સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કાવ્યલંકારની વિશિષ્ટતા

From Ekatra Foundation
Revision as of 02:02, 11 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. કાવ્યાલંકારની વિશિષ્ટતા

જેમ આભરણો માનવ શરીરની શોભા વધારે છે તેમ અલંકારો કાવ્યના શરીરભૂત શબ્દાર્થને શોભાવે છે. એ સરખામણી માત્ર શોભા વધારવાના સમાનધર્મ પૂરતી જ સ્વીકારવી યોગ્ય છે, વિશેષ નહીં. શરીરના અલંકારો અને કાવ્યના અલંકારો વચ્ચે આટલો સમાનધર્મ છે, પણ તફાવત એ સામ્યથી ક્યાંય વધી જાય તેવો છે. એ સામ્યથી વિશેષ મહત્ત્વનો ગણવો પડે એવો આ તફાવત છે. એ તફાવત, એ ભેદ લક્ષમાં રાખવો એ કાવ્યાલંકારનું તત્ત્વ સમજવા માટે આવશ્યક છે. શરીરના અલંકારો શરીરથી ભિન્ન કોઈ અન્ય દ્રવ્યોના બનેલા હોઈને શરીરથી અલગ કરી શકાય છે. પણ કાવ્યાલંકારો જે તત્ત્વના બને છે એ વાણીનું અને અર્થનું જ તત્ત્વ હોઈને કાવ્યાલંકારોને કાવ્યથી-કાવ્યાર્થને હાનિ પહોંચાડ્યા વિના–છૂટા પાડી શકાતા નથી. પ્રભુનિર્મિત દેહને માનવ સ્વનિર્મિત અલંકારો વડે શોભાવે છે. પણ કાવ્યના શરીરનો અને એના અલંકારોનો સર્જક એકનો એક જ છે. કાવ્યનિર્માતા કવિ અર્થનું દર્શન અલંકૃતરૂપે જ કરે છે અને કાવ્યશરીરના નિર્માણની સાથે જ એના અલંકારોનું નિર્માણ કરે છે. શરીરનાં આભૂષણો શરીરના જન્મ સાથે જન્મતાં નથી; કાવ્યના અલંકારો કાવ્યના જન્મ સાથે જ જન્મે છે. કાવ્યના અલંકારો દૂર કરવા હોય તો વાણીરચના, અર્થદર્શન અને સમર્પણસ્વરૂપ પણ બદલવાં પડે. કાવ્યાલંકારોનું જે વિશિષ્ટ સ્વરૂપ છે તે એના ખરા તત્ત્વનું સૂચક છે. જે અનુભવ કવિના કાવ્યમાં વાણીરૂપે પ્રકટ થાય છે એ અનુભવ, પ્રાકટ્યની ક્ષણે જ, કવિના માનસમાં. એની મનોદૃષ્ટિમાં, એવું સ્વરૂપ ધરીને આવે છે કે એ સ્વરૂપને પ્રકટ કરવા માટે અલંકારો, આલંકારિક ભાષા, અનિવાર્ય થઈ પડે. અલંકારોની ઉત્પત્તિ કવિના વિશિષ્ટ અનુભવમાંથી થાય છે; એ વિશિષ્ટ સમૃદ્ધ, અનુભૂતિ તે જ અલંકારનું ઉપાદાન છે, સ્વરૂપસાધક તત્ત્વ છે. આલંકારિક વાણીમાં વ્યક્ત થતો અનુભવ સાધારણ સાદા અનુભવથી સમૃદ્ધતર હોય છે. ‘દુર્જન ભયંકર છે’ એ સાદું કથન; ‘દુર્જન સાપ જેવો ભયંકર છે’ એ ઉપમાયુક્ત કથન; બંનેનું તાત્પર્ય ભલે એક જ છે–કે દુર્જનની ભયંકરતા જણાવવી, પણ ઉપમા ઉપજાવનારો અનુભવ સાદા કથનમાં પરિણમતા અનુભવથી સમૃદ્ધતર છે. સર્પની ઉપમા ઉમેરવાની ક્ષણે દુર્જન ઉપરાંત સર્પવિષયક પૂર્વાનુભવ પણ કવિમાનસમાં પ્રત્યક્ષવત્‌ થયો હોય છે. તત્કાલીન, વર્ણ્યમાન, વિષયભૂત પ્રસ્તુત દુર્જનિવષયક અનુભવને ભૂતપૂર્વ, સ્મરણસંચિત, અપ્રસ્તુત સર્પવિષયક અનુભવ સમૃદ્ધતર કરે છે. કાવ્યનિર્માણ સમયે કવિનો વિષયભૂત, પ્રસ્તુત, અનુભવ-પ્રત્યક્ષ અથવા પ્રત્યક્ષીકૃત એવો અનુભવ-તાજો હોય છે, પ્રત્યગ્ર હોય છે. એ પ્રત્યગ્ર અનુભવની જોડેના સાદૃશ્ય, વિરોધ, કાર્યકારણભાવ, અંગાગિભાવ ઇત્યાદિ કોઈ સંબંધને બળે કવિનો માનસનિગૂઢ ચિરસંચિત કોઈ અનુભવ જાગ્રત થાય છે, ઉદ્‌બોધન પામે છે, સ્મરણમાં આવે છે. એ બે અનુભવોના સહયોગમાંથી કવિનું આલંકારિક દર્શન અને એનું આલંકારિક શબ્દસમર્પણ ઊપજે છે. અદ્યતન અનુભવ પ્રાકતન અનુભવથી સમૃદ્ધતર બને છે, અને એ યુગ્મરૂપ કે ઘનીભૂત અનુભવ પોતાની યથાર્થ, યથાનુભૂત, અભિવ્યક્તિ માટે આલંકારિક ભાષા માગી લે છે. કાવ્યનો શબ્દાર્થ દેહ એવા અલંકારયુક્ત સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે. આ રીતે અલંકાર તો શબ્દાર્થ યુગલનું અને એ દ્વારા સમર્પિત થતા અનુભવનું અવિભાજ્ય, પૃથક્‌ ન થઈ શકે તેવું, તત્ત્વ છે. અલંકારના મૂળમાં રહેલી અનુભવસંપત્તિને લુપ્ત કર્યા વિના એ અલંકાર દૂર કરી શકાય નહિ. वागर्थाविव संपृक्तो... पार्वतीपरमेश्वरौ એ રઘુવંશમાંની પ્રસિદ્ધ ઉપમા જુઓ. પાર્વતી અને પરમેશ્વર એક દેહે અવિયોજ્ય છે એ વિચાર કરવાની સાથે જ એવો જ વાણી અને અર્થનો અવિભેદ્ય સમવાય સ્મરણમાં આવે છે અને કવિની એ મનોનુભૂતિ સાધારણ માણસની સામાન્ય અનુભૂતિ કરતાં વિશેષ મનોહર બને છે અને વિશેષ સંપન્ન બને છે. આવી અર્થસંપત્તિ અને ચમત્કૃતિ હોય તો જ અલંકારનું અલંકારત્વ સિદ્ધ થાય છે. તુલ્યયોગિતા જેવા, અનેક પ્રસ્તુત વિષયોનો એક જ ધર્મ વર્ણવનારા, સાદા અલંકારમાં પણ આવી ચમત્કૃતિ, આવું વૈચિત્ર્ય, હોય તો જ અલંકારત્ય ગણાય. તુલ્યયોગિતા અલંકારમાં અંતર્ગત રહેલો અનુભવ પ્રસ્તુતવિષયક જ હોય છતાં એ અલંકાર અલંકારોચિત અર્થસમૃદ્ધિ વડે જ અલંકાર બને છે. અલંકારકોટિએ પહોંચતો અનુભવ તુલ્યયોગિતામાં પણ, અલંકારરહિત સાદી ઉક્તિમાં કહેવાય એવો સાદો અનુભવ ન હોય. દાખલા તરીકે –

प्रिये विषादं जिहिहीति वाचं
प्रिये सरागे वदति प्रियायाः
वारामुदारा विजगाल धारा
विलोचनाम्यां, मनश्च मानः

પ્રિયે હવે છોડ વિષાદ એવી પ્રાણેશવાણી સુણતાં પ્રિયાનાં-વિલોચનોથી બહુ અશ્રુધારા ગળી વળી ચિત્તથી માનવૃત્તિ. આ કાવ્યમાં વર્ણ્યમાન વિષય છે કોપકલુષા કોઈ માનિની; એની આંખમાંથી ગળતાં અશ્રુ અને મનમાંથી ગળી જતું માન એ બંને એ માનિનીના જ વર્ણનના અંશો છે અર્થાત્‌ બંને પ્રસ્તુત છે. એ બે-અશ્રુ અને માન એ ધર્મીઓનો એક જ-વિગલનરૂપ-ધર્મ વર્ણવ્યો છે તેથી તુલ્યયોગિતા થાય છે. એમાંનો અન્તર્ગત અનુભવ માત્ર અશ્રુવિષયક કે માત્ર માનવિષયક નથી; આંખમાંથી અશ્રુ ખરવાની ઘટના અને મનમાંથી માન ગળી જવાની ઘટના એ બે ઘટનાના અનુભવોનું આ અલંકારમાં સંયોજન થાય છે. આવા અલંકારમાં પણ પ્રથમ અર્થદર્શન અને પછી અલંકારસજાવટ એવો દર્શનનિર્માણ ક્રમ નહિ પણ એ બંનેનો સંયુક્ત અનુભવ અલંકારનું પ્રાણદાયક તત્ત્વ છે. યથાસંખ્ય અલંકાર માત્ર વર્ણ્યમાન વસ્તુદ્વન્દ્વોની ક્રમવ્યવસ્થામાં રહેલો છે. અલંકારમાં આવશ્યક એવો કવિપ્રતિભાનો વ્યાપાર અને સમૃદ્ધ અનુભવ ન હોય તો આ અલંકારને અલંકાર ન ગણી શકાય. કેવળ ધર્મીસમુદાયના જ અનુક્રમમાં ધર્મપરંપરાને ગોઠવવાથી અલંકારત્વ નથી આવતું. અલંકારનું પ્રાણભૂત જે ચમત્કૃતિ તત્ત્વ છે એ અનુભવની વિશિષ્ટસમૃદ્ધિમાં રહે છે અને એવી વિશિષ્ટ અનુભવસમૃદ્ધિ હોય તો જ યથાસંખ્યાલંકાર અલંકાર નામને પાત્ર બની શકે છે. એવી અર્થસમૃદ્ધિથી યુક્ત યથાસંખ્યાલંકારનું આ ઉદાહરણ જુઓ :

एकस्त्रिधा वससि चेतसि चित्रमत्र
देव! द्विषां च विदुषां च मृगीदशां च।
तापं च सम्मदरसं च रतिं च पुष्णन्
शौर्योष्मणा च विनयेन च लीलया च।।
શૌર્ય, અને વિનયથી, વિરલા વિલાસે
સંતાપ, હર્ષ, રતિ ભૂપતિ! પોષતો તું;
વૈરીતણે, વિબુધને, મૃગલોચનીને,
ચિત્તે વસે, અજબ! એક છતાં વિધા તું.

અલંકારત્વ અને અનુભવસમૃદ્ધિના આ અવિનાભાવ સંબંધનાં સુગમ, સુવિશદ, ઉદાહરણો સાદૃશ્યમૂલક અલંકારોમાં સાંપડે છે. એ અલંકારોમાં જે તુલના થાય છે તે ખરું જોતાં બે વસ્તુઓની નથી થતી, પણ બે માનસચિત્રોની થાય છે. તત્કાલ કે તાજેતરમાં જોયેલ જાણેલ ઉપમેયભૂત વસ્તુનું પ્રત્યક્ષ માનસચિત્ર, અને પૂર્વ સંગૃહીત સંસ્કારના પુનરુદ્‌બોધનથી પ્રત્યક્ષવત થતું પ્રાક્તન માનસચિત્ર, એ બેના સમાનધર્મ દર્શનથી સાદૃશ્યમૂલક અલંકારો ઊપજે છે. એ બે અનુભવોનું-ઉપમેય અને ઉપમાન બની રહેતાં એ બે માનસચિત્રોનું સંયોજન માત્ર સંનિધાન રૂપ હોય તો ઉપમા, તાદાત્મ્યરૂપ કે અભેદારોપણરૂપ હોય તો રૂપક, ઉપમાનમાં ઉપમેયના અન્તર્ધાનરૂપ– નિગરણરૂપ-હોય તો અતિશયોક્તિ એમ જુદાજુદા સાદૃશ્યમૂલક અલંકારે નિષ્પન્ન થાય છે. અલંકારનિર્માણ એ માનસચિત્રોનો વ્યવહાર છે અને એ માનસચિત્રો પ્રત્યગ્ર તથા પ્રાક્તન અનુભવનાં પરિણામો છે. એ અનુભવોનો સહયોગ થતાં જે સમૃદ્ધતર અનુભવ ઊપજે એ અલંકારનું પ્રાણદ તત્ત્વ છે. આલંકારિક વાણીમાં રહેલો અલંકાર એવા સમૃદ્ધ અનુભવમાંથી નીપજે છે, અને અલંકારની ભાષા માગી લેતો એ અનુભવ સાદા, સાદી વાણીમાં વ્યક્ત થઈ શકે તેવા, અનુભવથી સમૃદ્ધતર છે. કાવ્યાલંકાર કાવ્યનું-કાવ્યની વાણીનું અને અર્થનું, અને એના મૂળમાં રહેલી અનુભૂતિનું-અવિયોજ્ય તત્ત્વ છે. કાવ્યના અલંકારોને દેહનાં આભૂષણોની જે ઉપમા અપાય છે એ ઉપમાની મર્યાદા લક્ષ બહાર ન રહે, અલંકારના તાત્ત્વિક સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ ન થાય, એ માટે આ વાત ભુલાવી ન જોઈએ કે અલંકારો શબ્દાર્થથી અવિયોજ્ય છે, અલંકારો માગી લેતી અનુભૂતિ સામાન્ય અનુભૂતિથી વિશિષ્ટ અને સમૃદ્ધતર છે. (વાઙ્‌મયવિમર્શ)