સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/પ્રેમાનંદની રસસમૃદ્ધિ
સોળમા સૈકાથી આગળ ચાલતાં આપણને ગુજરાતના મહાન કવિ પ્રેમાનંદ મળે છે. તેણે લાંબું લગભગ સો વરસનું આયુષ્ય ભોગવ્યું ગણાય છે. આપણા પ્રાચીન સાહિત્યમાં દરેક મોટા કવિ વિશે દંતકથાઓ ઉત્પન્ન થઈ છે તેવી આને વિશે પણ થઈ છે. પણ પ્રેમાનંદ વિશે વધારે મહત્ત્વની વાત એ છે કે તેને નામે અનેક કાવ્યો ચડ્યાં છે જેને વિશે પ્રથમથી જ આપણા વિદ્વાનોએ શંકા દર્શાવી છે. સદ્ભાગ્યે એ સંદિગ્ધ કૃતિઓ એની નથી એમ અત્યારે લગભગ સર્વત્ર સ્વીકારાયું છે. લાંબા આયુષ્ય દરમિયાન તેણે અનેક આખ્યાનો અને બીજાં કાવ્યો લખ્યાં છે. તેમાંનો મોટો ભાગ, કાવ્યાન્તે મળતી રચ્યાસાલો જોતાં સત્તરમા શતકની છેલ્લી પચ્ચીસીમાં લખાયો જણાય છે. તેની નિઃસંદેહ ઉત્તમ કૃતિઓ સુદામાચરિત્ર, મામેરું, નળાખ્યાન અને દશમસ્કંધ છે. છેલ્લી તેના મૃત્યુને લીધે તેણે અધૂરી મૂકી છે. તેનાથી ઊતરતી કૃતિઓ તરીકે ઓખાહરણ, હૂંડી, શ્રાદ્ધ, રણયજ્ઞ, ચંદ્રહાસાખ્યાન વગેરે ગણાવી શકાય. અહીં સુધી જોયેલા કવિઓ અને પ્રેમાનંદમાં એક મોટો તફાવત એ છે કે અત્યારે પહેલાંના કવિઓએ જીવનનું એકાદ પાસું જ, મુખ્યત્વે ધર્મ જ, નિરૂપેલ છે. નરસિંહ મહેતો કવિ છે પણ તેણે માત્ર ભક્તિ જ ગાઈ છે. પ્રેમાનંદ પણ ભક્તકવિ છે. તેણે રામ અને કૃષ્ણનાં આખ્યાનો અને નરસિંહ જેવા ભક્તના જીવનપ્રસંગો સિવાય કોઈ રસ લીધો નથી. પણ એ આખ્યાનોનાં વસ્તુમાં તેણે ગુજરાતનું જીવન રજૂ કર્યું છે. ગુજરાતનું જીવન એ એની પ્રેરણા હતી, અને તે જ તેના કાવ્યની સામગ્રી હતી. ગુજરાતનું તત્કાલીન જીવન, તત્કાલીન સમાજ, સમાજબળો અને જીવનના આશયો જેટલાં એનાં કાવ્યોમાં પ્રતિબિંબિત થયાં છે તેટલાં બીજા કોઈનાં કાવ્યોમાં થયાં નથી. સમગ્ર ગુજરાતના જીવનનો તે મહાન અને અદ્વિતીય કવિ છે. કવિ આ પ્રમાણે પોતાના જમાનાના લોકવૃત્તમાં કાવ્ય પ્રકટ કરે છે, તેમાં કશું ખોટું નથી, એ સ્વાભાવિક છે. જેમ કવિ પોતાના સમયની ભાષામાં કાવ્ય લખે તેમ પોતાના સમયના લોકવૃત્તમાં કાવ્ય નિરૂપે. પણ પ્રેમાનંદ વિશે અહીં એ કહેવાનું છે કે પ્રેમાનંદે એ લોકવૃત્ત સાથે એની મર્યાદા પણ સ્વીકારી લીધી. ધર્મ વિશે અને ધાર્મિક પુરુષો વિશે લખતાં પણ, કાવ્યની ભવ્યતાની ટૂંકો સુધી એ પહોંચી ન શક્યો. એમ થવામાં કદાચ તે વ્યક્તિ તરીકે હોય તેના કરતાં તેનો જમાનો વધારે જવાબદાર હશે. એટલે પ્રેમાનંદમાં આપણને ગુજરાતનું જીવન અને તેની મર્યાદા બંને મળે છે. પણ આ મર્યાદામાં પણ તેણે અજબ કલા વાપરી છે. હું માનું છું, હજી તેની કલાનાં બધાં પાસાં આપણે અત્યાર સુધીના આપણા અભ્યાસમાં જોઈ વળ્યા નથી. પ્રેમાનંદે પોતાનાં કાવ્યોમાં આગળના કવિઓની સિદ્ધિઓનો ઉપયોગ કર્યો છે. ભાલણે સિદ્ધ કરેલો કડવાબદ્ધ પ્રબંધ તેના ઢાળો સાથે તેણે અપનાવ્યો છે અને પુરોગામી નાકર, વિશ્વનાથ જાની વગેરેની તો આખી ને આખી પંક્તિઓ તેનાં કાવ્યોમાં તેણે લીધી છે. હું માનું છું એ માણસંસ્થાનો કવિ, આજના જેવો મૌલિકતાના ગર્વ કે ચીવટવાળો નહોતો અને પુરોગામીઓનાં આ બધાં ઋણ છતાં પ્રેમાનંદ જ આખ્યાનકવિઓમાં સૌથી મોટો છે. આખ્યાનપ્રકાર તેનાં કાવ્યોમાં વિકાસની ઉત્તમ કોટિએ પહોંચે છે, અને તેની પછી, જોકે બંધ નથી પડી જતો, પણ કથળતો જાય છે. પ્રેમાનંદ પોતાનાં આખ્યાનો માણ વગાડીને ગાતો. અત્યારે આ માણસંસ્થા નિષ્પ્રાણ થઈ ગઈ છે. પણ એક કાળે તો તે, કાવ્ય, સંસ્કૃતિ અને ધર્મની અનન્ય પ્રાણબળવાળી સંસ્થા હતી. આ આખ્યાન પ્રકારનું મૂળ કોઈ વિવેચકો જૈન રાસામાં જુએ છે, પણ તે કરતાં, આ પ્રકારને માટે માણનો ઇતિહાસ જોવો વધારે ફળદાયી નીવડે એમ હું માનું છું. અત્યારે તો એ માણ જેવું તાલ-સાધન માત્ર દક્ષિણ હિંદમાં છે, જે ઘટને નામે ઓળખાય છે, અને એને હું, આના સંશોધનની એક શક્ય દિશા માનું છું. મધ્યકાલીન કાવ્યોમાં આખ્યાનને અંતે કવિ પોતા વિશે કંઈક કહેતો તે પ્રમાણે પ્રેમાનંદે પોતા વિશે નળાખ્યાનના અંતભાગમાં કહ્યું છે તે આપણે વલણ સહિત જોઈએ.
વીરક્ષેત્ર વડોદરા નામે ગુર્જરદેશ ગુજરાતજી;
કૃષ્ણસુત કવિ પ્રેમાનન્દ, મેવાડા ચોવીસા ન્યાતજી.
ગુરુપ્રતાપે પદબંધ કીધે, કાલાવાલા ભાખીજી;
આર્ણિક પર્વની મૂળ કથામાં નૈષધની લીલા દાખીજી.
મુહૂર્ત કીધું સુરત મધ્યે, થયું પુરણ નંદરબારજી;
કથા નળદમયંતીજીની સંસાર માહાં સારજી.
સંવત સત્તર બેતાલીસ વર્ષે પોષ સુદી ૨ ભૃગુવારજી,
દ્વિતીયા ચંદ્રદર્શનની વેળા થઈ પૂર્ણ કથા વિસ્તારજી.
વૃદ્ધ યુવા નર નારી બાળક સ્નેહે કથા સાંભળશેજી,
બ્રહ્મહત્યાદિક પાતિક ટળશે, રાધાવરપદ પામશેજી.
વલણ
રાધાવરપદ પામશે, તે સાંભળતાં પદબંધ રે,
શ્રોતાજન શ્રીકૃષ્ણ જપો, કહે ભટ પ્રેમાનંદ રે.
હવે આપણે પ્રેમાનંદની કવિ તરીકેની શક્તિનાં કેટલાંક દૃષ્ટાંતો જોઈએ. તે જીવનના બધા થરોનાં—ગરીબ, શ્રીમંત, બધાંનાં સુંદર વર્ણનો કરી શકે છે. શ્રીમંતનાં વર્ણનો તો શોધવા જવાં પડે તેમ નથી કારણ કે ખુદ દ્વારકામાં કૃષ્ણ રહે છે, જે અનેક વેળા એના કાવ્યનો વિષય છે. સુદામો દ્વારકા જાય છે અને ત્યાં–
શોભે હાટ ચૌટાં ને ચોક, છજાં ઝરૂખા બારી ગોખ;
અટાળી જાળી મેડી માળ, જડિત કઠોરા ઝાકઝમાળ,
ચળકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાંખું ઓવારી,
સભામાં સ્ફટિક મણિના થંભ, થઈ રહ્યો છે નાટારંભ.
મૃદંગ ઉપંગ મધુરા તાલ, ગાયે ગુણિજન ગીત રસાળ;
રમક ઝમક ત્યાં ઘૂઘરી થાય, તે સુદામોજી જોતા જાય.
ધજા પતાકા કળશ વિરાજે, જાંગડ જાંગડ દુંદુભિ વાજે;
બોલે શરણાઈ ભેર નફેરી, ઉત્સવ મંગળ શેરીએ શેરી.
હરતા ફરતા હીડે ઘોડા, બાંધ્યા હેમતણા અછોડા,
ડોલે મદગળતા માતંગ ગજશાળાનો નવલો રંગ.
આમાં—અલબત્ત સ્ફટિક મણિ વગેરે કેવળ કલ્પના છે, પણ છતાં આમાં ગુજરાતના રાજદરબારનું અત્યુક્તિ ભરેલું પણ વાસ્તવિક ચિત્ર છે. પણ આથી વિરુદ્ધ પરિસ્થિતિનું વર્ણન પણ મળે છે. મામેરામાં નરસિંહ મહેતાને વહેવાઈએ
ઊતરવા ઘર આપ્યું એક, ઝાઝા ચાંચડ મચ્છર વિશેક;
ખાડા ટેકરા વસમો ઠામ, ઉપર નળિયાંનું નહિ નામ;
કોહ્યું છાજ ને જૂની વળી, ભીંતો દોદશ બેવડી વળી;
ઝાઝા માંકડ ઝાઝા જૂઆ, ત્યાં મહેતાના ઉતારા હુઆ.
‘સુદામાચરિત્ર’માં
નીચાં ઘર ભીંતડીઓ પડી, શ્વાન માર્જાર આવે છે ચડી.
ગામડામાં ઘણાએ ઘર ઉપર કૂતરાં ફરતાં જોયાં હશે. એકબે લીટીમાં પણ તે આખું ચિત્ર રજૂ કરે છે. એ જ પ્રમાણે માણસોનાં, પોતાનાં પાત્રોનાં, સુંદર ચિત્રો તે આપે છે. સુદામાનું વર્ણન, મામેરામાં દામોદર દોશી થઈ આવેલા કૃષ્ણનું વર્ણન ઘણાને માદ હશે. હું હૂંડીમાંથી પેલું જ એક વર્ણન લઉં છું :
જેને વેદ પુરાણે વખાણિયો રે, મારો વ્હાલોજી થયો છે વાણિયો રે;
વેષ પૂરો આણ્યો મારે વહાલે રે, નાથ ચઉટાની ચાલે ચાલે રે.
છે અવળા આંટાની પાઘડી રે, વાલાજીને કેમ બાંધતા આવડી રે;
દીસે વાણિયો ભીને વાન રે, એક લેખણ ખોસી છે કાન રે.
હસતાં ખાડા પડે બહુ ગાલ રે, મોટું કપાળ જાણિયે ઢાલ રે,
ત્રિકમજી વણિકની તોલે રે, નાથ ઉતાવળું ને બોબડું બોલે રે;
સોનાની સાંકળી ને કંઠે દોરો રે, કેડે પાટીવાળો કંદોરો રે.
કરે હીંડતાં હાથના લટકા રે, સાદી દોરીના કેડે પટકા રે;
પટકે લટકે ફૂમતડાં જ્યોત રે, કેડે ખોસી પીતલની દોત રે.
એકેએક વિગત યાદ કરી કરીને કવિએ વાણિયાનું ચિત્ર દોર્યું છે. પ્રેમાનંદની વર્ણનશક્તિ વળી જુદા જ ઠાઠથી દશમસ્કંધના વર્ષાવર્ણનમાં આપણે જોઈએ છીએ:
ગોવિંદ ચરિત્ર કહે ગર્ભજોગી, સાંભળીએ ભૂપાળજી;
અદ્ભુત લીલા વૃંદાવનની વર્ણવું વર્ષાકાળજી.
શ્રી ગોકુળમાં ગાજી ગાજી વરસે છે વરસાદજી;
તેવામાં ગૌધેન ચરાવે રામ કૃષ્ણ બે ભ્રાતજી.
ગાજે ઘન વીજળી બહુ ચમકે થાય અંધારું ઘોરજી;
હંસ ચાતક બોલે બપૈયા નાચે કળા કરી મો૨જી,
અમૃત સ્વરે કોકિલા બોલે ભ્રમર કરે ગુંજારજી,
અભ્ર ઘટાને દેખી નાસે વચ્છ કરે હિંસારજી,
આદિત ઉડુગણ ઇન્દુ આચ્છાદ્યા વાદળી ગઈ સર્વ વ્યાપી જી;
અનંત જંતુ ઉદયા અવનીમાં સૃષ્ટિ વિધિએ થાપીજી.
લીલાં તૃણ થયાં અવનીમાં ઊદ્યા દ્રુમ અંકુરજી;
નવીન પત્ર કુસુમ નાનાવિધ નદીએ આવ્યાં પૂરજી.
અને આ વર્ષાચિત્રની સુંદર ભૂમિકા ઉપર તે પોતાના ઇષ્ટદેવ રામકૃષ્ણને મૂકે છે.
ઝડી કરી વરસે મેવલિયો નયણે સૂરજ ન સૂઝેજી;
વૃક્ષ તળે ઊભા અવિનાશી ટાઢે થરથર ધ્રૂજેજી.
ઉપર જળ તળે જળ વહે છે, નથી બેસવાનો ઠામજી;
પલાશ પત્રના ટોપ કરી પરે મસ્તક કેશવરામજી.
પણ કવિની ખરી કસોટી ગતિવાળાં ચિત્રો આપવામાં રહેલી છે. પ્રેમાનંદનાં આખ્યાનોમાં એવા અનેક પ્રસંગો આવે છે જેમાં તે વર્ણનના વિષયને ગતિવાળો નિરૂપી શકે છે. તે ગતિવાળાં પશુઓનાં સુંદર વર્ણન કરે છે. દશમસ્કંધમાં વૃષભાસુરનું વર્ણન સુંદર છે, તે લાંબું ન લેતાં ‘ઓખાહરણ’માંથી ટૂંકું જ રણસ્થલના ઘોડાનું વર્ણન લઉં.
પાખર બખ્તર ઘૂઘરમાળ, ડચકારે ઘોડા દે ફાળ,
ભલા અસ્વાર ઉપર ટકે, હસતા હય હીંડે છે લટકે.
વાનરિયા વેગે આવે નાચંતા, છૂટા કચ્છી જેમ પાણીપંથા;
કાબરા કાળા ને કલંકી, પંખાળા ઊડે છે અબલખી.
એક ડચકારો બસ થાય એવા, અને પોતાનો પડછાયો દેખીને પણ ભડકે એવી તેજી ઘોડીનું સુંદર વર્ણન છે. લાંબા પટ ઉપરનાં ગતિવાળાં વર્ણનો પણ પ્રેમાનંદને સુલભ છે. નળાખ્યાનમાં ઋતુપર્ણની સ્વારીનું વર્ણન ઘણાને યાદ હશે. પ્રથમ હાસ્યને ખાતર તેમાં એક બાજુ લગ્નવિહ્વલ ઋતુપર્ણ છે, બીજી બાજુ એની ગરજનો લાભ લઈ રાજાને હીણો અને મૂરખ બનાવનાર બાહુક છે. ગામના ઉતાર જેવાં હલકો ત્રણ ટકાનાં ટટુવાંથી રાજાની સવારી શરૂ થાય છે. અને પછી એ જ રથ અને એ જ ટટવાંને સો સો જોજનના વેગે એ જ બાહુક હાંકે છે, એ વર્ણન ચમત્કારક છે. પણ આપણે જરા ટૂંકું વર્ણન, પણ એટલું જ સુંદર વર્ણન મામેરામાંથી લઈએ — મહેતાજીની મામેરાની વેલનું.
નરસિંહ મહેતે ઘર તેડાવ્યાં સગાં તો વૈષ્ણવ સંતજી,
મોસાળું લઈ આપણે જાવું બાઈનું છે સીમંતજી.
જૂની વેલ ને ધૂંસરી વાંકી સાંગી સોટા ભાંગીજી,
કોના તળાવા ને કોની પીંજણીઓ, બળદ આણ્યા બે માગીજી.
મહેતાજી મામેરે ચાલ્યા સમર્યા શ્રીજગદીશજી,
ત્રણ સખીઓ સંઘાતે ચાલી વેરાગી દશવીસજી.
ડાબડી ત્રાંબાકેરી સંપુટ તેમાં બાળમુકુંદજી,
કંઠે હાર કરીને રાખ્યા દામોદર નંદાનંદજી.
વહેલની પૂંઠે કોથળો બાંધ્યો માંહિ ભર્યાં વાજિંત્રજી,
ગાંઠડી ગોપીચંદનની છે તુલસી કાષ્ઠ પવિત્રજી.
મોસાળાની સામગ્રીમાં છાપાં તિલક ને તાળજી,
નરસૈંયાને નિર્ભય છે જે ભોગવશે ગોપાળજી.
અહીં સુધી વહેલનું ચિત્ર આપ્યું. હવે એ વહેલ ચાલવા માંડે છે. સાંભળોઃ
બળહીણ બળદો શું હીંડે, ઠેલે વૈષ્ણવ સાથજી,
સોર પાડે ને ઢાળ ચઢાવે, જય જય વૈકુંઠનાથજી.
એક બળદ ગળિયો થઈ બેસે, આખલો તાણી જાયજી,
પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે કૌતુક કોટિ થાયજી.
સાલેસાલ જૂજવાં દીસે વહેલ થાય છે વક્રજી,
સાંગીનો બહુ શબ્દ જ ઊઠે, ચૂચવે છે બહુ ચક્રજી.
ચડે બેસે ને વળી ઊતરે લે રામકૃષ્ણનું નામજી,
મધ્યાહ્ને મહેતાજી પહોંચ્યા જોવા મળ્યું સૌ ગામજી.
લગભગ સિનેમાની પેઠે દૃષ્ટિ આગળ ચિત્ર ચાલે છે. એની એકેએક વિગત આપણે નજરે જોઈએ છીએ, કાને સાંભળીએ છીએ. આ શક્તિથી પ્રેમાનંદ આપણા સાહિત્યનો અમર કવિ છે. પણ આથી પણ વધારે શક્તિ મહાકવિમાં જોઈએ અને તે શક્તિ તે વિશિષ્ટ માનવસ્વભાવનિરૂપણની. એ શક્તિ પ્રેમાનંદમાં હતી. આપણે થોડા દાખલા લઈએ. ઓખાહરણમાં ચિત્રલેખા અનિરુદ્ધને હરણ કરીને લાવે છે ત્યારે પહેલાં તો અનિરુદ્ધ લગ્ન કરવાની ના પાડે છે. વધૂવરમાં સામાન્ય રીતે પુરુષ પહેલાં મોહ પામી પછી સંવનન કરી સ્ત્રીને જીતે છે. તેથી અહીં ઊલટું બને છે. એકદંડિયા મહેલમાં આવ્યા પછી, ધીમે ધીમે અનિરુદ્ધ ઓખાના મોહમાં પડે છે. એ વર્ણન જોઈએ :
શીશફૂલ સેંથે સિંદૂર, તેણે મોહ્યો છે અનિરુદ્ધ શૂર;
કાને ઝાલ અમૂલક જોઈ, કામકુંવર રહ્યો છે મોહી.
નાકે સોહે મોતીની વાળી, તેને અનિરુદ્ધ રહ્યો છે ન્યાળી;
નારી તારી નાસિકાનો મોર, નોય ભૂષણ ચિત્તનો ચોર.
રક્ત અધર હસે મંદ મંદ, નહિ હાસ્ય એ મોહનો ફંદ;
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાલે પડયાં ખંજન.
ઓખા તો પહેલેથી જ મોહમાં પડી હતી, પણ તે જ્યારે અનિરુદ્ધને દાનવ સૈન્યમાં એકલો ઝૂઝતો જુએ છે ત્યારે વિશેષ રીતે તેનાં મોહ મમત્વ આદર આશ્ચર્ય અહોભાવ એકસાથે દ્વિગુણિત થાય છે.
કોઈ અધસસ્તા કોઈ પૂરા, એમ સેના કરી ચકચૂરા;
તે રણ ભયાનક ભાસે, બળ દેખીને ઓખા ઉલ્લાસે.
મેં તો આવડું નો’તું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું.
‘મેં તો આવડું નો’તું જાણ્યું, ચિત્રલેખાએ રતન જ આણ્યું,’ અને નળાખ્યાનમાં આવતી ‘એકએકપે અદકાં મોતી, રાજમાતા ટગટગ જોતી’ એ પંક્તિઓને નિરલંકાર સાદી છતાં કાવ્યની અમર પંક્તિઓ હું ગણું છું. બીજા પ્રસિદ્ધ પ્રસંગો છોડી એક જરા ઓછો પ્રસિદ્ધ પ્રસંગ લઉં. નળ વનવાસમાં દમયંતીનો ત્યાગ કરે છે અને ત્યારે તેનું મન દ્વિધાભક્ત થાય છે તેનું વર્ણન જોઈએ :
નળે લીધું છુરિકાશસ્ત્ર, વચ્ચેથી વહેર્યું અડધું વસ્ત્ર;
કટકા બે પટકુળના કરી, મૂકી નળ ચાલ્યો સુંદરી.
ગયો ડગલાં સાત જ ભરી, પ્રીત શ્યામાની સાંભરી;
નળ વિમાસણ મનમાં કરે, એકલી એ ફાટીને મરે.
વરી મને દેવને પરહરી, વળી વનમાં સાથે નીસરી;
ન ઘટે મૂકી જાવું મને, નળ આવ્યો દમયંતી કને.
દીઠું મુખ અંતર પરજળ્યો, સંભારી મચ્છને પાછો વળ્યો;
કળી તાણે વાટ વનતણી, પ્રેમ તાણે દમયંતી ભણી.
વિચારવારિનિધિમાં પડ્યો, આવાગમન હીંડોળે ચડ્યો,
સાત વાર આવ્યો ફરીફરી, તજી ન જાયે સાધુ સુંદરી.
બળ પ્રબળ કળિનું થયું, પ્રેમ બંધન ત્રૂટીને ગયું.
સર્પ કંચુકીને તજે જેમ, મેં દમયંતી તજવી તેમ.
એવું કહીને દીધી દોટ, ઉવાટે દોડ્યો સાસોટ.
આપણા આખા પ્રાચીન સાહિત્યમાં આવા દ્વિધાત્વનાં ચિત્રો ક્યાંક જ મળશે. પ્રેમાનંદ અનેક ભાવો અને અનેક રસો નિરૂપવામાં નિષ્ણાત છે. તે શૃંગારનું માદક વર્ણન કરી શકે છે તે આપણે ઓખાહરણમાં જોયું. અદ્ભુત તો એનાં કાવ્યોમાં વારંવાર આવે જ કારણ કે એનાં કાવ્યોનું વસ્તુ તેણે પુરાણોમાંથી ભક્તચરિત્રોમાંથી લીધું છે, તે ચમત્કારપૂર્ણ જ હતું. તેનામાં અનેક યુદ્ધવર્ણનો આવે છે તેમાં મોટા ફલક ઉપર સૈન્યોના ધસારા અને સંઘટ્ટનો થાય છે. યુદ્ધમાં વીર અને શૌર્ય બંને આવે જ. પણ પ્રેમાનંદને હું ખાસ કરીને હાસ્ય અને કરુણનો કવિ ગણું છું. હાસ્ય એ વિલક્ષણ રસ છે. એમાં ઘણું કૌશલ જોઈએ છે. એ નિષ્ફળ જાય તો કવિને ઉપહસનીય બનાવે છે, પ્રસંગની હાસ્યયોગ્યતા જોવાની તેને અપૂર્વ દૃષ્ટિ છે. એના કોઈ કાવ્યમાં હાસ્ય એ મુખ્ય રસ નથી. પણ તેના મુખ્ય વક્તવ્યને તે બહુ કુશળતાથી પોષે છે. નળાખ્યાનનું મુખ્ય વક્તવ્ય એ છે કે પ્રેમ પ્રથમ ભૂમિકાએ સ્થૂલમાંહેથી શરૂ થાય, પણ પછી તે સ્થૂલની પાર જઈ સ્થૂળને અતિક્રમીને સૂક્ષ્મ સાથે બંધાય છે. અને ત્યારે સ્થૂલ તરફ દૃષ્ટિ પણ જતી નથી. દમયંતીનો પ્રથમ પ્રેમ નળરાયનાં હંસે કરેલાં વખાણથી થયો, નળને મોહીને તે સ્વયંવરમાં પરણી, પણ અંતે બાહુક જેવા જુગુપ્સિત રૂપમાં પણ નળને સ્વીકારવા તે તૈયાર થાય છે. આ પ્રેમ એ નળાખ્યાનનો વિષય છે તો દમયંતીના પ્રેમના અધિકાર વિના પ્રેમની માંગણી કરતા ઇંદ્રાદિ દેવો અને અંતે ઋતુપર્ણ પણ ઉપહસનીય થાય છે અને તેમનો હલકામાં હલકો ઉપહાસ કરતાં પણ પ્રેમાનંદ ખચકાતો નથી. સુદામાચરિત્રમાં જીવ-શિવના સંબંધની વિલક્ષણતામાંથી–સુદામો જીવ છે, પામર છે, દરિદ્ર છે; કૃષ્ણ મહાન છે, શ્રીમંત છે, ઈશ્વર છે, અને છતાં બન્નેમાં સમાનભાવની મૈત્રી છે એમાંથી હાસ્યની નિષ્પત્તિ થાય છે, તો મામેરામાં હાસ્યના પ્રવાહો વધારે સૂક્ષ્મ રીતે વહે છે. ભક્તની જીવનદૃષ્ટિ તેની રીતભાત, જગતનાં પ્રાકૃત માણસોથી ભિન્ન હોય છે. એટલે ભક્તનો વ્યવહાર લોકદૃષ્ટિએ ઉપહસનીય હોય છે એ રીતે એક હાસ્યપ્રવાહ ચાલે છે. સાક્ષાત્ ઈશ્વર મળતાં પણ એ લોકો તેને ઓળખી શકતા નથી. અને ઈશ્વર પાસેથી પણ દુન્યવી ચીજો સિવાય કશું ઇચ્છતા નથી, એમ એક સૂક્ષ્મ હાસ્યપ્રવાહ ચાલે છે. અને આ હાસ્યના પ્રવાહો સાથે ભક્તની પુત્રી કુંવરબાઈની હૃદયભેદક કરુણતાનો પ્રવાહ ચાલે છે. તેનાં સાસરિયાંને એક તરફ સીમન્તનો હર્ષ માતો નથી, અને બીજી તરફ એ જ સીમન્તિની ઉપર એમને જુલમ કરવો છે, એના બાપને હલકો પાડવો છે! આખા કાવ્યમાં નાગરી નાત બધી બુદ્ધિનો ઉપયોગ કટાક્ષોની બોલી બોલવામાં કરે છે. કવિએ હિંદુ સંસારની વિષમતાનું સુંદર ચિત્ર આપ્યું છે. રસોની ગૂંથણીના કૌશલમાં પ્રેમાનંદને પેંગડે પગ મૂકી શકે એવો બીજો કોઈ કવિ નથી. અને છતાં હું પ્રેમાનંદને હાસ્યથી પણ વિશેષ કરુણનો કવિ કહું છું. તેનાં કાવ્યોમાં હૃદયભેદક કરુણ વારંવાર આવે છે. નળ, દમયંતીનો ત્યાગ કર્યા પછી ‘મનગમયંતી બાલ દમયંતી’ કરી સાદ દઈ હૈયાફાટ રુદન કરે છે એ કરુણ છે. પણ એ કરતાં પણ એનાં સ્ત્રી-પાત્રોનો કરુણ વધારે મર્મઘાતક છે. પસંદગી કરવી મુશ્કેલ પડી જાય એટલાં બધાં આવાં કાવ્યો એકસાથે યાદ આવે છે. પણ પ્રેમાનંદના દશમસ્કંધને પૂરતું મહત્ત્વ નથી મળ્યું એમ હું માનું છું માટે એમાંથી જ દૃષ્ટાંતો લઉં છું. કૃષ્ણના યમુનામાં ઝંપાપાત વખતનું યશોદાનું કલ્પાંત ‘મારું માણેકડું રિસાવ્યું રે શામળિયા’ એ ન લેતાં, તેની પહેલાં આવી ગયેલ દેવકીવિલાપ લઉં છું. કંસ, દેવકીપુત્રથી પોતાનો નાશ થવાની દેવવાણી સાંભળી, હમણાં જ પરણી ઊતરેલા દેવકીને ઘાત કરવા જાય છે તે વખતનો દેવકીનો વિલાપ જોઈએ.
વિનવે દેવકી હો, વીરાને વલવલી,
માનને માગે હો, મુખે દશ આંગળી.
માનુષી દેહ પરી હો, વિપત્તિ શી આવડી,
કોણ મુકાવે હો, નહીં પિતા માવડી.
ભાઈ તેં ઉછેરી હો, નમાઈ હું રાંકડી,
કેમ સહું રાતી હો, વીરાજીની આંખડી.
ક્યાં ભોગવશો હો, પાપનો પોટલો,
શિર મારું દુઃખે હો, તાણો મા ચોટલો.
માળા મારી ત્રૂટી હો, પડે કરમુદ્રડી,
દેખે અંગ લોકડાં હો, ખસી મારી ચુંદડી.
જે પરણાવે હો, તે વધ કેમ કરે,
મીંઢળ નથી છૂટ્યાં હો, નવ ગઈ સાસરે.
તંબોળ પરણ્યાનો હો, સૂક્યો નથી સાવલિયેં,
મારો મા કોડભરી હો, લાગું છું પાવલિયે.
એમ વલવલતી હો, રોતી ગજગામિની,
દેવકી રોતાં હો, રોઈ પ્રજા ગામની.
રોયા ગગને દેવતા હો, રોયા વસુદેવ પતિ,
પણ નિરદે કંસને હો, દયા નથી આવતી.
આ બધા કરુણ અન્યાય અને ત્રાસનો કર્તા કંસ છે એ કવિ યાદ આપે છે, કારણ કે કંસનો નાશ કરવા કૃષ્ણ અવતાર લેવાના છે. કાવ્યનું મધ્યબિંદુ કવિ ભૂલતો નથી. નળાખ્યાનના કરુણની તીવ્રતમ કોટી, દમયન્તી ઉપર હાર ચોર્યાનું આળ આવે છે અને એનો જીવ ચીસ પાડી ઊઠે છે :
‘હો હરિ સત્યતણા સંઘાતી, હરિ હું કહીયે નથી સમાતી.”
એ દૃષ્ટાંત ન લેતાં બીજું દૃષ્ટાંત પણ દશમસ્કંધમાંથી લઉં છું. કૃષ્ણે મથુરા જઈ કંસને માર્યો, પોતે માતાપિતા દેવકીવસુદેવને મળ્યા અને તેમણે કહ્યું હવે તમે નંદને સાચી વાત કહીને ગોકુળ વિદાય કરો. પ્રસંગની નાજુકતા અને ભયંકરતા વસુદેવ પણ જાણે છે :
વિનય કરી વળાવજો, માગી માન નમજો પાય,
ઉત્તર દેજો એવી રીતે, જેમ ડોસો નવ દુભાય.
કૃષ્ણ, નંદને અને ગોવાળોને કહેવા જાય છે, ત્યારે નંદ તો પુત્રે મથુરામાં કરેલા ઉધમાતથી ચિંતાતુર થયેલા છે અને કૃષ્ણને ઠપકો-શિખામણ આપવા માંડે છે. અને ત્યારે જ કૃષ્ણને કહેવું પડે છે :
અમે ઓશિંગણ કેમ થઈએ રે ગોકુળસ્વામી
એવું કરીને આંસુ ભરિયાં રે અંતરયામી.
નાસરડે ગોકુળમાં આવ્યા મામાજીને માટે,
ઉછેરનારને ઉત્તર દેતાં કાળજ નવ ફાટે.
અને નંદ તો એ માની પણ શકતા નથી.
એ શું બોલો છો શામળા, ઘેલો થયો રણછોડ.
પાણિગ્રહણ કીધું નથી, વહુ જોવાના કોડ.
વણવિચાર્યું નવ બોલીએ, હસે દુરિજન લોક.
નથી દીઠું નથી સાંભળ્યું, પુત્રનું સગપણ ફોક.
અને આખા પ્રસંગની આ જ અનન્યતા છે! સોરાબરુસ્તમના પ્રસંગમાં પિતા-પુત્ર એકબીજાને ન ઓળખી દ્વંદ્વયુદ્ધ કરે છે અને પિતાને હાથે પુત્ર હણાય છે તે પછી ઓળખાણ પડે છે. રામ અને લવકુશ, સંબંધના અજ્ઞાનમાં લડે છે પણ છેવટે તો ઓળખાણ થઈ એટલા પૂરતો સુખાન્ત આવે છે. ક્યાંય – કથામાં પણ – આવું જોયું નથી કે માતાપિતાએ પોતાનો ધારી ઉછેરેલો પુત્ર જુવાન થતાં, માતાપિતાને કહે કે તમે મારાં સાચાં માતાપિતા નથી, મારાં માતાપિતા તો બીજાં છે. નંદનો આખો જીવ કકળી ઊઠે છે :
હતું વૈકુંઠ ગોકુળ ગામ રે, હવે નેસડો ફરી થયું નામ રે.
યશોદા કેમ બહાર નીસરશે રે, વંઝા કહી લોક પાછાં ફરશે રે.
અમને માણસમાંથી ટાળ્યાં રે, દીકરો થઈ કાળજ બાળ્યાં રે.
અમો ભૂલ્યાં આશા આણી રે, પારકી થાપણ નવ જાણી રે.
વાયસ ગણી વાત્સલ્ય કીધું રે, ફરી કોયલે બચલું લીધું રે.
વિપ્ર પ્રભુ પરમેશ્વર રે, મારું ફરી વસાવો ઘર રે.
નંદજી કૃષ્ણ વિનાનું ઘર કલ્પી નથી શકતા. એ ફરી ફરીને કૃષ્ણને ઘેર આવવા વીનવે છે, અને કૃષ્ણને પણ બધો ઉપકાર માનતાં છતાં છેવટે તો વિદાય આપવાની જ રહે છે.
અમો છૌં તમારા રે નંદજી છૌં તમારા;
અમો દાસ તમારા રાયજી રે ફરી ચરણે નામ્યું શીશ.
વિદાય આજથી આપણે રે કહી ચાલ્યા શ્રીજુગદીશ.
ગોકુળ જાઓ રે નંદજી ગોકુળ જાઓ.
ધરણે ઢળિયા રે નંદજી ધરણે ઢળિયા,
ધરણે ઢળિયા નંદજી રે થઈ પડયા અચેત.
કોઈને પણ થાય : કેટલો ભયંકર અન્યાય! કેટલો વિશ્વાસઘાત! કેટલો દારુણ ઘાત! આટલી બધી મર્મભેદક યોજના ‘પરિત્રાણાય સાધૂનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્, ધર્મસંસ્થાપનાર્થાય...’ સાધુઓના રક્ષણને માટે, દુષ્કર્મીઓના વિનાશને માટે, અને વિશેષ તો ધર્મની સંસ્થાપનાને માટે, ઈશ્વરને અવતાર લેવો હતો માટે કરવી પડી હતી; એવા મહાન પ્રયોજન વિના આપણે કોઈ માફ કરી શકીએ નહિ. ઈશ્વર પણ અવતાર લે ત્યારે, માનવમર્યાદાથી એટલો બધો બંધાયેલો હોય છે કે આટલાં દુઃખ વિના તે પણ પોતાનો હેતુ બર લાવી શકતો નથી, એવું આ જગત છે, એવું આ જીવન છે!
૨૮-૮-૧૯૫૩