ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/રા. બા. ભોળાનાથ સારાભાઈ
એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ, અમદાવાદના વતની; એમનો જન્મ તા. ૨૨ મી જુલાઈ ૧૮૨૭ ના રોજ વડોદરામાં લીમડા પોળમાં થયો હતો. એમના પિતાશ્રી સારાભાઈ રેસિડન્સીમાં તે વખતે દફતરદારના હોદ્દે હતા.
દશ વર્ષની વયે એમનું લગ્ન થયેલું; તે વખતે કેળવણી લેવાની બરોબર સવડ ન હતી તેથી પિતા પાસે તેઓ ફારસી શિખેલા; તેમ એક યુરોપિયન ગૃહસ્થ અંગ્રેજીશાળા ચલાવતો ત્યાં તે અંગ્રેજી ભણેલા, સંસ્કૃતનું જ્ઞાન પણ સારૂં હતું; વડોદરાના નિવાસને લઈને કાંઈક મરાઠીના પણ સંસ્કાર પામેલા. તે પછી જળમાર્ગે મુંબઈ જઈને તેમણે મુનસફની પરીક્ષા પાસ કરી હતી. તે પછી સન. ૧૮૪૪ માં તેઓ મુનસફ નિમાયલા. સન ૧૯૭૪માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે સરકારે એમની એકનિષ્ઠાભરી અને પ્રમાણિક નોકરીની કદર કરી રાવબહાદુરનો ઈલ્કાબ બક્ષ્યો હતો, તેમ જ દક્ષિણના બીજા વર્ગના સરદારમાં તેમનું નામ મૂક્યું હતું.
નિવૃત્ત થયા પછી કચ્છના દિવાન થવા માગણી આવેલી પણ તેની તેમણે ના પાડેલી; અને નિવૃત્તિનો કાળ લોકસેવામાં તેમ ધર્મસુધારણા અને સમાજસુધારણના કાર્યમાં વ્યતિત કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપાલીટીના અને અમદાવાદ ડિસ્ટ્રીકટ લોકલબોર્ડના તેઓ સભ્ય હતા; તે ઉપરાંત ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી અને વર્નાકયુલર ટેક્ષ્ટ બુક કમિટીના સભ્ય તરીકે તેઓ આગળ પડતો ભાગ લેતા.
આરંભમાં તેઓ મૂર્તિપૂજાને પૂરેપૂરા માનતા; પણ નવા વિચારના સંસર્ગમાં આવતાં તેમાં મ્હોટું પરિવર્તન થવા પામેલું, એટલે સુધી કે પ્રથમ તેમણે અમદાવાદમાં ધર્મ સભા સ્થાપવામાં આગેવાની લીધેલી અને પછીથી અમદાવાદ પ્રાર્થના સમાજની સ્થાપના એમના હસ્તે જ થવા પામી હતી.
તેના અંગે એમણે ઈશ્વરપ્રાર્થના માળાનું પુસ્તક રચેલું જે ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ સ્થાન ભોગવે છે, જેમાંનાં ભક્તિનાં અને ઈશ્વસ્તુતિનાં પદો નવાજુના વિચારવાળા સૌને આદરપાત્ર થઈ પડે, એવી રીતે, પ્રોઢ અને મધુર વાણીમાં લખેલાં છે.
એમનું અભંગવાણી એવું જ આકષક છે; ગદ્ય લખાણ છૂટક મળી આવે છે પણ તે બહુ નથી.
સુધારક વિચારના તેઓ પ્રથમથી હતા એ એમની નોંધપોથી ઉપરથી માલુમ પડે છે; અને મહીપતરામે પરદેશગમન કરેલું, અને પાછા ફર્યા બાદ એમને જ્ઞાતિ તરફથી સોસવું પડેલું ત્યારે એક મિત્રભાવે તેઓ એમના પક્ષમાં ઉભા રહેલા અને તે બદલ જ્ઞાતિ બહાર થવાનું પસંદ કરેલું; જે એમના માટે માન પેદા કરે છે.
ગુજરાતમાં નવજીવનનો સંચાર થયો તે વખતે પ્રજાજીવનના ઘડતરમાં ભોળાનાથભાઈએ અગ્ર ભાગ લીધેલો. ફોર્બસ સાહેબને ને કવિ દલપતરામને ભેટો કરી આપવામાં એમનો જ હાથ હતો.
પૂર્વે જેમ નગરશેઠ કુટુંબ શહેરી જીવનમાં અગ્રસ્થાન લેતું તેમ આણા પ્રાંતમાં બદલાયેલી પરિસ્થિતિમાં ભોળાનાથભાઈ એમનાં અનેકવિધ જનસુધારણાનાં સેવાકાર્યથી સર્વ પ્રવૃત્તિના કેન્દ્રરૂપ થઈ પડતા; અને એક સંસ્કારી, સાહિત્યરસિક, સંગીતશોખી અને સુધારક કુટુંબ તરીકે એમના ઘરની પ્રતિષ્ઠા બંધાઈ હતી; અને આપણે મગરૂર થવા જેવું એ છે કે એમના કુટુંબીજનોએ એ પ્રતિષ્ઠાને વધારી એટલું નહિ પણ સાહિત્ય, સમાજ સુધારો, જનસેવા અને સંગીત પ્રચારના કાર્યોમાં કિંમતી ફાળો આપેલો છે.
ગુજરાતને મળેલો એ સંસ્કારવારસો ન્હાનોસૂનો નથી. સન ૧૮૮૬માં ભોળાનાથભાઈનું અવસાન થયું હતું.
: : એમની કૃતિઓ : :
- ૧ બોધસંગ્રહ
- ૨ ઈશ્વર પ્રાર્થનામાળા
- ૩ કરારનું શાસ્ત્ર
- ૪ મીતાક્ષરાના ઋણદાન
* વધુ માહિતી માટે જુઓ ભોળાનાથ ચરિત્ર કૃષ્ણરાવરચિત તેમજ નરસિંહરાવનું લખેલું “સ્મરણમુકુર”.