ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. ભીમરાવ ભોળાનાથ દિવેટિયા

From Ekatra Foundation
Revision as of 03:14, 2 February 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભીમરાવ ભોળાનાથ દિવેટિયા

એમનો જન્મ અમદાવાદમાં તા. ૨ જી ઓકટોબર ૧૮૫૧ ના રોજ થયો હતો. ભોળાનાથ સારાભાઈના પાંચ પુત્રોમાં તેઓ ત્રીજા પુત્ર હતા.

પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો; સન ૧૮૭૦ માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરેલી પણ તે પછી એવો વ્યાધિ એમને લાગુ પડ્યો કે તેમાંથી તેઓ મુક્ત થવા પામ્યા નહિ. જો કે રોગગ્રસ્ત સ્થિતિમાં આગળ અભ્યાસ કરવાનું મૂકી દેવું પડયું પણ વિદ્યા પ્રતિ એટલી બધી પ્રીતિ કે જીંદગીપર્યંત એમનું વાચન અને લેખન કાર્ય ચાલુ રહેલું, અને તે જ્ઞાન એક પદવીધરને શોભે એટલું વિશાળ અને વ્યાપક હતું.

સન ૧૮૮૦ માં ભીમરાવ ગાયકવાડી નોકરીમાં દાખલ થયલા અને લગભગ દશ વર્ષ વડોદરામાં ગાળેલાં; સન ૧૮૮૯ માં શરીર પાછું બગડતાં રજા ઉપર આવેલા; પણ તે સાજા થવા પામેલા નહિ અને તા. ૧૩ મી જાન્યુઆરી ૧૮૯૦ ના રોજ એમનું અવસાન થયું હતું.

એમનું લગ્ન પ્રિન્સિપાલ આનન્દશંકરના બહેન શ્રીમતી ચતુરલક્ષ્મી સાથે થયું હતું; તેમને નવ સંતાન થયેલાં, જેમાંના સત્યેન્દ્રરાવે એક કવિ તરીકે સારી કીર્તિ મેળવેલી હતી; બીજા પુત્ર વીરમિત્રભાઈ ગુજરાત કૉલેજના વિજ્ઞાનના પ્રોફેસર તરીકે સારી નામના મેળવી હમણાં જ નિવૃત્ત થયા છે.

મુંબઈ ગયા પછી એમનું શરીર કથળેલું; વિદ્યાર્થી અવસ્થામાં એઓ એટલા સુંદર લાગતા કે છોકરાઓએ એમનું નામ “સરોવરની સુંદરી” "Lady of the Lake" પાડ્યું હતું.

પિતા સાથે એમણે કેટલેક સ્થળે, જેમકે અંબાજી, કબીરવડ, પ્રવાસ કરેલો; અને જે છાપ અને સંસ્કાર તેમના ઉપર પડેલાં તેનાં ચિત્રો એમના કાવ્યોમાં જોવા મળે છે.

કવિતાની પેઠે સંગીત પ્રતિ એમને વિશેષ પ્રીતિ હતી; અને એમનું કંઠમાધુર્ય આકર્ષક થઈ પડતું. સમાજ સુધારાના અને પ્રાર્થના સમાજના સંસ્કાર એમને પિતા પાસેથી મળેલા; ન્હાનપણથી કવિતા કરવાનો છંદ લાગેલો; સમાજમાં કોઈવાર પ્રવચન કરતા; અને વર્તમાનપત્રોમાં સુધારા વિષે લેખો લખી મોકલતા.

એમની કેટલીક ગરબીઓ બહુ પ્રસિદ્ધિ પામી હતી.

દેવળદેવી નામથી એમણે એક સ્વતંત્ર નાટક લખ્યું હતું; પણ તે એમની હયાતી બાદ પ્રકટ થયું હતું. મેઘદુત અને પૃથુરાજરાસો એ એમની મુખ્ય અને જાણીતી કૃતિયો છે. મેઘદુતનું ભાષાંતર પ્રથમ પ્રસિદ્ધ થયું ત્યારે એક પક્ષ તરફથી તે પ્રતિ સખ્ત આક્ષેપો થયેલા; પણ આજે તેની યોગ્ય કદર થવા પામી છે, અને પૃથુરાજ રાસો એક સુંદર કાવ્ય છે, અને તે સૌ કોઈએ વખાણ્યું છે; એની ચાલુ માગ રહેતાં તેની નવી આવૃત્તિ સચિત્ર, એમનાં સંતાન તરફથી હમણાં જ બહાર પડેલી છે.*[1]

: : એમની કૃતિઓ : :

(૧) મેઘદુત
(૨) દેવળદેવી
(૩) પૃથ્વીરાજરાસો


  1. * વિસ્તૃત હકીકત માટે જુઓ પૃથુરાજ રાસો બીજી આવૃતિ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.