સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/મહાભારતનું નલોપાખ્યાન અને ...
આ લેખમાં હું બંને કાવ્યોના વસ્તુની સરખામણી કરી તેના તફાવતો વિગતવાર નોંધવા ઇચ્છતો નથી, પણ બંને કાવ્યો વાંચતાં વાંચનારના મન પર જે મુખ્ય મુખ્ય તફાવતોની છાપ પડે, તે તફાવતોનું રહસ્ય સમજવા ઇચ્છું છું. તે તફાવતોથી કાવ્યમાં રસદૃષ્ટિએ શો ફરક પડે છે અને તે તફાવતો થવાનાં શાં કારણો હશે તે સંબંધી મીમાંસા કરવા ઇચ્છું છું. છેલ્લો નળાખ્યાનનો લેખ[1], જેના ઉપરથી જ મને આ વિષય સૂઝ્યો છે. તેમાં હું એક વાત તો બતાવી ગયો છું કે પ્રેમાનંદે નળાખ્યાનને સ્વતંત્ર કાવ્ય તરીકે નિરૂપ્યું છે. અને તેમ કરતાં તેના હાથે નળાખ્યાનનું રહસ્ય, માત્ર એક અભિજાત અને ઉચ્ચ સ્થિતિના માણસ પર કેવી આપદા પડી એ બતાવવું એટલું જ નહિ, પણ એક દંપતીના પ્રેમનો, ખાસ કરીને પત્નીના પ્રેમનો વિકાસ તેના આદિ અને વિકાસની અંતિમ મર્યાદા બતાવવી એ થઈ ગયું છે. પણ તે સિવાય પણ બીજા ઘણા ફેરફારો થયા છે, તે અનેક દૃષ્ટિએ મનન કરવા યોગ્ય મને જણાયા છે. ઉપર જણાવ્યું તેમ પ્રેમાનંદે કરેલા કેટલાક ફેરફારો તે વસ્તુને સ્વતંત્ર આખ્યાન બનાવવાના પરિણામના છે. ઉપાખ્યાનમાં કેટલીક વિગતો તેને જે અધૂરી લાગી તે અહીં સ્વતંત્ર આખ્યાન બનતાં તે પૂરવા ઇચ્છે છે. દાખલા તરીકે હંસનું પૂર્વ ભવનું વૃત્તાંત તે વસ્તુમાં ઉમેરે છે.[2] તે જ રીતે પુષ્કર વિશે તે કેટલીક હકીકત જોડી કાઢે છે. મહાભારતમાં પુષ્કર વિશે કશી જ હકીકત નથી એમ કહીએ તો ચાલે. એ નળનો ભાઈ હતો એ પણ પુષ્કરના સંબોધનથી પ્રસંગવશાત્ ખબર પડે છે. તે નળની ઈર્ષ્યાથી પુરવાસ છોડી વનમાં જઈ રહ્યો હતો, તે પ્રેમાનંદની ઘટના લાગે છે. મહાભારત ઉપરથી તો જણાય છે કે તેને પોતાનું પુર હતું. નળ, અંતે તેને પોતાને પુર[3] મોકલે છે. ભાલણ જેણે મહાભારતનાં મૂળ વસ્તુની બહુ જ નિકટ રહી પોતાનું નળાખ્યાન લખ્યું છે, તે પુષ્કરના વનવાસની વાત નથી કરતો. પ્રેમાનંદે પુષ્કર વિશે આવી કથા જોડી કાઢી તેનું કારણ તર્કપ્રેરક છે. મહાભારતમાં એવું વર્ણન છે કે કલિ દ્વાપર સાથે સંધિ કરે છે. પછી પ્રસંગ મળતાં નળમાં પ્રવેશ કરે છે. નળમાં પ્રવેશ કરીને તે પુષ્કર પાસે જાય છે. તેને કહે છે કે તું નિષધ જા, નળની સાથે દ્યૂત રમ, ને જીતીને તેનું રાજ લે. પછી —
एवम्मुक्तस्तु कलिना पुष्करो नलमभ्ययात् ।
कलिश्चैव वृषो भूत्वा गवां पुष्करमभ्ययात् । । ६ ।।
आसाध्य तु नलं वीरं पुष्करः परवीरहा।
दीव्यावेतयब्रवीद भ्राता वृषेणेति मुहुर्मुहः । । ७ ।।[4]
અધ્યાય ૫૯
પછી પુષ્કર નળ પાસે જાય છે. અને કલિ ગાયોનો ‘વૃષ’ થઈને પુષ્કર પાસે જાય છે. વીર નળ પાસે જઈને પુષ્કર વૃષથી રમવાનું વારંવાર કહે છે. આ ઉપરથી પુષ્કર નળ પાસે આખલો લઈને ગયો એવું વર્ણન ભાલણ કરે છે.[5] ભાલણ અને પ્રેમાનંદ બંનેયે પુષ્કરે રમતમાં વૃષ મૂક્યો એવું વર્ણન કર્યું છે. હવે પુષ્કર રાજા હોય તો આખલો લઈને જાવ અને પણમાં માત્ર આખલો મૂકે અને તેની સામે નળ પોતાનું રાજ્ય મૂકે એ અસંભવિત છે. ભાલણને આ અસંભવિતતા જણાઈ નહિ. પ્રેમાનંદને જણાઈ અને તેથી તેણે પુષ્કરને નિર્ધન અને વનવાસી કલ્પ્યો. વનવાસની ઘટનાનું મને અહીં કારણ દેખાય છે. પણ મને લાગે છે કે અહીં વૃષનો અર્થ સમજવામાં ભૂલ થઈ છે. પ્રેમાનંદે ભૂલ કરી, પણ ભાલણે આ ભૂલ કરી તે સમયની મર્યાદા બતાવે છે. મહાભારતના આ શ્લોકો ઉપર : गवां वृषः अत्र गोशब्दो लक्षितलक्षणया अक्षशब्दवाच्येषु पाशेषु वर्तते। वृषः श्रेष्ठः पाशश्रेष्ठो भूत्वा ।। ७ ।। નીલકંઠ ‘ગો’નો અર્થ લક્ષણાથી અક્ષ – પાસો કરે છે અને વૃષનો અર્થ મોટો પાસો એમ કરે છે. સાતમા શ્લોકની ટીકામાં પણ લખે છે ‘વૃષેણ અક્ષુખ્યેન || [6] ||’ એટલે વૃષનો અર્થ મોટો પાસો એમ થાય છે. નીલકંઠ લક્ષણાથી અર્થ કરે છે, પણ કદાચ જુગટાની ભાષામાં મોટા પાસાને ‘વૃષ’ કહેતા હશે, અને મહાભારતકારનો અભિપ્રાય એવો હશે કે કલિએ પોતે એ ખોટા પાસાનું રૂપ લીધું, અને એ રીતે નળ હાર્યો. સંસ્કૃત શબ્દની ખૂબી એક બીજી જગ્યાએ પણ પ્રેમાનંદ સમજ્યો જણાતો નથી. કર્કોટકના વૃત્તાંતમાં નળ બળતા કર્કોટકને અગ્નિ બહાર કાઢે છે પછી નીચે પ્રમાણે વર્ણન છે :
आकाशदेशमासाद्य विमुक्तं कृष्णवर्त्मना ।
उत्स्रष्टुकामं तं नागः पुनः कर्कोटकोऽब्रवीत् । ।१० ।।
पदानि गणयन् गच्छ स्वामि नैषध कानिचित् ।
तत्र तेहं महाबाहो श्रेयो धास्यामि यत्परम् ।।११।।
ततः संख्यातुभारब्धम् अदशदृशमे पदे ।
तस्य दष्टस्य तद्रूपं क्षिप्रमन्तरधीयत । । १२ । । અધ્યાય ૬૬
અગ્નિ વિનાના ખુલ્લા ભાગમાં નળ કર્કોટકને મૂકવા જતો હતો ત્યારે કર્કોટકે કહ્યું : હે નૈષધ, તારાં પગલાં ગણતો-ગણતો થોડાં પગલાં જા. હું તારું મોટું શ્રેય કરીશ. તે પછી સંખ્યા ગણવા માંડેલા નૃપને તે દશમે પગલે ડસ્યો. તેના ડસવાથી તરત જ તેનું રૂપ ચાલ્યું ગયું. અહીં પ્રશ્ન થાય કે નાગ પગલાં શા માટે ગણાવે છે. રહસ્ય એ છે કે નળ પગલાં ગણતાં દસમે પગલે ‘દશ’[7] એમ બોલ્યો. ‘દશ’નો બીજો અર્થ ‘ડસવું’ થાય છે, એટલે પોતાને નળ ડસવાનું કહે છે એવો ‘દશ’નો અર્થ કરીને નાગ તેને ડસ્યો. રાજાની આજ્ઞા વિના નાગથી રાજાને ડસાય કેવી રીતે? નીલકંઠે ટીકામાં આ વાત સ્પષ્ટ કરી છે. પ્રેમાનંદ આ વાત સમજ્યો જણાતો નથી. એના નળાખ્યાનમાં તો, કર્કોટક રાજાનો આભાર માની રહે છે ને તરત જ –
એવું કહીને સર્પ જ ધસ્યો કર્કોટક નળને કંઠે ડસ્યો; કડવું ૩૫, ૭૧
એક બીજી બાબત અહીં નોંધવા જેવી છે, જે છે તો નાની, પણ મહાભારતના વસ્તુને તે વધારે સુશ્લિષ્ટ કરનારી છે. કર્કોટક નળને ડસ્યો પછી તેને સાંત્વન આપતાં જણાવે છે કે હું જે ડસ્યો છું તેની પીડા તને નહિ થાય, પણ તારામાં રહેલા કલિને થશે. આ પછીથી કલિ નળમાં સુખે રહી શકતો નથી, અને આગળ જતાં ઋતુપર્ણ પાસેથી નળે બીજી વિદ્યા મેળવતાં જ્યારે કલિ નળના શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે નાગનું વિષ વમતો તેને વર્ણવ્યો છે. વળી મહાભારતના વસ્તુની યોજના એવી પણ છે કે આ નાગ કલિને ડસે છે તે માત્ર નળને પ્રત્યુપકાર કરવા જ નથી ડસતો, પણ દમયંતીએ કલિને શાપ આપ્યો છે તેના પ્રભાવથી ડસે છે. સતીનો શાપ એ રીતે સાચો પડે છે. દમયંતીનો નળ ત્યાગ કરે છે, ત્યારે તે નિર્જન વનમાં નળને શોધતી ફરતી આથડતી શાપ આપે છે :
उवाच भैगी निःश्चय रुदत्यथ पतिव्रता । ।१५।।
यस्याभिशापादुःखार्तो दुःखं विन्दति नैषधः ।
तस्य भूतस्य नो दुःखात् दुःखमप्यधिकं भवेत् । । १६ । ।
अपापचेतसं पापो य एकं कृतवान्नलम् ।
तस्मादुःखतरं प्राप्य जीवत्वसुखजीविकाम् । ।१७ ।।
અધ્યાય ૬૩
પતિવ્રતા ભૈમી નિઃશ્વાસ નાખીને રડે છે. ‘જેના અભિશાપથી દુઃખાર્ત્ત નૈષધ દુઃખ પામે છે. તે ભૂતને અમારા દુઃખથી પણ વધારે દુઃખ પડજો. જે પાપીએ નિષ્પાપ નળને આવું કર્યું તે તેનાથી પણ વધારે દુઃખ પામીને અસુખનું જીવતર ગાળજો.’ નીલકંઠ કર્કોટકના પ્રસંગે ટીકામાં કહે છે કે સતીનો શાપ ખરો પાડવા નાગ કલિને ડસે છે. અને કલિ જ્યારે નળમાંથી બહાર નીકળે છે, ને નળ તેને શાપ આપવા કરે છે ત્યારે તે નળને વીનવતાં પણ એ જ કહે છે કે ‘ઇન્દ્રસેનાની જનનીના શાપથી અને નાગના વિષથી હું રાતદિવસ દાઝતો રહ્યો છું.’૭ આવી રીતે નલોપાખ્યાનમાં વસ્તુ સંશ્લિષ્ટ બને છે. પ્રેમાનંદે આ જતું કર્યું છે. પ્રેમાનંદ પોતાના કાવ્યની યોજનામાં અહીં શાપ બોલાવી શકે નહિ. દમયંતીનો શાપ તેના દુઃખની પરાકાષ્ઠાએ આવે એ જ સ્વાભાવિક છે. નળાખ્યાનમાં દમયંતીના દુઃખની પરાકાષ્ઠા અહીં નથી થતી, અને આગળ બતાવીશ તેમ જ્યાં થાય છે ત્યાં તેણે દમયંતીના મુખમાં શાપ મૂકેલો છે. ભાલણ, બીજે તેમ અહીં પણ, મહાભારતની વિગતોને વફાદાર રહ્યો છે. પ્રેમાનંદ દ્યૂતનું પણ નીચે પ્રમાણે કરે છે :
જે હારે તે રાજ મેલી ત્રણ વરસ વન જાયજી.
ત્રણ વરસ ગુપ્ત જ રહેવું, વેષ અન્ય ધરીજી.[8]
કડવું ૩૦
મૂળમાં આવી ત્રણ-ત્રણ વરસની વાત નથી. મહાભારતમાં ત્રણ વરસનો એટલો જ ઉલ્લેખ છે કે છેવટ જ્યારે દમયંતી અને બાહુક મળે છે અને દમયંતી પોતાના શીલની સાક્ષી આપવા દેવોને કહે છે ત્યારે દેવો કહે છે કે –
साक्षिणो रक्षिणश्चास्या वयं त्रीन् परिवत्सरान्।
અધ્યાય ૭૬, ૩૭
દમયંતીના શીલનાં ત્રણ વરસના અમે સાક્ષી છીએ. અને અજ્ઞાતવાસનું પણ હતું એવું પણ મહાભારતકારે કહ્યું નથી. જોકે અજ્ઞાતવાસનો ઉલ્લેખ નલોપાખ્યાનમાં જુદી રીતે આવે છે ખરો. કર્કોટક નલને ડસે છે ત્યારે કહે છેઃ
मया तेऽन्तहिहिं रूपं न त्वां विद्युर्जना इति ।।
અધ્યાય ૬૬, ૧૪
‘તને લોકો ન ઓળખે માટે મેં તારું રૂપ અદૃશ્ય કર્યું છે.’[9] અહીં અજ્ઞાતવાસની શરત ઉદ્દિષ્ટ નથી. હું માનું છું કે નળને એવી દીન દશામાં લોકો ઓળખે તેની શરમથી બચાવવા આવું રૂપ ઇષ્ટ ગણેલું છે. પણ નળની વાર્તા બને તેટલી યુધિષ્ઠિરના વૃત્તાંતને બેસતી આવે એ ઇચ્છાથી પ્રેમાનંદે ત્રણ વરસ વનવાસનાં અને ત્રણ અજ્ઞાતવાસનાં કર્યાં જણાય છે. મૂળમાં દમયંતી ચેદી રાજમાતા પાસે અને દ્રૌપદી વિરાટને ત્યાં શૈરંધ્રી થઈ રહે છે એ પણ સૂચક છે, – જોકે પ્રેમાનંદ રાજમાતાને ત્યાં દમયંતી ‘સૈરન્ધ્રી’ થયાનું કહેતો નથી.[10] અજ્ઞાતવાસમાં આ સ્વરૂપનાશ નળને ઉપકારક થાય એટલા માટે કર્કોટક નળને ડસ્યો એમ યોજવાથી વસ્તુમાં એક પ્રકારની સુશ્લિષ્ટતા પણ આવે છે. તરત જણાઈ આવે એવો વસ્તુમાં કરેલો બીજો એક ફેરફાર એ છે કે પ્રેમાનંદે કલિની માયાના બનાવો વધાર્યા છે. મહાભારતમાં સ્વાભાવિક ક્રમમાં બનતા કેટલાક બનાવોને તેણે કલિની માયાના વર્ણવ્યા છે અને કેટલાક નવા ઉમેર્યા છે. નલોપાખ્યાનમાં, નળ દમયંતીનો ત્યાગ કરે છે, પછી તે વગડામાં અર્ધ ઉન્મત્તાવસ્થામાં ભમતી-ભમતી ફરે છે, ત્યાં એક દિવ્ય તાપસારણ્ય જુએ છે અને તેમાં વસિષ્ઠ ભૃગુ અત્રિ વગેરે તાપસોને જુએ છે. તેમને દમયંતી નળના ખબર પૂછે છે અને કહે છે :
यदि कैश्चिदहोरात्रै द्रक्ष्यामि नलं नृपम् ।
आत्मानं श्रेयसा यौक्ष्ये देहस्यास्य विमोचनाम् । ।८१ ।।
જો થોડા દિવસમાં નળને નહિ દેખું તો દેહત્યાગ કરીશ. તાપસો તેને સાંત્વન આપતાં કહે છે :
`उदर्कस्तव क्लयाणि कल्याणो भविता शुभे।
वयं पश्याम तपसा क्षिप्रं द्रक्ष्यसि नैषधम् । । ९२ ।
અધ્યાય ૬૪
હવે તારી ચઢતી દશા છે અને થોડા સમયમાં તું નૈષધને જોઈશ. એ પ્રમાણે સાંત્વન આપીને તે તાપસો આશ્રમો સહિત અંતર્ધાન પામે છે. અહીં મહાભારતકારના અભિપ્રાયમાં પણ આ ચમત્કાર જ છે. તેનું પ્રયોજન દમયંતીને આશ્વાસન આપવાનું છે. કદાચ એમ પણ હોય કે આટલા દુઃખમાં અને પ્રમત્તાવસ્થામાં માણસ આપઘાત જ કરે : દમયંતીને માટે એ સ્વાભાવિક હતું તો એ દશાની ઝાંખી કરાવી તેને ત્યાંથી પાછી વાળવી. બીજી બાજુ કરુણ, સહનાર પાત્ર તેમજ વાંચનાર બંનેને માટે અત્યંત અસહ્ય ભાવ છે. તે લાંબો વખત ચાલી શકતો નથી. એથી એની પરાકાષ્ઠા દર્શાવી દમયંતી પૂરતી હવે વધારે સારી દશાની વાંચનારમાં આકાંક્ષા ઉત્પન્ન કરવી એ અભિપ્રાય પણ હોય. પણ તે ગમે તે હોય પણ મહાભારતના અભિપ્રાયમાં એ ચમત્કાર દમયંતીના શ્રેયને માટે છે – તેના આશ્વાસન માટે છે. પણ પ્રેમાનંદ એ ચમત્કારને કલિની માયાનો માને છે. પારધીના પ્રસંગ પછી દમયંતી કેશ ગૂંથી ફાંસો ખાવા કરે છે, ત્યાં કલિ માયા કરી એક આશ્રમ ઊભો કરે છે. પોતે ‘નગ્ન દિગંબર મહંત’ થઈ દમયંતીને કહે છે કે નળને ક્ષેમ છે. પણ તારા ઉપરથી માયા ઊઠી ગઈ છે અને અન્ય નારીને શોધે છે. આ રીતે પ્રેમાનંદના નળાખ્યાનમાં આ ચમત્કાર કલિનો આ દંપતીનો પ્રેમ તોડવાનો એક પ્રયત્ન છે. અને તેમાં પણ તે કલિની હાર બતાવે છે. કડવું ૩૯. એ જ રીતે આ પછીનો સાર્થવાહનો પ્રસંગ નલોપાખ્યાનમાં એક સ્વાભાવિક રીતે આવી પડતી આપત્તિ છે તે પ્રેમાનંદમાં કલિની મોહજાળનું પરિણામ બને છે. મહાભારતમાં દમયંતી નદી ઊતરતો સાર્થ – વણજાર જુએ છે અને તેના પડાવમાં રાત ગાળે છે. ત્યાં રાતે જંગલી ગજોનું યૂથ પાણી પીવા આવે છે અને પાળેલા હાથી જોઈ તેમના પર હલ્લો કરે છે, અને હાથીઓની નાસાનાસમાં વણજારના અનેક વેપારીઓ નાશ પામે છે. પ્રેમાનંદના વર્ણનમાં વણજારની સાથે પાળેલા હાથી નથી – કદાચ પ્રેમાનંદના સમયમાં એમ બનતું નહોતું એટલે એણે એ છોડી દીધું હોય – પણ રાતે ગજજૂથ પાણી પીવા આવે છે તેને કલિ સિંહ થઈ ભડકાવે છે અને એ હાથી નાસભાગ કરતાં વેપારીઓનો નાશ કરે છે; તેમાં પણ જે વેપારીઓએ દમયંતી તરફ કુદૃષ્ટિ કરેલી તેમનો જ નાશ થાય છે, એમ પ્રેમાનંદ બેવડો ચમત્કાર આપે છે. પછી પાછો કલિ જોશીના વેશે આવી આ નાશનું કારણ પેલી કૃત્યા-દમયંતી હોવાનું જણાવે છે અને તેથી વેપારીઓ દમયંતી ઉપર તૂટી પડે છે. કડવું ૪૦, ૪૧, ૪૨. નલોપાખ્યાનમાં પણ વેપારીઓ દમયંતીને કૃત્યા ધારી તેને શોધીને મારવાનો વિચાર કરે છે, પણ દમયંતી ત્યાંથી નાસી જાય છે. અધ્યાય ૬૪, ૬૫. ચમત્કારના અતિપ્રયોગને હું હંમેશાં કાવ્યને હાનિકારક ગણું છું. પણ તે ઉપરાંત અહીં એક ને એક પ્રકારનાં દુઃખો આવવાથી પણ રસને હાનિ થાય છે.[11] આ પ્રસંગોમાં, પ્રસંગો જૂના મહાભારતના છે. પ્રેમાનંદે તેના નિરૂપણમાં તાત્ત્વિક ભેદ કરેલો છે; પણ તેણે કેટલાક નવા પ્રસંગો ઉમેરેલા પણ છે. તેમાં ખાસ ગણાવવા જેવો પ્રથમ માછલાંનો પ્રસંગ છે. નળે માછલાં પકડીને દમયંતીને સોંપ્યાં તે તેના ‘અમ્રતસ્રવિયા’ હાથ હોવાથી સજીવન થઈ સરી પડ્યાં. એ પ્રસંગ મહાભારતમાં બીજરૂપે પણ નથી, એટલું જ નહિ, મહાભારતમાં દેવો નળને જ આઠ વર આપે છે, દમયંતીને કશો વર આપતા નથી. એ આખી ઘટના પ્રેમાનંદની જ યોજેલી છે. મને એમાં સારસ્ય લાગતું નથી. એ પ્રસંગે દમયંતી જેવી દીન બને છે, અને નળ જેટલો અધમ બને છે તેટલો બીજે ભાગ્યે જ બને છે. કહેવું જોઈએ કે પ્રેમાનંદ એક રસનિરૂપણમાં એટલે સુધી ઘસડાઈ જાય છે કે તેનું ઔચિત્યભાન ઓછું થઈ જાય છે. પાત્રના સ્વભાવથી અસંગત વસ્તુઓ પણ તે ક્ષણિક રસ ઉત્પન્ન કરવા, અમુક ખંડમાં રસ ઉત્પન્ન કરવા, મૂકે છે. પ્રેમાનંદની બધી કૃતિઓમાં આ દોષ હું જોઉં છું – નળાખ્યાનના હાસ્યમાં પણ, ઋતુપર્ણ પરણવાનો ગમે તેટલો ગરજાળુ બન્યો હતો, અને ગરજાળું ગમે તેટલું અપમાન સહે એ ખરું, – જોકે મહાભારતનો ઋતુપર્ણ છેક એવો નથી – તોપણ બાહુક જે રૂપાંતરમાં પણ નળ જ છે. તે તેનો એવી હલકી રીતે ઉપયોગ કરી ઋતુપર્ણને શા માટે હલકો પાડે? પણ મનુષ્યસ્વભાવની આ ઝીણી સમજણ પ્રેમાનંદમાં નથી. કદાચ એ જમાનામાં પણ નહોતી. માણની સંસ્થા એવી હતી. કવિને તો તે વખતે પોતાની સમક્ષ બેઠેલાં શ્રોતાઓને હસાવવાં-રડાવવાં હતાં! તેમ કરવાના વેગમાં તે પોતાનાં પાત્રોના સ્વભાવને વફાદાર રહી શકતો નથી. આને દોષ જ ગણવો જોઈએ. હસાવવા ખાતર આમ કરેલું હતું એ એનું સમર્થન ન થઈ શકે. એને સમર્થન ગણીએ તો પછી કાવ્યમાં ગમે તે કરવાની કવિને છૂટ મળી જાય; કારણ કે કવિનાં આવાં સ્ખલનો બધાં જ અમુક લાગણી ઉત્પન્ન કરવા જતાં જ થયેલાં હોય છે. કવિને ઘણી છૂટ છે, પણ તે બધી મનુષ્યસ્વભાવ વ્યક્ત કરવાને માટે છે. મનુષ્યસ્વભાવને હાનિ કરીને તે કશું જ કરી શકે નહિ! આવો બીજો નવો ઉમેરેલો ચમત્કાર તે દમયંતી ઉપરના હારની ચોરી છે. મહાભારતમાં તેનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. આ બનાવના ઉમેરણથી દમયંતી પક્ષે કરુણની પરાકાષ્ઠા અહીં થાય છે. મહાભારતમાં હું બતાવી ગયો તેમ કરુણની પરાકાષ્ઠા નળના ત્યાગ પછી તરત જ પેલા તાપસો તેને સાંત્વન આપતાં હવે તેની ચઢતી દશા થવાની છે એમ કહે છે તેની પહેલાંના બિંદુએ થાય છે. પ્રેમાનંદે ત્યાં પરાકાષ્ઠા આણી નથી. અલબત્ત, તે પ્રસંગે પણ ‘વૈદરભી વનમાં વલવલે’ અને ‘ભૂલી ભમે છે ભામિની’ એ કડવાં અને તેના રાગ પણ અત્યંત કરુણ છે. પણ ત્યાં વિયોગના સતત દુઃખ ઉપરાંત કષ્ટો માત્ર દેહનાં છે, ત્યાં પરાકાષ્ઠા નથી; કારણ કે તે પછી વેપારીઓ દમયંતીને કૃત્યા ધારીને ફરી મારે છે. પણ ત્યાં પણ કષ્ટો દેહનાં જ છે. હારચોરીના આળમાં ‘મારો બાંધો તાણો પછાડો’ એ દેહયાતના તો માથા પર ઝઝૂમે છે. પણ અસહ્ય તો માનસિક યાતના છે. આપણી સંસ્કૃતિમાં પાપોની યાદી તો લાંબી છે, પણ તેમાં ગુજરાતી સમાજે બે પાપો મુખ્ય ગણ્યાં છે, અથવા એ બેમાં સર્વ પાપોનો સમાવેશ કરેલો છે : ચોરી ને છિનાળી. તેમાંથી ‘ચોરીનું આળ આવે છે. ‘છિનાળીનું સૂચન થાય છે :
અમે પરીક્ષા તારી કરી. જો ભરતારે પરહરી;
બાઈ હું મેણા જોગ થઈ. તમારા ઘરની પેટભરી. ૫
અને એ પ્રસંગની દમયંતીની પ્રાર્થના એ જાણે તેના આત્માની ગહનતામાંથી નીકળતી તીવ્ર ચીસ છે :
હો હરિ સત્યતણા સંઘાતી, હરિ હું કહીએ નથી સમાતી.
હરિ મારે કોણ કર્મનાં કરતું. પ્રભુ ચોરી થકી શું નરતું. ૧
હરિ હું કેવી ને કોણતણી, હરિ જુઓ હું રાંકડી ભણી. ૪
અને અહીં જ કરુણની પરાકાષ્ઠા હોવાથી પ્રેમાનંદ સતી પાસે કલિને અહીં શાપ દેવરાવે છે :
અંતરજામીએ બુધ દીધી, સતીએ આંખ રાતડી કીધી;
કહે માસીને કરી ક્રોધ, ફરી કરો હારની શોધ. ૧૧
સાખી સૂરજ વિષ્ણુ ને વાય, જો કીધો હોય અન્યાય;
બાઈ હાર તમારો જડજો, લેનારો ફાટી પડજો. ૧૨
એવું કહેતામાં કળીજુગ નાઠો, ત્યારે તડાક ટોડલો ફાટ્યો.
માંહે થકો પડ્યો નીસરી હાર, સતીને ત્રુઠ્યા વિશ્વાધાર. ૧૩
કડવું ૪૫
અંતરિક્ષથી મોતીનો વરસાદ વરસે છે, અને પ્રેમાનંદ સતીના, અને તે સાથે મારે મન ગુજરાતી ભાષાના, વિજયની પંક્તિ બોલે છે.
એક એકપેં અદકાં મોતી, રાજમાતા ટગટગ જોતી. ૧૪
કવિની ભાષા ઉપરથી જ આપણે જાણી શકીએ છીએ કે હવે આ દંપતીની આપદાઓ ઓસરવા માંડશે. દમયંતીના કરુણની પરાકાષ્ઠા અહીં થાય છે, પણ તેના સતીત્વની કસોટીનું સૌથી તીક્ષ્ણ બિંદુ નળાખ્યાનના અંત તરફ છે,ઃ નળના અનુરાગને લીધે દમયંતીએ ઘણું સહન કર્યું, તેણે પિતાની મારફત આખા દેશમાં તપાસ કરાવી તેને બાહુક ઉપર વહેમ આવ્યો, આખી જિંદગીની કાળી ટીલી લાગે એવા, બીજો સ્વયંવર કરવાના ખોટા બહાનાથી બાહુકને તેડાવ્યો. બાહુક એક પછી એક પરીક્ષામાંથી પસાર થતો ચાલે છે. દરેક લક્ષણ એમ બતાવે છે કે બાહુક જ નળ છે. ત્યારે દમયંતીની ભાભીઓ દમયંતીને કહે છે :
દમયંતી પાસે હસતી હસતી, ભાભી આવી ત્રણ;
બાઈ આ પૂતળું ક્યમ પધરાવ્યું, વારુ રૂપ ને વર્ણ. ૧૪
કદાચિત નળજી નીવડશે, ને રહેશે એવું અંગ;
કોહો બાઈ તમો એ પુરુષનો, કહી પેરે કરશો સંગ? ૧૫
શાપ હશે કોઈ તાપસનો, તો રહેશે એવો સર્વાંગે;
આ ભીયા આસન બેસશે, તમો કેમ રહેશો વામાંગે. ૧૬
જહાં હશે તાંહાંથી કાલ આવશે; બાઈ તમારો સ્વામી;
એમ વલખાં શું મારો છો? કાંઈ ધીરજ ધરો ગજગામી. ૧૭
કડવું ૫૭
અહીં પ્રાકૃત સ્ત્રીનું દૃષ્ટિબિંદુ બતાવી, દમયંતી કેવી કસોટીમાંથી પસાર થતી હતી એ પ્રેમાનંદે બતાવ્યું છે. કસોટી શબ્દ પ્રાકૃત જનની દૃષ્ટિએ હું વાપરું છું, બાકી દમયંતીને તો આ કસોટી જ નથી. ઉપરનો એક પણ વિચાર કે સંકલ્પ પણ તેને થતો નથી. મૂળમાં આને મળતું કશું નથી. મહાભારતકારને આવી ઝીણવટમાં ઊતરવાનો અવકાશ નથી, પણ પ્રેમાનંદે ઉપાખ્યાનનું આખ્યાન કરેલું છે, અને તેણે કાવ્યનું મધ્યબિંદુ દમયંતીનો પતિસ્નેહ કરેલો છે, તો તેને એમ કરવા અહીં અવકાશ છે. અને તે અહીં બહુ કૌશલથી કરે છે. કહેવાતા જગડહાપણમાં, ડહાપણની સાદી દેખાતી ભાષામાં, કેટલી હલકી બાબતની સૂચના હોય છે તે અહીં બહુ ખૂબીથી દર્શાવેલું છે, અને જગતના ડહાપણમાં કેવી અસંગત સૂચનાઓ રહેલી હોય છે તે પણ બતાવેલું છે. અહીં એક બાજુથી ‘આ બાહુક નળ જ નથી. સાચો નળ જડી રહેશે, નકામાં વલખાં શાં મારવાં? એમ કહી દમયંતીને બાહુકની પરીક્ષામાંથી પાછી વાળવાનો પ્રયત્ન છે, અને બીજી બાજુ ‘આ નળ હશે તો તમે તેની સાથે શી રીતે રહી શકશો.’ એમ કહી તેને નિવારવાનો પ્રયત્ન છે. જો બાહુક જ નળ હશે અને તેની પરીક્ષા ન કરતાં તેને છોડી દીધો તો પછી સાચો નળ એની મેળે શી રીતે જડવાનો હતો? એ દેખીતી અસંગતતા સ્વાર્થમાં નજરે નથી ચઢતી. એ દૃષ્ટિબિંદુ, તેનાં બધાં હલકાં સૂચનો, સ્વાર્થમયતા, અસંગતતા સાથે મૂકીને, પ્રેમાનંદે દમયંતીની ખરી ઉચ્ચતા તેને પડછે દેખાતી આપી છે. બંને આખ્યાનો વાંચતાં એક સામાન્ય અસર મારા મન પર એ થાય છે કે મહાભારતનું નલોપાખ્યાન અને તેનું આખું નિરૂપણ, તેની ઉક્તિઓ અને વર્ણન સર્વ, વધારે વાસ્તવિકતાવાળું, અને વધારે પ્રતીતિકર છે અને મુખ્ય પાત્રો પણ મહાભારતમાં જ વધારે ઉન્નત અને તાદૃશ ચીતરાયાં છે. આ અસર આખાં કાવ્યોના વાચનથી જ થાય, છતાં બે-ત્રણ પ્રસંગો એવા છે કે તેને છૂટા કરીને મૂકતાં આ બતાવી શકાય. મહાભારતમાં દેવો દમયંતીને પરણવા આવે છે એ પ્રસંગ લઈએ. દેવો વિમાનોને ઊભાં રાખી નલને દૂત થવા કહે છે. તેની હા કહી નળ પૂછે છે કે તમે કોણ છો ને દૂત તરીકે શું કામ કરવાનું છે? ત્યારે ઇન્દ્રે દેવોની ઓળખાણ આપી, દમયંતી અમારામાંથી કોઈને પરણે એમ કહેવા કહ્યું ત્યારે નળ કહે છે :
एकार्थं समुपेतं मां न प्रेषयितुमर्हथ ।। ७ ।।
कथं तु जातसंकल्पः स्त्रियमुत्सृजते पुमान् ।
परार्थदृशं वक्तुं तत्क्षमन्तु महेश्वराः । ।८ ।।
અધ્યાય ૫૫
હું પણ એ જ કામને માટે આવેલો છું તો મને મોકલવો યોગ્ય નથી. એક વાર સ્ત્રીને મેળવવાનો સંકલ્પ કર્યા પછી કોઈ પણ પુરુષ બીજાની ખાતર તેને શી રીતે છોડી શકે? તો મહેશ્વરો, મને માફ કરશો. એક ખરા નિખાલસ, બહાદુર અને સ્ત્રીના પ્રેમના અધિકારી આશકની ઉક્તિ નથી લાગતી? પ્રેમાનંદમાં આમાંનું કશું નથી. અને પછી નળદમયંતીની વાતચીતમાં પણ મહાભારતનું દમયંતીનું ચિત્ર જ વધારે તેજસ્વી અને સુરેખ છે. દમયંતીને જોઈને નળને મોહ થાય છે, નળ તેને સંયમમાં રાખે છે અને નળ તરીકે પોતાનું ઓળખાણ આપીને જ દેવોનો સંદેશો કહે છે. ત્યારે દમયંતી –
सा नमस्कृत्य देवेभ्यः प्रहस्य नलमब्रवीत् ।
प्रणयस्व यथाश्रद्धं राजन्किं करवाणि ते। ।९ ।।
હસીને કહે છે કે દેવોને શ્રદ્ધાથી નમસ્કાર કરીને મને પરણ. નળ ફરી દેવોને માટે આગ્રહ કરીને કહે છે કે તોપણ દમયંતી તો દેવોને નમસ્કાર કરીને, તને પરણીશ એમ જ કહે છે. ત્યારે નળ કહે છે કે દેવોના કાર્ય માટે વચન આપીને આવેલો છું ત્યાં હું તને શી રીતે હા કહું? ત્યારે દમયંતી રસ્તો કાઢી આપે છે :
उपायोऽयं मया दृष्टो निरपायो नरेश्वर।
येन दोषो न भविता तव राजन् कथंचन । ।१९ ।।
त्वं चैव हि नरश्रेष्ठ देवाश्वेन्द्रपुरोगमाः ।
आयान्तु सहिताः सर्वे मम यत्र स्वयंवरः । । २० ।।
ततोऽहं लोकपालानां संनिधो त्वां नरेश्वर ।
वरयिष्ये नरव्याघ्र नैवं दोषो भविष्यति । । २१ ।।
અધ્યાય ૫૬
મેં જરા પણ વાંધો ન આવે એવો ઉપાય શોધી કાઢ્યો છે, જેથી તારે માથે દોષ નહિ આવે. તું અને બધા દેવો ભેગા થઈ સ્વયંવરમાં આવજો અને ત્યાં હું લોકપાલોની સમક્ષ તને વરીશ. એમાં કશો વાંધો આવશે નહિ. આ ઉક્તિમાં દમયંતીની એકનિષ્ઠા સાથે મનોબળ અને બુદ્ધિ પણ દેખાય છે. પસંદગીની સર્વ સ્વતંત્રતા પોતે લઈ દમયંતી નળને તેના વચનમાંથી મુક્ત કરે છે. નળાખ્યાનમાં દમયંતી પોતાના અનન્ય પ્રેમ માટે ઘણુંય કહે છે, નળની નિંદા સાંભળી મૂર્છા પામે છે, પણ બંનેની વાતચીતમાં મૂળ પ્રશ્ન કે દેવોનું કહેણ લઈને નળ પોતે આવ્યો અને છતાં દેવોને છોડી નળને શી રીતે પરણવું, એનો નિકાલ બે વચ્ચે ત્યાં થતો જ નથી. મહાભારતનો પ્રસંગ, પ્રેમાનંદનાં વર્ણનો લાંબાં છતાં, વધારે અસરકારક જણાય છે. એવો બીજો પ્રસંગ ઋતુપર્ણને ત્યાં દમયંતીના બીજા સ્વયંવરનું આમંત્રણ આવે છે તે લઈએ. પ્રથમ એક નાની સરખી પણ બહુ મહત્ત્વની વાત : આ તરકીબ રચતાં દમયંતી પોતાની માતાને ભાર દઈને કહે છે કે આ વાત ભીમને જણાવવી નહિ :
दमयन्ती रहोऽभ्येत्य मातरं प्रत्यभाषत
अयमर्थो न संवेद्यो भीमे मातऋ कदाचन ।।
અધ્યાય ૭૦
આટલી બધી નાજુક બાબતમાં જેમ ઓછા જાણનારા તેમ સારું, એટલું જ નહિ, દીકરીનું હૃદય સમજનાર માતા આવી બાબતમાં જેટલી સહેલાઈથી સંમત થાય, તેટલી સહેલાઈથી કુલપ્રતિષ્ઠા અને રાજપ્રતિષ્ઠાનો અભિમાની બાપ સંમત ન જ થાય! પ્રેમાનંદે આ હકીકત માટે આખું કડવું યોજ્યું છે. તેમાં દમયંતી સુદેવને ખોટી કંકોતરી લઈ જવા વીનવે છે. કડવું સુંદર છે. પણ તેમાં ક્યાંય આ નાની સરખી વાત આવતી નથી. આપણે આગળ ચાલીએ; સુદેવ કંકોતરી લઈ ઋતુપર્ણને આપે છે. મહાભારતકાર ઋતુપર્ણની સભાનું કે ઋતુપર્ણનું કશું વર્ણન કરતો નથી. ઋતુપર્ણ તરત બાહુકને તેડાવીને કહે છેઃ
विदर्भान् यातुमिच्छाभि दमयन्त्याः स्वयंवरम् ।
एकाहना इयतत्त्वज्ञ मन्यसे यिद बाहुक । । २ ।।
‘દમયંતીના સ્વયંવરમાં હાજર થવા એક જ દિવસમાં વિદર્ભ જવા ઇચ્છું છું - જો તું હા પાડે તો! અને પછી નળનું વર્ણન આવે છે.
एवमुक्तस्य कौंतेय तेने राज्ञा नलस्य ह।
ब्यदीयति मनो दुःखात् प्रदध्यौ च महामनाः ।। ३ ।।
दमयन्ती वदेदेतत् कुर्यादुःखेन मोहिता ।
अस्मदर्थे भवेद्वायम् उपायश्चिन्तितो महान । । ४ ।।
नृशंसं बत वैदर्भी भर्तुकामा तपस्विनी ।
मया क्षुद्रेण निकृता कृपणा पापबुद्धिना ।।५।।
स्त्रीस्वभावश्चलो लोको मम दोषश्च दारुण ।
स्यादेवमपि कुर्यात्सा विवासाद् गतसौहदा । । ६ ।।
मन शोकेन संविग्ना नैराश्यात्तनुमध्यमा ।
नैवं सा कर्हिचित् कुर्यात् सापत्या च विशेषतः ।।७।।
यदत्र सत्यं वाऽसत्यं गत्वा वेत्स्यामि निश्चयम् ।
ऋतुपर्णस्य वै कामम् आत्मार्थं च करोम्यहम् । ।८ ।।
ઋતુપર્ણે એમ કહ્યું ત્યારે નળનું હૃદય દુઃખથી ભેદાઈ ગયું. તે મહામનાએ વિચાર્યું : દુઃખથી મોહિત થયેલી દમયંતીએ આમ કહ્યું હશે અને કર્યું હશે, કે અમને મેળવવાનો આ મહાન ઉપાય યોજ્યો હશે? મેં ક્ષુદ્રે પાપબુદ્ધિએ બિચારી ભર્તા પર પ્રેમ રાખનારી વૈદર્ભીનું ઘણું ભૂંડું કર્યું. કહે છે કે સ્ત્રીસ્વભાવ ચંચલ છે, અને મારો દોષ પણ દારુણ છે. ત્યાગથી પ્રેમને ખોઈ તેણે એમ કર્યુંય હોય. પણ શોકથી દુઃખિત થયેલી નિરાશાથી પણ તે કદી પણ આમ તો ન કરે – ખાસ કરીને પ્રજાવાળી છે એટલે. આમાં સાચું ખોટું શું છે તે ત્યાં જઈને જ જાણું. મારી પોતાની ખાતર ઋતુપર્ણની ઇચ્છા પ્રમાણે કરું. પ્રેમાનંદ આ આખા પ્રસંગનું જુદું જ વર્ણન કરે છે. ગયા લેખમાં જણાવી ગયો તેમ તેમાંથી હાસ્ય નિષ્પન્ન કરે છે. પણ બેમાંથી વધારે સચ્ચાઈવાળું, વધારે માનવસ્વભાવને વફાદાર, વધારે પ્રતીતિકર કયું છે? જરૂર મહાભારતનું જ. અને એવા વિચારો જ્યાં આવે ત્યાં બાહુક ઋતુપર્ણની મશ્કરી કરવાનું શી રીતે કરી શકે? અને એ ઘોડાનું વર્ણન પણ મહાભારતનું વધારે પ્રતીતિકર છે. ગયા લેખમાં હું જણાવી ગયો તેમ પ્રેમાનંદ આ પ્રસંગે હાસ્યની તક લઈ ટાયડાંનું વર્ણન ઘણું સારું કરે છે, પણ તે ભૂલી જાય છે કે ઋતુપર્ણ જેવા મોટા રાજાની ઘોડારમાં એવાં ટાયડાં હોય જ નહિ! – ભલે કદાચ ગુજરાતનાં કોઈ નાના ઠાકોરને ત્યાં એવાં મળી આવે. પણ પ્રેમાનંદનો ઋતુપર્ણ કાંઈ એવો નાનો ઠાકોર નથી, અયોધ્યાનો સૂર્યવંશી રાજા છે! હા, મહાભારતમાં પણ ઋતુપર્ણ ઘોડા વિશે બાહુકને કહે છે, પણ તે જુદી રીતે. આપણે જોઈએ :
स त्वर्यमाणो बहुश ऋतुपर्णेन बाहुकः ।
अश्वाञ् जिज्ञासमानो वै विचार्य च पुनः पुनः ।
अध्यगच्छत् कृशानश्वान् समर्थानध्वनि क्षमान् । । १२ ।।
तेजोबलसमायुक्तान् कुलशीलसमन्वितान् ।
वर्जितॉल्लक्षणैर्हीनैः पृथुप्रोथान्महाहनून् । । १३ ।।
सुद्धान् दशभिरावर्तेः सिन्धुजान्वातरहंसः ।
दृष्टवा तानब्रवीद्राजा किंचित्कोपसमन्वितः । ।१४ ।।
किमिदं प्रार्थिर्तं कर्तुं प्रलब्धव्या न ते वयम् ।
कथमल्पबलप्राणा वक्ष्यन्तीमे हया मम।
महदध्वानमपि च गन्तव्यं कथमीदृशैः । ।१५।।
बाहुक उवाच ।
एको ललाटे द्वे मूर्ध्नि द्वौ द्वौ पाश्चोपपाश्चर्योः ।
द्वौ द्वौ वक्षसि विज्ञेयौ प्रयाणे चैक एव तु । । १३ ।।
एते हया गमिष्यन्ति विदर्भान्नात्र संशयः ।
यानन्यान् मन्यसे राजन् ब्रूहि न्नान्योजयोमि ते।।१७।।
ऋतुपर्ण उवाच।
त्वमेव हयतत्त्वज्ञः कुसलो ह्यसि बाहुक ।
यान्मन्यसे समर्थांस्त्वं क्षिप्रं तानेव योजय।। १८ ।।
ઋતુપર્ણે વારંવાર ઉતાવળ કરાવતાં બાહુક અશ્વોને ઓળખવા વારંવાર વિચાર કરીને, કૃશ, રસ્તાનો થાક ખમવાને સમર્થ, તેજોબલવાળા કુલશીલવાળા, હીન લક્ષણ વિનાના, મોટાં નસકોરાં અને હડપચીવાળા, શુદ્ધ સિંધુદેશની ઓલાદના, દસ ભમરીઓવાળા, વાયુ જેવા વેગવાળા ઘોડા પાસે ગયો. તેને જોઈને રાજાએ જરા ચિડાઈને કહ્યું : આ શું કરવા ધાર્યું છે? અમને છેતરવાના નથી. આવા અલ્પબલ અને પ્રાણવાળા ઘોડા મને શી રીતે લઈ જશે? આવા ઘોડાથી લાંબી વાટ શી રીતે કપાશે? બાહુકે કહ્યું : લલાટમાં એક, કપાળમાં બે. પાર્શ્વ-ઉપપાર્શ્વમાં બબ્બે છાતીમાં બબ્બે, અને પલાણ (?)માં એક એવા ઘોડા વિદર્ભ જશે તેમાં સંશય નથી. હે રાજન્, તું બીજા ધારતો હો તો કહે તેને જોડું. ઋતુપર્ણે કહ્યું : બાહુક, તું જ કુશલ હયતત્ત્વજ્ઞ છે. જેને તું સમર્થ માનતો હો તેને તરત જોડ. અહીં પણ ઘોડાની શક્તિ વિશે ઋતુપર્ણ અને નલ વચ્ચે મતભેદ છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે તે તદ્વિદ અને સામાન્ય માણસ વચ્ચેનો છે. સામાન્ય માણસ ભરેલા શરીરવાળા ઘોડાને સારા માને, પણ લગભગ બધાં પ્રાણીઓમાં માંસલ પણ કૃશ શરીરવાળાં જ વધારે સમર્થ હોય છે. મહાભારતમાં પણ ઋતુપર્ણ બેસવા જતાં ઘોડા ઠોકર ખાય છે. પણ તેનું કારણ એ છે કે ઘોડા તીખા છે. ઘણા તીખા ઘોડા ગાડીમાં જરા કોઈ બેઠું એવું જણાય કે તરત અધીરા થઈ દોડવા માંડે છે, અને અધીરાઈમાં ઠોકરાઈ પણ જાય.
ततो युक्तं रथं राजा समारोहत्त्वरान्वितः ।
अथ पर्यपतन्भूमौ जानुभिस्ते हयोत्तमाः ।। २० ।।
त्पतो नरवरः श्रीमान् नलो राजा विशांपते ।
सान्त्वयामास तानश्वान् तेजोबलसमन्वितान् । । २१।।
ઘોડા ઘૂંટણિયે પડી ગયા અને નળે તેઓને સાંત્વન આપ્યું. એનો અર્થ હું એમ જ સમજું છું કે તીખા અધીરા ઘોડાને નળે જરા શાંત કર્યા, ઠંડા કર્યા. મહાભારતમાં એક દિવસમાં ઘોડા સો જોજન જાય તેને હું ચમત્કાર સમજું છું. પણ તે ચમત્કાર પણ જગતના સત્યથી વિપરીત જતો નથી. જગતના સત્યને અનુસરીને અતિશયોક્તિ થાય છે. વાસ્તવિક જગતમાં શાસ્ત્ર પ્રમાણે જે ઘોડા સારા ગણાય તેને જ મહાભારતકાર સારા ઘોડા ગણી નળ પાસે જોડાવે છે. ચમત્કાર માત્ર વેગની અતિશયોક્તિ પૂરતો છે, જ્યારે પ્રેમાનંદ એ સત્યથી વિપરીત રીતે, શાસ્ત્રદૃષ્ટિએ બિલકુલ ખરાબ ઘોડા ગણાય તેવાને જોડાવી ચમત્કાર દર્શાવે છે. અને મને એ વાત મહત્ત્વની લાગે છે. એ રથ પછી વિદર્ભ જાય છે અને ત્યાં—
ततस्तं रथनिर्घोषं नलाश्वास्तत्र शुश्रुवुः ।
श्रुत्वा तु समहृष्यन्त पुरेव नलसंनिधौ । । ३ ।।
અધ્યાય ૭૩
તેના રથનો અવાજ સાંભળીને નળના ઘોડા (તેનાં બાળકોને અહીં મૂકવા આવ્યા હતા તે) નળની સમીપ જેવા હર્ષ પામતા તેવો હર્ષ પામ્યા. આ એક નાની હકીકત પણ ઘણી જ પ્રતીતિકર છે, અને મહાભારતકારની ઝીણી નિરીક્ષણશક્તિ બતાવે છે. ઘોડા અને એવાં કેટલાંક બીજાં પ્રાણીઓ ઘણે લાંબે વખતે પણ પોતાના ધણીને ઓળખે છે – અને ઘોડા ગંધથી ઓળખી હણહણે છે એ સુપ્રસિદ્ધ છે. હવે એક છેલ્લો પ્રસંગ લઈએ. અનેક કસોટીઓ ઉપરથી બાહુક જ નળ છે એવો સંશય દૃઢતર થતો જાય છે, ત્યારે દમયંતી નળને મળવાને ભીમની રજા માગે છે. પછી તેને મળે છે, ત્યારે બંને વચ્ચેની વાતચીત જોઈએ :
सा वै पित्राभ्यनुज्ञाता मात्र च भरतर्षभ ।
नलं प्रवेशयामास यत्र तस्याः प्रतिश्रयः । । ६ ।।
तां स दृष्टवैव सहसा दमयन्तीं नलो नृपऋ ।
आविष्टः शोकदुःखाभ्यां बभूवाश्रुपरिप्लुतः । ।७।।
तं तु दृष्टवा तथायुक्तं दमयन्ती नलं तदा ।
तीव्रशोकसमाविष्टा बभूव वरवर्णिनी । ।८ ।।
ततः काषायवसना जटिला मलपंकिनी ।
दमयन्ती महाराज बाहुकं वाक्यमब्रवीत् । ।९ । ।
पूर्वं दृष्टस्त्वा कश्चिद् धर्मज्ञो नाम बाहुक ।
सुप्तामुत्सृज्य विपिने गतो यः पुरुषः स्त्रियम्। । १० ।।
अनागसं प्रियां भार्या विजने श्रमोहिताम् ।
अपहाय तु को गच्छेत् पुण्यश्लोकमृते नलम् । ।११ ।।
किम तस्य मया बाल्याद् अपराद्धं महीपतेः ।
यो मामुत्सुज्य विपिने गतवान्निद्रयार्द्रिताम् । ।१२।।
साक्षाद्दैवानपाहाय वृतो यः स पुरा मया।
अनुव्रतां साभिकामां पुत्रिणीं त्यक्तवान्कथम् । ।१३।।
अग्नौं पाणी गुहीत्वा तु देवानामग्स्स्तथा ।
भविष्यामीति सत्यं तु प्रतिश्रुत्य क्व तद्गतम्। । १४ ।।
दमयन्त ब्रुवन्यास्तु सर्वमेतदंरिदम ।
शोकजं बारिनेत्राभ्याम् असुखं प्रास्रवद्वहु । । १५ ।।
अतीव कृष्णसाराभ्यां रक्तान्ताभ्यां जलं तु तत् ।
परिस्रवन्नलो दृष्टवा शोकार्तामिदमब्रवीत् । । १६ ।।
मम राज्यं प्रनष्टं यन्नाहं तत् कृतवान्स्वयम् ।
कलिना तत्कृतं भीरु यच्च त्वामहमत्यजम् ।।१७।।
यत्तवा धर्मकृच्छ्रे तु शापेनाभिहतः पुरा ।
वनस्थया दुःखितया शोचन्त्या मां दिवानिशम् ।। १८ ।।
स मच्छरीरे त्वच्छापात् दह्यमानोऽवसत् कलिः ।
त्वच्छापदग्धः सततं सोग्नावग्निरिवाहितः । ।१९ ।।
मम च व्यवसायेन तपसा चैव निर्जितः ।
दुःखस्यान्तेन चानेन भवितव्यं हि नौ शुभे।।२० ।।
विमुच्य मां गतः पापः ततोऽहमिह चागलः
त्वदर्थं विपुलश्रोणि न हि मेन्यत्प्रयोजनम् । । २१ ।।
कथं नु नारी भर्तारमनुरुक्तमनुव्रतम् ।
उत्सुज्य वरयेदन्यं यथा त्व भीरु कर्हिचित्।। २२ ।।
दूताश्चरन्ति पृथिवीं कृत्स्नां नृपतिशासनात् ।
भैमी किल स्म भर्तार द्वितीयं वियिष्यति । । २३ ।।
स्वैरवृत्ता यथाकाममनुरूपमिवात्मनः ।
श्रुत्वैव चैवं त्वरितो भांगासुरिरूपस्थितः । । २४ । ।
અધ્યાય ૭૬
પિતા અને માતાની રજા લઈને તેણે જ્યાં દમયંતીનો આવાસ હતો ત્યાં નળને પ્રવેશ કરાવ્યો. દમયંતીને જોઈને એકાએક નળને શોક અને દુઃખ થઈ આવ્યું અને તેની આંખોમાં આંસુ ઊભરાઈ ગયાં. નળને તેવો જોઈને ઉત્તમ વર્ણવાળી દમયંતીને પણ તીવ્ર શોક થઈ આવ્યો. પછી કાષાય વસનવાળી, માથે જટા ધારણ કરેલી, મેલાં વસ્ત્રવાળી દમયંતીએ બાહુકને આ વાક્ય કહ્યું : હે બાહુક, તેં પહેલાં એવો કોઈ ધર્મજ્ઞ પુરુષ જોયો છે જે વગડામાં ઊંઘતી સ્ત્રીને છોડીને ચાલ્યો જાય? પુણ્યશ્લોક નળ સિવાય નિષ્પાપ, થાકથી બેભાન થયેલી ભાર્યાને નિર્જન વનમાં છોડીને કોણ ચાલ્યો જાય? નાનપણથી અત્યાર સુધીમાં મેં તે રાજાનો શો અપરાધ કર્યો હતો કે મને નિદ્રાથી દુઃખિત થયેલીને વગડામાં છોડી ચાલ્યો ગયો? સાક્ષાત્ દેવોને છોડીને હું જેને પહેલાં વરી હતી તે મને વ્રતવાળી પ્રેમવાળી પુણ્યવાળીને શા માટે છોડી ગયો? દેવોની હાજરીમાં અગ્નિ સમક્ષ હું ખરેખર તારો થઈશ એવું વચન આપ્યું હતું તે ક્યાં ગયું? આ બધું કહેતાં શોકને લીધે દમયંતીની આંખોમાંથી ખૂબ આંસુ વહેવા લાગ્યાં. અત્યંત કાળી અને લાલ ખૂણાવાળી આંખોમાંથી વહેતું પાણી જોઈને, નળે શોકાર્ત્ત દમયંતીને કહ્યું : મારું રાજ્ય જે નાશ પામ્યું તે મેં પોતે કરેલું નથી. હે ભીરુ, મેં જે તને તજી દીધી તે કલિનું કરેલું છે. વનની અંદર દુઃખિત થઈને રાતદિવસ શોક કરતાં તેં ધર્મસંકટમાં તેને જે શાપ આપ્યો તે શાપથી મારા શરીરમાં રહેલો કલિ દાઝવા લાગ્યો. તારા શાપથી તે અગ્નિમાં મૂકેલા અગ્નિ જેવો દાઝવા લાગ્યો. મારા પ્રયત્નથી અને તપથી પણ તે હવે જિતાયો છે. તેથી હે શુભે, હવે આપણા દુઃખનો અંત આવશે. તે પાપી મને છોડીને ગયો તેથી હું આવ્યો છું. હે વિપુલશ્રોણિ, હું તારે માટે આવ્યો છું, બીજા કોઈ પ્રયોજનથી નહિ. હે ભીરુ, તું કહે છે તેમ. પ્રેમવાળા અને વ્રતવાળા ભર્તાને તજીને કોઈ નારી બીજાને કદી પણ કેમ વરે? ભીમના હુકમથી આખી પૃથ્વી ઉપર દૂતો ફરે છે અને કહે છે કે ભૈમી બીજા ભર્તાને વરશે. સ્વચ્છંદ આચરણવાળી પોતાને અનુકૂળ પુરુષને ઇચ્છા પ્રમાણે વરશે એમ સાંભળીને ઋતુપર્ણ આટલી ઉતાવળ કરી અહીં આવ્યો છે. એમ સાંભળીને દમયંતીએ કંપતાં-કંપતાં અંજલિ કરી નળને કહ્યું :
न मामर्हसि कल्याण दोषेण पिरशंकितुम् ।
मया हि देवानुत्सृज्य वृतस्त्वं निषधाधिर । । २६ ।।
तवाभिगमनार्थं तु सर्वतौ ब्राह्मणा गताः ।
वाक्यानि मम गाथाभिर्गायभाना दिशो दश।।२७ ।।
ततास्त्वां ब्राह्मणो विद्वान् पर्णादो नाम पार्थिव ।
अभ्यगच्छत्कोसलायामृतुपर्णनिवेशने । । २८ ।।
तेन वाक्ये कृते सम्यक् प्रतिवाक्ये तथाहते ।
उपायोऽमं मया दृष्टो नैषधाननयने तव ।। २९ ।।
त्वामृते नहि लोकऽन्य एकाहन्ना पृथिवीपते ।
समर्थो योजनशतं गन्तुमश्चैर्नराधिप । । ३० ।।
स्पृशेयं तेन सत्येन पादावेतौ महीपते ।
यथा नासत्कृतं किंचिन् मनसापि चराम्यहम्। ।३१ ।।
अयं चरति लोकेऽस्मिन् भूतसाक्षी सदागतिः ।
एष में मुंचतु प्राणान् यदि पापं चराम्यहम् ।। ३२ ।।
यथा चरति तिग्माशुंः परेण भुवनं सदा ।
स मुंचतु मम प्राणान् यदि पापं चराम्यहम्।। ३३ ।।
चन्द्रमाः सर्वभूतानामन्तश्चरति साक्षिवत् ।
स मुंचतु मम प्राणान् यदि पापं चराम्यहम्।। ३४ ।।
एते देवास्त्रयः कृत्स्नं त्रैलोक्यं धारयन्ति वै।
विब्रुवन्तु यथासत्यं एतद्देवास्त्यजन्तु माम् । । ३५ ।।
હે કલ્યાણ, મારામાં દોષની શંકા કરવી ઘટતી નથી. દેવોને છોડીને હું તને વરી હતી. તને મેળવવા માટે મારાં વાક્યોની ગાથા ગાતા ગાતા બધે, દશે દિશામાં બ્રાહ્મણો ગયા હતા. ત્યાં પર્ણાદ નામનો વિદ્વાન બ્રાહ્મણ કોસલમાં ઋતુપર્ણના દરબારમાં તને મળ્યો. મારા વાક્યનું પ્રતિવાક્ય લઈ આવ્યો એટલે તને – નૈષધને લાવવાનો આ ઉપાય યોજેલો હતો. તારા સિવાય ઘોડાથી એક દિવસમાં સો યોજન જનાર કોઈ નથી. આ હકીકતના સત્યથી હે મહીપતિ, હું તારા પગને સ્પર્શ કરી સોગન લઉં છું કે મનથી પણ કોઈ પણ અસત્ કાર્યની હું ચર્ચા કરતી નથી. ભૂતોનો સાક્ષી આ વાયુ જગતમાં વિચરે છે એ, જો હું પાપ આચરતી હોઉં તો મારા પ્રાણનો અંત આણે. આ તીવ્રકિરણ સૂર્ય જે હંમેશાં ભુવનોમાં ફરે છે એ, જો હું પાપ આચરતી હોઉં તો મારા પ્રાણનો અંત આણે. ચંદ્રમા સર્વ ભૂતોના સાક્ષી પેઠે અંતરમાં ફરે છે એ, જો હું પાપ આચરતી હોઉં તો મારા પ્રાણનો અંત આણે. આ ત્રણ દેવો આખા ત્રિલોકને ધારણ કરે છે તે સત્ય બોલે, નહિતર મારો ત્યાગ કરે. પછી એ ત્રણેય દેવો તરફથી વાયુ દમયંતીના શીલની સાક્ષી આપે છે. અંતરિક્ષથી પુષ્પની વૃષ્ટિ થાય છે, ને દેવનાં દુંદુભિ વાગે છે :
तदद्भुतमयं दृष्ट्वा नलो राजाथ भारत ।
दमयन्त्यां विशंकां तामुपाकर्षदरिंद्मः । ।४१।।
ततस्तद्वस्त्रमजरं प्रावृणोद्वसुधाधिपः ।
संस्मृत्य नागराजं तं ततो लेमे स्वकं वपुः । ।४२।।
स्वरूपिणं तु भर्तारं दृष्टवा भीमसुता तदा ।
प्राक्रोशदुच्चैरालिंग्य पुण्यश्लोकमनिन्दिता । ।४३ ।।
भैमीमपि नलो राजा भ्राजमानो यथा पुरा ।
सस्वजे स्वसुतौ चापि यथावत्प्रत्यनन्दत ।।४४ ।।
ततः स्वोरसि विन्यस्य वक्त्रं तस्य शुभानना ।
परीता तेन दुःखेन निशश्वासायतेक्षणा । ।४५ ।।
तथैव मलदिग्धांगीं परिष्वज्य शुचिस्मिताम् ।
सुचिरं पुरुषव्याघ्रव्रस्तस्थौ शोकपरिप्लुतः । ।४६ ।।
અધ્યાય ૭૬
તે અદ્ભુત બનાવ જોઈને નળ રાજાએ દમયંતી ઉપરની શંકા પાછી ખેંચી લીધી. પછી નાગરાજનું સ્મરણ કરીને અજર વસ્ત્ર ઓઢીને તે પોતાનું સ્વરૂપ પામ્યો. પોતાના ભર્તાને પોતાના સ્વરૂપમાં જોઈને ભીમસુતા પુણ્યશ્લોકને આલિંગીને મોટેથી રડી પડી. પહેલાં જેવો જ પ્રકાશમાન નળ રાજા પણ વૈદર્ભીને અને પોતાનાં ફરજંદોને ભેટ્યો અને તે પ્રમાણે હર્ષ પામ્યો. પછી શુભાનના દમયંતીએ નળનું મોં પોતાના ઉર પર મૂક્યું અને તે દુઃખ વડે ઘેરાયેલીએ નિઃશ્વાસ નાખ્યા; તેવી જ રીતે તે મલિન અંગવાળી શુચિસ્મિતવાળીને આલિંગીને શોકમાં ડૂબેલો એવો તે નરવ્યાઘ્ર લાંબો વખત ઊભો રહ્યો. આની સાથે પ્રેમાનંદના નળાખ્યાનનાં આ જ પ્રસંગનાં કડવાં ૫૮-૫૯-૬૦ સરખાવી જુઓ. અહીં પણ દમયંતી ભીમકની આજ્ઞા માગીને જ નળને પોતાના આવાસમાં તેડાવે છે. પણ ત્યારે, નળ કેવો ખરાબ આપણને શરમાવે એવો જવાબ આપે છે :
પરઘરમાંહે અમો નવ પેસું, સ્ત્રીનાં ચંચળ મન.
સાધુ પુરુષને સદ્ય પાડે, આવીને દે આલિંગન. ૧૬
કડવું ૧૬
સુદામાચરિત્રમાં, સુદામો પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલ જુએ છે ને તે મહેલની સુંદરી તેને બોલાવવા આવે છે ત્યારે —
હું તો વૃદ્ધ ને તમો જોબનનારી, છે કઠણ લોકાચાર ૧૮
ભોગાસક્ત હું નથી આવ્યો, મને પરમેશ્વરની આણ
પાપણીઓ તમને પરમેશ્વર પૂછશે, હું ને કાં આણો છો વાજ ૨૦
એમ સુદામો કહે છે, તેવો આ પ્રસંગ નથી. ઋષિ એ પોતાની પત્ની છે એમ નથી જાણતો, એટલે એમ કહે, પણ બાહુક તો જાણે છે કે એ દમયંતી મારી પત્ની છે, અને તેટલા માટે જ તેને બોલાવે છે.[12] પણ તે પછીનું વર્ણન પણ મને ઘણું જ બેહૂદું અને અસંભવિત લાગે છે.
બાહુકને બારણે બેસાડ્યો. ઢાળી રૂપાનો બાજઠ;
દમયંતી ઉમરા ઉપર બેઠી, આડું ધરી અંતરપટ. ૫૩
બાહુક ખૂંખારે આળસ મોડે, માંડ્યાં વિષયીનાં ચિહ્ન;
ચિત્ત ચળ્યું ત્યાં ચક કશો રે. જો નથી ભિન્નાભિન. ૨૪
કડવું ૫૮
આ વર્ણનનું અનૌચિત્ય બતાવવા કશી જ ટીકાની મને જરૂર લાગતી નથી. ઓખાહરણમાં અનિરુદ્ધ આવ્યાની વાત પ્રસિદ્ધ થાય છે પછી ૨૫મા કડવામાં, બધાના દેખતાં અનિરુદ્ધ-ઓખા જે નિર્લજ્જ કામચેષ્ટાદર્શન કરે છે તે આની સાથે મૂકતાં મને લાગે છે કે આ જાતની નાજુકતા કે ઔચિત્યદૃષ્ટિ એ કાલમાં ઓછાં હશે. નળદમયંતીની વાર્તામાં આ બિંદુએ પતિ-પત્ની વચ્ચે હોઈ શકે તેટલો ગંભીરમાં ગંભીર પ્રસંગ અહીં છે. મહાભારતકારે એનું એવું જ ગંભીર નિરૂપણ કર્યું છે. પ્રેમાનંદ જાણે એ ગંભીરતા સમજતો જ નથી! ૫૮–૫૯મા કડવામાં પણ નળ જરા પણ દુઃખ કે શોક કે પરિતાપ કે પશ્ચાત્તાપ બતાવતો નથી : ઊલટું જાણે જેવાં ને જેટલાં દુઃખો દમયંતીને પડ્યાં હતાં તેવાં ને તેટલાં જ પોતાને પણ પડ્યાં હતાં એમ બતાવે છે. અને પ્રેમાનંદ એ દુઃખોને બે પલ્લામાં સરખાં બતાવવામાં પોતાનું બુદ્ધિચાતુર્ય દેખાડે છે! અહીં આપણે નલોપાખ્યાન અને નળાખ્યાનના વસ્તુમાં થયેલા ફેરફારોનો ખુલાસો શોધવા પ્રયત્ન કરીએ. પુષ્કરનું વનસેવનનું પૂર્વવૃત્ત જે પ્રેમાનંદે જોડ્યું છે તે તો દ્યૂતનો વૃષ નહિ સમજવાનું પરિણામ છે એમ માની શકાય. કેટલા નાના ફેરફારો જેમાંના ઘણાખરા મેં નોંધ્યા પણ નથી, તેની દરકાર ન કરીએ, પણ બીજા ફેરફારો, કલિના વધી ગયેલા ચમત્કારો અને પ્રેમાનંદના નિરૂપણમાં પેસી ગયેલા અનૌચિત્યદોષોનો શો ખુલાસો? આ ખુલાસાનો પ્રયત્ન કરતાં મારે પ્રથમ કહેવું જોઈએ કે એ સર્વ ફેરફારો કદાચ પ્રેમાનંદે પોતે જ ન યે કર્યા હોય. તેની પહેલાંની વાર્તાની પરંપરામાં તે આવી ગયેલા હોય, એમ છે પણ ખરું, અને એની શોધ ઐતિહાસિક દૃષ્ટિએ કરવી એ સંશોધનનો એક આકર્ષક વિષય છે, પણ અહીં હું જે દૃષ્ટિએ તેનો ખુલાસો કરવા માગું છું તેમાં ફેરફારો પ્રેમાનંદે જ કર્યા હોય કે ગુજરાત પાસે તેના પહેલાંની વાર્તા પરંપરામાં એ આવી ગયા હોય એ અપ્રસ્તુત છે.. મારો ખુલાસો એ છે કે આ ફેરફારો ગમે તે રીતે થયા હોય, પણ એનું સૂક્ષ્મ અને વ્યાપક કારણ ગુજરાતની તે સમયની સંસ્કૃતિ – દૃષ્ટિ છે. ગુજરાતની જનતામાં અને કદાચ બીજા પ્રાંતોમાં પણ ઘણા સૈકાથી ચમત્કારની શ્રદ્ધા વધતી જ ગયેલી છે. મહાભારતમાં ચમત્કાર પુષ્કળ છે. પણ મેં ઉપર બતાવ્યું તેમ તે ચમત્કારો માનવસ્વભાવ અને આ વાસ્તવિક જગતના જ્ઞાનબંધારણને અનુકૂળ છે. મેં ઉપર ઋતુપર્ણના વિદર્ભગમનના પ્રસંગના ઘોડાના વર્ણનને ઉદ્દેશીને કહ્યું તેમ તે ચમત્કાર માનવઅનુભવથી વિપરીત નથી જતો, તેમ માનવસ્વભાવના આવિષ્કારને બાધારૂપ ન થતાં તેને ઉપકારક થાય છે. ગુજરાતનો પ્રેમાનંદકાલીન સમાજ એવી રીતે ચમત્કારને માનવા લાગ્યો છે, જે માનવ પુરુષકારને કુંઠિત કરે છે. પ્રેમાનંદનો સમાજ એમ માનવામાં રાચે છે કે મંત્રવિદ્યાની શક્તિથી ખરેખર નમાલાં ટટ્ટુઓ પણ એક દિવસમાં સો યોજન જાય. કલિનો ચમત્કાર એ એવી રીતે માને છે કે કલિને લીધે નળે પોતાની પત્નીને દુઃખ દીધું, એટલે એ દુઃખ ગમે તેટલું હીન પ્રકારનું હોય તોપણ નળની તેમાં જરા પણ જવાબદારી ન ગણાય. તે દમયંતી તરફ જરા પણ દિલગીરી કે અફસોસ ન દર્શાવે, એટલું જ નહિ એવી વૃત્તિને ત્યાં અવકાશ હોઈ શકે એ જ એના ખ્યાલ બહારની વાત! અને દમયંતી તરફના આ વર્તનમાં મને એક બીજા પ્રકારનું માનસ પણ જવાબદાર જણાય છે. દમયંતી સતી હતી. સતી થવું. સતી રહેવું, પતિને દેવ તરીકે પૂજવા એ એનો ધર્મ જ હતો. દમયંતીએ નળને માટે જે કાંઈ કર્યું તે ખાતર નળમાં કોઈ પણ પ્રકારનો આભારભાવ, કે છેવટ પોતાથી આટલું દુઃખ દેવાયું તેની શરમ કે ભોંઠપ કે દિલગીરી એ સર્વ એને અસ્થાને લાગે છે. શાકુન્તલમાં દુષ્યંતે શાપને લીધે શકુન્તલાને વિસ્મરીને પરસ્ત્રીસ્પર્શની શંકાથી શકુન્તલાનો અસ્વીકાર કર્યો હતો. તેનો તેમ કરવામાં જરા પણ દોષ નહોતો, છતાં, તે શકુન્તલાને મળતાં બીજા કોઈ સ્પર્શ પહેલાં તેનો પાદસ્પર્શ કરે છે! મહાભારતમાં આપણે નળને અત્યંત દુઃખિત અને પસ્તાવામાં અને પોતાનાં કાર્યોનો ખુલાસો કરતો જોઈએ છીએ. ત્યારે નળાખ્યાનનો નળ, વિષયીનાં ચિહ્ન માત્ર દર્શાવે છે. અહીં એક બાજુથી કલિનો ચમત્કાર જેમ માનવતાના પ્રકટીકરણને કુંઠિત કરે છે તેમ બીજી બાજુ સતીનો આદર્શ પણ માનવતાને કુંઠિત કરે છે. આપણા સાહિત્યમાં, અમે કાંઈ કવિ નથી. અમે તો ગાંડાઘેલા થઈ ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, એવા ભાવથી આપણી કવિતા બગડી છે. અમે તો માનવપ્રેમ નથી ગાતા, પણ પ્રેમલક્ષણા ભક્તિ કરીએ છીએ, એવા ભાવથી કેટલુંક નિકૃષ્ટ પ્રેમલક્ષણા સાહિત્ય લખાયું છે, જેમાં ખરો પ્રેમ કે ભક્તિ બેમાંથી કોઈનો સાચો સ્વાદ આવતો નથી. એવી જ રીતે અહીં પતિવ્રતાનો આદર્શ ખરા પુરુષત્વના આવિષ્કારને કુંઠિત કરે છે. મને એ પ્રજાના જીવનહ્રાસનું લક્ષણ જણાય છે. એ હ્રાસનાં કારણો છે. ઇતિહાસકારે અને વિશેષ તો માનવસ્વભાવના અભ્યાસીએ એ શોધવાં અને દર્શાવવાં જોઈએ. અહીં મારો એ વિષય નથી, પણ સાહિત્યમાં પ્રકટ થતા તેના લક્ષણ તરફ ધ્યાન દોરવા આ હું લખું છું. આદર્શ હોવો તો જોઈએ મનુષ્યસ્વભાવના ઉત્કર્ષ માટે, વિકાસ માટે, પણ હીન સમાજ ઉપર ઉત્તમ આદર્શની પણ ખરાબ અસર થાય છે. આ વાંચતાં ગત લેખમાં પ્રેમાનંદનાં કાવ્યો માટે મેં દર્શાવલ આદરહર્ષ કોઈને આની સાથે અસંગત લાગશે; પણ આ જે કાંઈ મેં કહ્યું છે તે છતાં પ્રેમાનંદ માટે મને ઘણું જ મમત્વ છે. ઘણો જ આદર છે, ઘણું જ અભિમાન છે. પ્રેમાનંદની મર્યાદા મને તેની અંગત મર્યાદા નથી લાગતી, એના સમાજની લાગે છે. કદાચ એ કે એના જેવી મર્યાદાઓ માત્ર ગુજરાતની જ નહિ, તે વખતના આખા હિંદની હતી. પ્રેમાનંદની મહત્તા મને એ લાગે છે કે એની પાસે જે કાંઈ વસ્તુ હતું તેને સંપૂર્ણ ગુજરાતી કરીને તેણે ગુજરાતના સમાજ આગળ મૂક્યું. હજી સુધી મને પ્રેમાનંદ જેટલો કોઈ સાચો ગુજરાતી કવિ જણાયો નથી. તેના દોષો કે મર્યાદા ગુજરાતનાં છે, તો ગુજરાતની કેટલીક વિશેષતાઓ પણ તેણે એ વસ્તુમાં મૂકેલી છે. નળાખ્યાનમાં દમયંતી પોતાની પરણવાની ઇચ્છા[13] સૂચવે છે ત્યાં મને ગુજરાતની સ્ત્રીની કુટુંબિની થવાની ઇચ્છા અને તેની સ્વતંત્રતા જણાય છે. સામળનાં અનેક સાહસ કરતાં સ્ત્રીપાત્રો પરથી તમે ગુજરાતની સ્ત્રી વિશે અનુમાન નહિ કરી શકો, પણ પ્રેમાનંદનાં માત્ર સ્ત્રીપાત્રો જ નહિ, બીજાં પણ અનેક પાત્રોમાં તમને ગુજરાત પ્રતીત થશે. નળનું એક વસ્ત્ર પણ હરાઈ જાય છે ત્યારે એ દંપતીની લજ્જાના વર્ણનમાં[14] ગુજરાતની મર્યાદાશીલતા છે, આભિજાત્ય છે. પારધીને શાપ દઈ ભસ્મ કર્યા પછી દમયંતીની મનોવેદના :
પ્રેમદા પામી પરિતાપ, ઉપકારીને દીધો શાપ. ૨૭
જધપિ વ્રત ન ભાગું, પણ લૌકિક લાંછન લાગું;
લોકને પારધીનો સંદેહ, માટે પાડું હું મારી દેહ ૨૮
કડવું ૩૯
ગુજરાતની કૃતજ્ઞતા, કુલાભિમાન પ્રતિષ્ઠાનું અભિમાન બતાવે છે, અને આખ્યાનને અંતે આવતો એક પ્રસંગ જે નલોપાખ્યાનમાં નથી તે પણ ગુજરાતનું ડહાપણ, કૃતજ્ઞતા, કુટુંબોની રાખ-રખાપત બતાવે છે. નળાખ્યાનમાં આપણે જોઈ ગયા દમયંતીના તરકટી સ્વયંવરની કંકોતરી આવતાં ઋતુપર્ણ પોતાની બૈરી આગળ ડંફાસ મારી પરણવા નીકળે છે. પ્રેમાનંદે ત્યાં ઋતુપર્ણને ઘણો હલકો ચીતર્યો છે. અયોધ્યામાંથી નીકળતાં તેની ફજેતી થાય છે, પણ સૌથી ખરાબ ફજેતી તો તે આ બધા સ્વયંવરના પ્રસંગમાં પૂરેપૂરાં બનીને તેને પોતાને ગામ પાછાં ફરવું પડે ત્યારે થાય. પરસ્ત્રીના લોભની એને શિક્ષા કહી સમાધાન કરીએ, પણ એ લોભ લગાડનાર દમયંતી પોતે જ હતી. કેવળ પોતાના સ્વાર્થ ખાતર તેણે એક પ્રતિષ્ઠિત માણસની ખરાબમાં ખરાબ ફજેતી કરી ગણાય. મહાભારતકાર ઋતુપર્ણને એટલો બધો લગ્નલોલુપ ચીતરતો નથી, તેની પાસે દમયંતી પરણી લાવવાની કોઈની પાસે ડંફાસ મરાવતો નથી, તેમ છતાં પાછાં જતાં તેની ફજેતી થાય એ કવિના જગતમાં એક અન્યાય તો છે. કદાચ એ આઘાતમાંથી બચાવવા, એ ભોંઠપમાંથી બચાવવા મહાભારતકાર આ પ્રસંગે નળ પાસે ઋતુપર્ણને અશ્વવિદ્યા અપાવે છે અને બંનેની રાજમૈત્રી દૃઢતર કરીને ઋતુપર્ણને પાછો મોકલે છે. છતાં તેમાં અન્યાય તો છે. ગુજરાતી પ્રેમાનંદ ગુજરાતી રીતે ઋતુપર્ણનું સમાધાન કરે છે. નૈષધનાથ વેળા વાત સંભાળીને પોતાના સાળા દમનની કુંવરી જે ‘દમયંતી શું બીજી’ હતી તેને ઋતુપર્ણ સાથે પરણાવે છે. અને એમ દમયંતી નહિ તો તેની ભાણેજીને પરણાવી ઋતુપણને અયોધ્યામાં પાછો મોકલે છે! આમાં જાણે સ્ત્રી રાજકુટુંબોની વચ્ચે એક વ્યવહારનું સાધન બની જાય છે, પણ એવી વસ્તુસ્થિતિ તે વખતે હતી જ. રાજકુટુંબોમાં અને હજી લગભગ આખા ગુજરાતી સમાજમાં એ જ સ્થિતિ છે, પણ પ્રેમાનંદ એ રીતે કાવ્યજગતમાં ગુજરાત પાસે ન્યાય કરાવે છે તે ભૂલવું ન જોઈએ અને છેવટે પુષ્કરને મહાભારતકારે એવો જ દુષ્ટ, ‘ઠીક આવ્યો, ઠીક આવ્યો, હવે તો દમયંતીને પણ તારી પાસેથી જીતી લઉં’ એમ કહેતો અને દ્યૂત રમી છેવટે નળથી હારતો વર્ણવ્યો છે. તેને બદલે પ્રેમાનંદે એને પશ્ચાત્તાપ કરતો, સામે જઈ રાજ્ય સોંપતો બતાવ્યો છે; તે પણ મહાભારત કરતાં શુભતર અંત છે તેની ના નહિ કહી શકાય. મહાભારતના સમય કરતાં ગુજરાત એટલું વધારે મુલાયમ પ્રકૃતિનું અવશ્ય હતું. આ રીતે મહાભારતનું મૂળ વસ્તુ અને નળાખ્યાનનું વસ્તુ, એ બેના ફેરફારો મને મુખ્યત્વે સંસ્કૃતિની દૃષ્ટિના ફેરફારોના પરિણામરૂપ લાગે છે. અને પ્રેમાનંદ તે વખતના આપણા સમાજનો એક સમર્થ તેટલો જ સાચો પ્રતિનિધિ હતો.
ચૈત્ર ૧૯૯૫
[‘કાવ્યની શક્તિ’]
પાદટીપ :
- ↑ પ્રેમાનંદનો હાસ્યરસ : નળાખ્યાન પૃ. ૫૫
- ↑ નળ અને હંસના વૃત્તાંતમાં પ્રેમાનંદે મૂકેલી એક વાત મને નિરર્થક લાગે છે. હંસ નળની વિદાય માગતાં કહે છે :
ભાઈ, તુજને કરું વીનતી, દ્યૂત ના રમશો નૈષધપતી;
નવ કરશો સ્ત્રીનો વિશ્વાસ, એ બે થકી થાય વિનાશ. કડવું ૧૭-૭
આમાં દ્યૂત ન રમવાની શિક્ષા તો સાચી, પણ સ્ત્રીનો વિશ્વાસ ન કરવો એમ શાથી કહ્યું? હંસને પોતાના જીવનમાં કે આગલા ભવમાં એવો કશો અનુભવ થયો નહોતો. જેથી આવું બોલવું પડે! પૂર્વ ભવમાં તેની સ્ત્રી તો સાધ્વી હતી. હંસ અહીં કાંઈક જાણે ત્રિકાળજ્ઞાનથી બોલતો જણાય છે, પણ નળના જીવનમાં ક્યાંય સ્ત્રી તરફથી તેને અનિષ્ટ થતું નથી. પ્રેમાનંદ માત્ર પોતાના જમાનાનું એક ડહાપણ પ્રસંગ વિના કહેતો હોય એમ જણાય છે. હંસની આ ઉક્તિનો ઉપયોગ નળ એક જ જગ્યાએ, દમયંતીને ખોટો દોષ આપવામાં, અઘટિત મહેણું મારવામાં જ કરે છે. કડવું ૩૨, ૨૨–૨૩. - ↑ एवं नलः सान्त्वयित्वा भ्रातरं सत्यविक्रमः। स्वपुर प्रेषयामास परिष्वज्य पुनः पुनः।। વનપર્વ, ૭૮, ૨૬
- ↑ આ લેખમાં સર્વત્ર ચિત્રશાળા પ્રેસની મહાભારતની આવૃત્તિમાંથી અવતરણો લીધેલાં છે. ભાષાંતર સર્વત્ર માત્ર ભાવાનુસારી છે. શબ્દશઃ નથી.
- ↑ બે નળાખ્યાન કડવું ૧૧, ૯૯–૧૦૧
- ↑ વનપર્વ અધ્યાય ૭૨–૩૪, ૩૫
- ↑ ભાલણના નળાખ્યાનની પંક્તિ આ જ જગ્યાએ ખંડિત થયેલી છે. પણ હું માનું છું કે ભાલણ આ ‘દશ’ ઉપરના શ્લેષને સમજ્યો છે. પગલાં ગણવાની વાત તેણે પોતાના નળાખ્યાનમાં લીધી છે. મારું અનુમાન સાચું હોય તો એ પાઠશોધન શ્રી રામલાલ મોદીએ કર્યું છે તેથી જુદી રીતે કરવું જોઈએઃ શ્રી રામલાલનો શોધિત પાઠ (એમણે યોજેલા અક્ષરો કૌંસમાં છે) આ પ્રમાણે છે :
ગણતાં રા(ય ચાલ્યો ત)વ ડસ્યો ભૂપતિ નાગ
તેને બદલે
ગણતાં રા(ય દશ બોલ્યો ત) વ ડસ્યો ભૂપતિ નાગ.
એ કે એવા અર્થનો કોઈ પાઠ યોજવો જોઈએ. જુઓ કડવું ૨૫, ૧૧, વળી જુઓ ભાલણનું રજું નળાખ્યાન કડવું ૧૩, ૧૩ - ↑ આ રીતે પ્રેમાનંદે અહીં કુલ છ વરસનો નળદમયંતીનો દેશવટો કહ્યો છે. પણ તેના નળાખ્યાનમાં વરસની ગણતરીમાં ગોટાળો જણાય છે. વનવાસની શરૂઆતમાં જ દમયંતી પોતાનાં બાળકોને પિયર મોકલે છે. અને પછી માશીને ઘેરથી દમયંતી પાછી પિયર જાય છે ત્યારે પ્રેમાનંદ વલણમાં કહે છે :
બે વરસે બાળકાં તે, માતાને મળીયાં ટોળે રે. કડવું ૫૦
તે પછી કડવા પ૧માં પ્રેમાનંદ કહે છે :
દુઃખે દિવસ નાંખે દમયંતી, એક વરસ ગયું વહી રે;
ત્રણ સંવત્સરની અવધ વીતી, નાથ આવ્યો નહીં રે. ૧૪
આ રીતે તો કુલ ત્રણ જ વરસ થાય. આ સિવાય ૫૧-૩૩માં વરસની સંખ્યાનો ઉલ્લેખ છે પણ કશાથી આ ગૂંચ ઊકલતી જણાતી નથી - ↑ આ સિવાય બીજા એવા અર્થના ઉલ્લેખો છે. દમયંતીની દાસી બાહુકને નળ વિશે પૂછે છે ત્યારે તે નળ વિશે કહે છે : ‘ગૂઢશ્ચરતિ લોકેસ્મિન્’ વગેરે. નળ લોકોમાં ગૂઢ રહે છે, તેનું રૂપ નષ્ટ થયું છે વગેરે, ૭૪-૧૫. અને નળ છતો થાય છે ત્યારે ઋતુપર્ણ ‘અજ્ઞાતવાસમાં’ કોઈ અપરાધ થઈ ગયો હોય તેની માફી માગે છે. ૭૭–૧૨
- ↑ સૈરંધ્રી જેવો સંસ્કૃત શબ્દ ન વાપરવા તેણે આમ કર્યું છે એમ નહિ કહી શકાય કારણ કે તેણે એ અન્યત્ર (૬૧–૪) વાપર્યો છે.
- ↑ આ જ પ્રમાણે, પ્રેમાનંદે નારદને પણ ઘણાં કૃત્યો આરોપ્યાં છે. નળ પાસે દમયંતીનું વર્ણન નારદ કરે છે. પછી એ જ નારદ સ્વર્ગમાં જઈ દેવોને દમયંતીનો મોહ લગાડે છે. વળી એ જ નારદ, પાંચેય દેવો સ્વયંવરમાં નળને રૂપે ઊભા છે, ત્યાં તેમની પત્નીઓને લઈ આવે છે. પણ એ જ નારદ નળ દમયંતીનું લગ્ન થઈ રહ્યા પછી પાછો કલિને ઉશ્કેરી મોકલે છે ત્યારે તો હદ થાય છે! નારદ કલહપ્રિય છે. પણ અહીં તો આપણને તે લગભગ દુરાત્મા લાગે!
- ↑ મૂળની, જુદી પણ આને મળતી. હકીકતના વિકારથી આવું વર્ણન થયું છે એવો મને વહેમ આવે છે. મહાભારતમાં દમયંતી બાહુકની પરીક્ષા કરવા પોતાનાં પુત્ર-પુત્રી કેશિની સાથે મોકલે છે. તેમને જોઈને નળ રડી પડે છે. પછી ખરું રહસ્ય ઢાંકવા અને આવી હૃદયની મૃદુતાનો ખુલાસો કરવા કહે છે કે આના જેવાં મારે પણ બે ફરજંદ હતાં. તેથી મને એકદમ રડવું આવી ગયું અને કહે છે :
बहुशः संपतन्तीं त्वां जनः शंकेत दोषतः ।
वयं च देशातिथयो गच्छ भद्वै यथासुखम् ।। ७५-२८
એ કેશિનીને કહે છે કે મારા જેવા પરદેશી પાસે તું વારેવારે આવે તે સારું નહિ. લોકોને આપણે વિશે વહેમ આવે. કેશિનીને કહેલી આ ઉક્તિ કદાચ વિકાર પામી દમયંતીને વિશે ઉચ્ચરાઈ હોય! - ↑ કડવું ૧૬, કડી ૧૨, ૧૩, ૧૪ ૨
- ↑ કડવું ૩૩, કડી ૧૩, ૧૪
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.