સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/જેર્ઝી કોસિન્સ્કી કૃત ‘બિઇંગ ધેર’

From Ekatra Foundation
Revision as of 01:31, 16 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯. જેર્ઝી કોસિન્સ્કી કૃત ‘બિઇંગ ધેર’ (અહીં નહીં ત્યાં ટી.વી.માં)

આપણા જમાનાની વિસંગતિ અને સમસ્યા એવી છે કે સામૂહિક માધ્યમો વધ્યાં છે. આ માધ્યમોએ વ્યક્તિને સ્વકીય સંવેદનાથી અને અન્ય માનવીઓથી દૂર કરી છે. જેટલાં વધારે પ્રત્યાયન(communication)નાં માધ્યમો તેટલો માણસ માણસથી દૂર એવો ક્રમ હવે રચાયો છે. આ માધ્યમોએ આપણી ચેતનાને કુંઠિત કરી છે. આપણી વૈચારિક, સર્જનાત્મક સંપત્તિને છીનવી છે. આપણી સ્વકીયતાનો હ્રાસ કર્યો છે. આવા કેન્દ્ર વિનાના અવકાશમાં રઝળતા માનવીનું આલેખન નર્મમર્મ, કટાક્ષ અને ‘મેટાફર’ના સજીવ વિનિયોગ દ્વારા જેર્ઝી કોસિન્સ્કી તેની નવલકથા ‘બિઇંગ ધેર’માં કરે છે. ટેલિવિઝન એક વખત રોગની જેમ આપણા અસ્તિત્વમાં ઊંડે સુધી ફેલાઈ જાય ત્યારે આપણે રહેતા નથી. આપણું અસ્તિત્વ અહીં નથી રહેતું પણ તે સ્વયં જ ટી.વી.નો પડદો બની રહે છે. ટી.વી.નો પડદો આપણી જીવંતતાને જાણે પોતાનામાં સમાવી લે છે. આપણે ટી.વી. જ જાણે બની જઈએ છીએ અને આ વાસ્તવિક સંવેદનશીલ જગતથી દૂર હડસેલાઈ જઈએ છીએ. ટી.વી.માંથી આ હરતાફરતા, શ્વસતા જગતમાં આપણે આવીએ તો શું થાય? આપણી જાત અને જગત વચ્ચે કયા પ્રકારનો સંબંધ રચાય? અથવા સંબંધ રચાય ખરો? આવો યક્ષપ્રશ્ન આ નવલકથામાં છેડાયો છે.

* * *

૧. આપણા જીવાતા જીવનની વાસ્તવિકતાઓની, તે જ વાસ્તવિકતાઓને વિડમ્બનાની પ્રયુક્તિ તરીકે પ્રયોજી કઈ રીતે છેદ ઉડાડવો અને આપણા અસ્તિત્વનું નવું પરિમાણ તે વડે કઈ રીતે પામવું તેની મથામણ આજની મોટા ભાગની યુરોપમાં લખાતી નવલકથાઓમાં જોવા મળે છે. આપણી કહેવાતી વાસ્તવિકતા આપણી જીવાતી વાસ્તવિકતાને કઈ રીતે વિચ્છિન્ન કરી નાખે છે અને આપણી સંવેદનશૂન્યતાનો તથા આપણા સપાટ વ્યક્તિત્વનો તે દ્વારા આપણને કઈ રીતે પરિચય થતો આવે છે તેનું જ આલેખન તેઓને અભિપ્રેત છે. આ પ્રકારની નવલકથાઓને રેમન્ડ ફીડરમેન Sur-Fiction કહે છે. આ પ્રકારની નવલકથાઓમાં એક બાજુથી માણસની કલ્પનાશક્તિ પ્રતિબિંબિત થાય છે. નર્યા ભ્રમ કે તરંગ તો નહીં જ. આ નવલકથાકારો એક એવા જગતને આપણી પાસે તાદૃશ કરે છે કે જે વાસ્તવિકતાથી બમણું ભ્રષ્ટ થયું હોય છે. Real world which is twice removed from reality. જીવનના અનુભવોનું યથાતથ આલેખન નવલકથામાં શક્ય નથી. કલામાત્ર અનુભવોનો નર્યો અનુવાદ નથી પણ સ્વયં જ અનુભવનું પ્રાણપદ રૂપ છે તે રીતે તેમાં વાસ્તવિકતાનું આલેખન થાય તે આ પ્રકારની નવલકથા લખતા સર્જકોને મન ઇષ્ટ સ્થિતિ છે. આથી જ તેઓને મન નવલકથા એ જીવનનું પ્રતિબિંબ નથી. કૃતક વાસ્તવને નિરૂપતું દસ્તાવેજી ચિત્ર નથી. તેનું મૂલ્યાંકન સામાજિક, નૈતિક, માનસશાસ્ત્રીય, મેટાફિઝીકલ કે સસ્તા મનોરંજનાત્મક સાધન તરીકે કરવાનો તેઓ તો ઇન્કાર જ કરે છે. પોતાની રસકીય સીમામાં રહી, વાસ્તવિકતાનાં નવાં પરિમાણો કઈ રીતે વિકસાવવાં અને તે વડે જ વાસ્તવિકતાના સ્પર્શક્ષમ રૂપને કલ્પનાશક્તિથી કઈ રીતે નિરૂપવું તે પ્રગટ કરવાનો તેઓનો અભિગમ છે. આ માટે આ પ્રકારની નવલકથામાં ‘મેટાફર’ મહત્ત્વનો બને છે. ‘મેટાફર’ દ્વારા વસ્તુનાં અનંત પરિમાણો તાગવાની વિવિધ દિશાઓ તેઓ ખોલી આપે છે. ‘મેટાફર’ એ પ્રક્રિયા છે, પરિણામ નથી. એ અનેક અર્થમાં અન્વેષણાત્મક પ્રક્રિયા છે. Metaphor presents its going on. આથી નવલકથાકાર પોતાના વિશ્વનું ‘દર્શન’ કે ‘પ્રદર્શન’ કરાવે છે. એ માત્ર વર્ણન નથી કરતો પણ ‘દર્શન’ પણ કરે છે. આથી માત્ર ‘description’ નહીં ‘construction’ પણ તેને મન આગવું મૂલ્ય ધરાવતી સંજ્ઞા છે. ૨. ‘માનવ અસ્તિત્વ’ એ કોસિન્સ્કીની નવલકથાઓમાં નિરૂપાતો કેન્દ્રસ્થ પ્રશ્ન છે. કોસિન્સ્કી માને છે કે અનુભવના સંપૂર્ણ રૂપને કલાકાર પામી ચૂક્યો હોય તો તેને મન કલાની આવશ્યકતા જ નથી. અનુભવના આલેખનમાં માનસિક અંતર રાખવું જરૂરી છે. લખતાં લખતાં જ નવલકથાકાર અનુભવના રૂપને આત્મસાત્‌ કરતો જાય છે. આથી નવલકથામાં નિરૂપણ પામતો અનુભવ more lifelike હોવો જોઈએ, નહીં કે life itselfને નિરૂપતો. માનવ અસ્તિત્વ કઈ રીતે જડ ન બને અને કઈ રીતે પોતાની આગવી સંવેદનાત્મક અને સર્જનાત્મક સંપત્તિને વિરોધી પરિસ્થિતિઓમાં અકબંધ જાળવી રાખી શકે તે વસ્તુ તેની મોટા ભાગની નવલકથાના કેન્દ્રમાં રહ્યું છે. સર્જકને મન મૂળ પ્રશ્ન તો છે કઈ રીતે સાચા સંવેદનશીલ માનવી બની રહેવું? પોતાની આગવી વ્યક્તિમત્તા કઈ રીતે સિદ્ધ કરવી? આપણે આપણી જાતનું માપ બીજાઓની ફૂટપટ્ટીથી તો ન લઈ શકીએ. સામૂહિક માધ્યમો, યુદ્ધો, રાજકારણ, અર્થકારણ આ બધાંને હડસેલી માણસ પોતાની પાસે આવે કઈ રીતે? આથી જ ‘Steps’ નામની નવલકથાની નોંધમાં કોસિન્સ્કી કહે છે, ‘Survival is a solitary experience and acting is only possible when one does not have to feel.’ આખો સમય નટ બનીને જીવવું શક્ય છે? ટી.વી.ના પડદા પર જે આવે છે તેને અસ્તિત્વનું સત્ય સ્વીકારી રોજ-બરોજની જિન્દગી જીવી જઈએ તો શું થાય? કોસિન્સ્કી ટી.વી.નો એક નંબરનો દુશ્મન છે. અમેરિકી પ્રજા ક્રમશઃ વીડિયોની સંસ્કૃતિની નિપજ છે. શાંત ચિત્તે, ઠંડા લોહીથી તે ટી.વી. જોવાનો સુષુપ્ત આનંદ માણી સંતોષ માનતી પ્રજા એક દિવસ થઈ જશે તેવો ભય લેખકને છે. ટી.વી.એ વૈચારિક તથા સંવેદનાત્મક કટોકટી ઊભી કરી છે. કોસિન્સ્કીની આ નવલકથા એક બાજુથી સામૂહિક વર્તનને વિષય તરીકે નિરૂપે છે તો બીજી બાજુથી માણસની સંવેદનાત્મક કટોકટીને પણ નાટ્યાત્મકતાથી નિરૂપે છે. કોસિન્સ્કી માને છે કે રશિયન સમાજની જેમ અમેરિકન સમાજ પણ પોતાની રીતે જ સામૂહિક છે. (અમેરિકન સમાજનું રોક સંગીત જુઓ, તેની ફેશનો જુઓ, તેઓના ટી.વી.ના કાર્યક્રમો જુઓ તથા સિનેમાઓ જુઓ) આ બધાં માધ્યમો વ્યક્તિની ચેતનાનો કેવો હ્રાસ કરે છે અને માણસની સ્વકીયતા ટી.વી.ના પડદા પર કેવી શોષાઈ જાય છે તે આ નવલકથામાં દર્શાવાયું છે. સર્જકને માટે ચિંતાનો વિષય તો છે માણસ નિઃશેષપણે માણસ કઈ રીતે રહે? ‘બિઇંગ ઘેર’માં આખો દિવસ ટી.વી. જ જોયા કરતા અને બગીચાની સાર-સંભાળ રાખતા, ટી.વી.ના પડદા જેવા જ સંકુચિત જગતમાં જીવતા મિ.ચાન્સ નામના માણસનું હાસ્યાસ્પદ ચિત્ર કોસિન્સ્કીએ દોર્યું છે. આ દ્વારા અમેરિકાની આધુનિક જીવનપદ્ધતિ પર શિક્ષક કે સમાજસુધારક બન્યા વિના તેણે કડવો વ્યંગ કર્યો છે. ૩. ‘બિઇંગ ઘેર’ માં મિ. ચાન્સનું અનુભવજગત ટી.વી. પૂરતું જ મર્યાદિત છે. બાગબાની કરવી અને ટી.વી. જોવું આ જ તેનું જગત. તેનું નામ મિ. ચાન્સ પણ સૂચક છે. ‘ચાન્સ’ શબ્દના બધાં જ અર્થઘટનો અહીં અનેક પરિમાણો સાથે ક્રમશઃ નવલકથામાં ઊઘડતાં આવે છે. ટી.વી. એ ચાન્સનો અધિષ્ઠાતા દેવ છે. તેની મોટા ભાગની જિન્દગી, પૈસાદાર માણસના ઘરમાં બાગબાની કરતાં વીતી છે. એક દિવસ તેના માલિકનું મૃત્યુ થાય છે તે દિવસે પણ તે ટી.વી. જુએ છે; વકીલો તે આ ઘરમાં ક્યારથી આવ્યો, કઈ રીતે આવ્યો તે જાણવા માગે છે. પણ ચાન્સ પાસે પોતાની જાતને સાબિત કરવાનાં કોઈ પ્રમાણપત્રો નથી. આખરે તે ધનિકનું ઘર તથા બગીચો છોડે છે અને વાસ્તવિક જગતમાં પ્રવેશ કરે છે. પછી જે જે ઘટનાઓ બને છે, જે જે પરિસ્થિતિઓ સર્જાય છે તે તેને અમેરિકી પ્રમુખપદની ગણનાના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડે છે અને આખરે બધાંથી કંટાળી તે ફરી પાછો બગીચાની સૃષ્ટિમાં પ્રવેશ કરે છે. હવે અહીં નિરૂપાયેલા પ્રસંગોના સંદર્ભમાં ‘બિઇંગ ધેર’ નવલકથાની સૃષ્ટિ તપાસીએ. મિ. ચાન્સ સમગ્ર રીતે ટી.વી. વડે તેના જીવાતા જીવનમાં દોરવાય છે. તે બાગબાની કરતાં કરતાં પોતાના સર્જેલા સમયમાં જ ગતિ કરે છે જેવી રીતે છોડવાંઓ પોતાના નિશ્ચિત સમયમાં ગતિ કરે છે. તેને એક વસ્તુ જોડે સમ્બન્ધ છે તે છે ટી.વી. ટી.વી.ને પોતાનો રંગ, સમય તથા પ્રકાશ છે. ટી.વી.ની ચેનલો બદલવાથી ચાન્સ પોતાના મૂડને પણ તેની સાથે બદલી શકે છે. ચાન્સ પોતે તો તદ્દન પરિમાણહીન રિક્ત અને સપાટ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. નવલકથામાં ટી.વી. મિ. ચાન્સને દોરનારું વિધાયક પરિબળ છે અને નવલકથાની રૂપરચનામાં ટી.વી.નું માણસ પરનું આધિપત્ય એ વિસ્તારતો ‘મેટાફર’ છે. ’Plant’ એ તેના જીવનનું સબળ પ્રતીક છે. પોતે જે મકાનમાં રહે છે તેની દીવાલની બીજી બાજુની જિન્દગી વિશે તેના મનમાં જરા સરખું પણ કુતૂહલ નથી, તેનો માલિક પણ તેને માટે દીવાલની બીજી બાજુની વાસ્તવિક્તા જેટલો જ અજાણ્યો છે. ચાન્સને કોઈ ભૂતકાળ હોય તો તેની તેને ખબર નથી, કોઈ ભવિષ્ય નથી. તે નર્યા શુદ્ધ વર્તમાનમાં જીવે છે. તેને વાંચતાંલખતાં આવડતું નથી. પોતે જે મકાનમાં રહે છે તે પણ તેણે બરાબર જોયું નથી. તેની નાની રૂમની સૃષ્ટિ તે જ તેની વાસ્તવિક્તા છે. રૂમમાંનું ટી.વી. જ જાણે તેનું અસ્તિત્વ છે. એક દિવસ મકાનમાલિકનું મૃત્યુ થાય છે તે દિવસે પણ ચાન્સ ટી.વી. જોવાનું ચૂકતો નથી, તેને માટે તો બીજા માણસોનું કોઈ અસ્તિત્વ કે મૂલ્ય નથી. માત્ર ટી.વી. પર બીજાઓને જોયા કરવા અને બીજાઓ તેને ન જોઈ શકે તે કેવી જિન્દગીની કરુણતા! જોકે ચાન્સને આનંદ થયો કે વૃદ્ધના મૃત્યુ પછી બીજાઓ તેને જોઈ શકશે તો ખરા. પછી વકીલો જોડે તેની મુલાકાત ગોઠવાય છે. ચાન્સ વકીલોને કહે છે તે ઘણા સમયથી અહીં રહે છે. લગભગ વૃદ્ધની કેડનું હાડકું ભાગ્યું ત્યારથી, બગીચાના છોડવાઓ નાના હતા ત્યારથી આ રૂમમાં ટી.વી. આવ્યું તે પહેલાંથી તે આ જ મકાનમાં રહે છે. વકીલ ફ્રેંકલીન તેને પૂછે છે તમે ધંધાદારી ‘ગાર્ડનર’ છો? ચાન્સ જવાબ આપે છે ત્યારે તેનું અડધું શરીર બગીચાની દિશામાં ઝૂકેલું રહે છે. ચાન્સ પાસે પોતાની જાતને સાબિત કરવાના કોઈ દસ્તાવેજો નથી. જન્મનું પ્રમાણપત્ર, મોટર ચલાવવાનો પરવાનો, ચેકબુક કે દાક્તરી વીમો કે પોતાનું સરનામું સુધ્ધાં નથી. તે કહે છે ‘you have me. I am here. What more proof do you need?’ કાગળ પર તે સહી નથી કરતો માત્ર કાગળ પર એક નજર નાંખે છે કેમ કે ટી.વી. પર બધા આમ જ કાગળ વાંચે છે. તેને ઘર છોડવું પડે છે, ઘર છોડતાં પહેલાં તે ટી.વી. જુએ છે, બગીચામાં થોડી વાર અટકે છે. અંતે રૂમની અંદરના ટી.વી.માં મકાનની, ચર્ચની, ઘરોની પ્રતિચ્છવિ જુએ છે. ટી.વી. બંધ કરી બહાર નીકળે છે. The image died... ટી.વી.નો પડદો ભૂરા રંગથી ભરાઈ જાય છે. બહાર પણ તેને ટી.વી.માં જોતો હતો તેવું જ જગત દેખાય છે. જોકે લોકો તથા વસ્તુઓ તેને થોડાં મોટાં તથા ધીમી ગતિએ ચાલતા દેખાય છે. ચાન્સને બહારનું જગત અજાણ્યું લાગતું નથી. ટી.વી.માં દેખાતી વાસ્તવિકતાને તે પોતાના લોહીની વાસ્તવિકતા માને છે. અહીં સમયના દ્રાવણમાં ચાન્સને ઓગળતો અને વિસ્તરતો બતાવવામાં આવ્યો છે. સાથે સાથે સમગ્ર નવલકથામાં સમય સંકોચાતો બતાવાયો છે. ઘટનાઓ આ સમયમાં જ વિસ્તર્યા કરે છે. ટી.વી.ને કારણે ચાન્સ પરોક્ષ બન્યો છે, કશા જોડે તે તાદાત્મ્ય સાધી શકતો નથી. ઘર છોડવાની ઘટના, વૃદ્ધનું મૃત્યુ કશું જ તેની સંવેદનાને સ્પર્શી શકતું નથી. ભાષા, શારીરિક સંવેદના કે ઉત્તેજના કે સંવેદનાત્મક ક્ષણો આ બધાંથી મુક્તિ તેણે મેળવી લીધી છે, ટી.વી.માં જે કંઈ છે તેની નકલ તે કરી શકે છે. ટી.વી.થી પર બીજું જગત હોઈ શકે તેવું તે માની શકતો નથી. ઘર છોડ્યા પછી રસ્તા પર આવતાં તે અકસ્માતનો ભોગ બને છે. આ અકસ્માત તેનું ભવિષ્ય બદલી નાખે છે. તેના જીવનમાં નવી તકો ઊભી કરે છે. અમેરિકી નાણાંનિગમના પ્રમુખની તે ગાડી છે. કાયદાથી બચવા મિસિસ બેન્જામિન રેન્ડ તેને પોતાની મોટરમાં ઘરે લઈ જાય છે. પગમાં સખત વાગ્યું હોવા છતાં ચાન્સ ગાડીમાં ટી.વી. જુએ છે ને પોતાની શારીરિક વેદના ભૂલી જાય છે. મિસિસ બેન્જામિનનો ચહેરો તેને ટી.વી. પર જોયેલી કોઈ નારી જેવો જ લાગે છે. બંને વચ્ચે ઓળખાણની આપ-લે થાય છે. અહીં ભાષાની યોજના ધ્યાન ખેંચે છે. ચાન્સ મિસિસ રેન્ડના જ અડધા શબ્દો ખપમાં લઈ વાતચીતનો દોર ચાલુ રાખે છે. ઘર પાસે આવતાં, ટી.વી. બંધ થતાં, ફરીથી ચાન્સ દર્દથી કણસે છે ત્યાર બાદ એનું મન એકાએક ટી.વી.ના ખાલી પડદા જેવું બની જાય છે. ડૉક્ટર તેને જ્યારે ઇન્જેક્શન આપે છે ત્યારે ટી.વી. પર જે રીતે ડૉક્ટર ઇન્જેક્શન આપે તેની સ્મૃતિ તાજી થાય છે. ચાન્સ મિસિસ ઇ.ઇ.ને (મિસિસ બેન્જામિનનું નામ) ત્યાં રહી જાય છે. ટી.વી. પર જે રીતે સેન્ડવીચ ખવાય તે રીતે તે ખાય છે. ટી.વી.ની અસર તેની રગેરગમાં વ્યાપી ગઈ છે. ટી.વી. પરની મુલાકાતો, વાતચીતો, સંવાદો તથા હાવભાવનું નટની અદાથી તે અનુકરણ કરે છે. ચાન્સ તેની સાથે વાત કરવાની ઉક્તિઓ, વાક્યાંશો તથા શબ્દો દોહરાવે છે આથી તે બધાંને સારી રીતે સમજે છે તેવી ભ્રમણા પણ ઊભી થાય છે. આ રીતે તે મિસિસ બેન્જામિનનો પ્રેમ સંપાદન કરે છે, મિસિસ બેન્જામિન ચાન્સને પોતાના પતિ સાથે રાત્રિભોજન લેવાનું નિમંત્રણ આપે છે. ચાન્સને લાગે છે કે મિ. બેન્જામિન તેને ઘર છોડવાનું કહેશે તો? પણ તેમાં શું? એક દિવસ તો તેણે ઘર છોડવાનું જ છે. ટી.વી. પર નવા કાર્યક્રમ અંગે ઇંતેજારી અને કુતૂહલ વધારવામાં આવે છે એમ જે થવાનું હશે તે થશે. તેને ભય નથી જે થવાનું હશે તે તેના નિયમ પ્રમાણે થશે. સાંજના ભાણામાં કયા પ્રકારની વર્તણૂક કરવી તે માટે ચાન્સ ધંધાદારી માણસની મુલાકાતોનો ટી.વી.નો પ્રસંગ પસંદ કરે છે. સાંજના ભાણાના સમયે ચાન્સ તથા મિ. રેન્ડ વચ્ચેની વાતચીતમાં શબ્દની લક્ષણાશક્તિનો ઉત્તમ વિનિયોગ થયો છે. ચાન્સ જે કંઈ કહે છે તેને પ્રતીકાત્મક રીતે મિ. રેન્ડ ઘટાડે છે. ભાષા બે સ્તરે અહીં ગતિ કરે છે. ચાન્સની સાદી વાણીમાં મિ. રેન્ડ પ્રતીકાત્મકતા જુએ છે. નવલકથાના મોટા ભાગના પ્રસંગોમાં આ સતત પ્રયોજાતો ‘મેટાફર’ છે. વારંવાર ‘બગીચા’નો અલંકાર એક કોમિક તત્ત્વ ઊભું કરવા માટે પ્રતીકાત્મક રીતે ઉપયોગમાં લેવાયો છે. બગીચાની વાતચીતને બધા સર્વોત્તમ ‘મેટાફર’ તરીકે જ જુએ છે તેથી પરિસ્થિતિની વિડંબના તથા વક્રતા સર્જાય છે. મિ. ચાન્સ માટે તો બગીચો જ સર્વસ્વ હતો. તેણે બે બી વાવ્યાં હતાં, પાણી પાયું હતું, છોડમાંથી વૃક્ષો થતાં તેણે જોયાં હતાં. પણ એ બધું તો હવે ગયું. હવે તો માત્ર ઉપલા માળા પરની ઓરડી જ રહી. પણ મિ. રેન્ડ તેની સાદી વાતનું ભળતું જ અર્થઘટન કરે છે. તેમાં વધારે પડતું વાંચે છે તે ‘રૂમ’નો અર્થ ‘સ્વર્ગ’ આ જગતની પેલે પારની જગ્યા જ માને છે. ‘ઉપર જે રૂમ છે તેમાં તો મારે જવાનું છે.’ મિ. રેન્ડ વૃદ્ધ છે, માંદા છે, તેથી તેનું આ કથન વ્યંજનાસભર બની રહે છે. ચાન્સ વિચારે છે કે તો પછી હું રૂમ છોડી ક્યાં જઈશ? અહીં ભાષાની રમત વિધેયાત્મક તથા નિષેધાત્મક સ્તરે થાય છે. મિ. રેન્ડ તો ગાર્ડનીંગને પણ અગત્યનો વ્યવસાય ગણે છે તેથી તે ચાન્સને ચાઉન્સી ગાર્ડિનર તરીકે સંબોધે છે. ચાન્સને ગમે છે કેમકે ટી.વી. પર દરેક વ્યક્તિનાં બે નામો હોય છે. તેના બગીચાના ‘મેટાફર’ને કારણે ચાન્સ મિ. રેન્ડના ઘરમાં મહત્ત્વની વ્યક્તિ બની રહે છે. ક્રમશઃ મિસિસ રેન્ડ ચાન્સની નજીક આવતાં જાય છે. ચાન્સ તેને ઉમદા, નિખાલસ, પ્રામાણિક વ્યક્તિ લાગે છે. ચાન્સ આમ તો ટી.વી.નો પડદો જ બની રહે છે. જેમાં લોકો પોતાના હેતુઓ, ઇચ્છાઓ, સપનાંઓ જોઈ શકે. તે પોતે તો સલામત છે કેમ કે તે બીજાના સંબંધ માટેનું એક object બની રહે છે. ચાન્સના હાવભાવ, બદલાતી જતી તેના વર્તનની મુદ્રાઓ અને બગીચાનો ‘મેટાફર’ તેના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને તેના પ્રતિ આકર્ષે છે તો સાથે સાથે દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ લાગે તે જ અર્થઘટન ચાન્સની વાતચીતમાંથી મેળવી લે છે. આ જ ચાન્સની સિદ્ધિ છે. બીજી મજાની વાત તો એ છે કે પછીથી બધા ચાન્સની જ ભાષા બોલવા લાગે છે. મિ. રેન્ડ અમેરિકન નાણાંનિગમના પ્રમુખ છે, ફુગાવાને કારણે મંદ પડી ગયેલા અમેરિકાના અર્થતંત્રને, વ્યાપારને રાહતરૂપ થવું તે તેનું ધ્યેય છે. ફુગાવો, વધારે પડતા કરવેરા, રમખાણો, યુદ્ધો આ બધાંથી અમેરિકાના વ્યાપારમાં મોટી મંદી પ્રવર્તે છે. તેને કઈ રીતે આધારરૂપ થવાય અને મંદી તથા ફુગાવો દૂર કરવા કઈ રીતે મદદરૂપ થવાય તે મિ. રેન્ડની ચિંતા છે. અમેરિકન અર્થતંત્રને સીધી ગાડીએ લાવવાના તેના પ્રયત્નો છે. અમેરિકન નાણાંનિગમ તેનાં સલાહ-સૂચનો સ્વીકારશે તેવું તેને લાગે છે. મિ. ચાન્સ જોડે વાતચીત કરતાં કરતાં મિ. રેન્ડ પણ બાગબાનીની પરિભાષા બોલવા લાગે છે. આ ‘મેટાફર’ તેને ગમી ગયો છે. I Feel like a tree whose roots have come to the surface. ત્યારે ચાન્સ વિચારે છે કે અહીંના બગીચામાં તો બધાં તાજાં, મજાનાં ફૂલછોડ તથા વૃક્ષો છે. તેનાં મૂળિયાં ઉપર કઈ રીતે આવી જાય? ચાન્સના સંપર્કમાં આવનાર પણ આ રીતે પોતાનું જ પ્રતિબિંબ ચાન્સમાં જોતાં જાય છે. આ રીતે નવલકથામાં વક્રતાનું તત્ત્વ ભળે છે, બીજી બાજુથી અભિધાના સ્તરે ઉચ્ચારાયેલી ભાષા બીજાઓ વડે વ્યંજનાતત્ત્વ ધારણ કરે છે તેથી ભાષા દ્વારા રચાતી ગેરસમજ, ભાષાની ભ્રષ્ટતા પણ અહીં હાસ્યાસ્પદ પરિસ્થિતિ નિર્માણ કરે છે. ચાન્સે તો ટી.વી. જોડે એકરૂપતા કેળવી લીધી છે અને બીજા લોકો ચાન્સની ભાષા જોડે એકરૂપતા કેળવી પોતાને શક્ય લાગે તેવાં અર્થઘટનો ઉપજાવી લે છે. એટલે વાસ્તવિકતા અને ભાષા બે વાર ભ્રષ્ટ થાય છે. અમેરિકાના પ્રમુખ મિ. રેન્ડને મળવા આવવાના છે. મિ. રેન્ડ તો ચાન્સને તીવ્ર બુદ્ધિશક્તિ ધરાવતો માને છે. તેથી કહે છે તારી ધારદાર બુદ્ધિશક્તિ પ્રમુખને રખે બતાવતો! Nowadays, no one in close proximity to the president is allowed to have any sharp objects on his person- So don’t show them your mind, Chauncey, they may take it away from you! ચાન્સ તો આ વ્યંજનાત્મક ભાષાને અભિધાના સ્તરે જ ગ્રહણ કરે છે આથી તે તેની ટાઇપીન તથા દાંતિયો ટેબલ પર મૂકી દે છે. ‘mind’ તથા ‘sharp object’નો અર્થ ચાન્સને સમજાતો નથી. અહીં બન્ને પાત્રોની ભાષા તથા કાર્ય એકબીજાને છેદે છે. ચાન્સ તો અરીસામાં પોતાને જુએ એમ ટી.વી.ને જોયા કરે છે. અમેરિકાના પ્રમુખ મિ. રેન્ડને મળવા આવે છે. ચાન્સ પણ મિ. રેન્ડની હાજરીમાં અમેરિકાના પ્રમુખને મળે છે. આમ તો ટી.વી. પર ચાન્સે પ્રમુખને વારંવાર જોયા છે. પ્રમુખ જોડે તેની ઔપચારિક ઓળખાણ કરાવવામાં આવે છે. પ્રમુખ કહે છે મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે. ચાન્સને તેનું આશ્ચર્ય થાય છે. મિ. રેન્ડ તથા પ્રમુખની મોટા ભાગની વાતો ચાન્સ સમજતો નથી છતાં હાવભાવ એવા કરે છે કે તે બધું જ સમજે છે. મિ. રેન્ડ તો મરણોન્મુખ છે. તે કહે છે મારે તો મારાથી તથા જગતથી વિખૂટું પડવું છે. I obey pains આ ભાષા પણ ચાન્સ તો સમજતો જ નથી. થોડી વાર પછી એકાએક અમેરિકાના પ્રમુખ ચાન્સને પૂછે છે હાલમાં રાજ્યમાં પ્રવર્તતી મંદી વિશે તમે શું માનો છો? પ્રશ્ન સાંભળી ચાન્સ થોડી વાર કંપી જાય છે. તેને લાગે છે કે તેના વિચારો ભીની ધરતીમાંથી આંચકો આપી મૂળસોતાં ખેંચી લેવાયા છે. પોતે જાણો કે અજાણી ભૂમિમાં – હવામાં તરતો મૂકાયો છે. તે થોડી વાર શેતરંજી સામું તાકી રહે છે. પછી કહે છે. બગીચામાં તો દરેક ફૂલ-ઝાડને પોતપોતાના વિકાસની મોસમ હોય છે. ‘In a garden, he said, growth has its season. There are spring and summer, but there also fall and winter. And then spring and summer again. As long as the roots are not severed, all is well and all will be well.’ વસંત એ ફૂલઝાડનાં વિકાસની તથા પાનખર એ વૃક્ષોનાં પાંદડાં ખરી પડવાની ઋતુ છે એમ ચાન્સ કહે છે. મૂળિયાં ઊંડાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ચાન્સનો આ સીધોસાદો ઉત્તર અમેરિકાના પ્રમુખને વ્યંજનાત્મક લાગે છે. પ્રમુખ તો પ્રભાવિત અને પ્રસન્ન થાય છે તથા ચાન્સના કથનને આશાવાદી ગણાવે છે. પ્રમુખ તો તેની આ બાગબાનીની પરિભાષાને અર્થતંત્રના સંદર્ભમાં જ મૂલવે છે. ચાન્સને માટે વાસ્તવિક જીવનનો આ અનુભવ છે. પોતાના વાસ્તવ જગતની વફાદારીમાંથી તેનો આ મેટાફર ઉદ્‌ભવ્યો છે કેમ કે તેનો બાગબાનીનો અનુભવ વાસ્તવિક અને જીવંત છે. બાગબાનીની ભાષા જ્યારે અર્થઘટનાત્મક બને છે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. નવલકથામાં આ મેટાફર નવું પરિમાણ ઉમેરે છે તથા ચાન્સના ભવિષ્યની ક્ષિતિજો ઉદ્‌ઘાટિત કરે છે, નવલકથાનું આ મહત્ત્વનું બિન્દુ છે. પ્રમુખનો પરિપ્રેક્ષ્ય તથા ચાન્સનો પરિપ્રેક્ષ્ય વાસ્તવિકતાનાં જુદાં જ અર્થઘટનો નિર્માણ કરે છે. બંનેની ભાષાના જુદા જ અન્વયો સાથે સાથે બંનેની માનસિક સ્થિતિને પણ દર્શાવે છે. આમ તો બંને એકબીજાની ભાષા સમજતા નથી પણ ભાષા કેવું છેતરામણું તત્ત્વ છે તેનો નિર્દેશ પણ પ્રમુખ તથા ચાન્સના તથા ચાન્સ તથા બીજી વ્યક્તિઓના સંવાદો દ્વારા ધારદાર રીતે વ્યક્ત થાય છે. બગીચો એ ચાન્સનું જ સત્ય છે. જ્યારે અમેરિકાના પ્રમુખ પ્રકૃતિ અને અર્થશાસ્ત્રનો વિલક્ષણ સંબંધ ચાન્સના મેટાફરથી જોડી આપે છે. ચાન્સ સાથેના સંવાદ જ રાતના ટી.વી.ના ભાષણ સમયે પ્રમુખ પુનરાવર્તન કરે છે અને સમગ્ર અમેરિકામાં ચાન્સ એક myth રૂપે વ્યાપી જાય છે. નાણાંનિગમની વાર્ષિક બેઠકમાં પ્રમુખ મિ. ચાન્સનું નામ બોલે છે. તે જ વાક્ય દોહરાવે છે અને સમાચારસંસ્થાઓનું ધ્યાન એ તરફ દોરાય છે. આ રીતે ચાન્સ અમેરિકામાં જાણીતું પાત્ર બની જાય છે. અત્યાર સુધી જે પશ્ચાદ્‌માં હતું તે પ્રમુખના ઉલ્લેખ માત્રથી એકાએક આગળ આવી જાય છે. સામૂહિક માધ્યમો, છાપાં, ટી.વી. બધાં જ ચાન્સને કોઈ અતિ મહત્ત્વની વ્યક્તિ માને છે. પ્રમુખના ભાષણના અંશો અલગ અલગ ચેનલ પરથી પ્રસારિત થાય છે અને ચાન્સ અમેરિકાની આગવી પ્રતિભા ધરાવતી બુદ્ધિશાળી વ્યક્તિ બની રહે છે. પછી તો છાપાંવાળાઓ તેની પાછળ પડે છે, રેઢિયાળ છાપાળવા સવાલોની પરંપરા ચાલે છે. એવા સમાચાર વહેતા થાય છે કે અમેરિકાના નાણાંનિગમમાં મિ.રેન્ડની ખાલી પડેલી જગ્યામાં મિ. ચાન્સની નિમણૂક થાય, ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ તો એવી જાહેરાત જ કરી દે છે. ટી.વી. પર ઇન્ટરવ્યૂ માટેનું નિમંત્રણ મિ. ચાન્સને મળે છે. જોકે ચાન્સને પોતાને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે પોતે ટી.વી. પર આવશે. આ રીતે પોતાની ઇમેજ ટી.વી.ના પડદાની સાઇઝમાં નાની-મોટી કરવી પડશે. ટી.વી. પર આવ્યા પછી માણસ પહેલાં હતો એવો રહે છે? તે શું બદલાઈ નથી જતો? અથવા તો કાર્યક્રમના સમયે તે શું બદલાઈ નથી જતો? પોતાના અસ્તિત્વનો કયો અંશ તે કાર્યક્રમ પૂર્ણ થયા પછી ટી.વી. પર છોડી આવશે? કાર્યક્રમ પૂર્ણ થયા પછી શું બે ચાન્સ હશે? એક ચાન્સ જે ટી.વી. જોશે અને બીજો ચાન્સ જે ટી.વી. પર મુલાકાત આપશે? ટી.વી.ના કાર્યક્રમમાં ચાન્સને જરા પણ તકલીફ પડતી નથી કે કશું અજુગતું લાગતું નથી. (અંગત રીતે તેને ટી.વી. પર આવતા મુલાકાતોના કાર્યક્રમ ગમતા નથી, આવા સમયે તે ટી.વી. જોતો હોય તો તો ચેનલ બદલી જ નાખે.) The cameras were licking up the image of his body. ટેલિવિઝન પરથી તે માત્ર વ્યક્તિને દેખાડાય તેના thinkingને તો કઈ રીતે પ્રસારિત કરાય? અને ચાન્સ તો માત્ર એક છબી તરીકે જ ટી.વી. પર આવશે. And to him, the viewers existed only as projections of his own thought, as images. ચાન્સને પોતાને તો ખબર જ નહીં પડે કે લોકો કેવાં હશે. તે લોકો શું વિચારતા હશે? કેમ કે તે તો કદી તેમને મળ્યો નથી. આથી તે અજાણ તથા અલિપ્ત જ રહેશે. તેની ટી.વી.ની મુલાકાતમાં પણ ચાન્સ તો બાગબાનીની પરિભાષામાં જ વાત કરે છે. અહીં બાગબાનીનો મેટાફર વિસ્તરે છે. આ વાતચીત લક્ષણાના દુરુપયોગનું ઉદાહરણ પૂરું પાડે છે. અહીં સમીકરણાત્મક સ્તરે ભાષા એક પ્રયુક્તિ તરીકે પ્રયોજાય છે. ભાષા દ્વારા થતી ગેરસમજો, અનર્થો, તથા વધારે પડતું વાંચી, બુદ્ધિશાળી તરીકે ખપવાની મોટા ભાગના માણસોની જે તકલીફ છે તે સરસ રીતે બાગબાનીના મેટાફર વડે પ્રતીકાત્મક ધારણ કરે છે. સાથે સાથે સામૂહિક માધ્યમો કેવાં ગેરરસ્તે દોરે છે તથા બુદ્ધિશાળી હોવાના કૃતક આત્મસંતોષને કેવું સંતોષે છે તેનું પણ અહીં મર્માળું આલેખન થયું છે. બાગબાનીની પરિભાષામાં થતી વાતચીત દ્વારા જાણે કે અમેરિકી અર્થતંત્ર વિશે જ તે વાત કરતો હોય એવો ભ્રમ ઊભો કરવામાં આવે છે. ચાન્સને માટે તો બગીચો જ સત્ય છે કેમ કે તેની સાથે તેનો અનુભવાત્મક, પ્રત્યક્ષ સંબંધ છે જ્યારે મિ. રેન્ડ, અમેરિકાના પ્રમુખ તથા ટી.વી. પર મુલાકાત લેતી વ્યક્તિ વારંવાર તેને અર્થતંત્ર જોડે જોડી આપે છે ત્યારે ગાંગો તેલી તથા પંડિત વચ્ચે થયેલો શાસ્ત્રાર્થ યાદ આવે છે. શાસ્ત્રી અને તેલીનો સંવાદ આંગિક મુદ્રાથી સર્જાયો હતો. તેવો અહીં વાચિક મુદ્રાથી જોવા મળે છે જોકે અહીં આખી પરિસ્થિતિ વ્યંગાત્મક તથા વિસંવાદાત્મક જ છે. ટી.વી.ની મુલાકાત બાદ સમગ્ર અમેરિકામાં ચાન્સ પ્રસિદ્ધિ પામે છે. લોકો માટે તે ભવિષ્યનો ઉજાસ બની રહે છે. સ્ત્રીઓને ચાન્સનો અવાજ ટેડ કેનેડી કે કેરી ગ્રાન્ટ જેવો લાગે છે. ઘેલછાઓ વ્યક્ત કરતો આદર્શવાદી અથવા તો IBM - ised technocrat નથી લાગતો. ક્રમશઃ તે મિસિસ રેન્ડનો માનીતો બને છે. મિસિસ રેન્ડ ચાન્સ જોડે ગાઢ આત્મીયતા કેળવે છે. શરૂઆતમાં ચાન્સ ભાવવિહોણો, નિરપેક્ષ અને અતડો લાગતો હતો. અલબત્ત બધાંને તેના ભૂતકાળમાં રસ છે પણ કોઈની તેના વિશેની જિજ્ઞાસા સંતોષાતી નથી. મિસિસ રેન્ડ ટી.વી.ની મુલાકાત પછી તેની નજીક જાય છે ચાન્સના ખભા પર માથું ટેકવે છે. આ સમયે ચાન્સ ટી.વી. પરની આવી જ પરિસ્થિતિને સ્મરે છે. જેમાં સ્ત્રી પુરુષની નજીક જતી બતાવે, આલિંગે, ચુંબનો કરે, પછીનો ભાગ ભાગ્યે જ ટી.વી. પર બતાવવામાં આવે અને દૃશ્ય બદલાઈ જાય. સ્ત્રીપુરુષનાં આલિંગનો તદ્દન ભૂલાઈ જાય. આવાં દૃશ્યો મિસિસ રેન્ડ નજીક આવે છે ત્યારે ચાન્સ યાદ કરે છે. ચાન્સને સાફસફાઈ કરવાવાળો માણસ યાદ આવે છે. જ્યારે તે બાગબાનીનું કામ કરતો ત્યારે તે આવતો અને નગ્ન ચિત્રો બતાવતો. ચાન્સે ત્યાર બાદ હસ્તમૈથુન પણ ઘણી વાર કર્યું છે પણ તેને કશી જ શારીરિક ઉત્તેજના થતી નથી કે આનંદ પણ નથી આવતો. બાળકના જન્મની ફિલ્મ તેણે ટી.વી. પર જોઈ છે. પણ છેવટે તે બધું ભૂલાઈ જાય છે. મિસિસ રેન્ડને તો ચાન્સ જોડે નિકટતાભર્યો સહચાર માણવો છે પણ તેના ઉત્તેજનાભર્યા સ્પર્શની ચાન્સ પર કશી જ અસર થતી નથી. ચાન્સ જરાય ઉત્તેજિત થતો નથી. મિસિસ રેન્ડ આથી ડૂસકાં ભરે છે, તેની કમર ફરતો ચાન્સ હાથ વીંટાળે છે. જોકે આવો સ્પર્શ મિસિસ રેન્ડ ઝંખતા જ હતાં, તે તેને ચુંબન કરે છે. એ સમયે ચાન્સ માત્ર તેણે લગાવેલાં પ્રસાધનોની સુગંધ માણે છે. મિસિસ રેન્ડને તે ચાલુ અમેરિકન જેવો લાગતો નથી. ચાન્સ આમ તો સંવેદનહીન છે. તેના શારીરિક સ્પર્શનું પણ અવળું અર્થઘટન થાય છે. આ રીતે છાપાંઓ તેના ફોટા છાપે છે. તેને અમેરિકાના તારણહાર તરીકે ઓળખાવે છે, પછી રાત્રિભોજનો, જુદી જુદી બેઠકો આ બધામાં તે રાજકીય કક્ષાની મહત્ત્વની વ્યક્તિ બની રહે છે. યુ.એન.માં તેનું અભિવાદન થાય છે. યુ.એન.ના સચિવ તથા વિવિધ દેશોના એલચીઓ જોડે ચાન્સની ઓળખાણ થાય છે. અહીં પણ દાંભિકતા, જ્ઞાનના પ્રદર્શનનો કૃતક દેખાડો તથા વિવિધ રાજકીય, સાહિત્યિક પરિસ્થિતિઓ વિશેની ઉપરછલ્લી વાતચીતો ભદ્ર સમાજની તુચ્છતાને પ્રગટ કરે છે. દરેક દેશના એલચીઓ તેને પોતાના દેશમાં પ્રવર્તમાન રાજકીય ફિલસૂફી સમજાવે છે. સોવિયેત એલચી કહે છે આપણે રાજપુરુષોએ, વેપારીઓએ એકબીજાની નજીક આવવું જોઈએ. ચાન્સ કહે છે, ‘We are not’, ‘our chairs are almost touching’ ચાન્સ દ્વારા ઉચ્ચારાયેલું સાદું વાક્ય પણ વ્યંગાત્મક બને છે. બધા સમજે છે ચાન્સને સાહિત્ય, કળા તથા જર્મન, રશિયન ભાષાઓ ઇત્યાદિનું ઘણું ઊંડું જ્ઞાન છે. તેની બાઘાઈ, સમ્મતિસૂચક હાસ્ય, મોઢા પર ટી.વી. જોવાને કારણે વારંવાર હાવભાવ ઝડપથી બદલી શકવાની શક્તિ : આ બધાં ચાન્સના વિલક્ષણ વ્યક્તિત્વનાં મહત્ત્વનાં પાસાંઓ બની રહે છે. બધા નેતાઓ દ્વારા ઉચ્ચારાતી ખુશામતખોરીની ભાષાનો વ્યંગાત્મક વિનિયોગ નવલકથામાં કરવામાં આવ્યો છે. ઘણાંએ ચાન્સ વિશે ઘણું વાંચ્યું છે, સોવિયેત એલચી તેને રશિયા આવવાનું નિમંત્રણ આપે છે. આ મિલન સમારંભોમાં કૃતક શિષ્ટાચાર, સપાટ સ્તરની ભાષાયોજના, અને તે દ્વારા પ્રગટતી માર્મિક કટાક્ષશક્તિ બોલકા બન્યા વિના નવલકથાકારે ઉપસાવ્યાં છે. આ માટે નર્યા સંવાદો પાસેથી લેખકે ધાર્યું કામ લીધું છે. સંવાદોને કારણે અર્થઘટનોની બહુલતા તથા સંકુલતા ઊપસે છે અને તે દ્વારા વક્રતા પણ સિદ્ધ થતી આવે છે. મિ. ચાન્સ કદી સમાચારપત્રો વાંચતો નથી. તે તો માત્ર ટી.વી. જુએ છે પણ તેના આ અજ્ઞાનને સંવાદદાતાઓ જ્ઞાન ગણે છે. તે પોતે તો one dimensional man છે. તેની સપાટ ભાષા જેવું જ તેનું સપાટ વ્યક્તિત્વ છે. પણ તેની સપાટ ભાષામાં જ લક્ષણા પ્રગટ થતી બધા જુએ છે. આમાં બંનેની સમજણના સામસામા છેડાઓના સ્ફોટમાંથી વ્યંગ સર્જાય છે. ભાષા છેતરામણી છે તથા સંક્રાન્તિ સાધી શકવામાં કેટલી નિષ્ફળ નીવડી શકે છે તેની પ્રતીતિ આપણને થાય છે. અમેરિકાના પ્રમુખથી લઈને બધા જ દેશના એલચીઓને આ ચાન્સ કોણ છે તે જાણવાનું કુતૂહલ છે. બધા જ તેના વિશે તપાસ આદરે છે. કોઈ તેના વિશે કશું જ જાણી શકતું નથી. કશે તે છે જ નહીં. જાણે કોઈ ઉપગ્રહ ઉપરથી તે ન આવ્યો હોય? બીજી બાજુ રશિયન એલચી ચાન્સ મુત્સદ્દી, અભ્યાસી અને અગાધ જ્ઞાની છે એવી માહિતી રશિયા મોકલાવે છે. અમેરિકાના વેપારઉદ્યોગ ઉપરની તેની અસર વિશે પણ જણાવે છે. કેટલાક તો ચાન્સને પુસ્તક લખવાનું પણ કહે છે. એક પ્રકાશક તો તેને સારી રોયલ્ટી આપવાનું કહે છે. ચાન્સ કહે છે મને ‘વાંચતાં’, ‘લખતાં’ આવડતું નથી. તેના આ શબ્દોના અર્થો જ જુદા થાય છે. ચાન્સની પ્રામાણિકતાને કોઈ સ્વીકારવા તૈયાર નથી. આ રીતે હાસ્ય તથા વ્યંગની સૃષ્ટિ દ્વારા આગવી જ કપોલકલ્પિતતા નવલકથામાં સર્જાય છે. ટી.વી.એ આપણને વાંચવા-લખવાથી વંચિત કર્યા તેવું ગર્ભિત સૂચન નવલકથામાં જોઈ શકાય છે. આર્થિક, રાજકીય, સામાજિક પ્રશ્નોની ચર્ચાઓ બધા તેની સાથે કરે છે, નિરાકરણ માંગે છે. પાર્ટીમાં તેને એક હોમોસેક્સ્યુઅલ પણ મળે છે. તે ચાન્સને ચૂમે છે, આલિંગે છે, ચાન્સને તો કશું જ થતું નથી, તે ટી.વી.ના દૃશ્યને માત્ર યાદ કરે છે. મિસિસ રેન્ડ ચાન્સ સાથે શયન કરે છે ત્યારે પણ ચાન્સને તો કશો જ ફરક પડતો નથી, માત્ર ચાન્સ તેને જોઈ રહે છે. મિસિસ રેન્ડ અકળાય છે, રડે છે, કહે છે હું શું તને ગમતી નથી? ઉત્તેજિત કરી શકતી નથી? તારે શું મારી જરૂર નથી? જવાબમાં ચાન્સ કહે છે I like to watch you! તેને કશી શારીરિક સંવેદના થતી જ નથી. તે તો ફરીથી ટી.વી. જોવામાં ડૂબી જાય છે. ટી.વી. એ જ ચાન્સની લાગણી છે, પોતાને કોઈ માનસિક ઊથલપાથલ થતી નથી. ટી.વી. જોતાં જોતાં તેણે સ્વકીયતા ગુમાવી છે, તે પોતાનામાં નહીં પણ ટી.વી.માં વસે છે. ટી.વી.ની ભાષાને તેણે પોતાના રોજિંદા વ્યવહાર માટે ઉછીની લઈ લીધી છે. ટી.વી.ના સાંકડા પડદા જેટલું જ તેનું મનોગત અને જગત મર્યાદિત છે. તેની પાસે નિજી ભાષા કે નિજી સંવેદન નથી, આમ ને આમ તેનું જીવન વ્યતીત થયા કરે છે. ધીમે ધીમે તે પોતાને મળતા બહુમાન અને પ્રચારથી ત્રાસે છે. એક બાજુથી બધાને તેના વિશે જિજ્ઞાસા છે તો સાથે સાથે ચિંતા પણ છે. અમેરિકી કે સોવિયેત જાસૂસીખાતું તેના વિશે સામાન્ય હકીકત પણ મેળવી શકતું નથી. બધાની ઊંઘ ચાન્સે હરામ કરી નાખી છે. જાણે કે તેનું આ પહેલાં કોઈ અસ્તિત્વ જ ન હતું એવું બધાને લાગે છે. રશિયન રાજદૂતને તપાસને અંતે માત્ર blank piece of paper જ મળે છે. અને તે જ ગાર્ડિનર ચાન્સનો ભૂતકાળ છે. તેની ટી.વી.ની મુલાકાતો, તેની ભાષાયોજના, તેનાં હાવભાવ આ બધાની તપાસ માનસશાસ્ત્રીઓ તથા ભાષાશાસ્ત્રીઓ કરે છે પણ કશું જ તેના વિશે જાણી શકતા નથી. પૃથ્વી પરની કઈ જાતિ, વસતીનો તે જીવ છે તે કોઈ પ્રમાણી શકતું નથી. કમ્પ્યુટર તેનું શબ્દભંડોળ તપાસે છે પણ તેનું પરિણામ કશું જ નથી આવતું. માત્ર કોરા કાગળથી વિશેષ તે કશું જ નથી. બધાને માટે તે જીવતીજાગતી અજાયબી બની રહે છે. ચાન્સનું વ્યક્તિત્વ રાજપુરુષોના મનમાં તંગદિલી, આશંકા અને ખળભળાટ મચાવે છે તથા ભય, ચિંતા અને નિર્વેદનું વાતાવરણ સર્જે છે. સમગ્ર માહિતીખાતું, ગુપ્તચર સંસ્થાના બુદ્ધિશાળીઓ આ બધા પાછળ વર્ષે લાખો ડોલરો ખર્ચાય છે પણ તેઓ ચાન્સ વિશે કોઈ પણ પ્રકારની માહિતી અમેરિકાના પ્રમુખને આપી શકતા નથી. આથી પ્રમુખ વ્યગ્ર બને છે. તેની પ્રમુખ તરીકેની વરણી કરવાનું વિચારાય છે. માણસને ભૂતકાળ હોય તો ચૂંથ્યા કરે, તેના વિશે વિતંડા થાય પણ ચાન્સ આ બધાથી મુક્ત છે. નવલકથાનું અંતિમ દૃશ્ય ઘણું જ મહત્ત્વનું છે. ચાન્સ એક પાર્ટીમાં જાય છે. ધાંધલિયું સંગીત, રંગબેરંગી લાઇટોના ચમકારા, નાસ્તાની ડિશો, ચમકતા ગ્લાસ, આ બધાથી તે અકળાય છે. પહેલી વાર તેનામાં લાગણીનો ઉદ્‌ભવ થાય છે. તેનાથી આ દંભ આ ચમકદમક કદાચ જીરવાતાં નથી. તેને તો બારણું ખોલી નાસી છૂટવું છે. પોતાનું એક વ્યક્તિત્વ જાણે કે બીજાને કાપે છે. ફોટોગ્રાફરની લાઇટનો એક ઝબકારો વાદળમાંથી વીજળી ચમકતી હોય તેમ તેના પરથી પસાર થાય છે. તેણે બગીચાની બહાર જોયેલાં આ બધાં દૃશ્યો ક્રમશઃ નિસ્તેજ થતાં જાય છે. ચાન્સ સ્વયં ગૂંચવાઈ જાય છે. ચાન્સી ગાર્ડનર તરીકેનું તેનું પ્રતિબિંબ લુપ્ત થઈ જાય છે. ગતિહીન, બંધિયાર પાણીમાં લાકડીનો ટુકડો પડે અને માણસનું પ્રતિબિંબ આગળ વહી જાય તેમ તેનું એક વ્યક્તિત્વ પણ તેને છોડીને આગળ ચાલ્યું જાય છે. તે પાર્ટીના હોલમાંથી બહાર નીકળે છે. ઠંડી હવા તેને સ્પર્શે છે, તે બહારના બગીચામાં આવી ગયો છે. તે ફરીથી ગાર્ડનના વાતાવરણમાં મૂકાય છે. શાંત વાતાવરણ, ભીની હવા, બગીચાનાં વૃક્ષો, ફૂલો આ બધું જોતાં તેનું મન પરમ શાંતિ અનુભવે છે. Not a thought lifted itself from Chance’s brain, peace filled his chest. ચાન્સ ટી.વી.ને કારણે જડ અને બધિર બન્યો છે પણ બગીચાના પરિવેશને બરાબર ઓળખી શક્યો છે. તેને વફાદાર રહ્યો છે તેની પડખે બીજા લોકોનો દંભ ખુલ્લો પડી જાય છે. આમ બગીચાથી બગીચા સુધીની ગતિ આ નવલકથામાં છે. વચ્ચેના અવકાશમાં, ચાન્સનું જીવન જે તેનું જીવન હતું, તેની વચ્ચે તેને મૂકવામાં આવ્યો છે. આ નવલકથામાં એક બાજુથી ટી.વી. સંસ્કૃતિ પર કટાક્ષ છે તો બીજી બાજુથી જાત માટેની વફાદારી પણ છે. આ રીતે ટી.વી. તથા ચાન્સ બંનેની સહપરિસ્થિતિમાં આપણી સંસ્કૃતિની છબી વિકસતી આપણે જોઈએ છીએ. નવલકથામાં જુદી જ જાતની આદિમતા જોવા મળે છે. અહીં ભાષાની ગ્રાફિક યોજના તથા ટી.વી. અને ગાર્ડનના મેટાફરનો વિશિષ્ટ વિનિયોગ થયો છે. કોઈ વાર આપણને એવું લાગે કે લેખક ટી.વી. સંસ્કૃતિનો વિરોધ કરે છે તો બીજી વાર એવું પણ થાય કે ભાષાની ચિત્રાત્મકતા, વિભાવનાઓનો હ્રાસ, આદિમ અનુભૂતિ, આદિમાનવના અનુભવોની અભિવ્યક્તિ કેવી મર્યાદિત હતી તે પણ લેખક સૂચવતા હોય તેવું લાગે. ચાન્સ તો પોતાની T.V. Screen realityને વફાદાર રહે છે. આપણે જાણીએ છીએ કે ટી.વી. સંસ્કૃતિ ભ્રમ છે, સાચી વાસ્તવિકતા નથી, ચાન્સનો બગીચાનો અનુભવ વાસ્તવિક અને જીવંત છે પણ આ બાગબાનીની ભાષા જ્યારે અર્થઘટનાત્મક બને છે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. ચાન્સ ટી.વી.ને કારણે પોતાની સંવેદના ગુમાવી બેઠો છે, જીવાતા જીવનથી વિખૂટો પડી ગયો છે. સ્ત્રીનો સંબંધ કે ઉષ્મા તેને મળ્યાં નથી. ટી.વી.માં અંધારપટ તેમ મનમાં પણ અંધારપટ છે, આ રીતે તેની સંવેદના ઊઘડી શકી નથી. આવું હોવા છતાં માળીના મુખમાંથી ઉચ્ચારાતા શબ્દોમાંથી, બીજા લોકો જાતજાતનાં સત્યો પામે છે, તેની ભાષા વ્યંજનાત્મક બને છે. આ રીતે એક બાજુથી ટી.વી. પરનો કટાક્ષ તો બીજી બાજુથી પોતાના પરિવેશ પ્રત્યેની વફાદારી આ બંને એક પાત્રમાં એક સાથે મૂકવામાં આવ્યાં છે તેથી વ્યંગની કડવાશ ધારદાર બને છે. ચાન્સની સ્વાભાવિકતાને પણ વ્યંજનાત્મકતા તરીકે વાંચવામાં આવે છે ત્યારે હાસ્યાસ્પદ કરુણ સર્જાય છે. તે ભલે ટી.વી.ને કારણે સંવેદનહીન તથા સપાટ વ્યક્તિત્વવાળો બની રહ્યો હોય પણ બીજા લોકોનાં દંભ, જુઠ્ઠાણું એ ખુલ્લાં પણ પાડી શકે છે. આથી અંતે જ્યારે તે આ વાસ્તવિક જગત છોડે છે ત્યારે તેને દીક્ષા પણ મળે છે. બંને જગત તેની અંદર જ એકબીજાને વિચ્છેદે છે. ટી.વી.માં જોતો હતો તે જગત અંતે છોડે છે. નૈસર્ગિકતાના સાન્નિધ્યમાં જ અંતે શાંતિ પામે છે. તેનું અજ્ઞાન અંતે શાંતિ અને સમજણ, તથા વિષાદ અને ઉદાસીનતાની તેને મળેલી દીક્ષામાં પરિણમે છે. જોકે અંતે તો તે પણ એક પ્રકારની પ્રતીતિ જ છે. જો પ્રામાણિક ન હોત તો બહારનો દંભ તેને અકળાવત નહીં. પાત્ર ભલે આ માટે સભાન ન હોય પણ નવલકથાને અંતે તેવું સૂચવાય છે ખરું. આખી નવલકથામાં ટી.વી. સંસ્કૃતિને કારણે આપણી ખાલી, પોકળ, આગલા વ્યક્તિત્વ વિનાની જિન્દગી પર ટીકાટિપ્પણ વિના લેખક કટાક્ષ કરે છે. આ માટે વ્યંગ તથા મેટાફરનો સજીવ વિનિયોગ તેમણે કર્યો છે. અહીં શૈલીની છેતરામણી સરળતા આપણા સંકુલ અને અટપટા મનને રૂપ આપે છે. લેખકે પરંપરાગત કથાનાત્મકતા જ સ્વીકારી છે. સીધી સપાટ બોલાતી ભાષામાં જો આપણે વધારે પડતી ફિલસૂફી વાંચવા જઈએ તો શું થાય તેની વાત સીધી સપાટ શૈલી દ્વારા જ લેખકે વર્ણવી છે. આખી નવલકથામાં અભિધાત્મક ભાષાનું વારંવાર બીજાઓ દ્વારા લક્ષણા અને વ્યંજનામાં રૂપાંતર થતું દર્શાવાયું છે, તેથી અર્થો બહુરૂપી બને છે. આપણી ચેતના ક્રમશઃ કેવી મરણાસન્ન બનતી આવે છે તે પણ ભાષાના ઉપયોગથી જ ચીંધવામાં આવ્યું છે. તો સાથે સાથે આપણી સંવેદના વધારે ને વધારે તીવ્ર જાગતિક માનવસંદર્ભને કઈ રીતે આત્મસાત્‌ કરે તે જોવાનો ઉપક્રમ પણ નવલકથાકારે રચ્યો છે. આવા જડ જગતમાં એક જાગૃત માણસ તરીકે કેમ જીવવું તેની સમસ્યા અહીં આલેખાઈ છે. અંતે લેખક કોઈ નિષ્કર્ષ પર આવતા નથી. આ નવલકથા ‘સ્વ’ અને ‘સમૂહ’ વચ્ચેના વ્યસ્ત પરિમાણને આપણી પાસે શૈલીના સંવિધાનથી રજૂ કરે છે. સામૂહિક માધ્યમોએ માણસને માણસથી કેટલો દૂર કર્યો અને તે માધ્યમ કેમ વ્યવધાન થતું આવે છે તે જ તેમણે દર્શાવ્યું છે. આ રીતે ‘સ્વ’ની સ્વકીયતા કેવી રીતે ટકે તે યક્ષપ્રશ્ન અહીં રજૂ થયો છે. ટી.વી. વડે જ આપણે તો ચાન્સ તથા અન્ય લોકોની વાસ્તવિકતાનો પરિચય પામતા જઈએ છીએ. ટી.વી. દ્વારા જીવાતા જીવનની વિચ્છિન્નતાભરી ક્ષણોનો રસકીય પરિચય આપવામાં જ કળાકાર તરીકેની કોસિન્સ્કીની મહત્તા પ્રગટ થાય છે.

સંદર્ભ

૧. Literary Disruptions By Jerome Klinkowitz
૨. જયંત પારેખ જોડે ફિલ્મ જોયા પછી ચર્ચા તથા તેમનાં અન્ય સૂચનો માટે આભારી છું.
નોંધ : ‘Being There’ નવલકથા પરથી ફિલ્મનું પણ નિર્માણ થયું છે. તેમાં સિનેમાના માધ્યમને અનુરૂપ કોસિન્સ્કીએ કેટલાક ફેરફારો કર્યા છે. ટી.વી.ની સીધી અસરનું પ્રત્યક્ષ ચિત્ર તેમાં કલાત્મકતાથી ઊપસ્યું છે તથા સાથે સાથે ચાન્સના પાત્રનું સપાટપણું તથા તેના વર્તનની નૈસર્ગિકતા પણ ફોટોગ્રાફી તથા અન્ય સિનેમેટિક ટેકનિક દ્વારા પ્રકાશિત કર્યાં છે. નવલકથા કરતાં સિનેમામાં અંત જુદો છે. ભાષાના છૂટાછવાયા, અર્થહીન ટુકડાઓ ઉચ્ચારતો ચાન્સ તેની સંવેદનહીનતાના પરિપ્રેક્ષ્યમાં જુદું જ પરિમાણ ધરાવતો તેમાં પ્રગટ થાય છે. સિનેમાની કળાના સરસ નમૂના તરીકે પણ રસિકોને આ ફિલ્મ જોવી ગમે તેવી છે.

લેખકપરિચય : જેર્ઝી કોસિન્સ્કી : અમેરિકામાં વસવાટ, મૂળ વતન પોલેન્ડ, બીજા વિશ્વયુદ્ધમાં વતનથી વિખૂટાપણું, ભટકવું; નવ વર્ષની ઉંમરે ભયંકર શિક્ષા તેથી પાંચ વર્ષ મૂંગો થઈ ગયો. શિક્ષણ રાજનીતિના તદ્વિદ્‌ તરીકેનું. બરફ પરથી લસરવામાં નિષ્ણાત, ફોટોગ્રાફીમાં પ્રવીણ, ઘોડેસવારીનો શોખ, પોતાની નવલકથાઓ વિશે બોલવાની ઘણી જ ટેવ. ટી.વી. પર ઘણા કાર્યક્રમો પણ આપ્યા. તેની નવલકથા ‘The Painted Bird’ ને તથા ‘Steps’ને ફ્રેંચ બેસ્ટ ફોરેન બુકનો તથા નેશનલ બુક એવોર્ડ ક્રમશઃ મળ્યા છે.)

‘એતદ્‌’, જાન્યુઆરી, ૧૯૮૩
(‘નિરંતર’)