સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/આ સંપાદન વિશે
ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના ગાંધીયુગના એક પ્રમુખ વિવેચક રામનારાયણ વિશ્વનાથ પાઠકનાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ વિશેષ મહત્ત્વનાં લખાણો આ ગ્રંથમાં અભ્યાસીને વાંચવા મળશે.
સંપાદકે પસંદ કરેલાં, પાઠકસાહેબના લેખોને પાંચ વિભાગમાં વિભક્ત કર્યાં છે. ગુજરાતી વિવેચનમાં પાઠકસાહેબે આપેલી સિદ્ધાંતચર્ચા અત્યંત વિષદ છે. સંખ્યાબંધ નિદર્શનો સાથે, સરળ ભાષામાં મળેલા પાઠકસાહેબના સિદ્ધાંતચર્ચાના ઘણાં લેખોમાંથી પ્રતિનિધિરૂપ લેખો વિભાગ-૧ ‘સાહિત્યવિવેચન : સિદ્ધાંતચર્ચા’ શીર્ષક હેઠળ સમાવ્યા છે. સાહિત્યના સ્વરૂપ વિશેના પાઠકસાહેબના લેખ વિભાગ-૨ ‘સાહિત્યના સ્વરૂપો (મધ્યકાલીન અને અર્વાચીન)’ શીર્ષક હેઠળ ગોઠવ્યા છે. મધ્યકાલીન અને અર્વાચીન કવિઓ અને એમની કૃતિઓ વિશેના વિષદ અવલોકનો પણ પાઠકસાહેબ પાસેથી મળ્યાં છે. એ વિશેના પ્રતિનિધિરૂપ અવલોકન-લેખો વિભાગ-૩’ કર્તા-કૃતિવિચાર (મધ્યકાલીન અને અર્વાચીન)’ શીર્ષક હેઠળ અભ્યાસીને વાંચવા મળશે. રામનારાયણ વિ. પાઠકે ઘણી કૃતિઓના ગ્રંથાવલોકનો પણ આપ્યાં છે. એમાંથી પ્રતિનિધિરૂપ ગ્રંથાવલોકનોનો વિભાગ-૪ ‘ગ્રંથાવલોકન’માં સમાવેશ કર્યો છે. સાહિત્ય ઉપરાંત સંગીત, નૃત્ય જેવી અન્ય કળાઓ, લેખકની કેફિયત જેવા લેખો વિભાગ- ૫ ‘અન્ય’ શીર્ષક હેઠળ વાંચી શકાશે.
રામનારાયણ વિ. પાઠક વિશે વિશેષ અભ્યાસ કરવા ઈચ્છતા જીજ્ઞાસુઓ માટે સંદર્ભસૂચી અને રામનારાયણ વિ. પાઠકના સઘળા વિવેચન ગ્રંથોની સૂચી જોડી છે.
કીર્તિદા શાહ