ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. વીરચંદ રાઘવજી ગાંધી

Revision as of 14:49, 2 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વીરચંદ રાઘવજી ગાંધી

શ્રી. વીરચંદ રાઘવજી ગાંધીનો જન્મ કાઠિયાવાડના ભાવનગર પાસેના મહુવા ગામમાં તા. ૨૫ મી ઓગસ્ટ ૧૮૬૪ ના રોજ થયેલો. તેમના પિતાનું નામ રાધવજી હતું, ને જ્ઞાતિએ તેઓ જૈન હતા. તેઓની સ્થિતિ સાધારણ હતી પણ તેમનું કુટુંબ કુલીન ગણાતું. તેઓ ભાવનગરમાં રહી મેટ્રીક સુધી અભ્યાસ કરી મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને વીસ વર્ષની ઉંમરે બી. એ. ની ઉપાધિ તેમણે મેળવી.

સંવત ૧૯૪૧ માં તેઓ જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના મંત્રી તરીકે ચુંટાયા, ને ત્યારથી તેમનો વિકાસ થવા લાગ્યો. સામાજિક, રાજકિય, અને ધાર્મિક ભાષણો તેમણે આપવાં શરૂ કર્યાં, ને સાથે સાથે સોલિસિટર થવા માટે પણ અભ્યાસ શરૂ કરી દીધો.

સં. ૧૯૪૮ માં જૈનોના પવિત્ર ગણાતા સમેતશિખર પર્વત પર ચરબી બનાવવાનું કારખાનું એક અંગ્રેજે ઉઘાડ્યું. તેમની સામે જૈન સમાજે મુકર્દમો માંડ્યો, વીરચંદભાઇએ તે માટે અથાક પરિશ્રમ ઉઠાવ્યો ને તેમાં વિજય મેળવ્યો; તેમની મહેનતથી કારખાનું ત્યાંથી નીકળી ગયું.

સં. ૧૯૫૦ એટલે કે ઇ. સ. ૧૮૯૩ માં ચીકાગોમાં સર્વ ધર્મ પરિષદ ભરાઈ, ને તેમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે આચાર્યશ્રી આત્મારામ પર આમંત્રણ આવ્યું. જૈનસાધુ અપવાદ સિવાય, દરિયાનું ઉલ્લંઘન ન કરી શકે એવી રસમ હોવાથી તેમણે પોતાને બદલે વીરચંદભાઈને મોકલવાનું નક્કી કર્યું. ને તેથી જૈનધર્મનું જ્ઞાન તેમણે તે આચાર્ય પાસેથી મેળવી લીધું ને તેઓ અમેરિકા ગયા. તેમની સાથે વિવેકાનંદ પણ હતા. અમેરિકાની અંદર વિશ્વધર્મ પરિષદમાં તેમણે સારી છાપ પાડી ને ત્યાંના એક પત્રે તો લખ્યું કે:

“પૌર્વાત્ય પંડિતોમાંથી જૈનસમાજના યુવક ગૃહસ્થે પોતાના વર્ગની નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું હતું તે કરતાં વધારે રસથી કોઈપણ પૌર્વાત્ય પંડિતનું તેમણે સાંભળ્યું નહોતું.”

તેમના જ્ઞાનથી અંજાઈ જઈ-મુગ્ધ થઈ પરિષદના ઉત્પાદક અને એકત્રિત વિદ્યામંડળે તેમને રૌપ્ય પદક અર્પણ કર્યો. ને તે પછી તો તેમણે અમેરિકાના મોટા મોટા શાસ્ત્રોમાં જૈનધર્મ પર વ્યાખ્યાનો આપી સારી છાપ પાડી. કસાડોગા નામના શહેરના નાગરીકોએ તેમને સુવર્ણચંદ્રક આપ્યો. વળી અમેરિકામાં તેમણે ‘ગાંધી ફિલોસોફિલ સોસાયટી’ ૫ણ સ્થાપી. ત્યાંથી પાછા ફરતાં ઇંગ્લેંડમાં પણ તેમણે વ્યાખ્યાનો આપ્યાં ને જૈનધર્મની વ્યાપકતા સંબંધી ખ્યાલ આપ્યો. ત્યાંથી પાછા ફરતાં મુંબઈમાં તેમને માન૫ત્ર આપવાનો મેળાવડો થયો પણ રૂઢિચુસ્ત જૈનોએ ખુરશીઓ ઉછાળી પોતાનું માનસ બતાવી આપી, તેમની કદર કરી.

ફરી વખત અમેરિકાથી આમંત્રણ આવતાં તેઓ ત્યાં ગયા ને ત્યાં તેમ જ ત્યાંથી પાછા ફરતાં પોતાની જ્ઞાન શક્તિ ઇંગ્લેંડમાં પણ દાખવી. વિલાયતમાં સાથે સાથે બેરીસ્ટરનો પણ અભ્યાસ આગળ વધાર્યો. ત્યાંથી પાછા ફરતાં ફરી પાછું તેમને જૈન સમાજના હિતની એક અપીલ માટે વિલાયત જવું પડયું. ને તેમાં વિજય મેળવી તેઓ પાછા હિંદ આવ્યા, ૫ણ તા. ૭મી ઓગસ્ટ ૧૯૦૧ ના રોજ સાડત્રીસ વર્ષની નાની ઉંમરમાં તેઓ વિદેહ થયા. તેમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ ભગુભાઈ ફત્તેહચંદ કારભારીએ સંકલિત કરેલે તેજ તેમની વિદ્વતા દર્શાવવા માટે પૂરતો છે.

-: એમની કૃતિઓ :-

૧. Jain Philosophy
૨. Yoga Philosophy
૩. Karma Philosophy