સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/‘પ્રતીક’ એટલે?
પ્રતીક શબ્દ આપણા કાવ્યવિવેચનમાં હવે તો એવો રૂઢ અને એટલો જાણીતો થયો છે કે પ્રતીક એટલે શું? એવો પ્રશ્ન નિરવકાશ છે. કાવ્યના પ્રસ્તુત વિષયને માટે કે વિષયના અંશભૂત પદાર્થ માટે કોઈ અપ્રસ્તુત, પણ સામ્યવિરોધના કે અવથવાવયવીના દૃષ્ટાન્ત દૃાર્ષ્ટાન્તિકના વ્યંગ્યવ્યંજકના સંબંધથી પ્રસ્તુતનો વ્યંજક બનવાના સામર્થ્યવાળા (અપ્રસ્તુત) પદાર્થોનો અર્થાત્ એના વાચક શબ્દનો નિર્દેશ કરવામાં આવે ત્યારે એ શબ્દવાચ્ય (પ્રસ્તુત પદાર્થના વ્યંજક) પદાર્થને ‘પ્રતીક’ કહેવાનો રિવાજ લગભગ સર્વમાન્ય બન્યો છે. આ લેખનો ઉદ્દેશ આ ‘પ્રતીક’ શબ્દના કાવ્યવિવેચનની પરિભાષામાં થતા આ પ્રકારના પ્રયોગનો વિરોધ કરવાનો નથી, તેમ એ શબ્દ જ ઉત્તમ છે એવો દાવો કરવાનો કે એનું અનુમોદન કરવાનો પણ ઉદ્દેશ આ લેખનો નથી. ભાષાના વિકાસક્રમમાં કોઈ શબ્દ મૂળ “સંકેતિત” કે “સમયસિદ્ધ” અર્થથી અધિકતર, વિશિષ્ટ કે ભિન્ન અર્થ કાળક્રમે પ્રાપ્ત કરે એ ઘટના અપૂર્વ નથી. આવી ઘટનાનો આરંભ થાય, પ્રચાર થાય, સ્વીકાર થાય, ત્યાર પછી, એ ઘટનાથી પરિભાષામાં કોઈ પણ પ્રકારે અમુક વિવક્ષાને વ્યક્ત કરવાના પ્રચારલબ્ધ સામર્થ્યવાળા એક શબ્દનો ઉમેરો થયો હોય તો, એને અનુમોદનની અપેક્ષા રહેતી નથી, વિરોધની અસર પહોંચતી નથી. વિવક્ષિત અર્થ વ્યક્ત કરવા ખાતર પ્રયોજેલો શબ્દ અર્થસાધક બનવાને બદલે અનર્થકારક બને એવો ભય વા સંભવ હોય તો જ વિરોધ સકારણ ગણાય. પણ અનર્થસંભવ ન હોય તો, ભલે આવા નવા આગન્તુકને સહર્ષ સત્કારવાનો ઉત્સાહ ન દર્શાવી શકાતો હોય તો પણ स्थितस्य समर्थनम् ન્યાયે એનું સમર્થન કરવું પડે. પણ એ શબ્દને અને એ શબ્દના પ્રયોજકોને આવા સમર્થનની પણ અપેક્ષા ન રહે તો તેમાં આશ્ચર્ય નથી. રૂઢિ બલવંતી છે. શબ્દના વ્યુપત્તિસંગત અર્થથી એનો રૂઢ અર્થ બલવત્તર બને છે અને મૂળના યૌગિક અથવા વ્યુપત્તિલભ્ય અર્થને દબાવે છે, હઠાવે છે, બહિષ્કૃત કરે છે, અથવા એટલું બલ ન બતાવે તો પોતાથી સમાનકક્ષાએ ટકવા દે છે, અથવા એટલું પણ બલ ન હોય તો નવો અર્થ પોતે મૂળ અર્થની પ્રતિષ્ઠાને નમતો રહીને ગૌણવૃત્તિએ ટકી રહે છે. છતાં આવા સર્વવિદિત સર્વસંમત રૂઢ અર્થવાળા શબ્દની ગોત્રપરીક્ષા કરવાની પ્રવૃત્તિ અસ્થાને નથી. શબ્દાર્થની આવી ગોત્રપરીક્ષા રસપ્રદ બને છે. એના દૃષ્ટાન્ત તરીકે અહીં જ, આ લેખમાં, ઉપર પ્રયુક્ત થયેલો પદાર્થ શબ્દ લઈએ. એ શબ્દનો ગુજરાતી ભાષામાં થતો અર્થ જાણીતો છે—જે ‘પદાર્થ વિજ્ઞાન’ શબ્દમાં પ્રત્યક્ષ છે. પણ સંસ્કૃતમાં શાસ્ત્રીયચર્ચામાં આ ‘પદાર્થ’ શબ્દ જુદે અર્થે વપરાય છે. ગુજરાતીમાં જે અર્થ રૂઢ થયો છે એ અર્થની દિશામાં આ ‘પદાર્થ’ શબ્દે પદક્રમ નહોતો કર્યો એવું તો નથી. पर्वते परमाणौ च पदार्थत्वं प्रतिष्ठितम् એ પંક્તિમાં એ દિશામાં જતો પદક્રમ પરખાય છે. છતાં આ શ્લોકાર્ધમાં “પદાર્થ” એટલે પદનો અર્થ એ મૂળ સંસ્કૃત-સંમત અર્થ પણ આવી શકે છે, “પદાર્થ” શબ્દનો સંસ્કૃતના વૈયાકરણીઓ, આલંકારિકો ઇત્યાદિ શાસ્ત્રવિવેચકો “પદનો અર્થ” એ અર્થમાં પ્રયોગ કરે છે. આ ષષ્ઠી તત્પુરુષ સમાસનો અર્થ તે એના વિભક્ત પદોનો જે અર્થ છે તે જ છે. પદ એટલે શબ્દ, પદનો અર્થ તે પદાર્થ. આપણે અહીં જોયેલું આ ‘પદાર્થવિજ્ઞાન’ (પદનો અર્થ એવું “પદાર્થ” શબ્દનું વિશિષ્ટ જ્ઞાન) પદાર્થવિજ્ઞાન જેટલું, ભૌતિકશાસ્ત્ર જેટલું મહત્ત્વનું નથી, પણ એક પ્રકારે રસપ્રદ તો છે. કોઈ પ્રતિષ્ઠિત વિદ્વાન, ભાષાશાસ્ત્રના પ્રદેશમાં ઉતાવળો પ્રવેશ કરીને નિશ્ચયપૂર્વક કહી નાખે કે ‘છાકટો’ શબ્દ સંસ્કૃત ‘શાક્ત’માંથી આવ્યો છે, અને પછી જાણવામાં આવે કે એ શબ્દનું મૂળ ‘શાક્ત’ નથી પણ જાણીતો ‘છાક’ અને એટલો જ જાણીતો ‘ટ’ પ્રત્યય એ બેના સંયોગનું પરિણામ છે, તો આ ગોત્રકથા જાણીને જેટલો અન્યને તેટલો જ એ વિદ્વાનને પોતાને રસ પડે. જે પંડિતાગ્રણીએ ‘કંદોઈ’ની ઉત્પત્તિ ‘કટાહ’ ‘કડાઈ’માંથી કલ્પી હોય અને વહેતી મૂકી હોય એમને એ શબ્દતા ઘડતરમાં, સં. ‘કાન્દવિક’ દ્વારા, અતિપ્રાચીન ‘કન્દ’ (=ખાંડ, candy) શબ્દ અન્તર્ભૂત છે એ જ્ઞાન મળે ત્યારે ખાંડ જેટલું જ ગળ્યું લાગે. અંગ્રેજી brilliant શબ્દના અર્થમાં રહેલો ઝગમગાટ ગોત્રસંબંધમાં દક્ષિણ ભારતના વૈદૂર્ય વૈડૂર્ય-‘વૈલૂર્ય’ મણિને આભારી છે એ બુદ્ધિપ્રકાશને કોણ ન સ્તવે? તો પછી “પ્રતીક” શબ્દની કાવ્યવિવેચનામાં થયેલી પ્રતિષ્ઠાનો, વિરોધ બાજુએ રહેવા દઈને એની એના અર્થની ગોત્ર-પ્રતિષ્ઠા ઉકેલવાનો આનંદ શા માટે ન માણવો? સંસ્કૃત ‘પ્રતીક’ શબ્દ વિશેષણ પણ છે અને નામ પણ છે; નામ તરીકે એ પુંલ્લિંગી પણ છે અને નપુંસકલિંગી પણ છે. વિશેષણ અને નામ વચ્ચે અર્થની સમાન ભૂમિ એક તસુમાત્ર પણ નથી. પુંલ્લિંગી ‘પ્રતીક’ અને નપુંસકલિંગી ‘પ્રતીક’ વચ્ચે લિંગભેદ હોવા છતાં અર્થસંબંધ છે. નપુંસકલિંગી ‘પ્રતીક’ને અર્થપ્રાપ્તિ પુંલ્લિંગી ‘પ્રતીક’ કનેથી થઈ છે. વિશેષણ ‘પ્રતીક’નો (‘પ્રતિ જનારું’ એ સહજ અર્થ ઉપરાંત) અવળું, ઊલટું વિરુદ્ધ, પ્રતિકૂળ એવો અર્થ છે. આ જ અર્થમાં. જેનો ગોત્રાન્વય વિદિત છે એવો [પ્રતિ x ‘અપ્’ (‘=ઈપ્’માંથી નીપજેલો] પ્રતીપ શબ્દ પ્રસિદ્ધ છે. આ કુલવાન્ સમર્થ પ્રસિદ્ધ શબ્દ ‘પ્રતીપ’ જોડેના સામ્યસંભ્રમથી, ‘પ્રતીક’ શબ્દ એ ‘પ્રતીપ’ના અર્થમાં એને બદલે, કોઈએ વાપર્યો હોય, અને એમ વપરાયો હોય એટલે શબ્દકોશમાં સ્થાન પામ્યો હોય, એ અસંભાવ્ય નથી. એવું તો અનેકશઃ બને છે. આ કારણે વિશેષણ ‘પ્રતીક’ને આપણે આટલેથી જ પડતું મૂકશું. એ વિશેષણનું, એના વિશેષણત્વનું, એના અર્થલાભના પ્રકારનું, આપણને આપણી પ્રસ્તુત વિચારણામાં કંઈ જ કામ નથી. પુંલ્લિંગી ‘પ્રતીક’ શબ્દનો અર્થ (દેહનો) અવયવ થાય છે એ સંસ્કૃત કાવ્યના અભ્યાસીઓને અજાણ્યું નથી. શિશુપાલવધ મહાકાવ્યમાં એ શબ્દ આ અર્થમાં વપરાયો છે (સર્ગ ૧૮મો, શ્લોક ૭૯ મો; રણભૂમિનું વર્ણન કરતા એ શ્લોકનો પૂર્વાર્ધ પ્રથમ લઈશું :
कीर्णा रेजे साजिभूमिः समन्ताद्
अप्राणद्भिः प्राणभाजां प्रतीकैः।
એનો અર્થ છે “એ રણભૂમિ (‘સા આજિભૂમિઃ’) પ્રાણીઓના નિષ્પ્રાણ પ્રતીકોથી (અવયવોથી) ચોગમ છવાયેલી ભાસી રહી.” પ્રતીકો (પુંલ્લિંગ) એટલે અવયવ એ અર્થનો દૃષ્ટાન્ત આપવા માટે આ શ્લોકાર્ધ પર્યાપ્ત છે. પણ રણભૂમિગત આ ‘પ્રતીકો’નું દર્શન કર્યું તો જરાવાર રોકાઈને માઘે એના માટે સૂચવેલું ઔપમ્ય પણ જોઈ લઈએ :
बह्वारम्भैरर्धसंयोजितैर्वा रूपैः स्रष्टुः सृष्टिकर्मान्तशाला।।
જેનો રચનારંભ ઝાઝેરો થયો છે અથવા જેનાં સંયોજનો અરધાંપરધાં થયાં છે એવા આકારોથી છવાયેલી સૃષ્ટિની સૃષ્ટિપ્રવૃત્તિની જાણે કર્માન્તશાલા (શિલ્પશાલા કે સંગ્રહસ્થાન) હોય (જેમાં આદરેલાં અને હજી અધૂરાં રહેલાં પ્રાણિદેહનાં અંગો પડ્યાં હોય).
ઈશ્વરનું પૂર્ણ સાચું સ્વરૂપ જાણવાની અશક્તિના સ્વીકારમાંથી જે ‘પ્રતીકોપાસના”નો આપણા પૂર્વજોએ સ્વીકાર કર્યો છે, એ પ્રતીકોપાસનામાંનો ‘પ્રતીક’ પણ મૂળ આ ‘અંગ’, ‘અવયવ’ એ અર્થમાં વપરાયો છે. શંકરના લિંગની પૂજા આવા પ્રતીકની ઉપાસનાનો દૃષ્ટાન્ત છે. આ ‘અવયવ’ એવા અર્થમાંથી “પ્રતિનિધિભૂત ચિહ્ન” એવો અર્થ વિકસ્યો એને દૃષ્ટાન્ત વિષ્ણુના ‘પ્રતીક’ તરીકે પૂજાતા ‘શાલિગ્રામ’ છે.
આ પુંલ્લિંગી ‘પ્રતીક’ શબ્દનો ‘અંશ’, ‘ભાગ’ એવો અર્થ થયો તે તો પ્રાણિદેહને અંગે પ્રયોજાતા આ શબ્દનો પ્રયોગ અચેતન વસ્તુને ભાગે આવ્યા એનું પરિણામ છે. ચારે વેદોના પાઠનો વિધિ હોય ત્યારે પ્રત્યેક વેદના એક સૂક્તનો, એક મંત્રનો, એક આદ્ય શબ્દનો, પાઠ કરવામાં આવે ત્યારે એ ‘પ્રતીક’ કહેવાય છે. પ્રતીક એટલે એક અલ્પ ભાગ; મંત્રનો, શ્લોકનો, પંક્તિનો કે વાક્યનો પ્રથમ શબ્દના “અંશ”, “ભાગ” એ અર્થમાં પુંલ્લિંગી પ્રતીક શબ્દ વપરાય છે. પણ કાવ્યપંક્તિના કે વાક્યના પ્રથમ શબ્દના અર્થમાં પ્રયોજાતો પ્રતીક શબ્દ નપુંસકલિંગી બની જાય છે એ તો રૂઢિનો પ્રભાવ છે. છતાં એક જ અર્થમાં પ્રતીક શબ્દનો પુંલ્લિંગમાં અને નપુંસકલિંગમાં પણ પ્રયોગ થયો છે. દાખલા તરીકે કઠોપનષિદ્ ઉપરના ભાષ્યમાં શંકરાચાર્યે ઓંકાર વિશે વિવેચન કરતાં तयोर्हि प्रतीकभेतद अक्षरम् એવો નપુંસકલિંગી પ્રયોગ કર્યો છે ત્યારે એ જ ભાષ્ય ઉપરની ટીકામાં ટીકાકાર ગોપાલયતીન્દ્રે यत ओंकारो ब्रह्मवाचको ग्रह्नप्रतीकोऽतः इत्यर्थः અમે પુંલ્લિંગ પ્રયોગ કર્યો છે. આ બંને પ્રયોગોમાં ‘પ્રતીક’નો અર્થ માત્ર ‘અંશ’ કે ‘ભાગ’ નથી, પણ વાચક, સૂચક એવો અર્થ થાય છે એ લક્ષમાં રાખવું ઘટે,
આ પ્રકારે પુંલ્લિંગ અને નપુંસકલિંગ વચ્ચે દોલારૂઢ આ ‘પ્રતીક’ શબ્દ છેવટે ‘મુખાકૃતિ,’ ‘પ્રતિમા’ (image એ અર્થમાં નપુંસકલિંગમાં સ્થિર થયો છે. આ પ્રતિમાવાચક image શબ્દ એટલે ‘મનોગત સંસ્કાર ચિત્ર’ એ અર્થનો image શબ્દ નહિ એ લક્ષયોગ્ય છે : ‘પ્રતીક’ એટલે મનોગત સંસ્કારમુદ્રા નહિ પણ મૂળ સ્વરૂપની પ્રતિકૃતિના શક્ય પ્રયત્નથી નીપજતી ‘પ્રતિમા’.
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ‘પ્રતીક’ને સ્થાને, એનો કાવ્યવિવેચનમાં જે પ્રચલિત અર્થ છે એ જ અર્થમાં, ‘પ્રતિરૂપ’ શબ્દ પ્રયોજે છે એની સાર્થકતાની, એના સામર્થ્યની, આપણા આ વિચારક્રમે પ્રતીતિ થશે. ‘પ્રતિરૂપ’ શબ્દમાં imageના ‘પ્રતિમા’ અને ‘મનોમુદ્રા’ એ બંને અર્થો અર્પવાનું સામર્થ્ય છે. પ્રતીકને બદલે એ શબ્દ કાવ્યવિવેચનમાં વપરાતો થાય એ એ દૃષ્ટિએ ઇષ્ટ છે. પણ બીજી દૃષ્ટિએ આ વિષયનો વિચાર કરીએ તો ‘પ્રતીક’ શબ્દને પદભ્રષ્ટ કરીને ‘પ્રતિરૂપ’ને પદારૂઢ કરવામાં અર્થહાનિ થતી જણાય છે. કારણ કે પ્રસ્તુત વિષયવસ્તુને સૂચવવા માટે કવિ તત્સંબદ્ધ અપ્રસ્તુત વસ્તુના વાચક અન્ય શબ્દનો પ્રયોગ કરે એ વ્યાપારમાં એ અપ્રસ્તુત પદાર્થનું ‘પ્રતિરૂપ’ જ હોય એવો નિયમ નથી, એ અપ્રસ્તુત પદાર્થ અને પ્રસ્તુત પદાર્થ વચ્ચેનો સંબંધ અંગાંગિભાવનો પણ હોય.
આ અર્થદૃષ્ટિ ઉપરાંત ‘પ્રતીક’ શબ્દના પક્ષને બલવત્તર બનાવતી ઘટના તો એના પ્રચારની વ્યાપકતા છે. એ હવે એટલો પ્રચારરૂઢ બની ગયો છે કે પોતાને મળેલું પદ સહેલાઈથી છોડે એમ લાગતું નથી. અને સંસ્કૃત સાહિત્યની પ્રયોગયાત્રામાં જેણે આપણે જોયાં તેવાં અર્થાન્તરો પ્રાપ્ત કર્યાં છે તેવો આ ‘પ્રતીક’ શબ્દ ‘મનોગત સંસ્કારચિત્ર’ એવો અન્ય અર્થ પ્રાપ્ત કરે તો ભલે કરતો એમ પણ કહી શકાય.
પારિભાષિક શબ્દના અર્થનો નિશ્ચય દૃઢતાથી થવો જોઈએ, એના અર્થપ્રદેશની મર્યાદા અચલ અંકાવી જોઈએ, એ શાસ્ત્રીય કક્ષાની મીમાંસાની નિશ્ચિતાર્થતા માટે આવશ્યક છે. અંગ્રેજીમાં અવિશેષે વપરાતા sign અને symbol શબ્દની ભિન્નભિન્ન અર્થ મર્યાદા સુસાનલઁગરે નિર્ણીત કરી છે. આપણે પણ પ્રતિમા, પ્રતિકૃતિ, પ્રતિરૂપ મૂર્તિ પ્રતિયોગી (વિશેષણ) વગેરે શબ્દોના તથા ચિહ્ન, સંકેત, સંજ્ઞા જેવા શબ્દોના અર્થની સીમારેખા નિશ્ચિતરૂપે આંકવી જોઈએ.
‘પ્રતીક’ શબ્દનો કાવ્યવિવેચનમાં વ્યાપક અર્થમાં, સર્વત્ર, પ્રયોગ થવા લાગ્યો છે; એ પ્રયોગને નિર્મૂલ ન કહી કે કરી શકાય પરંતુ એને નિયંત્રિત કરવો જોઈએ. “નવી કવિતાએ નવાં પ્રતીકો યોજ્યાં છે.” એ વાક્યથી શું વિવક્ષિત છે એ વિશે સંદેહ નથી. પણ જે વાચોયુક્તિનો આપણે ‘પ્રતીક’ એ સર્વ સાધારણ શબ્દથી નિર્દેશ કરીએ એના ઉદ્ભવમાં આપણા આલંકારિકોએ સ્વીકારેલા તે તે અલંકારની ઘટના રહેલી છે એના પ્રતિ આપણું દુર્લક્ષ થાય એ ઇષ્ટ નથી. ‘પ્રતીક’ કહીને સંતોષ ન માનતાં તદ્ન્તર્ગત અલંકારસ્વરૂપની પૃથક્ક્રિયા થાય એ કાવ્યનિર્મિતિના યથાર્થ અનુદર્શન અર્થે અને કાવ્યવિવેચનના ધર્મના યથાર્થ આચરણ અર્થે અત્યન્ત આવશ્યક છે. ‘પ્રતીક,’ ‘પ્રતીક’ એવો વાગ્વ્યવહાર ભલે કરીએ, પણ એટલાથી કૃતકૃત્ય ન થઈએ પણ અલંકારપ્રકારને પણ પારખીએ ન પરખાવીએ, પ્રીછીએ ને પ્રીછાવીએ, એ કાવ્યવિવેચકોનો અનિવાર્ય ધર્મ છે.
અલંકારનાં પ્રાચીન આલંકારિકોએ ઘડેલાં અને આપણે સ્વીકારેલાં લક્ષણો પ્રમાણે ‘પ્રતીકો’નું વર્ગીકરણ કરવાથી જ આપણું કર્તવ્ય પૂર્ણ થતું નથી. એ અલંકારોની ઘટનામાં પ્રવૃત્ત થતા અને પ્રતીત થતા માનસવ્યાપારની પણ અન્વીક્ષા આવશ્યક છે. “અલંકારઘટનામાં માનસવ્યાપાર” એ નામનો લેખ મેં કેટલાંક વર્ષો પહેલાં ‘ગુજરાતી’ના દીપોત્સવી અંકમાં આ પ્રકારની કર્તવ્યબુદ્ધિથી આપ્યો હતો.
માત્ર ‘પ્રતીક’ કહી નાખવાથી વિવેચકધર્મ પૂર્ણ થતો નથી; માત્ર અલંકારને પારખીને એનો નામનિર્દેશ કરવાથી વિવેચન કાર્યની પર્યાપ્તિ થતી નથી; એ પ્રતીકયોજનાની પાછળ, એ અલંકારઘટનાની પાછળ કવિમાનસના કયા કેવા વ્યાપારો હતા એની વિવેચના કરીએ તો વિવેચના યથાર્થ થાય.
આવી વિવેચના ‘પ્રતીક’ શબ્દના સગવડભર્યા પ્રયોગથી કુંઠિત ન બને એટલા પૂરતું ‘પ્રતીક’ના પ્રયોગ ઉપર નિયંત્રણ આવશ્યક છે, અથવા તો પ્રતીકનું પ્રતિપ્રસંગે અલંકારદૃષ્ટિએ પૃથક્કરણ આવશ્યક છે.
(વાઙ્મયવિમર્શ)