ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ

એઓ જ્ઞાતે સઠોદરા નાગર, અને તેમનો જન્મ પેટલાદ તાલુકે મળાતજમાં સંવત ૧૮૮૧ ના કાર્તિક વદ એકમના રોજ થયો હતો. એમના પિતાનું નામ કાળિદાસ સુખરામ અને માતાનું નામ ઉમિયાલક્ષ્મી જે અલીણાનાં હતાં.

એમના મ્હોટાભાઈ છોટાલાલે એક વેદાન્ત કવિ તરીકે સારી પ્રસિદ્ધિ મેળવી હતી; અને તેમની “વાણી” સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલી છે.

વૃજલાલનું લગ્ન સંવત ૧૯૧૨ માં અલીંદ્રા ગામે શ્રીમતી અંબાબ્હેન સાથે થયલું; પણ સં. ૧૯૨૨ માં તે દેવલોક પામતાં સન ૧૯૨૨ માં શાસ્ત્રીજી ફરીથી સિંહુજ ગામે શ્રીમતી જીબા સાથે પરણ્યા હતા.

સારસાના કુબેર ભકતે તેમને ધર્મોપદેશક તરીકે રાખેલા; પણ કાંઈક મતભેદ પડતાં તેઓ ત્યાંથી છૂટા થયેલા અને સોજીત્રાની અમિવિજય નામના ગોરજી દ્વારા અમદાવાદના જૈનમંદિરમાં શિક્ષા ગુરૂ નિમાયા હતા.

અહિં તેમને જૈનધર્મને અંગે પ્રાકૃત, પાલિ, અર્ધમાગધિ, અપભ્રંશ વગેરેનો અભ્યાસ કરવાને તક સાંપડેલી; પુરાતત્વના વિષયમાં રસ જાગૃત થતાં તેઓ ડૉ. ભાઉ દાજી, પ્રો. પિટરસન વગેરેના નિકટ પરિચયમાં આવેલા.

ઉપરની પ્રવૃત્તિ સાથે તેઓ અમદાવાદની ધર્મસભાના મંત્રી હતા અને તેના તરફથી નિકળતું ‘ધર્મપ્રકાશ’ નામનું માસિક ચલાવતા હતા.

જૈનમંદિરમાંથી ફારેગ થઈ તેઓ સન ૧૮૬૫ માં ગુ. વ. સોસાઈટીમાં કેટલોક સમય આસિ. સેક્રેટરી નિમાયલા, તેમ બુદ્ધિપ્રકાશનું સંપાદન કરેલું.

તે પછી કોશના કામ ઉપર તેમની નિમણુંક થયલી; પણ તે કામ તેમણે ઝાઝો સમય કરેલું નહિ. તે સમયના આગેવાન વિદ્વાનો જેવા કે મનઃસુખરામ, રણછોડભાઈ ઉદયરામ, કવિ દલપતરામ સાથે એમને ગાઢ મિત્રાચારી હતી, અને રેવ. જોસફ વોન. ટેલરને ગુજરાતી શીખવા ઉપરાંત વ્યાકરણ અને ધાતુસંગ્રહ યોજવામાં પુષ્કળ સહાયતા આપેલી.

સોસાયટી માટે ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને ઉત્સર્ગમાળા એમણે આ અરસામાં લખેલાં. વૈશેષિક તર્કસાર તૈયાર કરેલો તે જુનાગઢ દરબારે છપાવેલો. એમનું ચંદ્રહાસ આખ્યાન નામનું લખેલું એક કાવ્ય પણ મળ્યું છે. સન ૧૯૩૪ માં “રંસગંગા” નામના છંદ વિષેનો લેખ સોસાઈટીએ પ્રસિદ્ધ કર્યો હતો. “નાગર પુરાવૃત્ત” નામનું એક પુસ્તક હજી અપ્રસિદ્ધ પડેલું છે, જેનો સારભાગ બહાર પડે એ ઈચ્છવા યોગ્ય છે. ઉપરોકત “રસગંગા” ના ઉપોદઘાતમાં શાસ્ત્રીજીના દોહિત્રી પ્રો. શંકરલાલ શાસ્ત્રીએ વૃજલાલ શાસ્ત્રીનું જીવનચરિત્ર અનેક વિધ માહિતી, જૂદે જૂદે સ્થળેથી એકત્ર કરીને આલેખ્યું છે, તે વાચકે વધુ માહિતી માટે જોવું. સન ૧૮૯૩ માં એમનું અવસાન થયું હતું.

-: એમની કૃતિઓ :-

(૧) ચંદ્રહાસ આખ્યાન
(૨) મુક્તમાળા
(૩) ગુજરાતી ભાષાનો ઇતિહાસ
(૪) ઉત્સર્ગમાળા
(૫) ભક્તિ ભાસ્કર ગ્રંથ
(૬) રસગંગા
(૭) વૈશેષિક તર્કસાર