ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/ચંદ્રવદન ચીમનલાલ મહેતા

Revision as of 02:46, 2 February 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચંદ્રવદન ચીમનલાલ મહેતા

એમનો જન્મ સુરતમાં નર્મદ ચકલાની પડોશના અંબાજી ચકલામાં સંવત ૧૯૫૭ ના ચૈત્ર વદ બીજ તા. ૬ ઠ્ઠી એપ્રિલ ૧૯૦૧ ના રોજ થયેલો. જ્ઞાતિએ તેઓ વણિક છે. જાણીતા આત્મારામ ભૂખણની પેઢીના વડા મુનિમ તરીકે ઝાંસીની રાણીના દરબારમાં હાથીએ બેસીને જવાનું માન તે પામેલા. શિવદાસ તે એમના પિતામહ થાય. માતૃપક્ષે, જૂના વખતના નર્મદ ભક્ત કવિ અને નાટયકાર ચુનીલાલ હરીકીસનદાસ કોમોડેર એમના માતામહ થાય. ઈ. સ. ૧૮૯૩ માં પ્રકટ થએલો ‘પ્રમદાપત્ર લેખાવલિ’ નામનો એમનો ગ્રંથ ગુજરાતીપત્ર લેખન સાહિત્યમાં પહેલો જ ગ્રંથ હતો. પોતાના લખેલા નાટ્યગ્રંથ ‘ચંદ્રવદન અને ચંદ્રકળા’ ઉપરથી દાદાએ એમનું નામ ચંદ્રવદન રાખેલું. માતામહની લખાવટની શક્તિ એમનાં માતા સવિતાગૌરીમાં પણ છે અને પોતાનામાં એજ સ્રોતની અસર તેઓ માને છે

એમના પિતા ચીમનલાલ શિવદાસે જીવનનો મોટો ભાગ (૩૫ વર્ષ) રેલવેમાં ‘લોકો’ ખાતાના ચીફ કલાર્ક તરીકે નોકરી કરેલી હોવાથી બાળપણથી જ શ્રી ચન્દ્રવદનનો ઉછેર જુદે જુદે ઠેકાણે રેલવે કારખાનામાં થએલો. તે વેળા તેમનો પ્રાથમિક અભ્યાસ વડોદરામાં ચાલતો હતો. કલીમેનો, ડ્રાઈવરો, આગવાળા વગેરે વચ્ચે ૧૦ વર્ષ સુધીની વય વીતી. ‘આગગાડી’ નાટકમાંનું રેલ્વે જીવનનું વાસ્તવદર્શન એ અનુભવોને જ આભારી છે. ૧૯૧૦ થી ૧૯૧૯ સુધી સુરતની શાળામાં, પછી આત્મારામ ભૂખણના ડેલાની મિડલ સ્કૂલમાં અને ત્યારબાદ સર જે. જે. સરકારી હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો. એ શાળામાં ગુજરાતી મંડળના મંત્રી તરીકે ૫ણ સાથોસાથ ચાર વર્ષ લગી એમણે કામ કર્યું હતું.

૧૯૧૯માં મુંબઈ આવી એલ્ફિન્સ્ટન કૉલેજમાં તેઓ દાખલ થયા અને સને ૧૯૨૪માં ગુજરાતી સાથે બી.એ; થયા. કૉલેજની એમની કારકીદિ અનેક રીતે યશસ્વી થઈ. એમની લેખક, કવિ તથા નટ તરીકેની શક્તિનો બીજવિકાસ ત્યાંજ થયો. એલ્ફિન્સ્ટન કૉલેજનો ઇલોક્યુશન કોમ્પીટીશન (વકતૃત્વ હરિફાઈ)નો સો રૂપિયાનો ચન્દ્રક તથા એવોજ અભિનય કલાનો ડ્રામેટિક કૉમ્પિટીશનને ચન્દ્રક (બે વાર) એમણે પોતાની કૉલેજ કારકીર્દિ દરમ્યાન મેળવેલો. નરસિંહરાવના તેઓ શિષ્ય અને શિક્ષણમાં જેમ પોતાના પર એમના શિક્ષણની અસરનો ઋણ સ્વીકાર કરે છે તેવો જ સ્વીકાર તેઓ દી. બ. કેશવલાલ ધ્રુવ તથા શ્રી બલવંતરાય ઠાકોરના સહવાસની અસરનો તથા કવિશ્રી નાનાલાલ અને ખબરદારના સંબંધની અસરનો પણ કરે છે. એમના એ કાળના સહયોગીઓ તરીકે શ્રી યુસુફ મહેરઅલી, શ્રી મસાણી, શ્રી સોરાબ બાટલીવાળા વિગેરે રાજકીય મિત્રમંડળમાં અને શ્રી સુંદરજી બેટાઈ અને ભાનુશંકર વ્યાસ (वादरायण) વગેરે સાહિત્યસેવી મિત્રોમાં હતા.

ઈ. સ. ૧૯૨૪ માં બી. એ; થયા પછી ૧૯૨૫-૨૬ નાં વર્ષો દરમ્યાન એમણે કાયદાનો અભ્યાસ કર્યો. દરમ્યાન, ૧૯૨૫ માં એમનું લગ્ન થયું; પરંતુ તેમાં પરસ્પર મન મેળ ન થવાથી ઐચ્છિક રીતે છૂટા થયા. કાયદાના અભ્યાસમાં તો એમને નિષ્ફળતા મળી; એજ વખતે બારડોલીની લડત ચાલતી હતી ત્યાં ગયા અને લડત બંધ પડતાં પાછા આવી ૧૯૨૭ -૨૮ માં એમ. એ; માટે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવા માંડયો. પણ એવામાં પહેલી રાજકીય લડત શરૂ થઈ એટલે પરીક્ષામાં બેઠા જ નહિ અને લડતમાં જોડાઈ મુંબઈના “બુલેટિન” નું તંત્ર પહેલા જ દિવસથી હાથમાં લીધું. વચ્ચે ૧૯૨૯-૩૦ માં એમણે ફેલૉશિપ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું. ૧૯૩૧-૩૨ માં, પાછળ વોરંટ ફરતું હતું, છતાં દોઢ વર્ષ સુધી પકડાયા વિના લડતના બુલેટિનનું તંત્ર એકધારી સફળતાથી ચલાવ્યું; અને છેવટે જાતે હાજર થયા. એ વેળા એક દિવસની સજા ભોગવી પૂનાની તહકૂબીથી છૂટ્યા. તે પછી ૧૯૩૩ થી ૩૬ સુધી મુંબઈની ન્યુઈરા સ્કૂલમાં શિક્ષક તરીકે તથા પાછળથી ત્યાંના વિઝિટિંગ લેકચરર તરીકે કામ કર્યું.

સાહિત્ય પ્રવૃત્તિમાં ગુજરાતને પ્રથમ તેઓ ઈલાકાવ્યોના લેખક તરીકે જાણીતા થયા. પણ જેટલા કવિ તરીકે તેટલા જ બલ્કે સવિશેષ-નાટકકાર તરીકે તેમની પ્રતિષ્ઠા છેલ્લાં વર્ષોમાં ગુજરાતમાં થઈ છે. તેઓ એકલા નાટ્યલેખક જ નથી, પણ નાટકવિધાયક પણ છે અને જાતે અચ્છા નટ છે. ઍમૅટયુર અભિનેતા અને સંયોજક, તથા સૂત્ર સંચાલક અને નેપથ્ય વિધાયક તરીકેની એમની કારકીર્દિ જૂની એટલી જ જ્વલંત છે. ઈ. સ. ૧૯૨૩ માં ડૉ. સી. જે. સીસન, પ્રો. ડીઆન્ક્રાડે અને સ્વ. નરસિંહરાવ દીવેટીઆએ ત્રણે પરીક્ષકોને હાથે, અંગ્રેજી નાટક ‘લીલીઓ’ માં લીલીઆનો અભિનય ભજવીને, કૉલેજમાં ચન્દ્રકો જીત્યા તે પહેલાં ૧૯૧૬ માં હાઈસ્કૂલમાં સ્વ. રમણભાઈના ‘નવાબ અને હજુરીઆ’ ના નાટકથી તેની શરૂઆત થએલી. ચાલુ રંગભૂમિનાં નાટકો જોઈને પ્રકટેલા અણગમા અને અસંતોષે એમનામાં ગુજરાતની રંગભૂમિના આદર્શની મહત્ત્વાકાંક્ષા પ્રકટાવી અને કૉલેજ જીવન દરમ્યાન તેને ઉત્તેજન મળ્યું. સ્ત્રીની ભૂમિકા સ્ત્રીએાએ જ ભજવવી જોઈએ એ એમના જાણીતા સદાગ્રહને પહેલું રૂપ ઈ. સ. ૧૯૨૪ માં એમના ‘સેન્ટ જોન’ નાટકમાં મળ્યું, અને એ વેળા, ગુજરાતી નાટયકળાના ઇતિહાસમાં પહેલીવાર, શ્રી શાંતિલાલ દેસાઈએ સેન્ટ જોનનું પાત્ર ભજવ્યું.

એમાં અર્ધા ગાંડા નોકર ‘ગુડીનો’ ના પાત્રમાં દેખા દેતા ચંદ્રવદન મહેતાની નટ તરીકેની સફળ કારકીર્દિના ગણેશ મંડાયા. તે પછી ૧૯૨૫ માં ‘મૂંગી સ્ત્રી,’ ૧૯૨૬ માં ‘પ્રેમનું મોતી’ અને એડવર્ડ નાંબ્લોકનું “કિસ્મત એટલાં કૉલેજની રંગભૂમિપર ભજવાયાં.

ઈ. સ. ૧૯૨૭ માં ગુજરાત રેલસંકટ ફંડ માટે જાહેર રંગભૂમિ પર એમણે પહેલવહેલું ‘અખો’ ભજવ્યું. તે પછી ૨૯ માં બે વખત ‘મૂંગી. સ્ત્રી,’ ૧૯૩૦ માં ફરી બે વાર એ જ નાટક, કનકોત્સવ વેળા સ્વરચિત ‘ધારાસભા’, ૧૯૩૩ માં નર્મદ શતાબ્દી વખતે નર્મદની કૃતિઓમાંથી જ પ્રસંગો વીણીને “નર્મદ રંગલીલા’ અને ૧૯૩૪ માં ‘નરસૈંયો’ તથા સ્વરચિત બાલનાટક "રમકડાંની દુકાન” (બે વખત) ભજવાયાં. આ બધામાં અખો ભક્ત કે નર્મદ કવિ, ખાનબહાદુર ખરખરિયા કે હાજી ભિખારી, તાપીદાસ શેઠ કે હુસેન ચાચા, રાજવૈદ કે રંગલો, એવી વિવિધ પ્રકારની ભૂમિકાઓને જે એકસરખી ઉત્કૃષ્ટતાથી એમણે ન્યાય આપ્યો તેને લીધે એમની નટ તરીકે શક્તિની ગુજરાતને ઉત્તરોત્તર પ્રતીતિ થતી જ ગઈ; અને હમણાં તાજેતરમાં ૧૯૩૬ માં એમનું છેલ્લું નાટક ‘આગગાડી’ મુંબાઈમાં લાગલાગટ ચાર વાર ભજવાયું, એને તો એટલો આવકાર મળ્યો કે ગુજરાત તેમ જ ગુજરાત બહારનાં બીજાં શહેરો તરફથી એ ભજવવા માટે એમને આમંત્રણો મળ્યાં.

ગુજરાતી રંગભૂમિની સુધારણા માટે સંસ્કારી વર્ગે ખરો પ્રયત્ન કરવો જોઈએ એ એમની દ્રઢ માન્યતા હોવાથી આ બધા પ્રયાસોમાં એમણે પોતાની આસપાસ શિક્ષિત, સુસંસ્કારી અભિનય પ્રિય મિત્રોનું મંડળ પણ જમાવ્યું. ‘સેન્ટ જોન’ અને ‘અખા’ વખતે શ્રી શાંતિલા દેસાઈ, સરલા દેસાઈ, સોલી બાટલીવાળા. યુસુફ મહેરઅલી, ઈન્દુલાલ યાજ્ઞિક, સનત્કુમાર વીણ, ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે વગેરે તેમજ તે પછી કવિશ્રી લલિતજી, સુંદર બેટાઈ, ભાનુશંકર વ્યાસ, સુન્દરમ્, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, શયદા, યશવંત પંડ્યા, જીતુભાઈ મહેતા, જયંતકુમાર ભટ્ટ, કેશવપ્રસાદ દેસાઈ, એમ અનેક જાણીતી વ્યક્તિએાને એમણે પોતાના સાથમાં રંગભૂમિ ઉપર ઉતારી છે, એટલું જ નહિ પણ પોતાના ખુશ મિજાજી મીલનસાર સ્વભાવથી એ બધાનો સાચા દિલનો સહકાર જીત્યો છે. નર્મદરંગલીલા જેવામાં ૧૧૦, રમકડાંની દુકાનમાં ૯૦ કે નરસૈયામાં ૭૫ પાત્રો આવે એ બધાંને એક સૂત્રે પરોવી એકસરખાં ઉત્સાહિત રાખવામાં કેટલી મુશ્કેલી છે એ સમજી શકાશે.

રંગભૂમિની સુધારણા માટે હજી ઘણું કરવાની એમની અભિલાષા છે અને એ બાબતમાં એમનાં સ્વપ્નાંમાં સૌથી જવલંત એ છે કે ગુજરાતમાં એક એવી સાર્વત્રિક નાટકશાળા નાટ્ય મંદિર હોય કે જેની શક્તિ અને ક્ષેત્ર એક વિદ્યાપીઠ યુનિવર્સિટી જેટલાં હોય. નાટક એ પ્રજાની કેળવણીનું યુનિવર્સિટી જેટલુંજ સમર્થ સાધન છે એ એમની દ્રઢ માન્યતા છે, અને એ માટેના પ્રયત્નોને એ પોતાનું જીવનધ્યેય માને છે.

નાટકો તો તેઓ લખ્યેજ જાય છે. હજી વીસ-ત્રીસ નાટકો એમને લખવાં છે, જેનાં વસ્તુ તૈયાર છે. એ ઉપરાંત નાટયકલા, તખ્તા પ્રકાશ વિગેરે ઉપર એક વિસ્તૃત ગ્રંથ લખવાની એમની અભિલાષા છે. ઉપરાંત દરવર્ષે એાછામાં એાછું એક નવું નાટક તૈયાર કરવું જ અને એ દ્વારા નવો ચીલો, નવી પદ્ધતિ, નવું આયોજન રજુ કરતા જવું એવી એમની યોજના છે. આજ સુધીનાં પોતાનાં નાટકો પણ એમણે આજ દ્રષ્ટિએ લખ્યાં છે; અને તે પ્રત્યેકનો પ્રકાર જુદો છે, તે નીચેની યાદી પરથી જણાશે. આરાધના-આદર્શવાદી; અખો Character-play, કિસ્મત Pantomine; મૂંગી સ્ત્રી-ફારસ; આગગાડી અને નાગાબાવા વાસ્તવદર્શન; આણલદે-Romance; પ્રેમનું મોતી-Idyll; રમકડાંની દુકાન- બાલમાનસ; ધારાસભા અને દેડકાંની પાંચશેરી કટાક્ષ; કરણ-ઐતિહાસિક, કલ્યાણ-ગીત નાટક-Opera.

એમના લખેલા ગ્રંથો અને લખાણોની યાદી

કાવ્યો–ઇલાકાવ્યો (કાવ્યસંગ્રહ)
ચાંદરણાં (બાલગીતો)
રતન (લાંબું કાવ્ય)
પ્રેમનું ગીત (અપ્રકટ-૪૦૦૦ લીટીનું પ્રેમનું એપિક ) એ ઉપરાંત બીજાં છૂટાં કાવ્યો.
નાટકો
આગગાડી
અખો, વર-વહુ અને બીજાં નાટકો (સંગ્રહ)
પ્રેમનું મોતી, ઘટમાળ અને બીજાં નાટકો (બીજો સંગ્રહ)
સંતાકુકડી (બાલનાટક)
રમકડાંની દુકાન
નર્મદ

એ ઉપરાંત ટૂંકી વાર્તાઓ, પ્રવાસ લેખો, ઉમાશિખર-ગગનગૌરી, સોનાપરી, ઉદયશંકર વગેરે પરના પ્રકીર્ણ લેખો વગેરે.