નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ડાળ ડાળ રડે કોઈ...

Revision as of 03:20, 23 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ડાળ ડાળ રડે કોઈ

ડાળ ડાળ રડે કોઈ પાનપાન હસે કોઈ ખારખાર જીવે કોઈ
સાંજ જેમ તૂટી તૂટી જેમ જાગી જાગી માર મરા જીવે કોઈ

એક યાદ બારી જેવી ચૂપચાપ ઊભી ઊભી રાહ કોઈની જુએ છે
બારણે ટકોરા વણી, આંખમાંના અશ્રુ ગણી એમ યાર! જીવે કોઈ

ચાર પાંચ પડઘાઓ, ચાર પાંચ પગલાંઓ, ચાર પાંચ પરદાઓ,
એઠલામાં રાજી થઈ મૂળ કથા ભૂલી ભૂલી સાર સાર જીવે કોઈ

ખંડ ખંડ ચહેરાના સાવ સૂનાં જુલુસોમાં કોણ ખોવાયું છે અહીં
ભીંત છાની જોયા કરે આયનાઓ ઓઢી ઓઢી આરપાર જીવે કોઈ

કોઈ કોઈ વસ્તુ વિશે એમ કેમ માની લેવું એનું હોવું છે સાચું?
દાખલા તરીકે તારા સ્મિતની આ રેખાઓમાં અધ્યાહાર જીવે કોઈ!