ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. મલ્હાર ભીકાજી બેલસરે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મલ્હાર ભિકાજી બેલસરે

મર્હૂમ સ્વર્ગસ્થ રા. મલ્હાર ભિકાજી બેલસરેનો જન્મ તા. ૨૨ મી મે ૧૮૫૩ માં થયો. એમનું મૂળ વસ્તીસ્થાન પુણા જીલ્લામાં જેજુરીની પાસે આવેલું બેલસર ગામ હતું. તેમના પિતાનું નામ ભિકાજી પંત અને દાદાનું નામ મલ્હારરાવ હતું. એટલે જે તેમના દાદાનું નામ તેજ તેમનું નામ હતું. તેમના દાદા અસલ પેશવાઈમાં મરાઠી સરદાર હતા; અને કુલાબા જીલ્લાના નાગોઠણા પ્રાંતના પાગેદાર હતા. તેમના પિતાજી પંત અશિક્ષિત હોવાથી ભિક્ષુકવૃત્તિ કરતા. ભિકાજીપંતને ચાર પુત્ર અને બે પુત્રીઓ હતી. પુત્રોનાં નામ રંગોપંત, બાપુજી, મલ્હારરાવ અને ખંડોરાવ; પુત્રીઓનાં નામ વજાબાઈ અને બજુબાઈ, એટલે કે કૈલાસવાસી મલ્હારરાવ પોતાના પિતાના ત્રીજા પુત્ર હતા પણ અનુક્રમમાં ચોથા વંશજ હતા. ભિકાજીપંતે કુલાબા જીલ્લાના પેણ ગામમાં પોતાનું ઘરબાર બાંધીને વસતિ સ્થાન કર્યું. રંગોપંત ઠાણા જીલ્લાના મોખાડા, ઉંબર ગામ પેટાના મહાલકારી હતા. બાપુજી પેણ તાલુકાના સરકારી વકીલ હતા.

કૈલાસવાસી મલ્હારાવે પોતાના મોટાભાઈની સાથે રહીને ઠાણામાં અંગ્રેજી ભાષાના નીચલા ધોરણોનો અને મુંબાઈની એલ્ફીન્સ્ટન હાઈસ્કુલમાં ઉપલા ધોરણોનો અભ્યાસ કર્યો અને સને ૧૮૭૦માં મેટ્રીક્યુલેશન પરિક્ષામાં પાસ થયા. ત્યાર પછી મુંબાઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં આગળ અભ્યાસ કરીને સને ૧૮૭૩માં બી. એ; ની પરીક્ષા પાસ કરી. ઈ. સ. ૧૮૭૫માં રાજકોટ હાઈસ્કુલમાં સંસ્કૃતના શિક્ષક નીમાયા. નોકરી પર હતા તોપણ તેમની વિદ્યાભિરૂચી પહેલાંની માફક કાયમ હતી. રાજકોટથી સુરત, સુરતથી પાછા રાજકોટ અને રાજકોટથી જુનાગઢ બદલી થઈ. જુનાગઢ ૧૮૭૭થી ૧૮૮૩ સુધી પાંચ વર્ષ રહ્યા. આ બધે ઠેકાણે સુદૈવથી તેમના ઉપરી હેડમાસ્તર મર્હુમ રા. સા. ઉત્તમરામ નરભેરામ મહેતાજી જ હતા. રા. સા. ઉત્તમરામ તેમને અતિ ઉદ્યોગી, ઉત્સાહી અને પાપભીરૂ સમજીને તેમના પર પ્રીતિ રાખતા.

જુનાગઢ હાઈસ્કુલમાંથી બદલાઈને વિરમગામની એંગ્લો વર્નાકયુલર સ્કુલના હેડમાસ્તર તરીકે નીમાયા. ત્યાં સને ૧૮૮૭ સુધી રહ્યા. વિરમગામ આવ્યા પછી તેઓએ ગુજરાતી ભાષાનું માર્મિકપણે અધ્યયન કરવા માંડયું. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ જાહેર કર્યા પ્રમાણે જોન સ્ટુઅર્ટ મીલનું ‘લિબર્ટિ’ નામક ગ્રંથનું ભાષાંતર સોસાઈટી તરફ મોકલ્યું, તે પ્રરીક્ષક કમિટીમાં મૂકાઈને સર્વોતમ ઠર્યું, અને તે માટે રૂ. ૧૫૦ નું ઇનામ મળ્યું. વિરમગામમાં પ્રાર્થનાસમાજ, નેટીવ જનરલ લાઈબ્રેરી, લેકહિતવર્ધક સભા અને જોઇન્ટ સ્ટૉક કંપની ઉભી કરીને તેની મારફત પહેલું છાપખાનું સ્થાપન કર્યું. વિરમગામની મ્યુનિસિપાલીટીમાં ચેરમેન તરીકે સાર્વજનિક કામો કરતા હતા. તે વખતે વિરમગામમાં સબજજ્જ રાવબહાદુર લાલશંકર હોવાથી તેમની સાથે પ્રથમ પરિચય થયો. વિરમગામની લોકહિતવર્ધક સભાની મારફતે મુંબાઈ અને કલકત્તામાં સને ૧૮૮૫ અને ૧૮૮૬ની સાલમાં ભરાયેલી ઈંડીયન નેશનલ કોંગ્રેસમાં ડેલીગેટો મોકલ્યા.

વિરમગામથી સને ૧૮૮૭માં અમદાવાદની હાઈસ્કુલમાં બદલી થઈ અહિંઆં તેમને ગુજરાતી ભાષામાં એક સારી ગુજરાતી-અંગ્રેજી ડીક્ષનેરીની ઘણી જ ખોટ છે એવું જણાયું, અને ત્યારથી ડિક્ષનેરી લખવાનું કામ શરૂ કરવા માંડ્યું, એટલામાં રા. રા. હરિશંકર પાઠક તરફથી તેમને દ્રવ્ય સંબંધી મદદ મળી. તે ડીક્ષનરી ઈ. સ. ૧૮૯૫માં છપાઈને બહાર પડી. આવી ડીક્ષનરી ગુજરાતી ભાષામાં પ્રથમ હોવાથી પહેલી આવૃત્તિની નકલો બે ત્રણ વરસમાં ખપી ગઈ. બીજી આવૃત્તિ ઘણા વિસ્તૃત પ્રમાણસર લખવાનું કામ ઈ. સ. ૧૮૯૯માં હાથમાં લીધું. તે આવૃત્તિ ઈ. સ. ૧૯૦૫માં છપાઈને બહાર પડી. આ ડીક્ષનેરીના કામમાં વિશેષ કરીને સ્વ. ડૉ. ટેલર તરફથી કેટલીક સૂચનાની અને મીસીસ ટેલર તરફથી શબ્દસંગ્રહની સારી મદદ મળી હતી. ઈ. સ. ૧૯૦૧માં અમદાવાદ શહેરમાં સનાતન ભારતધર્મ મહાપરિષદનું દ્વિતીય અધિવેશન થયું તેના તેઓ મુખ્ય સેક્રેટરી હતા.

ઈ. સ. ૧૯૦૩માં તેઓ અમદાવાની મેઈલ ટ્રેનીંગ કૉલેજમાં વાઈસ પ્રિન્સીપાલ નીમાયા. પોતાની માતૃભાષા મરાઠી છતાં ગુજરાતી જેવી પારકી ભાષાનાં પ્રાવીણ્ય સંપાદન કરીને ગુજરાતની ટ્રેનીંગ કૉલેજમાં વાઈસ પ્રિન્સિપાલની પદવી મેળવી એ તેમને વિશેષ ભૂષણાસ્પદ છે. ડીક્ષનરી જેવું ભારતી કામ એક હાથે થવાથી તેમના જ્ઞાનતંતુ ઉપર ઘણું જ ખરાબ અસર થઈ; તેમને અપસ્માર (Appoplexy) નો રોગ થયો અને છેવટે ઈ. સ. ૧૯૦૬ની ૪થી એપ્રિલ બુધવારે (ચૈત્ર શુદ ૧૦ ને દિવસે ) સવારમાં કલાક ૧-૪૫ મિનિટે તેમનું દેહાવસાન થયું.

પ્રાર્થના સમાજના તેઓ ઘણા ચુસ્ત અનુયાયિ હતા. તેઓ વિરમગામ હતા ત્યારે તેમણે રા. બા. લાલશંકરભાઈની મદદથી પ્રાર્થનાસમાજ સ્થાપ્યો; તે હજુ ત્યાં ચાલુ છે. સમાજમાં તેઓ ઘણીવાર ઉપદેશ કરતા તેમજ વાર્ષિકોત્સવ વખતે પુરાણ વાંચતા.

સંસાર સુધારાના સંબંધમાં તેઓ સુધારાવાદી હતા. લોક રૂઢિને ચુસ્ત રીતે વળગી ન રહેતાં હાલના કાળને અનુસરીને લોકોએ પોતે રૂઢિ પાળવી જોઈએ એવો તેમનો મત હતો. હાલના જમાનાની આગળ કે જ્યાં દિનપ્રતિદિન નવી શાસ્ત્રીય શોધો બહાર પડે છે અને લોકોની ઐહિક યાત્રા સુખકર થતી જાય છે, એવા જમાનાની આગળ, કૂપમંડુક જેવી સંકુચિત વૃત્તિથી દૃઢ થએલી સ્થાનિક રૂઢિઓ નાબુદ કરવી જોઈએ, એવું તેઓ ધારતા.

એલ્ફીન્સ્ટન કૉલેજમાં વિદ્યાર્થી તરીકે શીખતા હતા ત્યારથી ભાષાસાહિત્ય સંબંધી વિષયોનો તેમને ઘણો શોખ હતો. ગુજરાત પ્રાંતમાં પ્રથમ નોકરી મળી ત્યારથી ગુજરાતી ભાષાનું બીજી ભાષાઓ સાથે (સંસ્કૃત અને મરાઠી) ઘણું જ મળતાપણું છે એમ માલમ પડવાથી ગુજરાતી ભાષાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધ્યયન કરવા લાગ્યા, પહેલવહેલાં તો ગુજરાતી લોકોની મધ્ય વસ્તીમાં રહીને જે કાંઈ નવાઈ જેવી કહેવતો શબ્દપ્રબંધો અને વાક્યો માલમ પડતાં તે પોતાની સ્મરણવહીમાં નેાંધ કરી રાખતા અને બીજી (એટલે મરાઠી, સંસ્કૃતમાં ) ભાષામાં તેવી જ કહેવતો, વાક્યો વગેરેની સાથે સરખાવતાં ભેદ માલમ પડે તો તે ભેદ શાથી થયો, તેનું બીજા સાથે વિવેચન કરતા.

અમદાવાદ હાઈસ્કુલમાં હતા ત્યારે રા. રા. અમીધર રણછોડજી દેસાઈ અને રા. રા. તાપીશંકર પ્રાણશંકર દવે તરફથી વિવેચન કરવામાં મદદ મળતી.

મરાઠી ભાષામાં એકે પુસ્તક પ્રસિદ્ધ કર્યું નથી. સ્વાભાવિક રીતે મરાઠી ભાષામાં લખવા કરતાં ગુજરાતી ભાષામાં ગ્રંથો લખવા તરફ તેમની વધારે પ્રવૃત્તિ હતી. System of Government of India નું પુના મેલ ટ્રેનીંગ કૉલેજના આસિસ્ટંટ માસ્તર મી. વિષ્ણુ વાસુદેવ નાટેકરે મરાઠીમાં કર્યું છે.

આ સિવાય તેમણે ઉર્દૂ, લેટિન અને ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો હતો. અસાધારણપણે બીજા વિષયો કરતાં ભાષા વિષય તરફ વધારે લાગણી હતી.

તેમણે મરાઠી ભાષાની કેન્ડી અને મોલ્સ્વર્થની ડીક્ષનરીઓની સુધારા વધારા સાથે બીજી આવૃત્તિ છપાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેને માટે તે વખતના કેળવણી ખાતાના વડા મી. જાઈલ્સે જોઈતા શબ્દો, વાકયો ઈત્યાદિનો સંગ્રહ કરવાનો મધ્યવિભાગના મરાઠી શાળાના માસ્તરોને હુકમ કર્યો હતો; અને તે પ્રમાણે મી. હરિશંકર પાઠકને કેટલાંક manuscripts મળ્યાં છે. તેને માટે મરાઠી લેખકોની એક કમિટિ નીમાઈને તેના મેનેજીંગ એડિટર કૈલાસવાસી મલ્હારરાવ હતા.

: : એમની કૃતિઓ : :

(૧) હિન્દુસ્તાનની રાજ્યપદ્ધતિ
(૨) System Of Government In India.
(૩) Any-Eng. Dictionary (2 Volumes).
(૪) Dr. Bhandarker’s Sanskrit First Book In Gujarati.
(૫) Translation Into Guajrati Of R. S. Tarkhandker’s Marathi Translation Series (In 3 parts)
(૬) સ્વાતંત્ર્ય