ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. અનન્તરાય મણિશંકર રાવળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અનંતરાય મણિશંકર રાવળ

જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ: વતની ભાવનગર પાસેના વળા (જુનું વલભીપુર) ના: જન્મ અમરેલીમાં ઈ. સ. ૧-૧-૧૯૧૨ ના રોજ થએલો. એમના પિતાશ્રીનું નામ મણિશંકર દુર્લભજી રાવળ અને માતુશ્રીનું નામ કમળા. એમનું લગ્ન ઈ. સ. ૧૯૨૮ માં થયું છે.

એમની પ્રાથમિક તેમજ માધ્યમિક કેળવણીનું સ્થાન અમરેલી. કૉલેજની કેળવણી મુંબઈની એલ્ફીંસ્ટન કૉલેજમાં ગાળેલી એક ટર્મ બાદ કરતાં બધીજ ભાવનગરની સામળદાસ કૉલેજમાં તેમણે લીધી છે. સને ૧૯૨૮ માં મેટ્રીક, ૧૯૩૦ માં ઈન્ટરમીજીએટ, ૧૯૩૨ માં બી. એ.; અને ૧૯૩૪ માં તેઓ એમ. એ; થયા છે. એમનો અભ્યાસ ઉંચી કોટિનો હતો. મેટ્રિક પરીક્ષા વખતે રા. બ. કમળાશંકર ત્રિવેદી સંસ્કૃત પારિતોષિક, ઈન્ટર વખતે મુંબઈ યુનિવર્સિટીની મણિશંકર મજમુદાર કીકાણી સંસ્કૃત સ્કૉલરશીપ, બી. એ; વખતે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક, અને એમ. એ.; થતી વખતે ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી દિ. બ. કેશવલાલ ધ્રુવ સુવર્ણચંદ્રક મેળવવા તેઓ ભાગ્યશાળી થએલા. બી. એ. માં તેમના ઐચ્છિક વિષયો સંસ્કૃત અને ગુજરાતી તથા એમ. એ; માં ગુજરાતી (મુખ્ય ભાષા) અને અંગ્રેજી હતા. બી. એ. બીજા વર્ગમાં અને એમ. એ. પ્રથમ વર્ગમાં તેમણે પસાર કરેલ છે. ગુજરાતી મુખ્ય ભાષા સાથે એમ. એ.; માં પ્રથમ વર્ગમાં આવવાનું માન એમના સિવાય બીજા બહુ ઓછાને જ મળ્યું છે. બી. એ.; તથા એમ. એ.; ની પરીક્ષા વખતે આખી યુનિવર્સિટીમાં ગુજરાતીમાં તેઓ પ્રથમ આવેલા. બી. એ.; થયા પછી બે વર્ષ લગી તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજમાં ફૅલો નિમાયા હતા. સને ૧૯૩૪ ના ઑગસ્ટ માસથી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતી ભાષા તથા વાઙ્મયના અધ્યાપક તરીકે તેઓ કામ કરી રહ્યા છે. એમના પ્રિય વિષયો સાહિત્ય અને તત્વજ્ઞાન છે. નર્મદશાબ્દી ગ્રંથમાંના એમના લેખથી ગુજરાતી લેખનકાર્ય એમણે આરંભ્યું છે. ત્યાર પછી તો કૌમુદી, માનસી, ગુજરાત, શરદ્ વગેરે જાણીતાં સામયિકોમાં એમના લેખો અવારનવાર પ્રગટ થયા કરે છે. સર્જન કરતાં સાહિત્યવિવેચન તરફ એમનું વલણ વિશેષ જણાય છે.