નયન હ. દેસાઈની કાવ્યસંપદા/એ હરેક ફકરે...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એ હરેક ફકરે

એ હરેક ફકરે, હરેક પાને રડેલી સુજ્ઞ વાચક
આ કથા છે એટલી રસથી ભરેલી, સુજ્ઞ વાચક

ભાગ્યમાં જેના નદી આખી લખેલી, સુજ્ઞ વાચક
હાથમાં છે માછલી એના મરેલી, સુજ્ઞ વાચક

યાદ બારીમાં પ્રતીક્ષા થૈ ઊભેલી, સુજ્ઞ વાચક
સાંજ પણ ઝીણું ઝીણું કંઈ ઝરમરેલી, સુજ્ઞ વાચક

કૈં વિગત ઝીણી ઝીણી, નોંધો અને ઘટના વગેરે
જિંદગીભર ડાયરીએ સંઘરેલી, સુજ્ઞ વાચક

પૂર્વજો પાસે નથી કૈં સાંભળેલી, સુજ્ઞ વાચક
આ ગઝલ જૈ લોહીના તળિયે લેખેલી, સુજ્ઞ વાચક