ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/દી. બા. રણછોડભાઈ ઉદયરામ દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રણછોડભાઈ ઉદયરામ દવે.

એઓ જ્ઞાતે બાહ્ય ખેડાવાળ બ્રાહ્મણ, નડિયાદ પાસે મહુધાના વતની; એમનો જન્મ ૧૦ મી ઑગષ્ટ સન ૧૮૩૭, શ્રાવણ સુદી ૮, સંવત ૧૮૦૪ ના રોજ થયો હતો. એમનું લગ્ન બેવાર થયું હતું: બીજીવારનું ઉમરેઠમાં. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લીધેલું, દી. બા. મણિભાઈ જશભાઈ એમના સહાધ્યાયી હતા. મી. ગ્રેહામ પરીક્ષા લેવા આવેલા તેઓ રણછોડભાઈના અભ્યાસથી પ્રસન્ન થયેલા; અને પોતાની સાથે સુરત અંગ્રેજીનો અભ્યાસ કરવા લઈ જવા ઈચ્છા દર્શાવેલી; પણ કુટુંબીજનો તેમને દૂર મોકલવા ખુશી નહોતા તેથી તેઓ નડિયાદમાં દેશાઈજી વિહારીદાસે તેમના જ્યેષ્ટ પુત્ર સારૂ અંગ્રેજી શિક્ષક રાખ્યો હતો તેની પાસે અભ્યાસ કરવા આવ્યા. અહિં રા. હરિદાસ વિહારીદાસ તથા રા. મનઃસુખરામ સૂર્યરામ એઓ સાથે તેઓનો સ્નેહ સંબંધના બંધનથી બંધાવાનો આરંભ થયો ત્યાંથી એ ત્રણે જણા, અધિક અભ્યાસ કરવા, પ્રથમ ખેડે અને પછીથી ઇ. સ. ૧૮૫૭ માં અમદાવાદ ગયા. ત્યાં તેઓ, રા. છોટાલાલ સેવકરામ, દિવાન બહાદુર અંબાલાલ સાકરલાલ, સ્વ. રા. મોતીલાલ લાલભાઈ આદિ સાથે પ્રથમ પરિચયમાં આવ્યા. અમદાવાદ હાઈસ્કુલનું શિક્ષણ પૂરું કરી ‘લૉ કલાસમાં’ તેઓએ જવા માંડ્યું. તેઓના હૃદયમાં અંતર્હિત રહેલી કવિતા રચવાની તથા નિબંધ આદિ લખવાની શક્તિના અંકુર તો તેઓ નડિયાદમાં હતા તે સમયથી જ ફૂટવા લાગ્યા હતા. તે શક્તિનો વિશેષ વિસ્તાર થતાં કાયદો શિખતાં શિખતાં તત્કાલીન ઉપયોગી વિષયો વિષે નિબંધો લખવામાં અને કવિતા રચવામાં તેમણે અવકાશના સમયનો સદુપયોગ કરવા માંડ્યો. તે ઉપરાંત પ્રથમથી સ્થપાએલી ‘વિદ્યાભ્યાસક મંડલિ’ ભગ્નપ્રાય સ્થિતિમાં આવી પડી હતી, તેનો પુનરુદ્ધાર કરી તેના મંત્રીનું કાર્ય પણ તેઓ બહુ કુશળતાથી કરતા હતા. લૉકલાસના શિક્ષણની સમાપ્તિ થયા પછી, રા. રણછોડભાઈનો નિયોગ, ગૂજરાત વર્નાકયુલર સોસાઈટી તરફથી પ્રગટ થતા માસિકપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ના તન્ત્રીરૂપે થયો. એઓનું વિદ્યાવિલાસીપણું તથા નિપુણતા જોઈ પ્રસન્ન થતા મિ. કર્ટિસ અને સર. થિયોડર હોપ એમના ઉપર બહુ મમતા રાખતા હતા, તેમાં પણ થિયોડોર હો૫ એમના સાહિત્યમાં એટલો તો આનંદપ્રયુક્ત (Interest) લેતા હતા કે, ‘ગુજરાતી વાચનમાળા’ની રચના સંબંધમાં કેટલાએક ભાગમાં એમણે રા. રણછોડભાઈની સલાહ અને સહાયતા લીધી.

મિ. કર્ટિસે પોતાના લેખમાં લખ્યું હતું કે ઉત્તમ ગુજરાતી ગ્રંથકારોની પંક્તિમાંના એક ગ્રંથકાર, રા. રણછોડભાઈ થશે. મિ. કર્ટિસની એ ભવિષ્યવાણી રા. રણછોડભાઈએ સિદ્ધ કરી. મિ. ફાર્બ્સના મનમાં આમ હતું કે ‘રાસમાળા’નું ગુજરાતી ભાષાન્તર કોઈ સારા વિદ્વાનના હાથથી થાય; અને તેને માટે સર થિયોડોર હોપની સલાહ લેતાં તેએાએ, મિ. ફોર્બ્સને રણછોડભાઈનું નામ આપી કહ્યું કે એ કામને માટે યોગ્ય માણસ રણછોડભાઈ છે; તેથી રણછોડભાઈ જો એ કામ માથે લેશે તો બરાબર પાર ઉતારશે. તે સમયે મિ. ફાર્બ્સ મુંબઈની હાઈકોર્ટના જજ હતા અને સ્વર્ગસ્થ ગોપાળરાવ હરિ દેશમુખ અમદાવાદમાં આ. જજના હોદ્દા ઉપર હતા. મિ. ફાર્બ્સે સ્વ. ગોપાળરાવની મારફત રણછોડભાઈને પોતાની પાસે બોલાવી લેવાની પેરવી કરી. પરંતુ અભ્યાસમાં વિક્ષેપ પડે તેમજ તે ગ્રંથ સંબંધમાં ગુજરાતમાં ફરીને માહિતી મેળવવાની અગત્ય છે, એ આદિ વિચારથી એ સમયે તે કામ રા. રણછોડભાઈ સ્વીકારી શક્યા નહિ.

ત્યાર પછી અમદાવાદમાં સરકારી રેવન્યુ ખાતામાં ત્યાંના કલેકટરની એફિસમાં રા. રણછોડભાઈ જોડાયા. પછી મિ. પીલ આ. રેવન્યુકમિશનર નિમાયા. અને જાગીરો તથા ગરાસખાતા સંબંધીનું કામ કરવા ગૂજરાતમાં ફરતા હતા તેમની પાસે રણછોડભાઈની યોજના થઈ. તે સમયે મિ. પીલે રાસમાળાના પ્રથમ ભાગનું પુસ્તક રા. રણછોડભાઇના હાથમાં મૂક્યું, અને તેનું મનન કરવાની ભલામણ કરી. પછી મિ..રીચી નીમાયા તેમની સાથે ૫ણ તેઓ ગૂજરાતમાં ફર્યા. તો પણ તેઓની હકુમતમાં નહિ એે ગૂજરાતનો ઘણો ભાગ રહી ગયો. આ સમયે મિ. કર્ટિસ ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર હતા, તથા તેમની મમતા રણછોડભાઈ ઉપર બહુ હતી. તેથી તેઓ મિ. કર્ટીસ પાસે રહી આખી ગૂજરાતમાં ફર્યા. આ પ્રમાણે મેળવેલું જ્ઞાન, મી. ફાર્બ્સ સાહેબની મૂળ ઈચ્છાનુસાર પછવાડેથી રાસમાળાનું ભાષાન્તર કર્યું તેમાં ઉપયોગી થયું. મિ. ફાર્બ્સે રાસમાળા લખ્યા પછી, ઘણા ઐતિહાસિક વિષયો પ્રકાશમાં આવ્યા તે સર્વને ઉપયોગમાં તેમણે ગૂજરાતી નવી આવૃત્તિમાં બહુ શ્રમ લઇને કર્યો છે.

થોડા સમય પછી અમદાવાદના અગ્રણી વ્યાપારી બેહેચરદાસ અંબાઈદાસની વતી મુંબઈમાં મેસર્સ લૉરેન્સની કુંપનીમાં યોજાયાથી એઓ મુંબાઈ આવ્યા. તે સમયે શેર સટ્ટાનો વા વાતો હતો અને બજાર અસ્થિર રહેતું હતું. ભૂખના દુઃખથી મરતા ઘણા નિર્ધનો સુખશય્યામાં પોઢનાર ધનવાન બન્યા હતા, તેમ જ રાજાના જેટલી સુખસાહેબી ભોગવનાર ઘણા શેઠશાહુકાર, રંકદશા પામ્યા હતા. આવા સૂક્ષ્મ સમયમાં પણ, દીર્ધદક્ષતા, સમયસૂચકતા, પ્રાપ્ત પ્રસંગે પ્રયત્ન, સંધિ સમયમાં સ્થિરતા, વ્યવહારકુશળતા, અને સાવધાનતા આદિ એક વ્યાપારીને યોગ્ય ગુણોથી યુક્ત એવા રણછોડભાઈએ તે શેઠના વ્યાપારની તથા કુંપનીએ સોંપેલા કામની એવી યથાયોગ્ય વ્યવસ્થા કરી હતી કે ઉભયમાંથી કેઈને વિઘ્ન આવ્યું ન હોતું. ત્યારપછી તેમને ગોંડલના રાજ્યના પ્રતિનિધની જગ્યા મુંબાઈમાં આપવામાં આવી; અને ત્યારપછી ઉત્તરોત્તર પાલણપુર તથા ઈડરના પ્રતિનિધિરૂપે ૫ણુ તેમનો નિયોગ થયો હતો.

આથી તેઓનું મુંબઈમાં બહુ વસવું થતાં, તેઓને રા. મનસુખરામ સાથે અધિક સહવાસ રહેતો હતો; અને ઉભય વચ્ચે સ્થપાયેલી અનન્ય-મૈત્રીને લીધે તેઓને જવું આવવું પણ સાથેનું સાથે જ થતું. એથી લોકોમાં એઓ પરસ્પરના ઉદ્બોધક થયા હતા.

પ્રામાણિક, ન્યાયાચારી, વ્યવહારકુશળ, ગુણવાન, બુદ્ધિમાન અને વિદ્વાન નરરત્નોને પોતાના રાજ્યમાં સંગ્રહવાના ઉચ્ચ અભિલાષવાળા શ્રી કચ્છનરેશ મહારાજાધિરાજ મહારાવ શ્રી ૭ ખેંગારજી સવાઈ બહાદુરે, સ્વ. મણિભાઈ જસભાઈ તથા રા. મનઃસુખરામની સૂચના ઉપરથી રા. રણછોડભાઈને પોતાની પાસે ‘હુઝુર એસીસ્ટંટ’ નું માનદપદ ઈ. સ. ૧૮૮૪ માં આપ્યું. પ્રામાણિકતા, ઉત્સાહ, ઉદ્યોગ, તથા રાજ્યનીતિને યોગ્ય દક્ષતાથી રાજા-પ્રજા ઉભયનું મન રંજન કરી આ પદ ઘણાં વર્ષ સુધી તેઓએ ઘણું માનસહ ભોગવ્યું.

મહાન માણસોને મન વિષયાંતર અથવા વિષયનો ભેદ એ જ આરામસ્થાન છે. એમને એક કાર્યના શ્રમથી શ્રાન્ત થઈ વિશ્રાન્તિ લેવા લાંબા થઈ સૂવું ૫ડતું નથી.

તે પ્રમાણે રા. રણછોડભાઈ વ્યવહારકાર્યથી થએલા શ્રમનું નિવારણ વિદ્યાવિહારમાં સરસ્વતીની સાધના કરવામાં કરતા; એ સરસ્વતીની સાધના તેઓ પ્રાત:કાળમાં ત્રણથી સાત વાગ્યા સુધી કરતા અને એ સાધનાનું સુધા સરખું મિષ્ટફલ, વિધવિધ પ્રકારનાં, સુંદર, મનહર, રસભર નાટકો, નીતિપ્રવર્તક નિબંધો, વિચારણીય શાસ્ત્રીયગ્રંથો, આદિનો ભોગ પોતે એકલા ન કરતાં, જનસમુદાયને તેમાં ભાગ આપી સમર્પવામાં તેમને સંતોષ થતો.

જ્યારે રા. રા. મોતીલાલ લાલભાઈ પ્રધાનપદ ઉપરથી નિવૃત્ત થયા, ત્યારે રા. રણછોડભાઈને શ્રી ખેંગારજીએ પ્રધાનપદ અર્પી, રા. રણછોડભાઈની અસ્ખલિત સ્વામિભક્તિને અનુયોગ્ય પ્રતિફલ દીધું. એઓ દિવાનપદ ઉપર હતા એ સમયમાં રાજ્યની આવકમાં લગભગ આઠ લાખનો વધારે થયે હતો, દુષ્કાળને અંગે બાંધકામ ખાતામાં લગભગ બે લાખ રૂપીઆ જેવડી મોટી રકમ ખરચવામાં આવી હતી તથા કચ્છ સ્ટેટ રેલ્વેના બાંધકામના પ્રયાસમાં પણ ધ્યાન ખેંચે એવી વૃદ્ધિ થઈ હતી. શ્રી કચ્છપતિના આગ્રહ છતાં પણ સાંસારિક અભ્યુદયની પ્રાપ્તિને અન્તે પરમાર્થિક શ્રેય સાધવાની ઉત્કટ ઈચ્છાથી રા. રણછોડભાઈ ઈ.સ. ૧૯૦૪ના મે માસમાં નિવૃત્ત થયા. કાલની ગતિ ૫ણ એવી અકલિત છે કે રા. રણછોડભાઈના બાલસ્નેહીઓ તથા સહાધ્યાયીઓ ઉત્તર વયમાં પણ સ્નેહી તથા સહકારી રહ્યા. અમદાવાદમાં વિદ્યાભ્યાસકાલે રા. રણછોડભાઈ અને તેમના મિત્રો રા. હરિદાસભાઈ, સ્વ. મોતીલાલભાઈ, સ્વ. મણિભાઈ, રા. છોટાલાલભાઈ તથા રા. મનઃસુખરામભાઈ એ સર્વને લોકો ‘મિત્રમંડલ’ની સંજ્ઞાથી ઓળખતા. એ સર્વ સજ્જનોની મૈત્રી મહારાજ કવિ ભતૃહરિના વચન પ્રમાણે આરંભમાં લધુ હતી છતાં પાછળથી ક્રમે ક્રમે વધતી અને વધતી ગાઢી થતી ગઈ. તેમ થતાં સવિશેષ ચિત્તાકર્ષક એ બન્યું કે એ ‘મંડળ’માંના પ્રત્યેક નિશાળમાં ઉચ્ચ નંબર રાખતા, તે જ પ્રમાણે સંસારશાળામાં પણ પ્રત્યેકે ઉચ્ચ સ્થાન અને ઉચ્ચ નામ પ્રાપ્ત કર્યાં.

રા. રણછોડભાઈએ વ્યવહારક્ષેત્ર ઉપર જેટલો જય-યશ મેળવ્યો તેટલો જ બલકે તેથી અધિક અને ચિરસ્થાયિ જય-યશ તેએાએ સાહિત્ય ક્ષેત્ર ઉપર મેળવ્યો છે. એમણે આશરે ૩૩ પુસ્તક લખ્યાં છે; તેમાં ૧૧ નાટકો છે, જેમાંથી ૭ સ્વયંકલ્પિત છે, ને શેષ સંસ્કૃત આદિનાં ભાષાંતર છે: ૩ રાજ્યકીય, ૨ નીતિસંબંધી નિબંધ, બે વાર્તાસંગ્રહ, આઠ શાસ્ત્રીય ગ્રંથો કાવ્ય, અલંકાર, સાહિત્ય સંબંધી, એક વ્યાકરણ સંબંધી, અને બે ઐતિહાસિક.

એ ઉપરાંત બુદ્ધિપ્રકાશ ને બુદ્ધિવર્ધકમાં લખેલ પ્રકીર્ણ લેખો પણ છે. આર્ય દેશની ઉન્નતિને અર્થે ઐક્યની આવશ્યકતા છે. તે એક્યનાં કેટલાંએક સાધનોમાં ભાષા અને લિપિનું ઐક્ય મુખ્ય સાધન છે એમ હાલ સર્વત્ર એક સ્વરે મનાય છે તથા ચર્ચાય છે. એ સર્વ વિચાર એમને પ્રથમથી સૂઝ્યા હતા, તેનું પ્રત્યક્ષ પ્રમાણ, પૂર્વે ‘હરિશ્ચન્દ્ર નાટક’ સટીક ‘લઘુસિદ્ધાન્ત કૌમુદી’ ‘નાટ્ય પ્રકાશ’ અને અહુણાં ‘રણપિંગળ’ના ત્રણે ભાગ દેવનાગરી લિપિમાં છપાવ્યા, એ છે.

અત્યાર સુધીમાં ગુજરાતી ભાષામાં ઘણાંએ પિંગળ છપાયાં છે. પરંતુ તેમાં ‘રણપિંગળ’ એક અપૂર્વ ગ્રન્થ છે એ નિર્વિવાદ છે. અત્યારસુધીમાં કોઈ પણ એક જ ગુજરાતી લેખકે, છંદ, વૃત્ત, વૈદિક છંદ, ફારસી છંદ, અને લોકગીત એ સર્વેનો સમાવેશ થાય એવું પિંગળ કર્યું નથી.

એમની એ સાહિત્ય સેવા અને વિદ્વતાની યત્કિંચિત કદર કરવા સન ૧૯૧૨માં ચોથી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રણછોડભાઈને નિમવામાં આવ્યા હતા; અને પરિષદના પ્રમુખ તરીકે એમણે એક સુંદર વ્યાખ્યાન આપ્યું હતું.

સ્મિથનો હિન્દનો પ્રાચીન ઈતિહાસ, નવીન ઉપલબ્ધ સાધનો વડે ગુજરાતીમાં લખવાની તેમની ઈચ્છા હતી. તેમ કચ્છ રાજ્યના ઈતિહાસની સામગ્રી સંકલિત કરી રાખી હતી.

સન ૧૯૨૩માં એમનો સ્વર્ગવાસ થયો ત્યાં સુધી તેઓ કાંઈને કાંઈ સાહિત્ય પ્રવૃત્તિમાં ગુંથાયલા રહેલા અને તેમાંથી અનેક બીજ અને બોધ મળી આવશે.

-: એમની કૃતિઓ :-

૧. જ્યકુમારી વિજય નાટક
૨. લલિતા દુઃખદર્શક નાટક
૩. નળદમયંતિ નાટક
૪. બર્થોલ્ડ
૫. ૬. હરિશ્ચંદ્ર તથા તારામતી સ્વયંવર
૬. વિક્રમોર્વશીય નાટક
૭. આરોગ્યતા સૂચક
૮. પ્રાસ્તાવિક કથાસંગ્રહ
૯. માલવિકાગ્નિમિત્ર નાટક
૧૦. પ્રેમરાય ચારૂમતી નાટક
૧૧. લઘુ સિદ્ધાંત કૌમુદી
૧૨. હિતોપદેશ
૧૩. બાણાસુર મદમર્દન નાટક
૧૪. મદાલસા અને ઋતુધ્વજ નાટક
૧૫. હરિશ્ચંદ્ર નાટકનો સાર
૧૬. રાસમાલા ભા. ૧
૧૭. રાસમાલા ભા. ૨
૧૮. કુળવિષે નિબંધ
૧૯. સંતોષ સુરતરુ
૨૦. સેકસપીયર કથાસંગ્રહ
૨૧. રત્નાવલિ નાટિકા
૨૨. પાદશાહી રાજનીતિ
૨૩. નાટ્યપ્રકાશ
૨૪. ૨ણપિંગલ ભા. ૧
૨૫. ૨ણપિંગલ ભા. ૨
૨૬. ડિંગલ
૨૭. વૈદિક છંદ રચના
૨૮. ફારસી છંદ રચના
૨૯. રસપ્રકાશ
૩૦. અલંકાર પ્રકાશ
૩૧. ગોપાળદાસ
૩૨. વિવિધોપદેશ