ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/વૈદ્ય. અમૃતલાલ સુંદરજી પઢિયાર

Revision as of 02:26, 2 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સ્વ. વૈદ્ય અમૃતલાલ સુંદરજી પઢીયાર

“સ્વર્ગ” નાં પુસ્તકોના જાણીતા લેખક સ્વ. વૈદ્ય અમૃતલાલ સુંદરજી પઢીયારનું નામ મહાગુજરાતમાં જાણીતું છે. તેમનો જન્મ કાઠીઆવાડમાં જુનાગઢ સ્ટેટના ગામ ચોરવાડમાં સં. ૧૯૨૬ ના ચિત્ર સુદી ૨ ને દિવસે ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાશ્રી સુંદરજી પ્રભુજી પઢીયાર જુનાગઢ સ્ટેટમાં ઉંચા હોદ્દા ઉપર હતા; પણ બહોળા કુટુંબને લઈ તથા નોકરીને અંગે પોતાને બહારગામ રહેવું પડતું હોવાથી તેઓ સ્વ. પઢીયારજીની કેળવણી ઉપર પુરતું ધ્યાન આપી શક્યા નહોતા; તોપણ ગુજરાતી પાંચ છ ચોપડીનો અભ્યાસ કર્યા પછી સ્વપ્રયત્નથી સ્વ. પઢીયારજી આગળ વધ્યા હતા. તેમને છાપાં અને પુસ્તકો વાંચવાનો નાનપણથી જબરો શોખ હતો; અને ગુજરાતી અભ્યાસ પૂરો કર્યા પછી પોતાના નવરાશના વખતમાં ચોરવાડની સ્કૂલ લાયબ્રેરીનાં બધાં પુસ્તકો તેઓ વાંચી ગયા હતા. આથી નાનપણમાંથી જ તેમની બુદ્ધિ અને વિચારોમાં ભારે પરિવર્તન થયું હતું. તેઓ ઈંગ્રેજી ભાષાથી અનભિજ્ઞ હતા. ફક્ત ગુજરાતી અને હિંદી ભાષા જાણવા છતાં તેમનાં લખાણો અને વિચારો એવા હતા કે વાચનાર તથા તેમના પરિચયમાં આવનાર દિગ્મૂઢ બની જતા કે પઢીયારજીએ ઈંગ્રેજીમાં ઉંચી કેળવણી નહિ લીધી હોવા છતાં આટલા સુંદર વિચારો તેઓ ક્યાંથી બતાવે છે! પોતાના જ્ઞાનનો વધારો કરવા ખાતર તેમણે લગભગ આખા હિંદુસ્થાનની તથા બર્માની મુસાફરી કરી હતી. મુસાફરી કરવાનો અને નવું નવું જોવા-જાણવાનો તેમને જબરો શોખ હતો.

સ્વ. પઢીયારજીનાં માતા કસ્તુરબાઈ તેમના બચપણમાં ગુજરી જવાથી તેઓ પોતાનાં ફઈબાની હુંફમાં મોટા થયા હતા. આ વખતે સ્વ. પઢીયારજીનાં ફઈબા મુંબઈ રહેતાં હતાં તેથી પોતાની ૧૭-૧૮ વર્ષની નાની ઉમરમાં તેઓ મુંબઈ ગયા હતા; ત્યાં મૂળજી જેઠા કાપડ મારકીટમાં નોકરીએ રહ્યા હતા પણ તે નોકરી તેમને પસંદ ન પડવાથી તથા મુંબઈનાં હવાપાણી માફક ન આવવાથી તેઓ વરસેક દિવસમાં પાછા દેશમાં આવ્યા હતા. અહિં તેમણે અવકાશના વખતે “આર્ય વિધવા ” નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક લખાયા પછી તેને પ્રસિદ્ધ કરવા માટે સ્વ. પઢીયારજીને ચિંતા પેઠી. પોતાની સ્થિતિ એવી નહોતી કે પોતે તે પુસ્તકને છપાવી શકે તેમ જુના વિચારના સનાતનીઓ ઉપર ટીકા કરતું તથા વિધવાઓની કરૂણ સ્થિતિનું ચિતાર આપતું આ પુસ્તક કોઈ સાચા સમાજ સુધારક સિવાય છપાવી શકે તેવું પણ નહોતું તેથી તેમણે ફરી પાછા મુંબઈ જવાનો વિચાર કર્યો અને તે વખતના સાચા સમાજસુધા૨ક તથા દેશસેવક સ્વ. શેઠ લખમીદાસ ખીમજીને તેઓ મળ્યા. તેમણે એ પુસ્તક છપાવી આપવા હા પાડી તેથી સં. ૧૯૪૭માં સ્વ. પઢીયારજીનું આ પ્રથમ પુસ્તક છપાયું. આ પુસ્તક તે વખતે એટલું બધું વખણાયું કે તે વખતના એક પારસી છાપાના અધિપતિએ તેને માટે ટીકા કરી હતી કે, “આ પુસ્તકના લેખક રા. અમૃતલાલ પઢીયાર એક ઉગતા જુવાન લેખક છે અને તે આટલું ઠરેલ બુદ્ધિથી લખી શકે નહિ; તેથી તેમણે ક્યાંઈથી ચોરીને આ લખાણ લખેલું હોવું જોઈએ, છતાં તેમણે પોતે આ પુસ્તક લખ્યું હોય તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ આ લેખક ભવિષ્યમાં પોતાની કલમ ચલાવ્યે રાખશે તો પોતાનું નામ અમર કરશે. ખરેખર એમ જ બન્યું. આજે સ્વ. પઢીયારજીનું નામ સ્વર્ગનાં પુસ્તકોના ચુનંદા લેખક તરીકે મહાગુજરાતમાં જાણીતું છે. આ છાપાના અધિપતિને સ્વ. પઢિયારજી મળ્યા હતા; અને તેને ખાત્રી કરી આપી હતી કે આ પુસ્તક મેં ચોરીથી ક્યાંઈથી મેળવ્યું નથી; પણ મારા સ્વપ્રયત્નથી લખ્યું છે. આ પછી શેઠ લખમીદાસ ખીમજીએ તેમને પોતાને ત્યાં નોકરીએ રાખી લીધા હતા; ત્યાં તેમને ઘરના પરચૂરણ કામકાજ ઉપરાંત શેઠની પાસે છાપાં તથા પુસ્તકો વાચવાં એ કામ પણ હતું. આથી તેમને ફુરસદનો વખત બહુ કમ મળતો છતાં પોતાના નવરાશના વખતે કંઈને કંઈ તેઓ લખ્યા કરતા. કેટલીક વખતે રાત્રે લખતા, કેટલીક વખત મરીન લાઈનના સ્ટેશન પાસેના દરિયા કિનારે જઈ લખતા અને એમ કરી તેમણે “અમૃત વચનો” તથા " સંસારમાં સ્વર્ગ ” નાં પુસ્તકો લખ્યાં. "અમૃત વચનો” ભાવનગરના એક બુકસેલરે સં. ૧૯૫૬ માં છપાવ્યું અને “સંસારમાં સ્વર્ગ”નું પુસ્તક સ્વ. શેઠ દામોદરદાસ લક્ષ્મીદાસ ખીમજીની મદદથી સં. ૧૯૫૮ માં સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ સંસારમાં સ્વર્ગનું પુસ્તક લોકોમાં એટલું બધું વખણાયું હતું કે તેની ત્રણચાર વર્ષમાં બીજી આવૃત્તિ કાઢવી પડી હતી. આ અરસામાં મુંબઈમાં નરનારાયણના મંદિરમાં સ્વ. જાદવજી મહારાજે એક સત્સંગ મંડળી કાઢી હતી. તેમાં દરરોજ સવારસાંજ સ્વ. પઢીયારજી જવા લાગ્યા હતા. સ્વ. જાદવજી મહારાજની ઓળખાણ પાછળથી તેમના બેઉ વચ્ચે ગાઢ મિત્રાઇમાં પરિણમી હતી. આ મંડળીના ઉપયોગ માટે સ્વ. જાદવજી મહારાજની પ્રેરણાથી સ્વ. પઢીયારજીએ સંસારમાં સ્વર્ગના પુસ્તક પછી સ્વર્ગની કુંચી, સ્વર્ગનું વિમાન, સ્વર્ગનો ખજાનો, સ્વર્ગની સીડી, સ્વર્ગની સડક, સ્વર્ગનાં રત્નો, સ્વર્ગનો આનંદ વિગેરે ધાર્મિક પુસ્તકો લખ્યાં હતાં; અને તે પણ લોકોમાં બહુ માન પામ્યાં હતાં. આજે પણ એ પુસ્તકો નરનારાયણની સત્સંગ મંડળીમાં અને મુંબઈ તથા ગુજરાત-કાઠીઆવાડની બીજી સત્સંગ મંડળીઓ, ભજન મંડળીઓ તથા ધાર્મિક મેળાવડાઓ અને જીજ્ઞાસુઓમાં ખુબ હોંશથી વંચાય છે. આ પછી સ્વ. પઢિયારજીએ સાહિત્યસેવા તથા દેશસેવા અર્થે શેઠ લખમીદાસ ખીમજીની નોકરી છોડી દઈ જુની હનુમાન ગલીના એક માળામાં તેઓ પોતાની સ્વતંત્ર એારડી રાખી રહેવા લાગ્યા હતા; અને પોતાને જે કંઈ થોડુંઘણું પોતાનાં પુસ્તકોમાંથી મળે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઉપર લખેલાં પુસ્તક ઉપરાંત સ્વ. પઢીયારજીએ સાચું સ્વર્ગ, સ્વર્ગની જીંદગી, સ્વર્ગનું અમૃત વિગેરે દેશ સેવાનાં પુસ્તકો તથા સ્ત્રીઓનું સ્વર્ગ અને સ્વર્ગની સુંદરીઓ વિગેરે સ્ત્રીઉપયોગી પુસ્તકો અને બાળકેને માટે બાળકોની વાતો તથા નશીબ ફેરવવાની કુંચી અને નવા યુગની વાતો વિગેરે પુસ્તકો પણ લખ્યાં છે. એમનાં ઘણાંખરાં પુસ્તકોનાં હિંદી તથા મરાઠીમાં ભાષાંતર થયાં છે. આટલી બધી એમનાં પુસ્તકોની લોકપ્રિયતા છે. સ્વ. પઢીયારજી પોતે સ્વતંત્ર થયા પછી તેમણે પુસ્તકો ઉપરાંત છાપાંઓ અને માસિકોમાં જુદા જુદા વિષયો ઉપર ઉત્તમ લેખો લખવાના શરૂ કર્યા હતા અને તે લેખો લોકોમાં હોંશથી વંચાતા હતા; અને તેની અસર વાચનારાઓ ઉપર અજબ થતી હતી. આ બધા લેખોનો સંગ્રહ કરી કોઈ છપાવે તો તે પુસ્તક ભાગવત જેવડું મોટું થાય. આટલો તેમનો નાના નાના લેખોનો સંગ્રહ છે. આ સિવાય વક્તા તરીકે પણ તેમની પ્રસિદ્ધિ બહુ સારી હતી. એક સાથે બબ્બે કલાક સુધી તેઓ વ્યાખ્યાન આપી શકતા હતા. ધાર્મિક અને સામાજીક સુધારાઓની હિમાયત કરતાં અને સડાએાને નાબુદ કરતાં તેમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે લોકોનાં ટોળે ટોળાં ઉભરાતાં હતાં; આથી બહારગામથી વ્યાખ્યાનો માટે તેમને પુષ્કળ આમંત્રણો મળતાં અને પોતાથી પહોંચાય ત્યાં તેઓ જતા પણ હતા. સન ૧૯૧૭ ની ગોધરા પરિષદ્ વખતે પૂ. ગાંધીજી અને શ્રી. અમૃતલાલ ઠક્કર સાથે તેઓ ગોધરાની ઢેડવાડાની સભામાં ગયા હતા; અને તેમણે “અત્યંજો” વિષે મનનીય વિચારા ભાષણ દ્વારા વ્યક્ત કર્યા હતા. શ્રી અમૃતલાલ ઠક્કરે તેમની પાસે અત્યંજ સંબંધે કોઈ પુસ્તકની માગણી કરતાં તેમણે “અત્યંજ સ્તોત્ર” નું પુસ્તક લખી આપી શ્રી અમૃતલાલ ઠક્કરબાપાને સોંપ્યું હતું અને તે તેમણે છપાવી હજારો નકલો મફત વહેંચી હતી. ચોરવાડમાં પોતે રહેતા ત્યારે પણ ઘણીવાર ઢેડવાડાની મુલાકાત લઈને લોકોને સદુપદેશ આપતા હતા. મુંબઈના ખર્ચના પ્રમાણમાં આવક નહિ હોવાથી સં. ૧૯૬૩-૬૪ થી તેમણે મુંબઈનું રહેઠાણ કાઢી નાંખી પોતાને વતન ચોરવાડમાં કાયમ રહેવાનું રાખ્યું હતું. તેમનાં પુસ્તકોની વેચાણ વ્યવસ્થા વિગેરેનું કામ સસ્તુસાહિત્ય વર્ધક કાર્યાલયના સંચાલક સ્વામી શ્રી અખંડાનંદજીએ સંભાળી લીધું હતું તેથી તે ઉપાધિમાંથી તેઓ નિવૃત્ત થયા હતા; એટલે છુટથી તેએા લખી શકતા તથા બહારગામ પણ જઈ શકતા. ચોરવાડમાં સ્થાયી રહ્યા પછી તેમણે ચોરવાડ ગામની ઉન્નતિ માટે પણ ઘણું કર્યું છે. પ્રથમ તો “ચોરવાડ મિત્રમંડળ લાયબ્રેરી” નામની સ્થાયી લાયબ્રેરી સ્થાપી. આ સિવાય વ્યાયામ શાળા સ્થાપી; અને ગામમાં ઇંગ્રેજી સ્કૂલ નહોતી તે લોકેને પ્રેરણા કરી ઈંગ્રેજી નિશાળ સ્થાપન કરાવી. આ સિવાય સ્ત્રીઉદ્યોગશાળા, રાત્રીશાળા, સત્સંગ મંડળી, પોસ્ટ ઓફીસ વિગેરે ઘણી સંસ્થાઓ કાઢી તથા બહારગામથી વિદ્વાનોને બોલાવી ભાષણો અપાવતા. આવી રીતે તેમણે ગામમાં ખુબ ચેતન આણ્યું તથા ઘણા નવયુવકોને તૈયાર કર્યા કે જે આજે જુદી જુદી દિશાએામાં હોવા છતાં ચોરવાડ તથા સ્વ. પઢીયારજીને ભુલ્યા નથી પણ તેમના નામને દીપાવે તેવું કાર્ય કરી રહ્યા છે. સ્વ. પઢીયારજીને નાનપણથી વૈદ્યકનો તથા જંગલોમાં ફરવા-હરવાનો શોખ હતો; તેથી તેમણે સ્વપ્રયત્નથી વૈદક વિષે ૫ણ સારો અભ્યાસ કર્યો હતો. પોતે વૈદ્યકનો ધંધો ન કરતા પણ થોડી થોડી દવાઓ તૈયાર રાખી તેમની પાસે જે દવા લેવા જાય તેમને મફત દવા આપતા તથા બિમાર માણસને ઘેર જાતે જઈ દવા આપતા. વૈદ્યક વિષે પણ તેમણે એક પુસ્તક પોતાના અનુભવનું લખ્યું હતું અને તે માટે સામગ્રી તથા ટાંચણો પણ ભેગાં કર્યાં હતાં પણ તે લખાય તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. જુનાગઢની ગિરનારા વિદ્યાર્થી બોર્ડિંગમાં પણ તેમનો ઘણો હાથ હતો; તથા સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય સ્થાપન થયું ત્યારે શરૂઆતમાં તેમણે પૂ. સ્વામીજી અખંડાનંદજીને ઘણી નિસ્વાર્થી મદદ આપી હતી. અમદાવાદના વનિતા વિશ્રામ માટે ફંડ ભેગું કરવા ગં. સ્વ. સુલોચનાબેન સાથે તેઓ બર્માની મુસાફરીએ પણ ગયા હતા. આવી રીતે સ્વ. પઢીયારજીનું સમગ્ર જીવન દેશસેવા તથા સાહિત્ય સેવામાં ગયું છે; કે જે ઉપર ઘણું લખી શકાય તેવું છે. જેમને તેમના માટે વધુ જાણવાની ઈચ્છા હોય તેમણે ભાઈશ્રી જીવણલાલ કરસનજી ઠાકરે લખેલું “સ્વ. પઢીયારની જીવનકથા ” નામનું પુસ્તક ક્યાંઈથી મેળવી વાંચી લેવું. અહીંતો અમોએ ટુંકાણમાં ખાસ ખાસ બાબતોની નોંધ લીધી છે.

સાદી, સહેલી અને ઘરગથ્થુ બોધક ભાષા લખવામાં અને પ્રચાર કરવામાં સ્વ. પઢીયારજીનું નામ પ્રથમ આવે છે. પૂ. ગાંધીજી અને તેમને પગે ચાલનારાઓ પછી આવે છે. પૂ. ગાંધીજી આફ્રિકાથી આવ્યા તે પહેલાં સ્વ. પઢીયારનું નામ મહાગુજરાતમાં સાદી અને ઘરગથ્થુ સહેલી ભાષા લખનાર તરીકે જાણીતું થઈ ગયું હતું. આ સિવાય સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયે પણ સાદી, સહેલી અને ઘરગથ્થુ ભાષાનો ફેલાવો કરવામાં પૂ. ગાંધીજી આવ્યા પહેલાં ઘણો મોટો ફાળો આપેલો છે; પણ આજે પૂ. ગાંધીજીને સહેલી અને ઘરગથ્થુ ભાષાના પ્રથમ પ્રચારક તરીકે જણાવવામાં આવે છે તે બરાબર નથી. ખરી રીતે તે માન સ્વ. પઢીયારજીને દેવું ઘટે છે.

સ્વ. પઢીયારજીએ લગ્ન નહોતું કર્યું; છતાં પોતા ઉપરનો કુટુંબભાર નભાવે જતા અને પોતાથી બનતી સાહિત્યસેવા તથા સમાજસેવા બજાવ્યે જતા. આવી રીતે દેશસેવા તથા સાહિત્યસેવા બજાવતે બજાવતે ૪૯ વર્ષની નાની ઉમરમાં મુંબઈમાં સં. ૧૯૭૫ના અષાડ વદી ૫ ને રોજ કોલેરામાં બે ત્રણ દિવસની ટુંકી માંદગી ભોગવી તેમનું મૃત્યુ થયું. જો તેઓ વધુ જીવ્યા હોત તો તેમને હાથે આજના ગાંધીજીના અને જવાહરલાલજીના જમાનામાં ઘણી દેશસેવા તથા સાહિત્યસેવા થઈ હોત પણ ઈશ્વરની ગતિ અકળ છે કે જેનો કોઈ પાર પામી શક્યું નથી કે જેએાએ તેમને ૪૯ વર્ષની નાની ઉમ્મરમાં ઉપાડી લીધા.

: : એમની કૃતિઓ : :

સંસારમાં સ્વર્ગ સં. ૧૯૫૮
સ્વર્ગનું વિમાન સં. ૧૯૫૮
સ્વર્ગની કુંચી સં. ૧૯૫૯
સ્વર્ગનો ખજાનો સં. ૧૯૬૨
સાચું સ્વર્ગ સં. ૧૯૬૩
સ્ત્રીઓનું સ્વર્ગ સં. ૧૯૬૩
સ્વર્ગની સીડી સં. ૧૯૬૫
સ્વર્ગની સુંદરીઓ સં. ૧૯૬૮
સ્વર્ગનાં રત્નો સં. ૧૯૬૮
૧૦ સ્વર્ગની સડક સં. ૧૯૭૦
૧૧ સ્વર્ગનો આનંદ સં. ૧૯૭૩
૧૨ સ્વર્ગની જીંદગી
૧૩ સ્વર્ગનું અમૃત સં. ૧૯૮૦
૧૪ સ્વર્ગનો પ્રકાશ

સ્વર્ગના સંદેશાનું પુસ્તક તેમણે લખી રાખ્યું છે પણ હજુ સુધી પ્રસિદ્ધ થયું નથી. સ્વર્ગનું રામાયણ એ પુસ્તક થોડું લખાણું છે અને તે પુરું કર્યા પહેલાં તેમનું મૃત્યું થયું.

સ્વર્ગનાં પુસ્તકો ઉપરાંત એમણે બીજાં જે જે ઉપકારક પુસ્તકો લખેલાં તે નીચે પ્રમાણે છે :–

આર્ય વિધવા સં. ૧૯૪૭
અમૃત વચનો સં. ૧૯૫૬
પ્રેમ પ્રેમ ને પ્રેમ સં. ૧૯૬૦
બાળકોની વાતો ભાગ ૧લો સં. ૧૯૬૫
નસીબ ફેરવનાની કુંચી સં. ૧૯૬૫
નવા યુગની વાતો ભાગ ૧લો સં. ૧૯૬૭
નવાયુગની વાતો ભાગ ૨જો સં. ૧૯૬૮
નામદાર શહેનશાહ અને શહેનશાહ બાનુનું ચરિત્ર સં. ૧૯૬૯
દુઃખમાં દિલાસો સં. ૧૯૭૩
૧૦ જુવાની જાળવવાના ઉપાયો સં. ૧૯૭૪
૧૧ અત્યંજ સ્તોત્ર સં. ૧૯૭૪
૧૨ ગામડીઆ નરદેવો સં. ૧૯૯૧

આ બધાં પુસ્તકો ઉપરાંત બીજાં પણ કેટલાંક નાનાં પુસ્તકો તેમણે લખેલાં છે; તેમાંનાં ઘણાંખરાં પુસ્તકો મુંબઈની નરનારાયણની ભજનમંડળીને માટે તેઓએ તૈયાર કર્યાં હતાં. જેમનાં નામો મહાપુરુષના પવિત્ર વિચારો, મહાપુરૂષનાં વચનો, શ્રીમદ્ ભાગવતમાં કરેલી ભગવાનની સ્તુતિ, પરમાત્માએ બંસીમાં શું ગાયું? ઈશ્વરસ્તુતિ ઈત્યાદી છે. આ બધાં પુસ્તકની કિંમત વિના મૂલ્ય અથવા નામની જ (એક બે પૈસા) તેએાએ રાખી હતી. આ સિવાય તેમણે કાઠીઆવાડી તો૫, પ્રેમ પ્રેમ ને પ્રેમ ભાગ રજો, દુષ્કાળના દુઃખની વાતો, હવે કેવા વિદ્યાર્થીઓની જરૂર છે? સ્ત્રીઓની નાની નાની ભુલો, સાચી યાત્રા, જુવાની જાળવવાના ઉપાયો ભાગ રજો (અધુરું) તથા નવા યુગની વાતો ભાગ ૩જો તૈયાર કરી રાખેલ છે, જે હજુ સુધી છપાયેલ નથી.