ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ, નડીઆદના વતની; એમનો જન્મ સન ૧૮૪૦ માં વૈશાખ વદી આઠમને શનિવારે નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ સૂર્યરામ શિવરામ અને માતાનું નામ ઉમેદકુંવર હતું. એમની વય આઠ માસની થતાં, સૂર્યરામનું મૃત્યુ થયલું; અને મનઃસુખરામના ઉછેર અને કેળવણીનો ભાર માતુશ્રી ઉમેદકુંવર ઉપર આવી પડ્યો હતો.
આજની પેઠે તે સમયે કેળવણી લેવાની સુગમતા નહિ તેથી તેમને ખેડા, અમદાવાદ વગેરે સ્થળે ફરવું પડેલું; છેવટે સન ૧૮૬૧ માં એલ્ફિન્સ્ટન કૉલેજની પરીક્ષામાં પાસ થયલા; વધુ અભ્યાસ અર્થે મુંબાઈમાં રહેવાનું થયલું; પણ આંખે ગરમી લાગવાથી, બે વર્ષ પછી અભ્યાસ છોડી દઈને માધવલાલ ધીરજલાલની પેઢીમાં તે જોડાયા હતા. એ કાળે મુંબાઈમાં શેરસટ્ટાનો વા પૂર જોશમાં વાતો હતો; અને સટ્ટામાં મનઃસુખરામભાઈ પૈસા કમાયા હતા.
અમદાવાદના નિવાસ દરમિયાન તેઓ બુદ્ધિપ્રકાશમાં લેખ લખતા તેમજ વિદ્યાવર્ધક સભાના સભ્ય તરીકે આગળ પડતો ભાગ લેતા હતા; અને મુંબઈમાં સ્થાયી રહેવાનું થતાં ત્યાં તેમણે શ્રી. ફોર્બસ સભા સ્થાપી હતી અને બુદ્ધિવર્ધક સભાના તેઓ એક અગ્રગણ્ય સભ્ય હતા.
મુંબઈમાં તેમનું જુનાગઢના દિવાન સુજ્ઞ ગોકળજી ઝાલાને મળવું થતાં અહિં એ બન્નેની વચ્ચે મૈત્રિ સંબંધ બંધાયો; તેના પરિણામે સન ૧૮૬૯ માં તેઓ જુનાગઢ રાજ્યના મુંબાઈના એજન્ટ નિમાયલા; અને તે પછી તેમની નિમણુંક ક્રમે ક્રમે, કચ્છ, ઈડર, ભાવનગર વગેરે રાજ્યોના એજંટ તરીકે થવા પામી હતી; અને તેઓએ રાજ્યોમાં એટલો મ્હોટો લાગવગ ધરાવતા થઈ પડયા હતા કે રાજ્યોના દિવાનોની પસંદગી કેટલીકવાર તેમની સૂચનાનુસાર થતી. રાજ્યોનાં કામકાજ અને વહેપારમાં તેઓ પ્રવૃત્ત રહેતા તે ૫ણ પૂર્વકાળનો વિદ્યાવ્યાસંગ તેમણે છોડ્યો નહિ; અને તેમની આસપાસ વિદ્વાનો અને સાહિત્યરસિકોનું એક ન્હાનું મંડળ જામેલું રહેતું; અને તે સૈાને તેઓ ઘટતું ઉત્તેજન આપતા.
શુદ્ધ ગુજરાતી લેખન માટે તેઓ ખાસ કાળજી રાખતા એટલું જ નહિ પણુ તે લેખનશૈલી તદ્દન સંસ્કૃતમય કરી મૂકતા; તેથી તેમનું લખાણ બીજા બધાં કરતાં નિરાળું પડતું.
તે ઉપરાન્ત વેદાંત પ્રતિ એમને વિશેષ પ્રેમ હતો; તે એમણે રચેલાં પુસ્તકેં ઉપરથી માલુમ પડે છે.
સ્વર્ગસ્થ ગોવર્ધનરામ ઉપર એમના કેટલાક સંસ્કાર પડેલા અને એ સંસ્કાર વારસો એમના પુત્ર તનસુખરામને પૂરો મળેલો; બંનેની લેખનશૈલી એક જ ધાટીની.
- (૧) અસ્તોદય તથા નળદમયંતી
- (૨) દેશીરાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજ્ય નીતિસાર
- (૩) ફૉર્બસ જીવનચરિત્ર
- (૪) સુજ્ઞ ગોકળજી ઝાલા અને વેદાંત
- (૫) કરસનદાસ અને તત્સંબંધમાં વિચાર
- (૬) વિચાર સાગર
- (૭) વેદાંત વિચાર
- (૮) A Sketch Of Vedant Philosophy
- (૯) ઉત્તર જયકુમારી
- (૧૦) મણિરત્નમાલા
- (૧૧) વિપત્તિ વિષે નિબંધ
- (૧૨) અદ્વૈતાનુભૂતિનું સટિપ્પણ ભાષાંતર
- (૧૩) વાર્તિક તથા લેખનવાચન