સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/વિવેચક નીતિન મહેતા

From Ekatra Foundation
Revision as of 17:20, 13 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અનેકાંત દૃષ્ટિએ વિવેચનની નિરંતર યાત્રા
કરતા-કરાવતા સજ્જ વિવેચક – નીતિન મહેતા

સેજલ શાહ

ગુજરાતી સાહિત્ય વિવેચનના ઇતિહાસમાં આધુનિકતા અને અનુઆધુનિકતાના સેતુ સમાન વિવેચક તરીકે નીતિન મહેતાનું નામ પ્રથમ હરોળમાં આવે છે. નીતિન મહેતા માત્ર એક અધ્યાપક કે સમીક્ષક ન હતા, પરંતુ એક ‘સજ્જ વિવેચક’ હતા જેમણે પશ્ચિમના સાહિત્યિક સિદ્ધાંતો અને ભારતીય મીમાંસાનો અદ્‌ભુત સમન્વય સાધ્યો હતો. તેમનું વિવેચન કોઈ એક જડ ચોકઠામાં બંધાયેલું ન હતું, પરંતુ ‘અનેકાંત’ દૃષ્ટિએ સતત વિકસતું રહ્યું હતું. વિવેચન એ વાચનનો જ એક પ્રકારછે, વિવેચનાની પ્રક્રિયામાં વાચના દરમ્યાન જ વિનિર્માણ અને નિર્માણ-સંરચનની પ્રક્રિયા ચાલતી હોય છે. વિવેચનના ભાગરૂપ ગુજરાતીમાં સૈદ્ધાંતિક અને આસ્વાદલક્ષી બંને પ્રકારનાં વાચન થયાં છે. સાહિત્ય વિવેચનનું કાર્ય કૃતિને ભાવકની નિકટ લઈ જવાનું અને કૃતિનાં રસસ્થાનો ઉઘાડી બતાવવા સાથે ભાવકની ક્ષમતાનો પણ વિકાસ કરવાનું રહ્યું છે. નીતિનભાઈને વડોદરા અને મુંબઈની ભૂમિ બંનેનો પૂરતો અનુભવ મળ્યો છે, શહેરના બદલાતા રંગો તેમણે જોયા છે એટલે વિકાસના આછા-ઘેરા શેડ, લોકપ્રિયતાના પ્રભાવો અને ઉપરાંત પશ્ચિમના સતત વાચનને કારણે તેનું રસકીય વિવેચન કરવામાં તેમની વિશેષ હથોટી રહી છે. સર્જક અને વિવેચક નીતિન મહેતાના પ્રવેશ સમયે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવાહ પૂર્ણ થઈ રહ્યો હતો અને અનુઆધુનિકતાનાં વહેણો શરૂ થઈ રહ્યાં હતાં. આ સંક્રમણકાળમાં સાહિત્યના સિદ્ધાંતો અને કૃતિલક્ષી સમીક્ષાઓનું મહત્ત્વ વધી રહ્યું હતું. ગુજરાતી આધુનિક અને અનુઆધુનિક વિવેચનમાં નીતિનભાઈની અમુક સ્પષ્ટતાએ ઘણો મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. મોટાભાગના તેમના વિવેચનમાં ત્રણ બાબતો ઊડીને આંખે વળગે છે, પશ્ચિમી વિચારણા સાથે તુલના, બદલાતી વિવેચનની વિભાવના અંગે ઉદાર ધોરણે સ્વીકાર અને ગતિશીલ પ્રમાણ- અર્થાત્‌ બને તેટલા ઉદાહરણ તત્કાલીન સમયમાંથી આપવાનો પ્રયાસ, પોતાના સમય સાથેનું સાંનિધ્ય જાળવી રાખવાનો પ્રયાસ એ તેમની આગવી વિશેષતા છે. તેમનો પ્રથમ વિવેચનગ્રંથ ‘કાવ્યબાની’ પીએચ. ડી. નિમિત્તે સુરેશ જોષીના માર્ગદર્શનમાં કરેલ સંશોધનકાર્ય છે. એ સમયે સાહિત્યમાં આધુનિક પ્રવાહની અસર જોવા મળતી હતી, આધુનિક વિભાવના આધારિત પ્રતીક, પુરાકલ્પન, ભાષા, શૈલી, બાની આદિ વિષયો પર સંશોધનકાર્ય થતાં હતાં. નીતિનભાઈએ કાવ્ય અને ભાષાની સંરચના અને આધુનિક કવિતામાં તેના પ્રવાહ વિષે વાત કરી કાવ્યબાની અને ભાષા વિષે ઘણી ઊંડાણથી ચર્ચા કરી છે. કાવ્યમાં વિષયપ્રયોગ, નવા શબ્દો, વ્યાકરણ-ધ્વનિગતવક્રતા અને આ બધાનો સમવાય કઈ રીતે સધાય છે – કળાની સમજ માટે એ સમજવું આવશ્યક છે. અર્થછાયા અને શૈલીપ્રભાવ કાવ્યતત્ત્વને કઈ રીતે ઉજાગર કરે છે, સમયાન્તરે જે બોલચાલની ભાષા કાવ્યતત્ત્વમાં ન સ્વીકારવા યોગ્ય ગણાતી તે જ ભાષામાં કાવ્ય લખાય છે અને તેને સ્વીકારાય છે, છાંદસ કવિતા અને અછાંદસ કવિતા, કાવ્યપદાર્થની સિદ્ધિના નિયમો, વલણો, બાનીઓ વિશે બે સૈદ્ધાંતિક પ્રકરણમાં ચર્ચા કરી છે. કાવ્યના એક ઘટક તરીકે પદાવલિની વિશેષતા, ભિન્ન કવિઓ દ્વારા તેનો કરાયેલો પ્રયોગ વિશેના બે પ્રકરણ પછી દસ કવિતાની પદાવલિ અંગે કાર્ય કર્યું છે. આમ કરતી વખતે પસંદ કરેલી કવિતા આધુનિક કવિતાની પદાવલિને નવી દિશા આપવામાં કઈ રીતે ફાળો આપે છે તે દર્શાવ્યું છે. નિરંજન ભગત - ‘ફાઉન્ટનના બસ સ્ટોપ પર’, ઉમાશંકર જોશી ‘શોધ’, ગુલામમોહમ્મદશેખ – મારા વિચારોને બંધ મુઠ્ઠીમાં, સુરેશ જોષી – ઈતરા(એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન), લાભશંકર ઠાકર – તડકો, સ્વ. હુંશીલાલની યાદમાં – રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર – પોમ્પાઈ અર્થાત્‌ બોમ્બાઈ-નગરમાં એક ખેલ યાને વહાણ નામે ભૂલ, રાજેન્દ્ર શુક્લ – હવા મહીં ઊઘડતી આ કવિતાઓની ‘કાવ્યબાની’ પુસ્તકમાં ચર્ચા થઈ છે. કાવ્યભાષા અને બાની અંગે વાત સૈદ્ધાંતિક ચર્ચા ઉપરાંત સાહિત્ય સ્વરૂપમાં તેના પ્રયોગો કઈ રીતે થયા છે તેની ચર્ચા નીતિનભાઈએ સઘન રીતે કરી છે. ભાષા કઈ રીતે રૂપ બદલે છે, બદલાતી સંસ્કૃતિ – પરંપરાએ ભાષાસંરચનમાં કેટલાં પરિવર્તનો કર્યાં, એના સાંસ્કૃતિક સત્ત્વ અને રસકીય પરિવર્તનો અંગે તેમણે વિશ્લેષણ કર્યું છે. કૃતિ વિવેચન વખતે તેઓ ફૅશન, સંગીત અને જાહેરાતની ભાષાને પણ સાંકળી લઈ તેનાં ઉદાહરણો આપે છે. તેમણે કાવ્યભાષા અને સાહિત્યની ભાષાનો સંબંધ અને પછી કાવ્ય પદાવલિનો સંબંધ યુગ સાથે કયા પ્રકારનો છે, જે અંગે ચર્ચા કરે છે. નવ્યવિવેચનથી નવ્યમાનવતાવાદ સુધીનાં પરિવર્તનો સંદર્ભ તેમના લેખોમાંથી મળે છે. તેમના શબ્દોમાં જોઈએ, ‘વાચના’ની ક્રિયાને પોતાના સાહિત્યસિદ્ધાંતના કેન્દ્રમાં રાખી રચના, વાચનના માધ્યમથી, કઈ રીતે ભાવક-ચેતના અને કૃતિની જીવંતતા ઊઘાડે છે, તે તેમના વિચારનું કેન્દ્ર હોય છે. નીતિનભાઈએ કૃતિનિષ્ઠ અભિગમથી ભાવક અભિગ્રહણ સિદ્ધાંત સુધીના પશ્ચિમના સાહિત્ય સિદ્ધાંતોને પોતાના કાર્યમાં સમાવ્યાં છે સાથે પૂર્વની વિચારધારા અને ગુજરાતી કૃતિ માટે આવશ્યક એવા વિવરણ માટે પણ એટલા જ જાગૃત છે એટલે તેમણે નોંધ્યું પણ છે કે ‘મધ્યકાલીન કૃતિઓની ચર્ચા કરતાં આપણે શ્રોતાઓને કેન્દ્રમાં રાખવા જ પડે અને આ શ્રોતાઓની ગુણવત્તા સમયાનુસાર અને સંદર્ભાનુસાર પલટાતાં હોય છે.... મધ્યકાલીન સાહિત્યપ્રકારોની વિવેચના જુદો જ અભ્યાસનો વિષય છે. આધુનિક ઊર્મિગીતોના માપદંડથી જો આપણે નરસિંહનાં પ્રભાતિયાં, પદો, મીરાંનાં ગીતોની ચર્ચા કરીએ તો નવા પ્રશ્નો જન્મે...’ નીતિનભાઈની આ જાગૃતિ આપણને બહુ ઉપકારક નીવડશે કે ‘સંરચનાવાદી કે કૃતિનિષ્ઠ વિવેચન કરનાર મધ્યકાળના હાસ્યને કઈ રીતે તપાસે છે તે મુદ્દો પણ રસપ્રદ છે. આજે જ્યારે હાસ્ય વિશેની આપણી વિભાવના બદલાઈ ગઈ છે ત્યારે પ્રેમાનંદના સમયના હાસ્યને કઈ રીતે મૂલવશું? અત્યારે તેમાંનું ઘણું તુચ્છ, અપરુચિનું પ્રદર્શન કરનારું ને હાસ્યાસ્પદ લાગે તેવું પણ બને... આમ સમયના બદલાવાની સાથે કૃતિના મૂલ્યાંકનમાં ફેરફારો થાય. કૃતિના અમુક ઘટકોની તપાસમાં આધુનિક માપદંડો જ પર્યાપ્ત નથી નીવડતા. ...’ (‘નિરંતર’, પૃ. ૮–૯) નીતિનભાઈએે વિવેચનના કોઈ જ વિષય પ્રત્યે અણગમો/સૂગ દર્શાવી નથી, લોકપ્રિય સાહિત્ય વિશે જેટલા વિસ્તારથી લખે છે તેટલા જ વિસ્તારથી ભાવકકેન્દ્રી અભિગમને પણ આલેખે છે. નિરંતરના લેખોમાં સર્જકની વિવેચકીય સર્જકતા વધુ વિકસિત થતી ઊભરાય છે. એમની કલમમાં સહજતા અને સરળતા હોવાને કારણે સ્પષ્ટ રૂપે સમજાય છે. સંકુલતા અને તીર્યકતાની તેમની શૈલી વાચકને શબ્દભંડોળથી લાદી નથી દેતી. જે સહજ જ રૂપે હરિવલ્લભ ભાયાણી અને પ્રમોદકુમાર પટેલની યાદ અપાવે છે. તેમનું લક્ષ્ય પોતાના તારણોને અનેક સંદર્ભોથી મૂકી આપી સ્પષ્ટતા કરવાનું છે. તે માટે જરૂરી એવા પશ્ચિમના મીમાંસકોનાં અવતરણો અવારનવાર તેમના લેખમાં વ્યક્ત થતાં રહે છે. એ સમયે કૃતિ, ભાવક, વાસ્તવ, સર્જક, ભાષાને આધારે જે વિવિધ ઐતિહાસિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક સંદર્ભો સ્વીકારી નવેસરથી વાત કરવાનો આરંભ થયો. તેમાં નીતિનભાઈ અગ્રેસર રહ્યા. વૈશ્વિકતાના મંડાણ જે રીતે ભૌગોલિક સીમાને સંકોચતા ગયા તેમ જ સાહિત્ય વિવેચનમાં પણ અન્ય વિચારણા ઉમેરાતી ગઈ. સુરેશ જોષી અને સિતાંશુ યશશ્ચંદ્રનો વિશેષ પ્રભાવ તેમના પર રહ્યો પરંતુ ‘અપૂર્ણ’ ગ્રંથ પછી ‘નયપ્રમાણ’ સુધીમાં નીતિનભાઈની એક વૈયક્તિક મુદ્રા ઊપસી આવે છે. એકવીસમી સદીમાં બદલાયેલા જીવનસંદર્ભોને કારણે સંરચનાવાદી અને અનુસંરચનાવાદી સાહિત્યસિદ્ધાંતને કારણે જુદી જુદી વિધાઓ સાથે જોડી સાહિત્યને/વાસ્તવ જોડી નવા અંતઃચેતનાના પ્રદેશોને ખોલે છે. અનુઆધુનિક વાર્તાઓનું વિવેચન શુદ્ધ કૃતિલક્ષી ભૂમિકાએ વાચન માત્ર ન કરતાં સાંસ્કૃતિક ભૂમિકાએ વિવરણ કરે છે. (‘નિરંતર’ ગ્રંથમાં સાંસ્કૃતિક વિભેદનું રાજકારણ અને ૧૯૮૦ પછીની કેટલીક ગુજરાતી વાર્તાઓ’ લેખ જુઓ) નીતિન મહેતાના વિવેચનની વિશેષતા એ છે કે તેઓ લોકપ્રિયતાની ભાષા સાથે સૈદ્ધાંતિક ભાષાનો પ્રયોગ પણ કરે છે. એમનો સર્જક સ્વભાવ અને તિર્યક્‌ શૈલી, હળવા હાસ્ય પાછળ ગંભીર સૂચિતાર્થ કરતાં હોય છે, જે ‘નિરંતર’ અને ‘નયપ્રમાણ’ ગ્રંથમાં જોવા મળે છે. વિવેચનને ગ્રંથ સમીક્ષાથી આગળ લઈ જઈ સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડે છે. કાવ્યની સ્વાયત્તતાની વાત થાય ત્યારે કવિએ પોતાને ઉપલબ્ધ સામગ્રીનું અનુકૂળ લાગે તે ઉપદાનો, માધ્યમ દ્વારા રૂપાંતર કરવાનું હોય છે, તેઓ માને છે કે ‘વિચારણા એ ભાવજગતને પામવાના વ્યવધાનરૂપ બનવી ન જોઈએ. કાવ્યના મૂલ્યરૂપે, ભાષાથી કળાત્મકતા સિદ્ધ કરતી હોવી જોઈએ. (૪, ‘કાવ્યબાની’) કાવ્યને એક અખંડ પુદ્‌ગલ તરીકે ગણી તેઓ કૃતિ સાથેના અનેક ઘટકોને ચર્ચે છે. કવિતા પદાવલિને ધ્યાનમાં રાખી કાવ્ય સ્વરૂપ અંગે ત્રણ પ્રશ્નો ધ્યાનમાં રાખી કાવ્ય સ્વરૂપને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, એ માટે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે, ૧. કાવ્ય શેના વિશે છે? ૨. કેવી રીતે રચાયું છે. અને ૩. કાવ્યકૃતિ તરીકે એ સફળ થયું કે નહીં? – અહીં તેમણે વિવેચનની એક મહત્ત્વની બાબત તરફ ધ્યાન દોર્યું કે જ્યારે નવ્ય વિવેચન કરાય છે ત્યારે છંદ, અલંકાર, શબ્દવિન્યાસ વગેરે પ્રત્યે ધ્યાન અપાય છે. ભાષાયોજના પ્રત્યે વિવેચકોનું ધ્યાન નથી ગયું. ‘કાવ્યમાં ભાષાયોજના જે શબ્દશક્તિની ક્ષમતા તપાસવાનું એક માત્ર સાધન છે, તે તરફ આપણા વિવેચનનું ધ્યાન નથી ગયું’ (પૃ. ૭). નીતિન મહેતા અહીં બહુ મહત્ત્વના એ મુદ્દા પર ધ્યાન દોરે છે કે ‘કવિતાની ભાષા એ શોધની ભાષા છે, કવિએ સતત ભાષા જોડે સંઘર્ષ કરવાનો હોય છે, ભાષાને છેકતાં છેકતાં આગવા સંદર્ભો ઊભા કરી પોતાની વિશિષ્ટ લિપિનો વળાંક શોધી લેવાનો રહે છે’ (પૃ. ૧૫). કવિતાનું વિવેચન કરતી વખતે પદાવલિમાં છંદ અને સામગ્રી ઉપરાંત ભાષા કઈ રીતે કાર્ય કરે છે, ભાષાની ગતિશીલતા કઈ રીતે કાર્ય કરે છે, તેનું વિશ્લેષણ થવું જોઈએ, એની સ્પષ્ટ સમજ તેમણે આ પુસ્તકમાં આપી છે. એક જ કવિની ભાષામાં જે બદલાવ આવે છે તેના પ્રત્યે પણ વિવેચકની ગતિ હોવી જોઈએ. નીતિનભાઈ કાવ્યસ્વરૂપ વિવેચન વખતે સ્પષ્ટતા કરતાં કહે છે કે પદાવલિનો વિચાર સંસ્કૃત કાવ્યમીમાંસામાં રીતિ, ગુણ, શબ્દશક્તિ વગેરે વિભાવ અંતર્ગત થયો છે જ્યારે પાશ્ચાત્ય વિવેચનમાં સ્ટાઇલ, ડીકશન ઇત્યાદિ વિભાવના હેઠળ થયો. શબ્દ અને વાક્ય કાવ્યમાં પ્રયોજાય ત્યારે તેની થતી અસર શબ્દ અને વાક્યના સાહચર્યો અને ઉઘડતાં સંદર્ભો અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. કાવ્યબાની ગ્રંથ ગુજરાતી કવિતાના ભાષા સૌંદર્ય અને ભાષાના બદલાતાં રૂપોને ઉકેલવાની વિચારણા કરતો ગ્રંથ છે, અહીં પાબ્લો નેરુદા, બાર્થ, ચોમ્સ્કી જેવા બીજા અનેક અંગ્રેજી-યુરોપીય, વામન, કુન્તક જેવા પૂર્વના મીમાંસકોના વિચારો મૂકી કાવ્યરચના અંગે ચર્ચા કરી બંને પ્રદેશની વિચારણાને તુલનાત્મક રૂપે મૂકવામાં આવી છે. આ ગ્રંથ તેના કાલખંડ અનુસાર આધુનિક શૈલીથી પ્રભાવિત હોય તે સ્વાભાવિક જ છે અને છતાં અત્યારના અભ્યાસુ માટે એટલો જ ઉપયુક્ત છે. પોતાના પ્રત્યેક લેખ પછી પણ એમાં અપાર શક્યતા જોતા નીતિનભાઈ ઊંડાં અભ્યાસુ અને સજાગ વિવેચક રહ્યા છે. આધુનિક-અનુઆધુનિક નવી વિચારણા અંગે સતત ચર્ચા કરવી અને વાંચતા રહેવું એ એમની તરસનું ફળ હતું. પરિસંવાદમાં આગલા દિવસ સુધી પોતાના પેપરને લખતા-છેકતા-લખતા રહેતા તેઓ નવ્ય વિચાર માટે હંમેશા સજાગ અને મુક્ત રહેતા. તેમાંના ત્રણ ગ્રંથના નામને જોઈએ તો ‘કાવ્યબાની’ પછી ‘અપૂર્ણ’ અને પછી ‘નિરંતર’ આ બે વિવેચનના ગ્રંથો આવે છે. ત્યારબાદ ‘એતદ્‌’ના સંપાદક તરીકે લખેલા સંપાદકીય લેખોનો સંગ્રહ, અર્થાત્‌ ‘નયપ્રમાણ’ને પણ વિવેચન ધારામાં અતિમહત્ત્વનો ગણવો પડે એવો ગ્રંથ છે. ‘અપૂર્ણ’ નામ સાથેનો તેમનો સંદર્ભ એ છે કે કોઈ પણ વિચારને અંતિમ માનીને નહીં ચાલવું પણ એમાં અન્ય અવકાશની શક્યતા રહેલી છે તે ભાવ રહેલો છે. ‘નિરંતર’ સાથે જોડાયેલો ભાવ જોઈએ તો જે સતત અવિરત હોય તે નિરંતર, અને સાહિત્ય સિદ્ધાંત સતત અર્થનું વહન કરે છે. કોઈ એકમાં સ્થાયી થવાને બદલે સતત વહેતા રહી કૃતિની સજીવતા સમજવી, એ ય મહત્ત્વનું. ત્રણેય ગ્રંથોના શીર્ષકમાં તેમણે લીધેલી કાળજી અને ચોકસાઈ તેમના શિસ્તબદ્ધ સ્વભાવનો માત્ર પરિચય નથી પરંતુ સજાગ ચિંતનનું પ્રતિબિંબ છે. નીતિન મહેતાના અકાળ અવસાને તેમણે લખેલા માત્ર દસ સંપાદકીય લેખોનો સંગ્રહ ‘નયપ્રમાણ’ મળે છે. જૈન દર્શન સાથે જોડાયેલો આ શબ્દ અનેક વૈચારિક પ્રવાહના સ્વીકારની સમજ આપે છે. જુદા જુદા છેડાના વિચારથી આપણા ભાવજગતની ક્ષિતિજો વિસ્તરતી રહે છે, આ સમજ સાથે તેમણે આ શીર્ષકને પસંદ કર્યું છે. આ ત્રણેય ગ્રંથો તેમની વિકસતી વૈચારિક પ્રતિભાનો ખ્યાલ આપે છે. ‘અપૂર્ણ’માં ‘કાવ્યબાની’નો વિસ્તાર જોવા મળે છે અને ‘નિરંતર’ સાહિત્ય સિદ્ધાંત અને સમજની દૃષ્ટિએ વધુ સઘન અને સંકુલ છે. એમાં સૈદ્ધાંતિક લેખો પ્રમાણમાં વધુ મળે છે અને સર્જકે કવિતા ઉપરાંત અન્ય સાહિત્ય સ્વરૂપોની કૃતિને પણ પસંદ કરી છે. અહીં બહુસંવાદીય અભિગમ વધુ દૃઢીભૂત થાય છે. ૨૦૦૪માં આમુખમાં તેમને લખ્યું છે, ‘કૃતિની દરેક વાચના જોડે વાચનના સમયનું અર્થઘટન ભળેલું હોય છે તેથી દરેક કૃતિનું વાચન કામચલાઉ અને અનિશ્ચિત હોય છે. ચેતનાના અમુક સ્તરે રહી થયેલું પ્રવાહી વાચન હોય છે. એ વાચન પૂર્ણપણે નથી હોતું ભૂતકાળનું કે વર્તમાનનું. બે સમયનાં કેટલાંક સંમિશ્રિત તત્ત્વો એની જોડે સંકળાયેલાં હોય છે. ભાવકની ગ્રાહકતાનાં બદલાતાં ધોરણો પ્રમાણે વાચનરીતિઓ પણ સતત પરિવર્તનશીલ હોય છે. એ અર્થમાં કૃતિની દરેક વાચના અપૂર્ણ હોય છે. આ વાચન નિર્દોષ નથી.’ (‘નિરંતર’, પૃ. ૧) ‘અપૂર્ણ’ના ત્રણ વિભાગમાં પશ્ચિમની સાહિત્યમીમાંસામાં બદલાતાં પરિવર્તનો અંગેની સભાનતા જોવા મળે છે. સૈદ્ધાંતિક લેખ, કાવ્યસંગ્રહ વિશેની સમીક્ષા, કાવ્યઆસ્વાદ અંગેના લેખો છે. શિરીષ પંચાલ નોંધે તે મુજબ, ‘એમને એ પણ ખ્યાલ છે કે પશ્ચિમમાં સિદ્ધાંતવિવેચન સાહિત્યપદાર્થની ઘણી ઉપેક્ષા કરે છે. ગુજરાતીમાં જે કેટલાંક ગંભીરતાથી યુરોપીય-અમેરિકન સાહિત્યવિચારથી પરિચિત રહે છે અને બીજાઓને પરિચિત કરે છે તેમાં નીતિન મહેતાનું નામ આદરપૂર્વક લેવું પડે.’ (‘વાત આપણા વિવેચનની : ઉત્તરાર્ધ’, પૃ. ૮૧) તેમના લેખોમાં યુરોપ – અમેરિકી વિવેચન અંગેનું વાચન અને સાથે ભારતીય કાવ્યશાસ્ત્રની સબળ ભૂમિકા જોવા મળે છે. કાવ્યભાષાનાં સર્વસામાન્ય(universal)ની સંભાવના જેમાં કાવ્યભાષાના universal શું હોઈ શકે? એની સ્પષ્ટતા આપતાં કહે છે, સર્વ સામાન્યની વિભાવના (‘અપૂર્ણ’, પૃ. ૮) ભાષાશાસ્ત્ર અને ફિલસૂફમાં કદાચ કામ લાગે પરંતુ કાવ્યમાં પ્રયોજાતી ભાષા ‘સર્વસામાન્ય’થી દૂર જવાની. વિચારોને પ્રતિરૂપ રૂપે, પ્રતીકરૂપે કે અલંકાર યોજના તરીકે જ્યારે કાવ્યમાં પ્રયોજાય ત્યારે તો તે વિચાર (આઇડિયા) વૈયક્તિક ભાષાની મુદ્રા ઉપસાવે છે. કલાનું અસ્તિત્વ જ ‘વિશેષ’ ઉપર નિર્ભર હોય છે. અનુભવ જોડેનો અપરોક્ષ સંબંધ કવિ જ્યારે રચી શકતો નથી અથવા બંને વચ્ચે અવકાશ રહી જાય છે ત્યારે તે ‘સર્વસામાન્ય’નો ભોગ બને છે. કવિની વૈયક્તિક અનુભૂતિનો સર્જનાત્મક ઉન્મેષ તેની અભિવ્યક્તિને કલાત્મક બનાવે છે. શબ્દ ભલે સમાન હોય પણ તેના સંકેતો વિશિષ્ટ હોવાં ઘટે. કાવ્યની વિશેષતા અને એની કળાત્મકતાની વિશેષતા નીતિનભાઈને અભિપ્રેત છે, તેઓ લખે છે, ‘કાવ્યપ્રકારો, કાવ્યરીતિઓ, કાવ્યવિષયો આ બધાના ‘સર્વસામાન્ય’ ને સ્વીકાર્યા પછી પણ કવિએ તેને ‘વિશેષ’ની રીતે, અનેક પ્રયુક્તિઓ દ્વારા સ્વકીયતાની મુદ્રા આપવાની છે, આ ‘સર્વસામાન્ય’ સ્વીકાર્યા પછી પણ તેનાથી દૂર નીકળી જવું કવિ અને કવિતાની ભાષાનું કર્મ છે તે કાયદો. આમ જે વ્યક્ત કરવાનું છે તેનાથી જ ‘સર્વસામાન્ય’ અને ‘વિશેષ’ના વર્ગો ઊભા થાય છે. ‘સૂર્ય’ પોતે સર્વસામાન્ય છે છતાં દરેક કવિતામાં ‘સૂર્ય’ પોતે સર્વસામાન્ય નથી.’ કવિતાની ભાષા અંગેની કાવ્યબાનીથી આરંભાયેલી પ્રક્રિયા અહીં વિસ્તાર પામી રહે છે, ભાષાનાં સર્વસામાન્ય ને ‘વિશેષ’ સુધી લઈ જઈ, કાવ્યનું સ્વાયત્ત વિશ્વ રચવા માટે કવિએ સતત ભાષા જોડે સંઘર્ષ કરવાનો રહે છે અને ભાષાનાં સર્વસામાન્યને છેકતાં છેકતાં રૂપાન્તરે કાવ્યનું વિશિષ્ટ જગત નિર્માણ કરવાનું છે (‘અપૂર્ણ’, પૃ. ૯૦) સ્વાતંત્ર્યોત્તર કવિતાના વિવિધ પ્રવાહોની ચર્ચા કરતાં ગુજરાતી કવિતામાં આવેલી બાની, વિષય, ભાવજગત, ભાષાની વિશેષતાની ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. ‘અપૂર્ણ’ના બધા જ લેખો કવિતાલક્ષી છે. ગુજરાતી કવિતાને તેના ઐતહાસિક સંદર્ભમાં આધુનિક, અનુઆધુનિક દૃષ્ટિકોણો વડે મૂલવી છે. શિરીષ પંચાલે નીતિનભાઈની વિવેચકીય શૈલી વિશે લખ્યું છે કે, ‘ગુજરાતી કાવ્યવિવેચનમાં તથા કાવ્યસર્જનમાં આગલી પેઢીના નીતિન મહેતા પોતાના સર્જનવિવેચન વિશે નિર્મમ, સભારંજની, લોકપ્રિય કવિતાથી જ નહીં, વ્યવહારજગતથી પણ દૂર રહેવાનું પસંદ કરનારા છે, તથા કોઈ પણ પ્રકારની સ્વીકૃતિ મળે ના મળે એની સહજ પણ પરવા કર્યા વિના સતત પુરુષાર્થ આદરતા રહ્યા છે. તેમના વિવેચનલેખોમાં પોતાની સર્જનયાત્રા નિમિત્તે, ગુજરાતી અને અન્ય ભાષાની ઉત્તમ કવિતા વિશે ચાલતા વિચારવિમર્શ જોઈ શકાય’ (‘એતદ્‌’ અંક ૧૮૭, પૃ. ૭૮). નીતિનભાઈના સાહિત્યિક ઓજારોની જ્યારે વાત કરવાની આવે ત્યારે નવ્ય અને અનુઆધુનિક બંને વિચારણા વિશેની જાણકારી ઉપરાંત રૂપરચનાવાદ અને રશિયન રૂપરચનાવાદ વચ્ચેના સંબંધોની તેમની જાણકારી, બીજું તેઓ અનેક વિદેશી વિચારકોનાં અવતરણો મૂકતા જાય છે ત્યારે ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડતા જાય છે. તેઓ માને છે કે સાહિત્ય અને સંસ્કૃતિ બંને એકબીજાની સીમમાં પ્રવેશે છે એ અર્થમાં સંસ્કૃતિ એ કૃતિ છે અને કૃતિમાં સંસ્કૃતિની અનેક સંરચનાઓના તાણાવાણા ગૂંથાયેલા હોય છે. કાવ્ય પરંપરાની વાત કરતી વખતે ઐતિહાસિક દૃષ્ટિકોણ જેમ કદી ચૂકતા નથી તેમ જ કૃતિની વાત કરતી વખતે કૃતિનાં રસસ્થાનો સાથે શાસ્ત્રીય અને પશ્ચિમી કાવ્યરચનાનાં ઓજારો પણ તપાસતા જાય છે. સ્વાતંત્ર્યોત્તર કાવ્યમાં શબ્દ, સામાજિક સભાનતાની કક્ષાએ રહી નિરંજન, પ્રિયકાન્ત, હસમુખ પાઠક ઇત્યાદિનાં કાવ્યમાં આવ્યો. આ બંને કક્ષાએ given a thought એ કાવ્યનું content રહ્યું, પણ આધુનિક કવિતામાં વિચારની, સામાજિક સભાનતાની પ્રતિબદ્ધતાથી શબ્દ મુક્ત રહી શક્યો. આજનો કવિ એ હવે શબ્દ પ્રતિબદ્ધ બન્યો. તેને શબ્દની આગળ કોઈ વિશેષણવાદ લગાડવાની જરૂર નથી લાગી. બીજી રીતે કહીએ તો કવિનું ‘કમિટમેન્ટ’ હવે ભાષા જોડે છે. આથી જ વિટજેસ્ટીનની જેમ કહેવાનું મન થાય છે કે ‘Don’t ask for the Meaning, ask for the Use.’ શેખનાં ઘણાં કાવ્યોમાં ભાષા જોડેનો તેનો સંબંધ સજીવ રહ્યો છે. આ પ્રકારની વૈચારિક પીઠિકા નીતિનભાઈના વિવેચન લેખોમાં સતત મળે છે. ગ્રંથોનું તેમણે કરેલું વિવેચન માત્ર કવિ કે કાવ્યના પરિચય ઉપરાંત કાવ્યશાસ્ત્રના રહસ્યોને સમજવા કે ઉકેલવાના પ્રયત્નરૂપે પણ હોય છે. ઘણીવાર આ પ્રક્રિયામાં પુનરાવર્તન લાગે. અનેક વાર કેટલાક શબ્દોના ગુજરાતી અનુવાદ નથી આપતા. આ માટે કવિને languageનું destruction તેમ જ dissection કરવું પડે છે. તેથી જ આજના કવિની ભાષા pragmatic language બની કાવ્યમાં આવે છે. નીતિનભાઈના વિવેચન માટે એક વાત એ પણ કહી શકાય કે તેમના વિવેચનમાં સાહિત્ય પદાર્થ અનુભૂતિ અને અભિવ્યક્તિના દૃષ્ટિકોણથી માનવસંદર્ભને ઉપકારક બને એ પણ આવશ્યક છે. નવી પરિભાષા માત્ર વાક્યનું સૌંદર્ય વધારનારી ન હોવી જોઈએ પરંતુ સાહિત્ય પદાર્થની જીવંતતાના અનુભવ માટે ઉપકારક હોવી જોઈએ. એક લેખ લખવા માટેની શિસ્ત પણ કેવી હોવી જોઈએ એ શીખવા માટે પણ અપૂર્ણનો ‘ગુજરાતી ભાષા-સાહિત્યમાં બૉદલેર’ આ લેખ વાંચવો જોઈએ. બૉદલેર વિશે લખાયેલા ગુજરાતીના બધા સંદર્ભો આપીને પોતાની વાત કઈ રીતે જુદી રીતે મૂકી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો નોંધતાં કહે છે કે ‘બૉદલેરની અન્ય સર્જક પરની સીધી અસરને શોધવાનો ઉદ્યમ જ વ્યર્થ છે. વિવેચક એ ગુનાશોધક નથી. સર્જક નિજી મુદ્રાથી, નિજી સર્જકતાથી લખે છે, બૉદલેર જેવા સર્જક અને સૌંદર્યશાસ્ત્રીના કાર્યનો પરોક્ષ સંબંધ કેટલીક સમાન સંરચનાઓના, આંતરકૃતિત્વના અનુસંધાનમાં જ જોવાનો હોય. કદાચ સુરેશ જોષી પર બૉદલેરના પ્રભાવના આરોપની સામે આ વિધાન કહેવાયું હોય તો નવાઈ નહીં, ‘સુરેશ જોષીનું સૌંદર્યશાસ્ત્ર માત્ર બૉદલેર પર જ આધારિત નથી, વાલેરી અને મર્લોપોન્તિના સૌંદર્યશાસ્ત્ર સુધીની તેની ગતિ છે. મૂળ મુદ્દો એ છે કે ઉત્તમ સર્જકો એ વિચારકોમાં કેટકેટલું સમાંતર ચાલતું હોય છે, મોટા સર્જકો કે વિચારકોનું અનુકરણ કરવા માટેય પ્રતિભા જોઈએ. આ તો પોતાના વિવેચકીય વિચારોને વ્યક્ત કરવાનું એક સબળ માધ્યમ નીતિનભાઈને ‘એતદ્‌’માં લખાતા સંપાદકીય દ્વારા પ્રાપ્ત થયું, આ તો આ ગ્રંથ માત્ર ૧૦ લેખોનો ગ્રંથ હોવા છતાં અનેક સાહિત્યિક સિદ્ધાંતોની ચર્ચા આ લેખોમાં કરાઈ છે. રમણ સોની એ વિશે નોંધે છે કે (‘એતદ્‌’ : ૧૮૭, પૃ. ૧૦૨) ‘આ સંપાદકીય લખાણો, સામ્પ્રત સાહિત્યિક પરિસ્થિતિઓને મુખર રીતે મૂકી આપવાને બદલે વિવેચનની સૈદ્ધાંતિક ભૂમિકાઓમાં ઊંડે ઉતારવા કરે છે એ એનો અલગ પડી આવતો મહત્ત્વનો વિશેષ છે.’ તત્કાલીન સમયના સંદર્ભે વિવેચન વિચારના વિવિધ આયામો અહીં વ્યક્ત થયા છે. વાચન, વાચનની વિવિધ પદ્ધતિઓ, અર્થના અર્થઘટનો, સાહિત્યના કૃતિપાઠ અંગેના વિવિધ પરિમાણ અહીં વ્યક્ત થયા છે. પોતાને ગમતા વિવેચકીય અને પોતે જેનાથી પ્રભાવિત થયા છે તે વાચનના વિવિધ અભિગમોને વ્યક્ત કર્યા છે. નીતિનભાઈને મૂળ તો કૃતિમાં જે વ્યક્ત થાય છે, તે અર્થને અનેક કેન્દ્રોથી સમજવાની તરસ અહીં વ્યક્ત થાય છે. તેઓ એ બાબતથી પૂરા જાગૃત છે કે વિવેચનનું કેન્દ્રવર્તી કાર્ય તો ‘સાહિત્ય’ની સાહિત્યિકતા રચનામાં ક્યાં રહેલી છે તે શોધ કરવાની છે, મોટાભાગે દરેક રચનામાં બહુસંવાદી વાચનનો અભિગમ સ્વીકારી સંસ્કૃતિ, લેખકનો વિલય, કૃતિના ભિન્ન સ્વરૂપો અને મૃત કૃતિનું વાચક દ્વારા જીવંતપણું વગેરે એક કે બીજી રીતે વ્યક્ત થાય છે. સાહિત્ય માત્ર રૂપાંતર કે અહેવાલ ન બનવો જોઈએ પરંતુ એમાં એક જીવનક્ષણની અભિવ્યક્તિ એ રીતે થાય છે જેમાં કળા અને રચના પ્રક્રિયાનું સૌષ્ઠવ વ્યક્ત થાય. આ કોઈ ભક્તિની પરંપરાગત વાણી નથી પરંતુ વર્તમાન બહુલતાવાદી વિચારધારા અહીં પ્રગટે છે. સદીના નવમા દાયકામાં રૂપરચનાવાદ અને વિઘટનવાદીઓની વિચારણા સામે નવ્યઇતિહાસવાદની વૈકલ્પિક વિચારણા આવી. તેઓ નોંધે છે કે ‘સર્જકતા જોડે મૌલિકતા ને પ્રતિભા સંકળાયેલાં છે એ વાતથી આપણે દૂર નીકળી ગયા છીએ અને આંતરકૃતિત્વના સંદર્ભે મૌલિકતાનો પ્રશ્ન જો વિચારીએ તો ઇતિહાસ સામે ફરિયાદ નહીં રહે. વિવેચનને ફરીથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી જોડવામાં આવ્યું. ‘નયપ્રમાણ’માં સંકલિત દસેય લેખોમાં વિવેચનાના વિવિધ વિચારો-અભિગમોનો પરિચય મળે છે. નવ્યઇતિહાસવાદની વાત કરે ત્યારે સ્ટીફન ગ્રીનબ્લાટ , મિશેલ ફૂકો, વોલ્ટર બેન્જામિન વગેરેના વિચારોને પણ સાથે મૂકી આપે છે. આ નવ્ય વિચારોએ જ કૃતિને પામવાની નવી શક્યતાઓ આપી છે. અનેક પ્રચલિત વિચારણા જેમ કે લેખકનો વિલય, કૃતિનું વાચક વાચના દ્વારા ફરી જીવંત થવું, વાચનાનું રાજકારણ, અનેક કેન્દ્રોથી ઉજાગર થવું, પ્રતિબદ્ધતાનું શાસ્ત્ર, પાઠના અનેક પ્રકારના મુખવટા, આંતરકૃતિત્વ – સર્જનના અર્થઘટન વગેરે જેવા અનેક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરાઈ છે. વિવેચનમાં જ્યારે વિચારોની અછત વર્તાતી હોય, પરંપરા કરતાં જુદા ફંટાઈને વિચારતું ન હોય, અંગ્રેજી વાચનને આધારે નવા વિચારોને સ્વીકારવા અંગે મર્યાદિત દૃષ્ટિકોણ હોય ત્યારે આ પુસ્તક બહુ ઉપયોગી અને સંશોધકોને અભ્યાસ માટે મદદરૂપ બને છે. વિવેચનમાં જ્યારે સૈદ્ધાંતિક ઓજારનો સાચો પ્રયોગ થાય ત્યારે ‘નયપ્રમાણ’ સર્જાય છે. સિદ્ધાંતનું સેવન અને ગુજરાતી કૃતિમાં એનું રૂપાંતર અને એમ કરતી વખતે જરા પણ ઉપરછલ્લું ન લાગે એવું સગાઢ અને સુઘટ્ટ આલેખન વિવેચન ત્યારે જ આપી શકે જ્યારે તે પોતાના વિચારો અને વાક્યો પ્રત્યે જાગૃત હોય. નીતિનભાઈનો વિવેચન અંગેનો દૃષ્ટિકોણ પણ અહીં વ્યક્ત થાય છે. અંગ્રેજીથી પ્રભાવિત હોવાં છતાં અનુકરણ કે અનુવાદનો આંધળો અભિગમ અહીં નથી. સમજ્યા વગરનું આરોપણ કે પ્રભાવિત કરવા માટે વિચારકોનું ગઠન આ નથી. અહીં જાણવાની ગંભીરતા અને તરસની વાત છે, બહુસંવાદી અભિગમ પ્રત્યેની ઉદારતા ખંતીલા અને સમૃદ્ધ વિચારકની છે. નીતિનભાઈના વિવેચન પર પશ્ચિમની અસર તો વર્તાય જ છે પણ કાવ્યબાની પછી જોવા મળે છે કે ભાવકકેન્દ્રી અભિગમ એમની વિચારણાનો બહુ જ મહત્ત્વનો આધાર છે. ભાષાકીય સંરચના તરફથી તેમનું ફોકસ અન્ય દિશા તરફ વાળ્યું છે. બીજું એ પણ કહી શકાય કે વિવેચનમાં તેમનું મુખ્યત્વે પ્રદાન પશ્ચિમી સિદ્ધાંતને ગુજરાતી સાહિત્યના સંદર્ભે રજૂ કરી તેને અનેક કૃતિ સાથે જોડતાં તેનું દૃઢીકરણ કરવામાં રહ્યું છે, તેને કારણે પુનરાવર્તન પણ થતું જોવા મળે છે. અંતે, ગુજરાતી સાહિત્ય વિવેચનમાં સ્પષ્ટ અને નક્કર અવાજ નીતિન મહેતા પાસેથી મળે છે, નીતિન મહેતાનું વિવેચન વિવેચકીય સર્જકતા અને સજ્જતાથી બદ્ધ છે. પશ્ચિમની સાહિત્ય મીમાંસા અંગેની તેમની જાગૃતિને કારણે કૃતિને મૂલવવાના નવ્ય પરિમાણ એમની પાસેથી મળતાં રહ્યાં છે. પોતાના પુરોગામી વિવેચન પરંપરાના અનુસંધાનો અને આજની પ્રવર્તમાન પરિસ્થિતિ અને પશ્ચિમના સંદર્ભો સાથે તેઓ ત્રિપક્ષી આલેખન આપતા રહ્યા છે. આ સંદર્ભો ઉપરછલ્લા નહીં પરંતુ સિદ્ધાંત સાથે એ રીતે ગળાઈને આવે છે કે કૃતિની બંને બાજુ ઊઘડતી જાય છે. નીતિન મહેતાની વિવેચન શૈલી પરંપરા સાથે પશ્ચિમનો સમન્વય કરી જાણે છે. ગુજરાતી સાહિત્યવિવેચનમાં પશ્ચિમની વિવેચના સાથે અને સંવેદના સાથે તાગવાનું કાર્ય કર્યું તેમાં નીતિનભાઈ મહેતાનું નામ પહેલી હરોળમાં આવે. એક તરફ સાહિત્યવિવેચનની વિવિધ તરાહો જોવાની છે તો બીજી તરફ એને તત્કાલીન સમય સાથે જોડવાની છે. આધુનિક સમય દરમ્યાન અને પછી સંરચનાવાદી અભિગમ, અનુસંરચનાવાદી અભિગમ તરફનું વલણ વધ્યું હતું. રૂપરચનાવાદી અભિગમ પછી વિવેચનમાં જે આત્મલક્ષિતા ભળી, તે અનુઆધુનિક સમયમાં સ્વીકારાઈ, વિવેચકની આત્મલક્ષિતાને અંગત વ્યક્તિતાને વિવેચના અવરોધરૂપ ગણવામાં આવી હતી તેનો પુરસ્કાર કરવામાં આવ્યો. કૃતિનું વિશ્વ ભાવકના વિશ્વ સાથે જોડાય છે અને ભાવક કૃતિનું પુનસર્જન કરે છે. આ વિવેચનના વિવિધ અભિગમો સમયાંતરે વિકાસ પામતાં જેને ગુજરાતીમાં લાવવામાં નીતિન મહેતાનો ફાળો રહ્યો છે. તેઓ પોતાની ગમતી અને તેમને મહત્ત્વની લાગતી કૃતિનું વિવેચન કરવાનું પસંદ કરી અન્ય પ્રત્યે તીવ્ર આક્રોશ ભાગ્યે જ વ્યક્ત કરતા હતા. વ્યાપક અને એકાગ્ર દૃષ્ટિથી છેલ્લા કેટલાક સમયથી સાહિત્યના ભિન્ન-ભિન્ન પ્રદેશમાં લઈ જવા ઉપરાંત એનું વ્યાપક પાન કરાવવાનો ઉપક્રમ તેમના લેખો અને વ્યાખ્યાનોમાં જોવા મળે છે. કેટલાક સમયથી ગુજરાતી વિવેચનની પરંપરામાં આધુનિક અને અનુઆધુનિક વિવેચનામાં ભાવક-ચેતના, કૃતિ-ચેતના અને સર્જક ચેતનાને વિચારણા સાથે જોડી રજૂ કરતા સર્જક-વિવેચક તરીકે નીતિનભાઈનું નામ અવશ્ય આવે.