ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/સર. રમણભાઈ મહીપતરામ નીલકંઠ
સુરતના વડનગરા નાગર બ્રાહ્મણ નીલકંઠ મહેતાએ નવાબના કારભારી તરીકે સારી નામના મેળવેલી. ત્યારથી એમના વંશજ નીલકંઠ મહેતાના ઉપનામથી ઓળખાય છે. એજ કુટુંબમાં રા. સા. મહીપતરામનો જન્મ થયેલો. સૌ કોઈ કાળુ પાણી-દરિયો-ઓળંગવાને ડરતું અને નાતને વળી ત્રાસ, તેવે વખતે શિક્ષણ પદ્ધતિનું નવું જ્ઞાન અને વિશેષ અનુભવ લેવાને તેમણે ઈંગ્લાંડ જવાનું સાહસ ખેડેલું. એ રીતે પરદેશગમનનું દ્વાર ગુજરાતીઓ માટે ખુલ્લું કરી આપવાનું માન તેમને ઘટે છે. પણ તેના કરતાંએ કેળવણીકાર તરીકે તેમની પ્રસિદ્ધિ અને કીર્તિ જાદે છે. ખરી રીતે ગુજરાતમાં કેળવણીનું વૃક્ષ તેમણે જ ઉછેરી પોષેલું, જેનાં મિષ્ટ ફળ આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ. તેમના હાથ નીચે શિક્ષણ લીધેલા સેંકડો સ્કૉલરો અદ્યાપિ તેમના પ્રતિ ગુરૂભક્તિ દર્શાવી તેમનું પ્રેમપૂર્વક સ્મરણ કરે છે.
પોતે કેળવણી અને જ્ઞાનનાં સારાં અને સુંદર પરિણામ જોયેલાં તેથી જનતામાં તેનો બને તેટલો પ્રચાર કરવાને તેઓ યથાશક્તિ યત્ન કરતાં હરકોઈ સાર્વજનિક હિલચાલમાં તેઓ જોડાતા. ઘણાં વર્ષો સુધી તેઓ “ગુજરાત વર્નાકયુલર સોસાઈટી ” ના ઑનરરી સેક્રેટરી રહ્યા હતા. વળી “અમદાવાદ પ્રાર્થના સમાજ” સ્થાપવામાં પણ તેમણે આગળ પડતો ભાગ લીધેલો. એમનાં પત્ની પાર્વતીકુંવર પણ એટલાં સુશીલ અને પ્રેમાળ હતાં. અને પોતાના પતિ સાથે તેઓ પણ જાહેર હિલચાલમાં રસ લેતાં. એમના ગુણોનું સુંદર વર્ણન સ્વ. કવિ. ગણપતરામે તેમના પાર્વતીકુંવર ચરિત્રમાં કર્યું છે. એવાં પુણ્યશાળી બાઈના પેટે જન્મ લેવો એ પણ એક સદ્ભાગ્ય છે.
સન ૧૮૬૮ ના માર્ચની ૧૩મી તારીખે રા. બા. રમણભાઈનો જન્મ થયો હતો. તેઓ રા. સા. મહીપતરામના ત્રીજા-સૌથી ન્હાના-પુત્ર હતા. તાજુબીભરેલું તો એ છે કે ચાર વર્ષની છેક કાચી વયે, કેળવણી શાસ્ત્રમાં નિષ્ણાત એવા રા. સા. મહીપતરામે, તેમને-રમણભાઈને-પ્રાથમિક શિક્ષણ આપવું શરૂ કરેલું. આઠ વર્ષની વયે તો તેઓ ઇંગ્રેજી વર્ગમાં દાખલ થયેલા અને પંદરમે વર્ષે સન. ૧૮૮૩ માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા અમદાવાદ વિભાગમાં સૌથી ઉંચે નંબરે પાસ કરેલી. યુનિવરસિટિની પરીક્ષામાં ફત્તેહમંદ નિવડતાં તેઓ સન. ૧૮૮૪ માં ગુજરાત કૉલેજમાં જોડાયા; એક સ્કૉલરશીપ પણ મળી. પણ તે વખતે મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં પ્રિન્સિપાલ વર્ડઝવર્થનું આકર્ષણ જબરું હતું; તેથી બીજે વર્ષે અહિંની શિષ્યવૃત્તિનો લાભ છોડીને તેઓ એલ્ફીન્સ્ટન કૉલેજમાં ગયેલા.
નબળી તબીયતને લીધે ૧૮૮૬ માં છ માસ સુધી તેમણે અભ્યાસ શિથિલ કર્યો તે પ્રસંગે તેઓ પાછા ગુજરાત કૉલેજમાં થોડો વખત આવેલા પણ બી. એ; ની છેવટની પરીક્ષા તો તેમણે સન. ૧૮૮૭ માં એલ્ફીન્સ્ટન કૉલેજમાંથી જ પાસ કરેલી. આપણા ઘણાખરા દેશનેતાએ પોતે એલ્ફીન્સ્ટોનીઅન હોવા માટે મગરૂરી લે છે, તેમ રા. બા. રમણભાઈ પણ પ્રિન્સિપાલ વર્ડઝવર્થના હાથ નીચે શિક્ષણ અને તેમનો ચાહ સંપાદન કરવાની સાથે એક એલ્ફીન્સ્ટોનીઅન તરીકે પોતાનો હક-Privilege-નોંધાવી શકે. બી. એ; માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર એમનો ઐચ્છિક વિષય હતો. એમ. એ; માં તત્ત્વજ્ઞાન લઈને બેસવાની તેમની ઉમેદ હતી પણ તે બર આવેલી નહિ. તેમના સહાધ્યાયીઓમાં સર મનુભાઈ નંદશંકર મહેતા, મણિશંકર રત્નજી ભટ્ટ અને પ્રો. કાશીરામ સેવકરામ દવે એઓ મુખ્ય હતા. પ્રો. બલવન્તરાય તો તેમની એક વર્ષ આગળ હતા. છતાં એ ગુજરાતી મંડળીએ કૉલેજમાં ગુજરાતી એલ્ફીન્સ્ટન સભા’ સ્થાપેલી જેમાં રા. બા. રમણભાઈએ ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ વિષે વ્યાખ્યાન આપેલું, જે હજી પણ મનનીય માલુમ પડશે.
સન ૧૮૮૯ માં તેઓ એલએલ. બી; થયા. એજ વર્ષમાં એમના લગ્ન, જાણીતા સુધારક સરદાર ભોળાનાથ સારાભાઈનાં દોહિત્રી, વિદ્યાગૌરી સાથે થયાં. એમનું પહેલું લગ્ન સુરતમાં સન ૧૮૮૪માં થયેલું પણ પહેલાં પત્ની સન ૧૮૮૮ માં સ્વર્ગસ્થ થયેલાં.
એમ. એ; ના અભ્યાસ માટે પ્રયત્ન જારી રાખ્યો હતો. તે દરમ્યાન અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના હેડ ક્લાર્ક અને કલાર્ક ઓફ ધી કોર્ટ (શિરસ્તેદાર) નિમાયા. તે પછી એલએલ. બી; થઈને એક માસ અમદાવાદમાં સબજડજ નિમાયા, અને તે પૂર્વે સન. ૧૮૯૧ માં રા. સા. મહીપતરામભાઈ કોલેરાના એકાએક ભોગ થઈ પડયા, એ દુઃખદ બનાવ પછી અમદાવાદ છોડવું તેમને ગમ્યું નહિ અને તેથી અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાંની નોકરી સને ૧૮૯૭ માં છોડી અને વકીલાત કરવા માંડી. આ પછી તેમની સબ જડજ તરીકે ગોધરે નિમણુંક થઈ પણ તેમણે તે તેની ના પાડી. આજે એક બાહોશ અને આગેવાન વકીલોમાં તેમની ગણના થાય છે. કેટલાક માને છે કે એક સબજડજ તરીકે તેઓ ચાલુ રહ્યા હોત તે તેમની કારર્કિદી કંઈ જૂદું જ રૂપ લેત. તેઓ સાહિત્યના ક્ષેત્રમાં વિશેષ ફાળો આપી શકત; પણ એ પ્રશ્નની ચર્ચામાં આપણે અહિં નહી ઉતરીએ. સને ૧૮૮૮ માં બ્રાહ્મણોમાં પ્રચલિત વિવાહપદ્ધતિનું (મંત્રો, આચારની ક્રિયાઓ અને ભાષાન્તર સાથેનું) ‘વિવાહ વિધિ’ નામે પુસ્તક તેમણે બહાર પાડ્યું.
સન ૧૮૮૭ માં બી. એ; ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી “પ્રાર્થના સમાજ” તરફથી પ્રસિદ્ધ થતા માસિક ‘જ્ઞાનસુધા’ નું તંત્રીપદ તેમણે સ્વીકાર્યું; જે પદે સન ૧૯૧૮ માં એ પત્ર બંધ થતાં સુધી કાર્ય કર્યું. ગુજરાતી માસિક સાહિત્યમાં ‘જ્ઞાનસુધા’ નો ફાળો કિંમતી છે; તેમાં રમણભાઈના વ્યક્તિત્વની છાપ સ્પષ્ટ માલુમ પડી આવે છે, બલ્કે રમણભાઈ એજ ‘જ્ઞાનસુધા’ એમ આપણે કહી શકીએ.
વળી વસન્તના તંત્રી તરીકે તેમણે બાર વર્ષ કાર્ય કર્યું તેની નોંધ તે પદ ફરીને સ્વીકારતાં પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવે નીચેના શબ્દોમાં લીધી હતી, તે અત્રે ઉતારવી પ્રસંગોચિત થઈ પડશે.
“પ્રભુએ આ જીવનમાં મને મ્હોટામાં મ્હોટું સુખ આપ્યું છે તે મિત્રોનું છે. ખરે અણીને વખતે ભાઈ રમણભાઈને પ્રેરણા થઈ કે વસન્તનો સઘળો ભાર એમણે પોતે ઉપાડી લેવો. અને મને ઉપર કહેલી ચિન્તાથી મુક્ત કરવો. રા. રમણભાઈએ તે પ્રમાણે મને સુચના કરી, અને ઉપકારથી ઊભરાતા આર્દ્ર હૃદયે એ મેં સ્વીકારીઃ અને વસન્ત તે દિવસથી રા. રા. રમણભાઈના તન્ત્રીપદ નીચે મૂકાયું. આ ગઈ કાલની વાતને આજ બાર વર્ષ થયાં; ગંગાનાં નીર કેટલાંએ વહી ગયાં !
સહુને જાણીતું છે કે રા. રમણભાઈની લોકસેવા સર્વતોમુખી હોઈ એમને સાહિત્ય ક્ષેત્રમાં કાર્ય કરવાનો થોડો જ વખત મળે છે. તથાપિ એમના જીવનની ધન્યતા, એમના સુખી કૌટુમ્બિક જીવનની પછી બીજે દરજ્જે, સાહિત્યની સેવામાં જ એ માને છે. એમના અસંખ્ય વ્યવસાયોમાંથી સમય કાઢી એમણે આ પત્રના તન્ત્રી તરીકે જે કામ કર્યું છે. તે માટે જેમ હું એમનો ઉપકૃત છું તેમ ગુજરાત પણ એમનું આભારી છે. સમય થોડો મળવાથી એ આ પત્રમાં બહુ લખી શકતા નહોતા, પરંતુ જ્યારે જ્યારે એમણે લખ્યું છે ત્યારે ત્યારે ઉત્તમ જ લખ્યું છે, અને ગૂજરાતના સાહિત્યના ઉત્કર્ષ ખાતર હું એમને સવિનય પ્રાર્થના કરું છું કે વસન્તનુ’ તન્ત્રીપદ છોડયા પછી પણ વસન્ત પ્રત્યે મમત્વ ધરાવજો, અને તમારા સુન્દર અને વિચારભર્યા લેખોથી એનાં પાનાં દીપાવજો.”
[ વસન્ત વર્ષ ૨૩, અંક ૧ માઘ, સંવત ૧૯૮૦.]
આ પ્રમાણે એક સમર્થ વિવેચક તરીકે તેમણે સારી પ્રતિષ્ઠા મેળવી આપણા વિવેચન સાહિત્યમાં મેકોલેના નિબંધોની પેઠે પાછળથી “કવિતા અને સાહિત્ય” એ નામથી પ્રસિદ્ધ થયેલો તેમના એ લેખોનો સંગ્રહ કાયમ ઉપયોગના એક શિષ્ટ ગ્રંથ તરીકે બહુ ઉંચું સ્થાન ભોગવે છે.
‘જ્ઞાનસુધા’ નું તંત્રીપદ તેમનો ઓછો સમય લેતું નહિ, છતાં તે સાથે અન્ય સાહિત્ય સેવા ચાલુ હતી. આપણાં કેટલાંક સામાજિક રૂઢિબંધનો અને જ્ઞાતિના રીતરિવાજો નિરર્થક અને નડતરરૂપ થઈ પડેલા છે તે નિર્મૂળ કરવાને સખ્ત ઉપાય લેવાની જરૂર તેમણે જોઈ; પણ તે કાર્ય ઉપદેશ કે ઠરાવથી ઝટ થઈ શકે તેમ નથી. તે માટે પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે તેમ satire-કટાક્ષમય-લખાણ એજ ઉત્તમ શસ્ત્ર છે અને આપણી ખાત્રી થઈ છે કે “ભદ્રંભદ્રે” ધાર્યું કાર્ય સિદ્ધ કર્યું છે. સન ૧૯૦૦ માં તે પ્રસિદ્ધ થયું ત્યારે સમાજમાં સહેજ ખળભળાટ થયો હતો પણ હવે સૌ કોઈ તે પુસ્તકની યથાર્થતા અને ઉપયોગિતા જોઈ શકયું છે; પણ તે સાથે એટલું કહેવું પડશે કે ગુજરાતી સાહિત્યમાં એવું બીજું એકે પુસ્તક હાસ્યરસ અને કટાક્ષમય સાહિત્યનું આપણને મળ્યું નથી. ડિકન્સના ‘પિકવિક’ ની પેઠે " ભદ્રંભદ્ર ” પણ આપણા જીવનમાં એક જીવંત પાત્ર થઈ પડયું છે, એ કર્તા માટે ઓછું માનાસ્પદ નથી.
તે પછી લાંબે ગાળે છેક સન ૧૯૧૪ માં આપણને રમણભાઈ પાસેથી “રાઈનો પર્વત" એ નામનું એક નવીન નાટક મળ્યું, આપણે અહિં સ્વતંત્ર નાટકનાં પુસ્તકો ગણત્રીબંધ છે, છતાં જે છે તેમાં “રાઈનો પર્વત’ બહુ ઉંચી કોટીનું ગણાયું છે અને અન્ય ભાષાના ઉંચી પ્રતિના નાટ્ય સાહિત્ય સાથે તે હરીફાઈમાં ઉભું રહી શકે એટલું ઉત્તમ છે.
દરમિયાન રા. જીવનલાલ અમરશી મહેતાએ તેમની જ્ઞાનવર્ધક ગ્રંથમાળામાં તેમના હાસ્યરસના લેખોનો સંગ્રહ “હાસ્યમંદિર” એ નામથી બહાર પાડ્યો. હાસ્યરસ જમાવવામાં તેઓ કેટલા કુશળ છે અને કેવા સફળ નિવડ્યા છે તે પ્રસ્તુત પુસ્તકના વાચક સારી રીતે જોઈ શકશે. તેમાં હાસ્યરસ વિષેનો સ્વતંત્ર લેખ તો તે વિષેના ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ જ લેખાય. સૌ. વિદ્યાગૌરીના હાસ્યરસમય લેખોનો એ ગ્રંથમાં સમાવેશ થયેલો છે.
સન ૧૯૦૪ માં અમદાવાદમાં “ગુજરાત સાહિત્ય સભા” પ્રથમ સ્થાપવામાં આવી; રા. બા. રમણભાઈને તેના પ્રમુખ નિમવામાં આવ્યા; તેમનો એ સંબંધ હજુ ચાલે છે. સન ૧૯૦૫ માં પહેલી સાહિત્ય પરિષદ મળી ત્યારે સત્કાર કમિટીના અધ્યક્ષ તરીકે એક વિચારપૂર્ણ ભાષણ તેમણે આપ્યું હતું બીજી સાહિત્ય પરિષદમાં "અલંકાર શાસ્ત્ર" વિષે, ત્રીજી સાહિત્ય પરિષદમાં “ગુજરાતી ભાષાના આરંભ” વિષે, ચોથી સાહિત્ય પરિષદમાં “ગુજરાતી બંધારણ” વિષે, પાંચમીમાં લેખ મોકલી શકેલા નહિ ૫ણુ મહોડે ચર્ચા કરેલી. ત્યારે છઠ્ઠી પરિષદમાં બે નિબંધો ‘ગુજરાતી અને મારવાડી ભાષાનું સગપણ” અને (૨) જીપ્સી અને ગુજરાતી ભાષાઓામાંના સામાન્ય અંશ” વિષે લેખો લખેલા, તે ઉપરાંત સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે એક વિદ્વતાપૂર્ણ ભાષણ પણ આપ્યું હતું. સાતમી પરિષદમાં તેમણે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વિવેચન અંશ વિષે ચર્ચા કરી હતી. આ પ્રમાણે પરિષદની બની શકે તેટલી સાહિત્ય સેવા કરવાનું તેઓ ચૂક્યા નથી; અને પરિષદના એક મંત્રી તરીકે પણ તેને સ્થાયી અને વ્યવહારૂ સ્વરૂપ આપવાને હમેશ પ્રયત્નશીલ રહ્યા છે.
‘સાહિત્ય સભા’ અને ‘સાહિત્ય પરિષદ,’ એ સર્વ સાથે આપણે ઉપર જોયું કે તેમનો સંબંધ બહુ નિકટ અને ગાઢ છે અને તે પાછળ તેઓ પોતાનો કેટલો સમય વ્યતીત કરે છે, તે પાછળ જે શ્રમ ઉઠાવે છે, તેનો પુરતો ખ્યાલ તેમની સાથે કાર્ય કરનારાઓને જ આવી શકે એમ છે.
રા. સા. મહીપતરામના સમયથી રા. બા. રમણભાઈનું કુટુંબ એક સુધારક કુટુંબ તરીકે પ્રસિદ્ધ છે. રા. સા. મહીપતરામે માત્ર પરદેશગમનનું બીડું ઝડપીને સંતોષ માનેલો નહિ પણ આપણા સમાજમાં સુધારાનું કાર્ય આગળ વધારવાને અથાગ શ્રમ લીધેલો અને અહિં સંતોષપૂર્વક નોંધવું જોઈએ કે રા. બા. રમણભાઈએ એ કાર્ય ચાલુ રાખી, તેને વેગ વધારવામાં શરૂઆતથી અગ્રેસર ભાગ લીધો છે. “ગુજરાત સંસાર સુધારા મંડળ”ના તેઓ પ્રમુખ છે; ગુજરાતમાં એવું એકે પુનર્લગ્ન નહિં હોય કે જે તેમની મદદ વિના થયું હોય. “મહીપતરામ અનાથાશ્રમ,” “બ્હેરા મુંગાની શાળા” “પ્રાર્થના સમાજ" “રેડક્રોસ ” “ મદ્યપાન નિષેધક મંડળ” “ સ્ત્રી કેળવણ મંડળ,” “ નર્સિંગ એસોશિએશન,” “ મેડીકલ રીલીફ ફંડ,” વગેરે વગેરે મંડળો, જે સમાજસેવા અર્થે સ્થપાએલાં છે, તેના તેઓ મુખ્ય સંચાલક અને જવાબદાર કાર્યવાહક બનતા રહ્યા છે.
તેમનો સુધારો બહુ વ્યાપક, ભ્રાતૃભાવ, સમાનતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યના સિદ્ધાંતો પર બંધાયલે છે. "સ્ત્રીબોધ જ્યુબિલિ” પ્રસંગે ‘સુધારાની પદ્ધતિઓ ’ વિષેનું ભાષણ તેમ જ નડિયાદમાં ભરાયેલી “ગુજરાત સમાજ સુધારા પરિષદ” ના પ્રમુખ સ્થાનેથી આપેલું વ્યાખ્યાન, (સુધારાના ભાવનારૂપ સિદ્ધાંતો વિષેનું ) એ બન્ને આપણને વિચાર અને વિવરણ શૈલીમાં સ્વ. રાનડેના વાર્ષિક પ્રસ્તાવિક ભાષણોનું સ્મરણ કરાવે છે અને તે મૂળ સિદ્ધાંતો ચર્ચતા હોવાથી તેની અસર કાયમ રહેવાની. ખરી રીતે રા. બા. રમણભાઈએ સુધારાને જીવી જાણ્યો છે. સુધારાના સિદ્ધાંતોનો તેમણે માત્ર ઉપદેશ કર્યો નથી પણ તેને આચરણમાં ઉતારવા સતત પ્રયત્ન કરેલો છે; તદનુસાર પોતાનું કૌટુંબિક હિત ઘડ્યું છે. નહિ તો લગ્ન પછી હિન્દુ સંસારમાં સ્ત્રી-પત્ની, બારે વર્ષે ગ્રેજ્યુએટ થાય એ સંભવેજ કેમ ? જાતે ગ્રેજ્યુએટ થાય અને પોતાની પાછળ સ્ત્રી ગ્રેજ્યુએટોની ટુકડી ઉભી કરે એ શું ઓછું આશ્ચર્યજનક છે ! એ પ્રેમાળ જોડું આ૫ણા સામાજિક કાર્યોમાં રસપૂર્વક આગળ ૫ડતો ભાગ લે છે, અને સમાજે પ્રસંગોપાત કોન્ફરન્સ કે મેળાવડાઓમાં તેમને પ્રમુખપદે નીમી તેમની મહત્તા અને યોગ્યતા સ્વીકાર્યાં છે. થોડાજ વખતપર સૌ. વિદ્યાગૌરીને નામદાર સરકારે “કૈસરે હિંદ” નો રૂપાનો ચાંદ બક્ષ્યો તે પ્રસંગે તેમને અભિનંદન આપવાને જે જાહેર મેળાવડો અમદાવાદમાં થયો હતો, તેમાં જુદા જુદા અને ભિન્ન ભિન્ન કોમના વક્તાઓએ તેમની પ્રશંસામાં જે ઉદ્ગાર કાઢયા હતા તે તેમના પ્રત્યે જનતાની માન અને આભારની લાગણી અને લોકપ્રીતિ દર્શાવવાને પુરતા હતા.
ખાસ કરીને એઓએ એમના લગ્ન દિવસનો પચીસમો સૌભાગ્ય ઉત્સવ જાહેર રીતે ઉજવ્યો હતો, તે પ્રસંગે પ્રિન્સિપાલ આનંદશંકરે “ વસન્ત” માં તે બનાવની નોંધ લેતાં જે વિચાર દર્શાવ્યા હતા તે અત્રે ઉતારવા ઠીક થઈ પડશે:- “બંને દમ્પતી સર્વ વાતે સુખી છેઃ એક હૃદય સાથે, બંનેએ ઉત્તમ પ્રકારની કેળવણી પ્રાપ્ત કરી છે, અને એ કેળવણીને શોભા આપે એવો ઉત્તમ ગૃહસ્થાશ્રમ તેઓ ચલાવે છે. રા. રમણભાઈએ સાક્ષરતા ઉપરાંત લોકસેવાના જીવનથી રાજદરબારમાં માન અને પ્રતિષ્ઠા મેળવ્યાં છે. સૌ. વિદ્યા, ગંભીર વિદ્યાનો આનંદ લેવા ઉપરાંત, છોકરાં ઊછેરવાં અને એમને સારી કેળવણી આપવી-એ પ્રથમ અને પરમ ધર્મ બહુ સારી રીતે બજાવે છે, અને ગુજરાતમાં સ્ત્રી કેળવણીની ઉત્તમ ભાવના પોતાના દ્રષ્ટાન્તથી લોક આગળ સતત ઉપસ્થિત કરે છે.” (વસન્ત; વર્ષ ૧૩, અંક ૩ જો પૃ. ૧૩૮. )
રા. બ. રમણભાઈના સાર્વજનિક કાર્યોમાં અમદાવાદ મ્યુનિસિપાલેટી અને “ગુજરાત વર્નાકયુલર સોસાઈટી” એ મુખ્ય છે. સન ૧૮૯૮ થી તેએા અમદાવાદ મ્યુનિસિપાલેટીના સભાસદ છે તેના ચેરમેન તથા ઉપપ્રમુખ તરીકે પણ તેમણે કેટલોક સમય કામ કરેલું અને છેલ્લું બોર્ડ આવતા પૂર્વે તેઓ તેના પ્રમુખ ઘણા વર્ષોથી હતા. મ્યુનિસિપાલેટીના એકે એક ખાતાથી તેઓ સારી રીતે માહિતગાર છે અને એવું કોઈ મ્યુનિસિપલ વહીવટનું કાર્ય નહિ હોય કે જે એમની નજર બહાર હોય. એ કાર્યમાં તેમનો પુષ્કળ સમય જતો છતાં અન્ય રોકાણોને ગૌણ રાખીને, કર્તવ્ય બુદ્ધિથી તેમાં તે પ્રવૃત્ત રહેતા. તેથી મ્યુનિસિપલ બોર્ડનો તેઓ સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કરી શક્યા છે અને અત્યારે પણ દરેક મહત્ત્વના અને મુદ્દાના કાર્યમાં તેમની સલાહ અને સૂચના પ્રથમ લેવામાં આવે છે.
સોસાઈટીની વ્યવસ્થાપક સભાના સભાસદ તો જ્યારથી તેઓ જાહેર જીવનમાં જોડાયા ત્યારથી સન ૧૮૯૫ થી છે અને સન ૧૯૧૨ માં રા. બા. લાલશંકર માંદા પડયા ત્યારથી તો તેઓ ઑનરરી સેક્રેટરી છે. સોસાઈટીના કાર્યમાં એમની ઝીણવટ અને નજર બહુ ઉંડી ઉતરેલી છે પણ એ પ્રકરણ કોઈ અન્ય પ્રસંગે ચર્ચીશું. આ સિવાય તેઓ હિમાભાઈ ઈન્સ્ટીટ્યુટ, આપારાવ લાઈબ્રેરી અને લીબરલ લીગની અમદાવાદ શાખાના પ્રમુખ છે; ભોળાનાથ સારાભાઈ લીટરરી ઈન્સ્ટીટ્યુટ, નેસનલ ઈન્ડીયન એસોશિએશન ગુજરાત બ્રાન્ચ; લાલશંકર કેળવણી ફંડ, મુંગા પ્રાણી પ્રતિ ક્રૂરતા અટકાવનાર મંડળીના ઑનરરી સેક્રેટરી છે; અને એવી બીજી અનેક જાહેર સંસ્થાઓ સાથે એક વા અન્ય રીતે જોડાયેલા છે, જેમાં તેમની હાજરી અને સલાહ મદદગાર થઈ પડે છે.
એમનાં આ સાર્વજનિક કામોની કદર નામદાર સરકારે સન ૧૯૧૧ માં કોરોનેશન પ્રસંગે રા. બા. નો ઇલ્કાબ બક્ષ્યો હતો. તે વખતે એક નોંધવા જેવો બનાવ એ બન્યો હતો કે અમદાવાદના છાપખાનાવાળાઓ અને પત્રોએ તેમને એક માનપત્ર આપ્યું હતું. એવી સુંદર કદર સૌ. વિદ્યાગવરીને એમ. બી. ઈ. નો ઇલ્કાબ, અને “કૈસરે હિન્દ" ના ચાંદ મળ્યા, ત્યારે સમાજ તરફથી કરવામાં આવી હતી. એ બધું આપણા સમાજ જીવનમાં આગેવાન તરીકે જે ઉંચું સ્થાન એ બંનેએ પ્રાપ્ત કર્યું છે અને લોકોના વિશ્વાસ અને ચાહ સંપાદન કર્યો છે તેના સૂચક ચિહ્નરૂપ કહી શકાય.
પોતાની કૃતિયો કરતાં મનુષ્ય હંમેશ મહાન્ છે તેમ આ સર્વ કાર્યપ્રવૃત્તિની પાછળ રહેલી વ્યકિતનો—તેમના આત્માનો પરિચય કરવો, તેમના નિકટ સમાગમમાં આવવું એ પણ આપણે માટે ઈચ્છવા યોગ્ય અને શ્રેયસ્કર પ્રસંગ છે. રા. બા. રમણભાઈને મળવું એટલે સૌજન્યનો પ્રત્યક્ષ પરિચય થવો, ગમે તેવા ભારે કામમાં ગુંથાએલા હોય પણ સામા આવનાર મનુષ્યને તેઓ પાછો નહિ મોકલે, અને તેને કહેવાનું સાંભળી લેશે. એક પ્રસંગે એક મિનિટ કલાક જેટલી કિંમતી હતી. બીજે દિવસે વ્યાખ્યાન છાપીને મોકલી આપવાનું હતું. તે લખવા માટે એકાંત શોધી તેઓ બેઠા હતા. સૈા કોઈને આવવાની મના હતી. છતાં એક વયોવૃદ્ધ પુરૂષ તેમને મળવાને આવી પહોંચ્યા; તે રોકાયા રોકાય એવા નહોતા. તેમનું કામ પણ નજીવું હતું. તોપણ રમણભાઈએ પા કલાક સુધી તેમના મુખપર અણગમો કે કંટાળો બતાવ્યા વિના તેમની વાત સાંભળ્યા કરી અને તેમને સંતોષ આપીને જ વિદાય કર્યા. એમને રાગદ્વેષ હોય એવું કોઈને કહેતાં અમે સાંભળ્યા નથી. તેમનો કટ્ટો વિરોધી પણ કોઈ ગુંચભરેલા પ્રશ્ન વિષે તેમની સલાહ કે અભિપ્રાય લેવાને આવે, તોપણ તેઓ તેને ખરો માર્ગ જ બતાવવાના. કોઈનું અહિત કદી ઈચ્છવાના નહિ. એક મિત્રે તો તેમને અજાતશત્રુ કહ્યા છે અને આપણા આગેવાનોએ એ ગુણ અવશ્ય કેળવવા જેવો છે. ક્રોધ તે તેમણે કદી કરી જાણ્યો નથી, ક્ષમાવૃત્તિ અને દયા એજ તેમનું સાચું ભૂષણ છે.
પ્રમાણિકપણું અને સચ્ચાઈ તો રા. સા. મહીપતરામભાઈ તરફથી એમને વારસામાં ઉતરેલાં છે. એવું સાંભળ્યું છે કે એક વખતે તેમના નોકરે ઘરમાંથી ચોરી કરી, રા. બા. રમણભાઈએ તેને ચોરી કરતાં જ પકડ્યો. તેને પોલીસને સોંપતા કે બીજી સજા ન કરતાં એટલું જ કહ્યું કે જા, તને કહાડી મૂકું છું. તારું મ્હોં બતાવતો નહિ. હું કોઈ દિવસ કોઈનું હરામનું લેતો નથી.
વળી અમદાવાદ પ્રાર્થના સમાજમાંના તેમનાં વ્યાખ્યાન તેમની ભક્તિમત્તા તથા ઈશ્વરપરાયણતા પ્રકટ કરે છે.
આમ નીતિના તથા ભક્તિના સિદ્ધાંતો પરજ તેમનું આખું જીવન ઘડાયું હતુ નીતિ તથા ભક્તિને જ તેઓ સર્વોપરિ અને સર્વસ્વ માનતા અને વળી એ પ્રમાણે તેઓ વર્તતા.
સન ૧૯૨૬ માં તેઓ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ-મુંબઈના પ્રમુખપદે નિમાયા હતા; તે પછી એમની તબીયત એવી લથડી ગઈ હતી કે તેઓ જાહેર કામકાજમાં ભાગ લેવાને અશક્ય બન્યા હતા. નામદાર સરકારે એમની અનેક પ્રકારની સેવા કદર કરી સન ૧૯૨૮ માં “સર” નો માનવંત ઈલ્કાબ બક્ષ્યો હતો પણ તે માન ભોગવવા તેઓ ઝાઝું જીવ્યા નહોતા. તા. ૬ ઠ્ઠી માર્ચ ફાગણ વદ એકમના દિવસે તેમણે આ ક્ષણભંગુર દેહ છોડ્યો હતો.
: : એમની કૃતિઓ : :
- (૧) રાઈનો પર્વત
- (૨) ભદ્રંભદ્ર
- (૩) કવિતા ને સાહિત્ય પુ. ૧-૪
- (૪) વાક્ય પૃથકકૃતિ અને નિબંધ રચના.
- (૫) ધર્મ ને સમાજ પુ. ૧-૨
- (૬) વિવાહવિધિ.
- (૭) ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ.