્યાંક ભાષાશુદ્ધિના પ્રશ્નો પણ નડે. ‘ઊહાપોહ’ને બદલે ‘ઓહોપોહ’, અજયની ‘ઉછેરણી’ અજયની ‘જનેતર’ વગેરે દૃષ્ટાંતો પર્પાપ્ત થશે.’ આમાં લિંગાયત એકલા નથી. ‘જોડણી અને સવિશેષ તો અનુસ્વારોની અરાજકતા સર્વત્ર છે.’ એમ રાહુલ શુક્લના લખાણ અંગે પણ વિવેચકે નોંધ્યું છે. વળી ‘રાહુલ શુક્લ નવલિકાક્ષેત્રે એક આગવી સૃષ્ટિ લઈને આવે છે : ફિલ્મી દુનિયા. ફિલ્મી ગીતો અને રૂપાળી સ્ત્રીઓ.’ આ આગવાપણા વિશે મધુસૂદનભાઈ પ્રસ્તાવનામાં અને પુસ્તકમાં પણ ઘણી વાર જેમનો ઉલ્લેખ સબહુમાન કરે છે, તે આનંદવર્ધન-અભિનવગુપ્ત, કાલિદાસ રવીન્દ્રનાથ વગેરેની કલાદૃષ્ટિએ શું કહેવાનું છે, એ વાંચવાની અપેક્ષા હોય તો આ લેખ એ પૂરી નથી કરતો. આ આગવાપણું નવલિકા-કલા સાથે સંકળાય છે કે કેમ એની ચર્ચા કરવાને બદલે મધુસૂદનભાઈ બીજી જ ફરિયાદ કરે છે: ‘એક ભારી અને વિચિત્ર આશ્ચર્ય છે કે ફિલ્મી ગીતોના રસિયા લેખકે આત્મચરિત્રાત્મક કૃતિમાં પણ વહીદાએ સ્ક્રીન પર રજૂ કરેલા ગીતા દત્તના એક પણ ગીતને યાદ નથી કર્યું.’ પછી આ વિદૃગ્ધ વિવેચક ઉમેરે છેઃ ‘આજ સજન મોહે અંગ લગા દો’ (પ્યાસા), ‘વક્તને કિયા ક્યા હસીં સીતમ’ (કાગઝકે ફૂલ), ‘ચલે આઓ, ચલે આઓ’(સાહિબ, બીબી ઔર ગુલામ) - આમાંનું એક પણ ગીત યાદ ન આવ્યું? (પા. ૧૨૬) થોડાં પાનાં અને સમય બચાવીને મધુસૂદનભાઈએ મધુ રાય, આદિલ મન્સૂરી કે મનીષા જોશી વિશે એકાદ લેખ આ પુસ્તકમાં લખ્યો હોત તો?! પણ વર્જિલ કદાચ પારાડીઝોના હાર્દમાં પ્રવેશી શકતા નથી. શકુર સરવૈયા વિશેનો લેખ પણ તપાસવા જેવો છે. એની શરૂઆત આ રીતે થાય છે : ‘ગ્રામજીવનની ભોંયમાંથી ઊગેલા, ધરતીના ધાવણથી પોષાયેલા તળપદા શબ્દોની સર્જકતા શકુર સરવૈયાની કવિતાની લાક્ષણિકતા છે. કવિ વર્ષોથી અમેરિકામાં વસે છે. ભારતમાં પણ તેમનો જન્મ કે ઉછેર ગામડામાં નથી થયો. છતાં તળપદા શબ્દોની આ સરવાણી ક્યાંથી પ્રગટે છે તે કાવ્યસર્જનના વિસ્મયનો વિષય રહેશે.’ (પા. ૧૮૭) અછાન્દસ, ગીત અને ગઝલ આ ત્રણે પ્રકારનાં કાવ્યોમાં કવિ એકસરખી સફળતાથી વિહરે છે,’ એમ જણાવ્યા પછી, આ કૃતિનિષ્ઠ વિવેચક સત્વર એ કવિની કૃતિઓ પ્રસ્તુત કરી એની ચર્ચા કરે છે. પહેલી કૃતિ આ રીતે શરૂ થાય છે : ‘ઘાંયજાની દુકાને બાપુ કહુમ્બો ગટગટાવીને / મ્યાને હાથ દઈને બેઠા’તા. / એટલામાં બુંગ્યું વાગ્યું. / માણહની હડિયાપાટી થૈ ગૈ.’ વગેરે. કૃતિ રજૂ કર્યા પછી વિવેચક વાચકને પૂછે છે : આ કૃતિ રમેશ પારેખનાં આલા ખાચરનાં બાપુકાવ્યોની યાદ આપે છે ને?’ તે પછી શકુર સરવૈયાની ગઝલના બે શેર ટાંકી વિવેચક પૂછે છે : ‘આ કૃતિ પણ ૨. પા.ની ‘બાપુ ધગી ગયા’ની ગઝલની યાદ આપે છે ને? તે પછી હાય હાય સવાઈલાલ / હાય હાય સવાઈલાલ’થી શરૂ થતી છાજિયાં કૃતિને ટાંકી વિવેચક પૂછે છે : ‘આ છાજિયાં’ ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ રાવજીએ ગાયેલાં છાજિયાંની યાદ અપાવે છે ને?’ પછી મધુસૂદનભાઈ પ્રશ્નાર્થ છોડી પૂર્ણવિરામવાળું વિધાન કરે છે : ‘જે કવિ રમેશ પારેખ અને રાવજી પટેલ જેવા સમર્થ કવિઓની યાદ અપાવે છે તેની સર્જકતા નિર્વિવાદપણે ઊંચી કક્ષાની હોય જ.’ (પા. ૧૮૭-૮૮) મધુસૂદનભાઈ માટે, વિવેચન પરત્વે, અહીં જાણે કે ‘કેચ ટ્વેંટી ટૂ’ની સ્થિતિ સરજાઈ છે : જો એ ગંભીરપણે આ વિધાન કરતા હોય, તો એ પ્રસ્તાવનામાં નોંધેલાં કાવ્યપરીક્ષણનાં (આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ, કુંતક જેવાઓએ પ્રબોધેલાં) ધોરણોને સુસંગત નથી જણાતું; અને જો આ વિધાન અગંભીરપણે કે ‘ઉપહસનીયમ્ સ્યાત્’ એ મમ્મટ-વચનનું અભિવ્યંજન કરવા માટે કરાવ્યું હોય, તો એ ‘સ્પષ્ટ… વાણીમાં નથી લખાયું. શકુર સરવૈયા પરનો આખો લેખ ઝીણવટથી વાંચતાં વિવેચક અગંભીર બનીને કવિનો ઉપહાસ કરતા હોય એમ દેખાતું નથી. (એમ હોત તો ‘સર્જકતાનો સ્ફુલ્લિંગ ન હોય તેમનો સમાવેશ આમાં ન કરવો’ એ ધોરણે આ કવિ વિશે એમણે મૌન સેવ્યું હોત. ‘હું મરી જઈશ તો શું સૂરજ નહીં ઊગે?’ એવી આ કવિની પંક્તિ ટાંક્યા પછી વિવેચક સ્પષ્ટ વાણીમાં કહે છે : ‘સહેજે સુરેશ જોશીનું ‘કવિનું વસિયતનામું યાદ આવે.’ પણ અગાઉથી અલગ રીતે ઉમેરે છે : ‘પણ તેથી કવિની અને આ કાવ્યની મર્યાદા વધારે પ્રગટ થાય.’ (પા. ૧૯૯) તો પછી, ‘જે કવિ રમેશ પારેખ અને રાવજી પટેલ જેવા સમર્થ કવિઓની યાદ અપાવે તેની સર્જકતા નિર્વિવાદપણે ઊંચી કક્ષાની હોય જ’, (પા. ૧૮૮) એ વિધાન ટકે ખરું? ‘સ્મૃતિમાં ચિરકાળ વસી જાય એવી મધુર પંક્તિઓ’ (પા. ૧૮૮), ‘ઘરઝુરાપાનું ઉત્તમ કાવ્ય’ (પા. ૧૮૯), ‘માર્મિકતા વેધક છે (પા. ૧૮૯) ‘મર્મભેદી વ્યથાનો સંઘર્ષ’ (પા. ૧૮૯) ‘શો એનો ઉપાડ છે’, ‘પંક્તિઓ અનવદ્ય છે’ (પૃ. ૧૯૧) – જેવાં વિધાનો આવતાં જાય છે ત્યારે થાય છે કે અમારા પ્રોફેસર સાહેબ હવે ગ્રેસના માર્ક્સ છૂટથી માપે છે — થર્ડ ક્લાસનો સેકંડ થતો હોય તો. હાસ્યકાર હરનીશ જાની આ વાત સરસ રીતે પામી ગયા હતા અને ન્યુ જર્સીમાં એક પરિસંવાદાત્મક કાર્યક્રમમાં પુસ્તકમાં એમના વિશે જે પ્રશંસાત્મક વિધાનો છે એ અંગેના પોતાના પ્રતિભાવમાં એમણે ગ્રેસના આવા ગુણાંક લેવાની વિનોદભેર ના પાડી હતી. એમને વિશેના લેખનો આરંભ આ રીતે થાય છે : ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસના ક્ષેત્રે જ્યોતીન્દ્ર દવેથી બકુલ ત્રિપાઠી કે વિનોદ ભટ્ટ સુધી સહુએ હાસ્યરસના નિબંધો કે લેખો લખ્યા છે. હરનીશ જાની પહેલી જ વાર હાસ્યરસની નવલિકાઓનો સંગ્રહ ‘સુધન’ લઈને આવે છે. સ્વરૂપની દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં હરનીશનું આ મૂલ્યવાન અર્પણ છે. (પૃ. ૪૮). ઓબામાએ જેમ નોબેલ પ્રાઈઝ દાનમાં આપી દીધું તેમ હરનીશભાઈએ આ વિધાન હાસ્યરસને, એ પ્રસંગે, દાનમાં દઈ દીધું. એમાં ઔચિત્ય હતું. મલયાનિલની ‘ગોવાલણી’થી, ક. મા. મુનશીના ગૌરવવંતા ‘ગોમતીદાદા’ અને રા. વિ. પાઠકની ‘જક્ષણી’ સુધી, અને તે પછી મધુ રાયની ‘હરિયો’ અને ઘનશ્યામ દેસાઈના વંશવેલાવાળા ‘ગોકુળજી’ સુધી જે રસ છે એને બીજું કોઈ નામ આપીએ તો ‘હરનીશભાઈ પહેલી જ વાર હાસ્યરસની નવલિકાઓ ‘ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં મૂલ્યવાન અર્પણ’ રૂપે લઈ આવ્યા છે, એમ કહી શકાય. અલબત્ત, માત્ર હાસ્યરસની ‘નવલિકાઓનો સંગ્રહ’ એમણે પહેલી જ વાર કર્યો, એ એમનું ‘ઈતિહાસમાં મૂલ્યવાન અર્પણ’ છે, એમ સાહેબનું કહેવું લાગે છે. હિઝ ગ્રેસ ઇઝ લિમિટલેસ. ઘનશ્યાન ઠક્કર વિશેનો લેખ આ રીતે શરૂ થાય છે : ‘ઘનશ્યાન ઠક્કર એક સમર્થ કવિ છે. સાચા કવિને શોભે તેવો એની પાસે આગવો અવાજ છે. કવિ-માત્ર અને તેમની કવિતા-માત્ર પાસે એક અપેક્ષા હોય કે એ અ-પૂર્વ હોય, અ-જોડ હોય, અને એ સહજ અપેક્ષાને ઘનશ્યામની કવિતા પૂરેપૂરી સંતોષે છે. (પા. ૩૨૧) ઉમાશંકર જોશી કહેતા કે દિલ્લી-કલકત્તામાં કોઈ ગુજરાતી કવિ વિશે બોલવાનું હોય તો પહેલી મિનિટે એમ ન કહેવું કે આ અમારા ઉત્તમ સમર્થ કવિ છે. તમારા વક્તવ્યમાં એમની કૃતિઓની એ રીતે વાત કરો કે સાંભળનારાને આપમેળે સમજાઈ જાય. ને તો પછી તમારે એ ભાષણની છેલ્લી મિનિટે પણ કહેવું નહીં પડે કે ફલાણા ગુજરાતીના જ નહીં, ભારતીય કવિતાના એક સમર્થ, ઉત્તમ કવિ છે. મધુસૂદનભાઈ આરંભના વિધાન પછી ઘનશ્યામ ઠક્કરની કવિતા વિશે નિરંજન ભગત શું માને છે, એ વાચકને જણાવે છે અને ઉમાશંકર જોશીએ અને લાભશંકર ઠાકરે એ કવિના કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓ લખી છે, એ પણ જણાવે છે. અને ઉમેરે છે: ‘ઉમાશંકર અને લાભશંકર ઠાકર જેવાની પ્રસ્તાવનાનું ગૌરવ જેમને મળ્યું હોય [તે] તેમની કવિતામાં સત્ત્વશીલતા હોય તો જ ને? (પા. ૨૩૨) અહીં પ્રશ્ન એ નથી કે નિરંજન, ઉમાશંકર અને લાભશંકર ‘સંકીર્તન’ કરે છે કે કેમ? ન જ કરે. પ્રશ્ન એ છે કે મધુસૂદનભાઈની પોતાની સાહિત્યમીમાંસામાં ‘પ્રસ્તાવનાનું ગૌરવ’ આવા અન્વીક્ષણ-દોષ-યુક્ત મહત્ત્વનું સ્થાન પામી શકે? કર્તા વિશે કહ્યા પછી કૃતિ ઉપર આવતાં વિવેચક કહે છે : પ્રત્યેક કાવ્યસંગ્રહમાંથી એક પંક્તિ, માત્ર એક જ પંક્તિ, કવિના સામર્થ્યની પ્રતીતિ કરાવવા માટે પર્યાપ્ત છે. (મને ચાંપો વાણિયો યાદ આવી ગયો.) વિવેચક હવે પ્રતીતિ તરફ વાચકને આગળ કરે છે : ભૂરી શાહીના કૂવાકાંઠેમાંથી એક પંક્તિ : તું આવી જ્યમ એક ફૂલ ફાગણવા આખી વસંત આવી. આ પંક્તિ વાંચી, નિરંજન ભગત, ઉમાશંકર જોશી અને લાભશંકર ઠાકર વિશેના આડવિચારે મારું મન જરા ચઢી ગયું. પણ મધુસૂદનભાઈએ આ આસ્વાદ આપી મને પાછો ઠેકાણે આણ્યો : આખી વસંતનું પત્ની રૂપે આગમન થાય છે, લગ્નજીવનના આરંભે પતિ રૂપી ફૂલને [ગુજરાતી શબ્દ છે] પૂર્ણપણે પ્રફુલ્લાવવા માટે. પત્નીનું આવું ગૌરવ બીજા કોઈ કવિએ કર્યું છે ખરું? (પા. ૨૩૨) મને થયું, એ વાત તો કદાચ ખરી છે. વળી ઉમાશંકરની પ્રસ્તાવના પણ છે. પણ એથી કવિતા બને ખરી? હવે બીજો કાવ્યસંગ્રહ, લાભશંકરવાળો, ‘અને આ કમનીય પંક્તિ પછી સાવ સામા છેડે બેસતી છતાં એવી જ કવિત્વપૂર્ણ પંક્તિ ‘જામ્બુડી ક્ષણના પ્રશ્નપાદરે’માંથી જુઓ.

‘શિશ્નના ડૂમા છૂટે’

ઉમાશંકરે જેની પ્રસ્તાવના લખી આપેલી એ પ્રફુલ્લ દામ્પત્યસૃષ્ટિની વાસંતી સૌરભ હું હજી માણતો હતો એટલે આ કવિત્વપૂર્ણ પંક્તિ આગળ જરા થંભી ગયો. વિવેચક જાણે આ કળી ગયા હોય એમ લખે છે: જો તમે prudish ન હો ને સેક્સથી સુગાતા ન હો તો જોઈ શકશો કે માત્ર ત્રણ જ શબ્દોમાં બધા જ sexual inhibitionsનો જાતીયતાના બધા જ નિષેધનો કવિ છેદ ઉડાડે છે. (પા. ૨૩૨) - ઉડાડતા હશે, અમે સુગાતા નથી. પણ વાચક તરીકે અમારી અપેક્ષા એ હતી કે જાતીયતાના બધા જ નિષેધોનો લાઘવપૂર્વક છેદ ઉડાડતી બીજી બધી જ પંક્તિઓ (જે અહીં ટાંકી શકતો નથી, તે)ની વચ્ચે એમનાથી અલગ રીતે આ પંક્તિ ‘કવિત્વપૂર્ણ’ કઈ રીતે બને છે. નિરંજનભાઈ, ઉમાશંકરભાઈ અને લાભશંકરભાઈ, તેમ જ મધુસૂદનભાઈ કહેતા હોય તો હશે જ, પણ કઈ રીતે એ આ પુસ્તક મને જણાવશે, એમ મને હતું. પણ વિવેચક તો એ લેખનો વિભાગ ત્યાં જ પૂરો કરી, ‘રૂઢ-અરૂઢ ગઝલગીત’ એ વિભાગમાં આરંભે લખે છે : ‘આ કવિએ થોડાં સુંદર ગીતો અને થોડી ઉત્તમ ગઝલો પણ આપ્યાં છે. (પા. ૨૩૨) એ નમૂનો : ‘આ મજહબોથી લોહિયાળ બાણશય્યા પર / સૂતેલ ઓ ખુદા! કરે ઉપાસના કોની?’ ‘આ એક જ શેર ખુદ ઈશ્વરને પણ આરપાર વીંધી નાખે એવો બળવાન છે’, એમ વિવેચક કહે છે. એ તો ખુદા જાણે. ઘનશ્યામ ઠક્કરની કવિતા વિશે કોઈ અવલોકન કરવાનો મારો અહીં આશય. નથી, એ સ્પષ્ટ કરું, મારો મુદ્દો મધુસૂદનભાઈની આ કવિ અંગે વિવેચન કરવાની રીત વિશે છે. પન્ના નાયક વિશેના લેખમાં મધુસૂદનભાઈએ પન્નાબહેનની અનેક કૃતિઓનો જે આસ્વાદ કરાવ્યો છે, એ ‘અનુપમ’ છે, સાચે જ. એમનાં અનેક કાવ્યો કેવો નવો જ વળાંક લઈને આવે છે. અને ‘અપાર વિસ્મયનો અનુભવ કરાવે છે’ (પા. ૧૨), એની પ્રતીતિ એ લેખ વાંચતાં થાય છે. ‘એકરારની આવી કવિતા ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ અને અદ્વિતીય છે, એની પ્રતીતિ પણ એ લેખ કરાવે છે. આ મર્મિલો લેખ વાંચ્યા પછી જોકે એક સવાલ થયા કર્યો છે કે કવિ વ્યક્તિના અંગત જીવનની ભોંયમાં જેનાં મૂળ છે, એવું કાવ્ય-વૃક્ષ હોય ત્યારે પણ, કાવ્યમાત્રમાં સાધારણીકરણ તો થાય જ ને? મૂળ ભલે અંગત ભૂમિમાં હોય, વૃક્ષની પર્ણઘટા, એનાં પુષ્પ-ફળ તો એક સહિયારા આકાશમાં હોય. ‘સર્જકતાથી ભર્યાભર્યા’ નાટ્યકાર અને નવલિકાકાર આર. પી. શાહ વિશેનો લેખ પણ પ્રતીતિજનક અને ઉષ્માભર્યો બન્યો છે. મનગમતા સર્જક વધારે લખે, લખેલું છપાવે, અને અમે વાંચીએ – એવી ઉઘરાણી કરતા વિવેચક આજે કેટલા? મધુસૂદન કાપડિયા રસજ્ઞ જ નહીં, રસતરસ્યા વિવેચક છે, એ અમેરિકામાં વસતા ગુજરાતી લેખકો માટે એક મિરાત છે. અમેરિકામાં એક ગુજરાતી લેખક રૂપે વસવું એટલે શું, એ અંગે મધુસૂદનભઆઈની જે સમજણ છે, એ અમેરિકાના આવતી કાલના ગુજરાતી લેખકો માટે મોંઘો વારસો છે. સુચિ વ્યાસ ફિલાડેલ્ફિયામાં રહી અમેરિકાના વિવિધ સમાજોના ડ્રગ વ્યસનીઓને સમાજમાં ફરી સ્થાપિત કરવાના વ્યવસાયમાં છે.’ (પા. ૨૮૧) અને એ અનુભવમાંથી એમની કેટલીક કૃતિઓ નીપજી આવી છે, એ મધુસૂદનભાઈની નજરે ચઢે છે. પણ એ કૃતિઓની સર્જકતા ક્યાં છે, એ આ સાહિત્ય-મર્મજ્ઞ વિવેચક આબાદ પારખે છે : ‘એમની [સુચિ વ્યાસની] પાસે નિરીક્ષણશક્તિ અને સંવેદનશીલતા છે પણ સૌથી વિશેષ એમને તળપદ ભાષા અને સ્ફૂર્તિલી શૈલીનું વરદાન મળ્યું છે તેથી આ ચરિત્ર આસ્વાદ્ય બન્યા છે.’ (પા. ૨૮૧)

ભારતથી અમેરિકા આવીને વસેલી વસ્તીની પહેલી પેઢીનો આ આખો લેખન-ખેલ છે. બીજી પેઢી ગુજરાતી સાહિત્ય-લેખનના આ દૃશ્યમાં અદૃશ્ય છે. છતાં જે એકમાત્ર પેઢીની વાત માંડી છે એમાં મધુસૂદનભાઈએ એક પાળ બાંધી છે; જે લેખકોમાં ‘સર્જકતાનો સ્ફુલ્લિંગ ન હોય તેમનો સમાવેશ [આ પુસ્તકમાં] ન કરવો’ એમ કહ્યા પછી એ ઉમેરે છે: ‘એક બીજા પ્રકારના લેખકોનો સમાવેશ પણ નથી કર્યો. જેમ કે ભારતથી અહીં અમેરિકા આવીને વસેલા પ્રતિષ્ઠિત સાહિત્યકારોનો દૃષ્ટાંત તરીકે આદિલ મન્સૂરી કે મધુ રાય.’ (પા. ૭) (હરિ હરિ — એવું આપણે કોની સાથે કહીશું - જે બે રીતે મધુસૂદન છે એમની સાથે કે જે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી’ ત્યાં સદા જીવંત છે મધુ સાથે?!) મધુસૂદનભાઈની બે ભૂમિકાઓ વચ્ચે આ સ્થળે ટકરામણ થાય છે : અમેરિકામાં વસતા ગુજરાતી સાહિત્યકારો અંગે કઈ રીતે લખવું છે? ‘કૃતિને જ નજર સમક્ષ રાખી છે, એના કર્તાને નહીં’ (પ્રસ્તાવના પા. ૮) એ રીતે; કે ‘ભારતથી અહીં અમેરિકા આવીને વસેલા પ્રતિષ્ઠિત સાહિત્યકારોનો’ સમાવેશ ન કરવો, એ રીતે? વાત વધારે સ્પષ્ટ એક ત્રીજા મુદ્દા પર થાય છે : ડાયસ્પોરિક અનુભવને વ્યક્ત કરતી સાહિત્યકૃતિઓ માટેના મધુસૂદનભાઈના યોગ્ય આગ્રહના મુદ્દા પર. આદિલની કેટલીક કવિતા અને મધુ રાયનું કેટલુંક ગદ્ય ડાયસ્પોરિક અનુભવને જે કલાત્મક, વેધક અને અનુભવપરક રીતે વ્યક્ત કરે છે, એ જોતાં એમણે પોતાના ભારતવાસ દરમિયાન ઉત્તમ સાહિત્ય રચ્યું હતું. એ એમના ગુનાને માફ કરીવે દેવો ઘટે! કે પછી જેમ બાબુ સુથાર માટે, એમની કૃતિઓ મધુસૂદનભાઈની પહોંચની બહાર હતી છતાં એમને આ પુસ્તકમાં સમાવવા જેવી લાગી અને શિરીષ પંચાલ પાસે એક લેખ મેળવી છાપ્યો, એમ મનીષા, મધુ અને આદિલની કૃતિઓ વિશે પણ કરી શકાત. કોઈ ને કોઈ શિરીષ સહાયમાં આગળ આવત. વિર્જિલ જ્યાં અટકે ત્યાં બિએટ્રીસનું કામ શરૂ થાય. મનસુખલાલીય મર્યાદાઓને ઓળંગીને મધુસૂદનભાઈના બિએટ્રીસ-લેખકનું પુસ્તક હવે લખાય એ શુભેચ્છા.

આવી મર્યાદાઓની ચર્ચાથી આ ગ્રંથનું ઐતિહાસિક તેમ જ વિવેચન-કૃતિ લેખેનું મહત્ત્વ રખે ઓછું અંકાય. ડાયસ્પોરાં અંગેની સૈદ્ધાંતિક ચર્ચાથી શરૂ કરી અનેક સ્મરણીય નાટકો, કાવ્યો, નવલિકાઓ, નિબંધો, પ્રવાસવર્ણનો સટીક અને અનેક ઉદાહરણોથી સમૃદ્ધ એવા આસ્વાદ સુધી, આ પુસ્તકની રસસૃષ્ટિ વિસ્તીર્ણ છે. અમેરિકાવાસી ગુજરાતી લેખકોએ તો આ પુસ્તકનું નિયમિત સેવન, ઔષધી રૂપે તેમજ આસ્વાદ્ય પેય રૂપે કરવા જેવું છે. અમેરિકા-પ્રવાસના રસિયા ગુજરાતી લેખકોએ પણ મધુસૂદનભાઈએ પાઘડી સંભાળવાની જે સલાહ સૂચવે છે, એ સંભાળવા જેવી છે. આ બધી ચોકડીઓની બહાર જે અદનો વાચક છે, એને માટે તો આ પુસ્તક અનેક કદાચ અજાણ્યા, ઓછા જાણીતા ડાયસ્પોરિક લેખકો સાથેના સહૃદય સંબંધના શુભારંભ સમું છે.