નયન હ. દેસાઈની કાવ્યસંપદા/મુંબઈ ઇલાકાનો માણસ ગઝલ

From Ekatra Foundation
Revision as of 03:13, 23 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મુંબઈ ઇલાકાનો માણસ

રસ્તાઓ ચીતરીને ઠોકર બનાવે છે મુંબઈ ઇલાકાનો એક માણસ,
પડછાયા વીણીને પાદર સજાવે છે મુંબઈ ઇલાકાનો એક માણસ.

ભીંતોના જખ્મોને ઢઆંકી કૅલેન્ડરથી તારીખમાં વર્ષો ડુબાડે છે,
અથવા ઘર વેચીને દીકરી પરણાવે છે મુંબઈ ઇલાકાનો એક માણસ.

પાણીથી સાંધે છે તૂટેલી નદીઓ ને ખોબામાં ધગધગતી રેતી છે,
પોતાના કિનારે ખુદને જલાવે છે મુંબઈ ઇલાકાનો એક માણસ.

કેલેન્ડર આપો તો ભીંચ માગી બેસે છે ઊભી તિરાડે એ જીવનારો,
તૂટેલા ઉમ્બરનું વાસ્તુ કરાવે છે મુંબઈ ઇલાકાનો એક માણસ.

ગ્રહયોગો કારણ છે, સાંધેલાં સગપણ છે, માની પથારીએ ઘડપણ છે,
કૂંડળી કઢાવીને મનને મનાવે છે મુંબઈ ઇલાકાનો એક માણસ.