સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/ફ્રેંચ કવિ એડમન્ડ ઝાબે : હદપારીનું કાવ્યશાસ્ત્ર
[નોંધ : ફ્રેન્ચ કવિ એડમન્ડ ઝાબે (Edmond Jabes) વિશેની માહિતી બે ખંડમાં આપી છે. પ્રથમ ખંડમાં ઝાબેના જીવનનો સામાન્ય પરિચય અને તેની કવિતા વિશેની પ્રાથમિક નોંધ છે. બીજા ખંડમાં ‘ન્યૂયોર્ક રીવ્યુ ઑફ બુક્સ’ (એપ્રિલ ૨૮, ૧૯૭૭)માં પૉલ એસ્ટરે લીધેલી મુલાકાતના કેટલાક અંશોનું અપભ્રંશ સ્વરૂપ મુક્ત ભાવાનુવાદ રૂપે આપ્યું છે.]
સાહિત્યમીમાંસામાં સર્જક, સર્જન અને ભાવક-ભાવનને કેન્દ્રમાં રાખી અનેક ચર્ચાવિચારણા સતત થતી રહી છે, રહે છે. આપણે બધા અલગ અલગ પ્રકારની સાહિત્યિક વિભાવનાઓની યાત્રાએ નીકળેલા યાત્રિકો છીએ. સર્જન, ભાવન તથા જાગતિક પરિસ્થિતિને તેમ જ પોતાના અનેક સમયોને સર્જક કઈ રીતે પોતાની કૃતિમાં જુએ છે, આલેખે છે, શબ્દ દ્વારા શોધે છે તેનું એક ભાવક તરીકે કુતૂહલ રહ્યા કર્યું છે. ઝાબેએ કોઈ પણ પ્રકારના સાહિત્યના સિદ્ધાંતો ઘડ્યા વિના, ‘કૉઇન’ કર્યા વિના લેખક તથા લેખનને એક યહૂદી તરીકે કઈ રીતે જોયાં છે તેની જિજ્ઞાસા પણ ખરી. લેખક જે હોય છે તે માત્ર આમ જોઈએ તો યહૂદી છે. નરી સર્જકતા સિવાય એણે કશું સિદ્ધ કરવાનું નથી. અંતે તો આ અર્થવત્તાને પણ તે વ્યર્થ ગણે છે, ભંગુર ગણે છે અને તેની અન્અર્થતાને તે પામી જાય છે. તેનું સાહસ પોતાનું એકલાનું છે. લેખકને કોઈની ટેકણલાકડીઓની, પોતાના લખાણના બચાવની પણ જરૂર રહેતી નથી. ખરેખર તે આ કે તે જૂથનો નથી. આ પ્રપંચો તો સ્વાંગધારી વિવેચકો ઊભા કરે છે. ગૉસિપ કરનાર, તરફદારી કરનાર, ઢાલ-તલવાર લઈ છાવણીઓ જન્માવનાર કૃતક વિવેચકોનો, લખાણો લખનારાઓનો એક વર્ગ દરેક જમાનામાં, દરેક દેશ-કાળમાં અનિષ્ટ તરીકે હયાતી ધરાવતો હોય છે. ભલે રહે. વાંધો નહીં. મૂળ મુદ્દો તો એ છે કે સર્જકે પોતાની સર્જકતાથી જ ઓળખાવાનું છે. એની આઇડેન્ટીટી એની સર્જકતામાં જ પામી શકાય. એ પોતાની ગરજે હકથી લખે છે. ભાવક પણ પોતાની ગરજે, પોતાની આંતરિક અનિવાર્યતાથી કૃતિની મુખોમુખ થાય છે, શબ્દ અને જ્ઞાનને માર્ગે સર્જકના અસ્તિત્વની યાત્રા નિરંતર ચાલતી જ રહે છે કારણ કે એ શબ્દ, જ્ઞાન, અને અસ્તિત્વ ત્રણેયની અશક્યતાને ઓળખે છે. જોકે આ ઓળખ શબ્દ પણ અર્થહીન છે પણ ટેવવશ યોજ્યો છે. ઝાબેની રચનાઓના સંદર્ભમાં સહજ રીતે ભર્તૃહરિ, શંકરાચાર્ય અને બૌદ્ધ દર્શનનું સ્મરણ થાય. ટાગોર પણ ક્યાંક યાદ આવે. ઝાક દેરિદાની વિઘટનની (વિનિર્મિતિની) વિભાવના પાછળ ઝાબેની કવિતા રહેલી છે એવું અનુમાન કરી શકાય. દેરિદા, મોરિશ બ્લાઁશો અને બીજા અનેક વિવેચકોએ ઝાબેની રચનાઓ વિશે વિચાર-વિમર્શન કર્યાં છે, ઝાબેનો શબ્દવ્યવહાર શક્તિશાળી, અનેક અર્થકેન્દ્રી અને મુક્ત તથા કેટલાયે સંદર્ભો અને સંકુલતાથી ભર્યો ભર્યો છે. કવિ ભાષા સાથે માત્ર આ રીતે જ વર્તી શકે તે સહૃદયોને ભાગ્યે જ કહેવાનું હોય. એક સામાન્ય વાચક તરીકે જ્ઞાન, અસ્તિત્વ અને ભાષાની મર્યાદાના સ્વીકાર સાથે ઝાબે વિશે વાંચતાં-વિચારતાં જે કંઈ થયું તે અહીં. ઝાબેની રચનાઓના કેટલાક અંશો : વેરવિખેર રીતે :
મૃત્યુ નજીક છે.
તમને કેવી રીતે ખબર પડી ?
ચારેબાજુ ચુપકીદી છવાઈ ગઈ છે.
આ ચુપકીદીથી આગળ પણ એક બીજી ચુપકીદી છે
અને તેની સીમાને આપણે ઓળંગી શકતા નથી.
માણસ એકલો જ અસ્તિત્વ ધરાવતો નથી. ઈશ્વર અસ્તિત્વ
ધરાવતો નથી. ઉઘાડા પુસ્તકમાં ઈશ્વર અને માણસ
દ્વારા માત્ર વિશ્વ જ અસ્તિત્વ ધરાવે છે.
*
પ્રશ્નો એ શબ્દની પાંખ છે.
*
જ્યારે તમે એક પણ શબ્દ ઉચ્ચારી શકતા નથી ત્યારે તમે
શૂન્યની સન્મુખ હો છો.
*
પ્રત્યેક પુસ્તક છે ખોવાયેલા શબ્દનો લખાયેલો અવકાશ.
૧
એડમન્ડ ઝાબેનો જન્મ ૧૯૧૨માં ઇજિપ્તના ધનાઢ્ય યહૂદી પરિવારમાં થયો હતો. તેનો ઉછેર કેરોના ફ્રેંચભાષી સમાજમાં થયો હતો. મેક્સ જેકબ, પોલ એલ્યુડ્ર અને રને શાર તેના શરૂઆતના મિત્રો હતા. ઝાબેએ ત્રીસી-ચાલીસીના ગાળામાં કેટલાયે નાના નાના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. આ બધી રચનાઓનો એક સંગ્રહ Jebatis ma demeure નામે ૧૯૫૮માં પ્રગટ થયો. આ સમય દરમિયાન ફ્રાંસની બહાર પણ એક મહત્ત્વના કવિ તરીકે તે ખ્યાતિ પામ્યા હતા. ૧૯૫૬માં સુએઝની કટોકટી સર્જાઈ અને ઝાબેના જીવનમાં ગજબનો વળાંક આવ્યો. આ કટોકટીએ ઝાબેના જીવનને અને કાવ્યને ઉપર-તળે કરી નાખ્યાં. નાસરની સત્તાએ ઇજિપ્ત છોડાવ્યું અને એ ફ્રાંસના નિવાસી બન્યા. આમ પોતાનું ઘર તથા પોતે જેને જેને ચાહ્યાં હતાં તે સ્થળ-સમયો સાથેનાં સંવેદનો માત્ર સ્મૃતિ બની રહ્યાં. પહેલી વાર યહૂદી એટલે શું એની પ્રતીતિ તીવ્રતાથી થઈ. યહૂદી હોવાના આ અનુભવે, હદપારીની આ વેદનાએ તેના જીવનની ગતિવિધિ બદલી નાખી. અત્યાર સુધી તેને મન યહૂદી હોવું એ માત્ર સાંસ્કૃતિક હકીકત હતી. હવે માત્ર બીજાં કારણોથી નહીં પણ યહૂદી હોવાથી વેદના સહન કરવાનો વારો આવ્યો. આ ‘વેદના’ તેના બધા સંકેતો સાથે યથાર્થપણે તેણે અનુભવી. તે હવે ‘અન્ય’ બને છે. આ એકાએક આવી પડેલી હદપારીએ તેની જીવનકથાનું આધ્યાત્મિક નિર્વેદમાં રૂપાન્તર કર્યું. મુશ્કેલીભર્યાં વર્ષોમાં પેરિસમાં નોકરી સ્વીકારી. કામકાજ દરમિયાન લખાણ તો ચાલતું જ રહ્યું. એક કાવ્યસંગ્રહ પણ પ્રકટ કર્યો તો સાથે સાથે યહૂદીઓનાં મુખ્ય મુખ્ય લખાણોનાં પુસ્તકોનો વિગતે અભ્યાસ આરંભ્યો. ‘The Talmud’ તથા ‘The Kabbalah’ જેવા ગ્રંથોનું વાચન કર્યું. જોકે આ વાચનથી યહૂદી ધર્મ તરફ પાછા ફરવાની કંઈ ઇચ્છા ન થઈ. આ વાચન દ્વારા યહૂદીઓના ઇતિહાસને તથા વિચારોને તે ઊંડી લગનીથી સમજ્યો. તેને એ પણ પ્રતીતિ થઈ કે આ પુસ્તકો જ યહૂદીઓનું સાચું જીવનબળ છે. આનાથી જ જીવન વહેતું રહે છે. આ રીતે હદપારી અને મસીહા તરફ પાછા વળવાના અવકાશ વચ્ચે ઝાબેની કવિતાની ગતિ છે. તેને મન ‘પુસ્તક’ એ જીવનબળ આપનાર તત્ત્વ છે અને પોતાના ઘર તરફ પાછા વાળતું ધારકતત્ત્વ છે. યહૂદીઓનું વિશ્વ લિખિત કાયદાઓનું બનેલું છે. આ લખાણનો, શબ્દોનો ઇન્કાર થઈ શકે એમ નથી. આ રીતે યહૂદીઓનું વિશ્વ આ પુસ્તકોના શબ્દોને આધારે જ છે અને તે આધાર એટલે પુસ્તક. એક પુસ્તક પોતાની અંદર અનેક પુસ્તકો સમાવી બેઠું હોય છે એ જ્યારે પુસ્તકના રૂપમાં આવે છે ત્યારે લુપ્ત થાય છે અને તેને વાંચતાં તે જ પુસ્તક આપણી ચેતનામાં પ્રદીપ્ત થાય છે. ઝાબેની એક રચનામાં આવે છે :
આ દરવાજા પાછળ શું ચાલી રહ્યું છે ?
એક પુસ્તક પોતાનાં પાંદડાં ખેરવી રહ્યું છે.
અસ્તિત્વ અને લખાણ વચ્ચે હંમેશાં તંગદિલી પ્રવર્તે છે અને તેનો અંત પણ હંમેશાં કટોકટીમાં આવે છે. ઝાબેના મત મુજબ તો લેખક તરીકે સાહસ એકલાએ જ કરવાનું હોય છે. સર્જકને કોઈનાયે આધારોની જરૂર નથી. આથી જૂથબાજી, ટોળાંશાહી, સામૂહિક લેખનથી સર્જકે સદા દૂર રહેવાનું છે. કટોકટી વિના લેખન શક્ય નથી. તેના કહેવા પ્રમાણે તો પુસ્તક કોઈ ઉત્તર આપતું નથી, આજ સુધી કોઈ ઉકેલ પુસ્તક આપી શક્યું નથી. પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન જ હોય. તેના પુસ્તકમાં આવતી કલ્પનશ્રેણીનો મૂળ સ્રોત યહૂદી ધર્મનાં પુસ્તકોમાં છે. પરન્તુ ઝાબેનું લખાણ માત્ર યહૂદીઓ કે તેમના ધર્મ પૂરતું જ મર્યાદિત નથી. મિલ્ટનના ‘પેરેડાઇઝ લોસ્ટ’ને માત્ર ખ્રિસ્તીધર્મની સીમામાં જ ન બાંધી શકાય. એડમન્ડ ઝાબેએ માનવી માત્રની આધ્યાત્મિક શૂન્યતાને વાચા આપી છે. તેની કવિતામાં આવતા સંકેતો ધર્મના સીમાડા વટાવે છે. યહૂદી ધર્મ સાથેનો તેનો સંબંધ આધ્યાત્મિક અનુભૂતિની કક્ષાનો છે, નહીં કે ધાર્મિક સ્થિતિચુસ્તતાનો. ‘પુસ્તક’ એ તેની સઘળી કવિતાની કેન્દ્રસ્થ ઇમેજ છે પરન્તુ તે યહૂદી ધર્મનું પુસ્તક નહીં. માલાર્મેનો પુસ્તકનો જે આદર્શ હતો તેવું પુસ્તક પણ નહીં. તેની ત્રીસ વર્ષ પહેલાંની કવિતામાં અતિવાસ્તવનાં કેટલાંક તત્ત્વો જોવા મળતાં હતાં અને આજે લખાતી કવિતામાં પણ તે તત્ત્વો જોઈ શકાય છે. તે માત્ર સ્વયંસ્ફુરિત લેખન પાસે અટકી ગયા નથી. ઝાબે વિશે કહેવાયું છે કે એ contemporary allegorist of the fate of reading and writingને મહત્ત્વ આપનાર અનુઆધુનિક કવિ છે. તેની કવિતાના કેન્દ્રમાં પુસ્તક, સર્જક અને ભાવક છે. તેણે એક જગ્યાએ કહ્યું છે કે લખાણનું ભવિષ્ય પોતાના કાર્ય વડે પોતાની જાતને સતત અણિયાળા પ્રશ્નો પૂછી તપાસતી રાખવામાં રહેલું છે. આથી જ કવિતામાં સતત પ્રયોજાતાં એકના એક મેટાફર કે ઉપમા આદિનાં તત્ત્વો પોતાની અંદર રહેલા સંશયને જ રૂપ આપતાં હોય છે. ઝાબે અસ્તિત્વને બાંધતી ભાષાથી મંત્રમુગ્ધ છે આથી જ તે necessary sin of writingને સર્જકની આંતરસમૃદ્ધિ ગણે છે. પોતાની પરંપરા અને યહૂદી ધર્મ વચ્ચે discourse સ્થાપનાર આ કવિ પોતાના લખાણ દ્વારા પોતાના યહૂદીપણાને પામે છે. આ બંને વચ્ચેનું સાયુજ્ય સૂક્ષ્મતમ કક્ષાનું છે, ઇન્દ્રિયગોચર નથી. જોકે એ એમ પણ કહે છે કે ‘શબ્દો કવિને પસંદ કરે છે.’ ‘તમે એ છો જે લખો છો અને લખાવ છો.’ તેના મતે લખાણ એ હદપારી છે એ અર્થમાં તેને મન દરેક લેખક એ યહૂદી છે. લેખક અને યહૂદી બંનેની નિયતિ એકસરખી છે. કારણ કે દરેક સર્જક એ હદપારીની દશામાં જીવતો હોય છે. આથી જ –
હું અનુપસ્થિત છું, હું કથક છું,
માત્ર વાર્તા જ સાચી છે.
કવિતા વિશે પોતાના વિચારો પ્રગટ કરતાં તે કહે છે કે કવિતામાં આગળનો શબ્દ છેકી, તેનો ધ્વંસ કરી તમે નવો શબ્દ લખો છો. આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. એક એક શબ્દનું વિઘટન કરતાં કરતાં તમે બીજા શબ્દ સુધી પહોંચો છો પછી તેનુંય વિઘટન કરો છો. આમ આજે, લખાતું પુસ્તક આગળ લખાયેલા પુસ્તકનું વિઘટન કરે છે. આ વિઘટનની પ્રક્રિયા પણ સતત ચાલ્યા કરે છે. શબ્દ અસ્તિત્વમાં આવે છે એ જ ક્ષણે તે ખોવાઈ જાય છે. આ રીતે શબ્દોનું અસ્તિત્વમાં આવવું અને તેનું ખોવાઈ જવું એ પ્રક્રિયા, આમ જુઓ તો, એક જ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ફ્રેંચ સાહિત્યમાં વિવેચકોની પ્રશંસાનું કેન્દ્ર બનેલા એડમન્ડ ઝાબે વિશે ઝાક દેરિદાએ કહ્યું છે કે ‘છેલ્લાં દસ વર્ષમાં ફ્રાંસમાં એવું કશું લખાયું નથી કે જેનો સંબંધ ઝાબેનાં પુસ્તકો સાથે ન હોય.’ ૧૯૬૩માં ‘Le livre des questions’થી તેના લખાણની યાત્રાનો આરંભ થયો છે. ઝાબે વિશિષ્ટ પ્રકારના રહસ્યાત્મક સાહિત્યિક લખાણથી માત્ર આંજી નાખતા નથી પણ તેનાં લખાણોને વ્યાખ્યાબદ્ધ કરવાં એ કંઈ સહેલી વાત નથી. એ નવલકથા નથી કે નથી કવિતા, એ નિબંધના પ્રકારમાં બેસતાં નથી અને નાટકના પ્રકારમાં પણ નહીં. તેનાં ‘The Book of Questions’નાં સાત પુસ્તકોમાં અનેક સર્જનાત્મક પ્રકારો વેરવિખેર દશામાં એકઠા થયેલા જોવા મળશે. તેની કવિતામાં સૂત્રાત્મકતા, પ્રશ્નો, અવતરણો, પ્રાર્થનાઓ, સંવાદો, ધ્યાન, પ્રવચનો, કોયડાઓ, સમસ્યાઓ, ઉખાણાંઓ, શબ્દોનું વેરવિખેરપણું, દૃષ્ટાંતકથાઓ અને શબ્દોની છેકભૂંસ – આમ સામસામા છેડાની વિવિધ પ્રકારની અભિવ્યક્તિઓ તેના કાવ્યનો આકાર રચે છે. તેની પાસે ખંડિતતાની વાગ્મિતા છે આથી તેની વિકેન્દ્રિતતા તેના અનિકેત અસ્તિત્વને આકાર આપે છે. ઝાબે પોતે જ કહે છે કે હું લખું છું શબ્દોના વિખૂટાપણાને રૂપ આપવા. રિચાર્ડ સ્ટેમલ્માન જેવા વિવેચકે તેના લેખનને ‘નોમેડિક રાઇટિંગ’ કહ્યું છે અને તેના પોએટિક્સને ‘એક્ઝાઇલનું પોએટિક્સ’ કહ્યું છે. ઝાબે એક જગ્યાએ કહે છે :
હું શું જાણું છું તે હું કેવી રીતે કહી શકું?
શબ્દોનું મૂલ્ય અનેકગણું છે.
એક વિવેચકે તો ઝાબેની રચનાના સંદર્ભમાં કહ્યું છે કે ઝાબેનું લખાણ Jewish Holocaustને પ્રશ્નબદ્ધ નથી કરતું પણ સાહિત્યને પણ પ્રશ્નબદ્ધ કરે છે. તેના મતે યહૂદી થવું જેટલું અઘરું છે એટલું જ આ લેખન-લખાણ પણ અઘરું છે. ઝાબેના કહેવા પ્રમાણે તો સર્વનાશ વિશે લખવું પણ અશક્ય છે. ભાષાની સીમા બાંધી આપણે સર્જકની સ્વતંત્રતાને હણીએ છીએ અને તેને સંશયજગતમાં દેશવટો આપીએ છીએ. આમ, સર્જકને અ-ચોક્કસતા અને અનિશ્ચિતતાના રણમાં રઝળતો મૂકી દઈએ છીએ. એ સમયે સર્જક શું કરશે? તે અનુપસ્થિતિનું, દેશવટાનું કાવ્યશાસ્ત્ર રચશે. મૃત વ્યક્તિ એ ફરી જિન્દગી નથી જીવી શકતી. પણ આ મૃતને સાંભળી શકાય છે. તેનો અવાજ પુસ્તકમાં જીવતો રહે છે. શબ્દોની ક્ષિતિજો નિરંતર અનેક અર્થઘટનો રૂપે ભાવકની ચેતનામાં વિસ્તાર્યા કરે છે. પુસ્તક સદા લખાતું રહે છે.
– ‘ધ બુક ઑફ ધ ડેડ’
૨
પૉલ ઑસ્ટર દ્વારા લેવાયેલી એડમન્ડ ઝાબેની મુલાકાતના કેટલાક અંશોનું અપભ્રંશ સ્વરૂપ ઓસ્ટર : વાચક વિચારશે કે તમે તો ફ્રેંચ લેખક છો પરન્તુ હકીકતમાં તમે ઇજિપ્તમાં જન્મ્યા છો અને જ્યાં સુધી ૧૯૫૬ની સુએઝની કટોકટી સર્જાઈ ન હતી ત્યાં સુધી તો તમે ફ્રાન્સ ગયા ન હતા. તમે છેક ચુમ્માલીસમે વર્ષે ફ્રાન્સ ગયા. આ પરથી મને એવો વિચાર આવે છે કે ધારો કે તમે ફ્રાન્સ ગયા ન હોત તો ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ ક્યારેય લખાઈ ન હોત અને તમે માત્ર ઇજિપ્તમાં જ સ્થાયી હોત. ઝાબે : હા, બરાબર. મારો જન્મ કેરોમાં થયો હતો. વિદ્યાર્થી તરીકે મેં ફ્રાન્સમાં કેટલાંક વર્ષો વીતાવ્યાં હતાં, બાકીનાં વર્ષો તો હું ઇજિપ્તમાં જ રહ્યો, મેં ત્યાં લગ્ન કર્યાં. કાવ્યો રચ્યાં, હું હંમેશાં નાના ક્ષેત્રમાં રહ્યો, હાંસિયામાં જ રહ્યો હોઉં એવું તમે કહી શકો ખરા. મારી આગળની રચનાઓ અતિવાસ્તવવાદની ઘણી નજીક છે. મારા ઘણા મિત્રો હતા જે સર્રિયાલિસ્ટ કવિતા લખતા, ઉદાહરણ તરીકે એલ્યુર્ડની એવી ઇચ્છા હતી કે હું સર્રિયાલિસ્ટ ગ્રુપનો સભ્ય બનું, તેના આંદોલનમાં સક્રિયપણે ભાગ લઉં પણ હંમેશાં હું કોઈ સંસ્થા કે જૂથમાં જોડાવાનો વિરોધી રહ્યો છું. પહેલેથી મારી લેખક તરીકે એવી માન્યતા રહી છે કે આપણે લેખક તરીકે હંમેશાં એકાકી રહેવાનું સાહસ કરવાનું હોય છે. કોઈનીયે જોડે આ સાહસમાં બટવારો કરવાનું મને અનુકૂળ નથી આવ્યું. જો તમે સાહસની વહેંચણી કરવા બેસો તો તો તમે સત્ત્વહીન જ રહો. મારે માટે તો કટોકટી વિના લેખન અશક્ય છે. ઑસ્ટર : પરન્તુ વ્યક્તિ તરીકે તો સર્રિયાલિસ્ટનું તમારે મન મહત્ત્વ હતું જ, એક માત્ર વ્યક્તિ-સર્જક તરીકે.... ઝાબે : ખૂબ જ મહત્ત્વ. અને હું તો માનું છું કે મારું શરૂઆતનું કામ તેઓની ઘણી નજીક હતું. મારો પ્રથમ માર્ગદર્શક મેક્સ જૅકબ હતો. તેણે મને કવિતાના અમૂલ્ય પાઠ ભણાવ્યા છે. અમે ૧૯૩૫માં મળ્યા અને છેક ૧૯૪૦ સુધી સાથે લખતા રહ્યા. હું તેનો સદાનો ઋણી છું. તમને તો ખબર જ છે કે ધર્મમાં શ્રદ્ધા ધરાવવાને કારણે સર્રિયાલિસ્ટ્સ જૂથે જૅકબને ઘણો અન્યાય કર્યો છે. કવિતામાં પરિવર્તન લાવનાર તરીકે આજે તેનું મહત્ત્વ બધાંને ધીમે ધીમે સમજાઈ રહ્યું છે. ભાષાના પ્રશ્નો સાથે જૅકબને ઊંડી નિસ્બત હતી. ઉદાહરણ તરીકે ઍપોલિનેર એક મહાન ઊર્મિકવિ છે, માત્ર કવિ-ગાયક છે, પરન્તુ મેક્સ તેનાથી પણ કંઈક વિશેષ હતો. ભાષાને પ્રશ્નરૂપે જોવાપામવાનો જીવંત ગુણ તેનામાં હતો. દરેક તેના વિશે એવું વિચારતા હતા કે એ માત્ર વિદૂષક છે. કેટલાકને મતે તે શ્લેષની રમત રમતો, વિનોદ કરતો, ભાષાકીય કરામતો અને ગતકડાં કરતો. પણ એવું ન હતું. ઉપર ઉપરથી એ તો એવું દેખાય. અંદર મેક્સ અત્યંત ઘવાયેલો એવો વેદનાનો માણસ હતો. જોકે સર્રિયાલિઝમના ઘણા ઊંડા સંસ્કાર મેં ઝીલ્યા છે એમ છતાં તેમાં ઘણો તફાવત રહેલો છે. મારાં શરૂઆતનાં કાવ્યોનો પડછાયો લંબાઈને ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ પર પડેલો દેખાય છે, ઉદાહરણ તરીકે સૂત્રાત્મકતા. એ સમયે તો મને ખ્યાલ સુધ્ધાં ન હતો, તમે જ્યારે યાદ કરાવ્યું ત્યારે લાગ્યું કે ખરેખર હું ઇજિપ્તમાં હોત તો ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ કદાચ ન લખાઈ હોત. મારી ઇજિપ્તની જિંદગીના અનુભવથી વેગળો જ અનુભવ આ પુસ્તકમાં નિરૂપાયો છે. ઇજિપ્ત સાથેના વિચ્છેદને કારણે જ આ પુસ્તકો અસ્તિત્વમાં આવ્યાં. જોકે ઇજિપ્તનો અનુભવ મારી રચનાઓમાં આવે છે ખરો, દા.ત. રણ, જે મારાં લખાણોનો અંતર્ગત અનુભવ છે. મારે ઇજિપ્ત છોડવું પડ્યું કારણ કે હું યહૂદી હતો. એક દિવસ મને કહેવામાં આવ્યું જે છે તે આ છે. તારે ઇજિપ્ત છોડવું પડશે. સરસ. આ મારે માટે તથા મારાં કુટુંબીઓ માટે લઘુ-નાટક હતું. અંગત ભૂમિકાએ મારે માટે એ ગંભીર બાબત હતી પરન્તુ વિશાળ ફલક પર, માનવ ઇતિહાસમાં યહૂદીઓની જે વેદના છે તેના સંદર્ભમાં તો એક માત્ર લઘુ-નાટક જ હતું. પણ એ વખતે હું યહૂદી નહોતો કે નહોતો યહૂદીઓમાં માન્યતા ધરાવનાર. મને બળજબરીથી તગેડી મૂકવામાં આવ્યો કારણ કે હું યહૂદી હતો. ઑસ્ટર : તમારો ઉછેર ધાર્મિક કુટુંબમાં થયો છે? ઝાબે : ના, અમારું કુટુંબ એકદમ ભદ્રવર્ગનું હતું. અમે અમારી જાતને યહૂદી માનતા એટલું જ, તેથી વિશેષ કંઈ નહીં. મારા પિતા ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા નહોતા; માત્ર કેટલાક યહૂદી ધર્મના રીતરિવાજ અનુસરતા એટલું જ; બાકી અમારો ઉછેર સંપૂર્ણ સ્વતંત્ર વાતાવરણમાં થયો હતો. ઑસ્ટર : તમને કોઈ પણ પ્રકારનું યહૂદી-શિક્ષણ આપવામાં આવ્યું હતું? ઝાબે : જરાય નહીં. પરન્તુ એકાએક હકીકત અને પરિસ્થિતિ બદલાયાં. યહૂદી હોવાની પરિસ્થિતિએ મારે માટે બધી વસ્તુઓ બદલી નાખી. આ પરિસ્થિતિ તદ્દન નવી જાતના પ્રશ્નો તરફ મને વહાવી લઈ ગઈ. જાતને માટેના પ્રશ્નો આમાંથી જ ઉદ્ભવ્યા જે મને આ પુસ્તકોની રચના તરફ લઈ ગયા. ઑસ્ટર : ૧૯૪૮ અને ૧૯૫૬ વચ્ચે તમને ઇઝરાયલનું આકર્ષણ ન થયું? દા.ત. તમને ઇઝરાયલમાં સ્થાયી થવાનો વિચાર ન આવ્યો? ઝાબે : ના. ક્યારેય નહીં. મારા પ્રશ્નોનો ઉકેલ ઇઝરાયલ ન હતું. એનો અર્થ એવો નથી કે હું ઇઝરાયલની વિરુદ્ધ છું, જોકે તેનાથી કંઈક ઊલટું જ છે. વિચારતાં મને લાગ્યું કે ઇઝરાયલ એ મારા પ્રશ્નનો સાચો ઉત્તર નહોતો. એક ઇઝરાઈલ યહૂદીઓના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. બીજું એ ઇઝરાયલ જે બીજા અનેક દેશો પૈકીનું એક છે. આ બન્ને એક નથી. ઑસ્ટર : એટલે માત્ર ફ્રાંસ જ ટાળી ન શકાય એવો વિકલ્પ રહ્યો? ઝાબે : એ અનિવાર્ય બન્યું કારણ કે મારી માતૃભાષા ફ્રેન્ચ, મારાં પુસ્તકોની ભાષા ફ્રેન્ચ. ફ્રાંસમાં મને ઉષ્મા અને ઉમળકાભેર દરેકે આવકાર આપ્યો. પરન્તુ ફ્રાંસ મારો દેશ છે એ કહેવું અશક્ય છે, એ તો લૅન્ડસ્કેપ છે. આમ તો મિત્રોથી ઘેરાયેલો હું ફ્રાંસમાં આરામદાયક જિંદગી વિતાવું છું, પરન્તુ ખરેખર હું પેરિસમાં થોડો થોડો ખોવાયેલો રહું છું. એ મારું લૅન્ડસ્કેપ નથી, મારું સ્થળ નથી, ત્યાં મારું સાચું સ્થાન નથી. એક રીતે હવે હું ઐતિહાસિક-યહૂદીની સ્થિતિમાંથી મુક્તિ પામ્યો છું. પુસ્તકોમાં હવે મારું સાચું સ્થાન છે, વ્યાવહારિક રીતે પણ એ મારું સાચું સ્થાન છે. મારા માટે યહૂદી હોવું અને લેખક હોવું બન્ને લગભગ એકરૂપ થઈ ગયાં છે. મારું માનવું છે કે દરેક લેખક કોઈક રીતે તો, યહૂદીની પરિસ્થિતિનો જ અનુભવ કરે છે કારણ કે દરેક લેખક એ હદપારીની સ્થિતિને જ જીવતો હોય છે. અને યહૂદીને પોતાને માટે પણ આ જ સ્થિતિ નિર્માણ થાય છે જ્યારે તે યહૂદીની પરિસ્થિતિ કરતાં અન્ય પરિસ્થિતિમાં જીવે છે. પુસ્તક જ એક એવી જગ્યા છે જ્યાં તે સહજ રીતે પોતાને અને સાથે સાથે સત્યને પણ પામી શકે છે. યહૂદી માટે પુસ્તકનો કોયડો એ જ એના સત્યની શોધની પ્રક્રિયા છે. આ પ્રશ્ન (‘question’ના બધા જ સંદર્ભો ઝાબેને અભિપ્રેત છે) જ લેખકનું સત્ય છે. લેખક પુસ્તકના સત્યમાં પ્રવેશ કરે છે. આ જ એનું સત્ય છે. ઑસ્ટર : કઈ રીતે આ વિચારોએ ચોક્કસ આકાર ધારણ કર્યો? ઝાબે : ખરેખર તો આ જિજ્ઞાસામાંથી જ પ્રગટ થયું છે. હું ફ્રાંસમાં આવ્યો ત્યારે મારી પાસે છેલ્લાં ૧૪ વર્ષની કવિતાનું પીઠબળ હતું અને જ્યારે મારું પુસ્તક પ્રગટ થયું ત્યારે સ્વાભાવિક રીતે જ મને આનંદ થયો અને સાથે સાથે મને એ પણ લાગ્યું કે મારી જિંદગીનો એક હિસ્સો ખતમ થયો. જિંદગીનું એક પાનું ફરી ગયું હતું. ફરીથી જાણે કે રણના અનુભવને હું જીવતો હતો અને એકાએક હું ફરી કોરા પૃષ્ઠ પાસે આવી ગયો... ઇજિપ્તમાં મેં કેટલાક નાટ્યાંશો લખ્યા હતા અને મને લાગ્યું કે આ પ્રકારનું લખાણ હવે હું લખી શકીશ. જેને હું મારું મહત્ત્વનું કાર્ય ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ ગણું છું એ તો ઘણું મોડું, ધીમી ગતિએ શરૂ થયું. પ્રથમ તો નાટ્યપ્રકારે વધારે અને વધારે પ્રતીકાત્મક મહત્ત્વ ધારણ કર્યું, પછી તે માત્ર પ્રતિભાવના સ્વરૂપે આવ્યું; આમ લખાણને કોઈ નિશ્ચિત આકાર ન મળ્યો. બધું વેરવિખેર અને ધૂંધળું હતું. જોકે એ નાટ્યગૃહ માટે નહોતું તો શાને માટે હતું? ધીમે ધીમે બધું એકાકાર થતું ગયું, મારી પુસ્તકની શોધ, મને પૂર્ણપણે અંધારામાં રાખી, મારી જાણબહાર આકાર ધારણ કરતી ગઈ. મેં જે કંઈ અંદર અનુભવ્યું હતું તે પ્રશ્નો રૂપે, નાટ્યાત્મક કથન રૂપે પ્રગટ થતું ગયું. વાર્તા કહ્યા વિના મારે વાર્તા કહેવી હતી. જોકે તે વાર્તાઓ જ હતી પણ એની જાણકારી અને સમજ હોય એ રીતે એ કહેવાની નહોતી. ઔપચારિક અર્થમાં આ કશુંક નવું હતું. તમે વાર્તા કહો એ રીતે આ વાર્તા કહેવાની રીત નહોતી. પરન્તુ વાર્તાનો વિચાર સ્વયં મને જ સંતોષપ્રદ ન લાગ્યો. મારે જે કરવું હતું તે આ નહોતું. વાર્તાની આજુબાજુ પ્રશ્નો હતા. પુસ્તકમાં મને જો કોઈ વધુ ને વધુ ડરાવનારું તત્ત્વ લાગતું હોય તો તે આ પ્રશ્નો જ છે. આમ તો એ પુસ્તક જ હતું અને એમાં એવું કંઈક હતું જ્યાં હું મને મળી શકું, જ્યાં મને મારું વિશ્વ પ્રાપ્ત થઈ શકે. મારા સાહસનો પ્રારંભ કરવા માટેનું અદ્ભુત સ્થાન આ પુસ્તક હતું. પુસ્તકની સમગ્ર સંરચના આ પ્રમાણે હતી. પ્રથમ ત્રણ પુસ્તકો - ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’; ‘ધ બુક ઑફ યુકેલ’; અને ‘રીટર્ન ટુ ધ બુક.’ આ ત્રણે પુસ્તકમાં યહૂદી ધર્મને લગતા નિર્દેશો છે. દરેક પુસ્તકના કેન્દ્રમાં એક એક વાર્તા છે, બે કિશોર-કિશોરીની. બે દેશવટો ભોગવતાં પ્રેમીઓની. તેઓ યુદ્ધની છાવણીમાંથી પાછા ફરે છે. છોકરી પાગલપણાનો શિકાર બને છે. તેના રુદનમાં, સદીઓ પહેલાં જે અત્યાચારનો ભોગ બન્યાં છે તેમનાં રુદનોનો પ્રતિધ્વનિ સંભળાય છે. બીજા પુસ્તકમાં યુવક આત્મહત્યા કરે છે. પછી તો મૃત્યુ બાદ જે કંઈ બને છે તે બને છે. પણ આ મૃત્યુ પછી જે કંઈ છે તે તો મૃત્યુ પહેલાંનું જ છે. આને જ આપણે સ્મરણ કહીએ છીએ જેને વીતી ગયેલા જોડે સંબંધ છે. ત્યાર બાદ યહૂદી ધર્મગુરુઓ આવે છે, પ્રતિભાવો, પ્રશ્નો અને એવું કંઈ કંઈ. પણ એ જ પર્યાપ્ત નથી, સતત સમય અને સમય બહાર સંવાદ-વિવાદ ચાલ્યા કરે છે. એકઠા થયેલા લોકો ક્યારેક પોતાની વચ્ચે સદીઓનું અંતર અનુભવે છે. તેઓ એકબીજા સાથે કોયડાઓથી, પ્રશ્નોના સ્વરૂપે માત્ર વાત કરી શકે છે. ઑસ્ટર : એમ શા માટે? ઝાબે : કારણ કે – બ્લાંશોએ નોંધ લીધી છે એ પ્રમાણે – બે વ્યક્તિ જ્યારે વાત કરતી હોય ત્યારે એમાંની એક હંમેશાં ચૂપ રહે છે, અત્યારે હું બોલી રહ્યો છું, આ શબ્દો હું તમને કહી રહ્યો છું, તમારે ફરજિયાતપણે શાંત રહી આ બધું સાંભળવું પડે છે. હવે ધારો કે આપણે બન્ને એક સાથે બોલવા માંડીએ તો કોઈ કોઈનું સાંભળી શકે નહીં. તો તમે તમારા પક્ષે જે ચુપકીદી કેળવી છે એ સમયે પણ તમે, મને જ્યાં સુધી અટકાવો નહીં, ત્યાં સુધી તો તમારા મનમાં પ્રશ્નો અને ઉત્તરો ગોઠવતા જ હશો. જો હું સતત બોલ્યા જ કરું તો તમે તમારા મનમાંથી કેટલાક પ્રશ્નો દૂર કરતા જાવ, નવા ગોઠવતા જાવ. આ પ્રક્રિયા ચાલ્યા જ કરે. ત્યાર બાદ તમે પણ તરત જ કહો કે હં...અ મારો કહેવાનો અર્થ આ હતો. બરાબર! ધારો કે હું સતત બોલ્યા જ કરું અને તમને બોલવાનો મોકો આપ્યા વગર જ આપણે છૂટા પડી જઈએ. પછી ફરી જ્યારે આપણે મળીએ ત્યારે તમે કોઈ જવાબ લઈને ન પણ આવ્યા હો. તમારી પાસે હશે માત્ર પ્રશ્નો. આ રીતે યહૂદી ધર્મગુરુઓ એકબીજાને ઉત્તર આપે છે. દરેક જાણે પ્રશ્નને બાજુએ મૂકી દે છે, તેથી તો કહી શકે છે કે ‘હું આ વિચારતો હતો.’ તેઓ હંમેશાં પ્રશ્નો પૂછતા નથી. ક્યારેક ઉત્તરો પણ આપે છે. બીજી વ્યક્તિમાં નવા પ્રશ્નો જન્માવે છે. આ રીતે સમગ્ર પુસ્તકનું આયોજન થતું આવે છે. પ્રથમ સંવાદને આ રીતે વચ્ચેથી અટકાવી દેવામાં આવે, પછી બીજો સંવાદ આવે. એમ ત્રણ કે ચાર સંવાદો આવે અને ફરી એકાએક પહેલો સંવાદ આવે. જે આ ચાર સંવાદોમાં ક્યાંક ખોવાઈ ગયો હતો એવું લાગતું હતું. ફરી પચાસ પાનાં પછી એ જ સંવાદ આવે, હજારો વાતો અને વસ્તુઓ પછી એ જ ક્રમ ઘટ્યા જ કરે.... ઑસ્ટર : લાગે છે કે ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ લખવા પાછળ તમને ત્રણચાર વર્ષ તો સહેજે લાગ્યાં હશે નહીં? ઝાબે : હા. મેં ૧૯૫૯થી ૧૯૬૨ સુધી તેના પર કામ કર્યું અને ૧૯૬૩માં તે પ્રકાશિત થયું. આગળ મેં તમને કહ્યું એમ હું તો સંપૂર્ણ અંધકારમાં જ હતો. ભ્રમમાં જ હતો અને જ્યારે પુસ્તક પ્રગટ થયું ત્યારે ઘણાને એ પણ ખબર પડી નહીં કે મેં શું કર્યું છે. આ પહેલાં ફ્રાંસમાં એ સમયે કથા આમ વેરવિખેર રીતે પુસ્તકમાં આવે એવા વિભાવની કોઈએ ચર્ચા સુધ્ધાં કરી નહોતી. આમ પુસ્તકના વાચનની માંગ વધતી ગઈ. તેમાં વાર્તા છે પણ તે થોડા ટુકડાઓમાં આમતેમ વિખરાયેલી પડી છે. આ પુસ્તકમાં બે પાત્રો છે સારાહ અને યુકેલ. યુકેલ બે છે. એક કથક છે જે પુસ્તક લખે છે અને બીજો છે મુખ્ય નાયક. પરન્તુ બન્ને એક જ છે, બન્ને સરખાં નામ ધરાવે છે. ત્યાં કોઈ સ્થળ કે અવકાશ નથી, કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ નથી. એમાં ઘણાં પાત્રો છે તે બધાં અલગ અલગ સમયમાંથી આવ્યાં છે. એમાં ધર્મગુરુઓ પણ છે. આ ધર્મગુરુઓ કલ્પનામાંથી ઉદ્ભવ્યા છે. આ ધર્મગુરુઓ પ્રાચીન સમયના તથા આધુનિક સમયના એમ બન્ને કાળના છે, બન્ને પ્રકારના છે. પ્રાચીન કાળના ધર્મગુરુઓ સીધી-સાદી વસ્તુઓ વિશે વાત કરે છે અને આધુનિક ધર્મગુરુઓ મૂંઝવી નાખે એવી સંકુલ વસ્તુઓનો નિર્દેશ કરે છે. સાથે સાથે મેં પુસ્તકમાં વિવિધ પ્રકારની ટાઇપોગ્રાફીનો વિનિયોગ કર્યો છે. મારાં બધાં પુસ્તકોની અંદર એક પુસ્તક વસે છે. એક અંશ પુસ્તક પહેલાં હોય છે અને બીજો અંશ પુસ્તકની અંદર હોય છે પણ એ પુસ્તક એવું છે કે જે હજી સુધી લખાયું નથી. પુસ્તક પહેલાં જે કંઈ હોય છે તે સુષુપ્તાવસ્થામાં હોય છે જેમાં પુસ્તક નિર્માણ કરવાની અનેક શક્યતાઓ પડી હોય છે. પછી તો પુસ્તક પોતે જ પોતાને સર્જે છે. બીજાં કેટલાંયે પુસ્તકોની સામે આપણે આપણી ચેતનામાં એક પુસ્તક લઈ જીવતા હોઈએ છીએ. આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે, વર્તુળાકાર છે. આમ એક પ્રશ્ન બીજા પ્રશ્ન તરફ આપણને લઈ જાય છે. ઑસ્ટર : તમારાં પુસ્તકોનું ટાઇપોગ્રાફિકલ આવરણ તરત જ વાચકોને આકર્ષે છે. એ તમારા કાર્યની લયાન્વિતતા પ્રગટાવે છે અને સાથે સાથે તમે કૃતિમાં જે જન્માવવા માગો છો તે વેરવિખેરપણાની લાગણીને દૃઢાવે છે. આ પ્રકારનાં સ્થિત્યંતર સભાનપણે આવે છે કે યદૃચ્છાથી? ઝાબે : ક્યારેક જ એ માત્ર ઘટે છે. મોટે ભાગે તો એ સભાનતાપૂર્વક આવે છે. જેમ તેમ કૃતિ રચાતી આવે છે તેમ તેમ આ સ્થિત્યંતરની યોજના આગળ વધતી જાય છે. કેટલીક વસ્તુઓ દૂરદૂરના સમયમાંથી આવે છે. કેટલીક વસ્તુઓ કોઈ બીજા પુસ્તકમાંથી પ્રગટે છે અથવા તો પુસ્તકની અંદરના પુસ્તકમાંથી જન્મે છે. કેટલીક સામગ્રી ઇટાલિક્સમાં આવે છે જે સ્વયં એક પુસ્તક જ છે અને સાથે સાથે સર્જાતું જાય છે એમાંથી એક બીજું પુસ્તક. આ રીતે હંમેશાં એક પુસ્તક બીજા પુસ્તકને લઈને અને આમ ને આમ પુસ્તક.... નાના મોટા ફકરાની વહેંચણીમાં લયયોજના મહત્ત્વનો ભાગ ભજવે છે. લયનું મારે મન ખૂબ જ મૂલ્ય છે. દીર્ઘ વાક્ય તથા ઊર્મિયુક્ત વાક્યસમૂહો વાંચતાં શ્વાસની ગતિ દ્રુત બને છે. ક્યારેક ધીમા શ્વાસે ઝડપથી વાક્યો વાંચી શકો એવો કપરો સમય પણ આવે. કહે છે કે નિત્શે સૂત્રાત્મક રીતે લખતા કારણ કે એને માથાનો સખત દુઃખાવો રહેતો અને લાંબો સમય નિરાંતે બેસી લખવું એમને માટે અશક્ય હતું. કદાચ આ સાચું હોય કે ખોટું હોય. જે હોય તે, પણ હું તો માનું છું કે લેખક સમગ્ર શરીરથી લખે છે. શરીર વિના, શરીરની ભાષા વિના લખવું અશક્ય છે. આગળ જતાં આ જ ભાષા સમગ્ર હયાતીની ભાષા બને છે. તમારે શ્વાસ લેવાની રીતે લખવાનું હોય છે. મારી વાત કરું તો સૂત્રાત્મક વાક્યો અને તમારી રીતે કહું તો આ વાક્યોનો સમૂહ મારી આંતરિક અનિવાર્યતામાંથી જન્મે છે, પ્રગટે છે. તે મારા શબ્દોને અજવાળી દે છે જેથી તેઓ શ્વાસ લઈ શકે. હું દમનો દરદી છું. ક્યારેક શ્વાસ લેવામાં મને ખૂબ તકલીફ પડે છે. વારંવાર મારી એવી માન્યતા રહી છે કે શબ્દોને મારો શ્વાસ આપીને મારી જાતને જ શ્વાસ આપવામાં મદદ કરી રહ્યો છું. સાચ્ચે જ તમે તમારાં લખાણ સાથે કેવો આશ્ચર્યજનક સંબંધ ધરાવો છો તે તમે ભાગ્યે જ કહી શકો છો. થોડા સમય પહેલાંની ઘટના મને યાદ આવે છે. મેં ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’નાં સાત પુસ્તકો પૂરાં કર્યાં હતાં. એ એપ્રિલ મહિનો હતો. સાધારણ રીતે મે માસમાં મારો દમ વકરે છે પરન્તુ આ સમયે મે મહિનો આવ્યો અને ગયો પણ. અસ્થમાએ મને ભાગ્યે જ હેરાન કર્યો. જૂનમાં પણ મને ખૂબ સારું લાગ્યું. મારા મિત્ર ડૉક્ટર એક દિવસ મારે ત્યાં આવ્યા. મેં કહ્યું, વિચિત્ર લાગે છે કે હજી સુધી મને આ ઋતુમાં દમનો હુમલો થયો નથી. તેણે મને કહ્યું કે તમે તમારાં લખાણોની એક શ્રેણી પૂરી કરી હતી તેથી થોડા સમય માટે તમારા મનનો ભાર હળવો થયો હતો. થોડા દિવસ પછી રજાઓમાં હું દરિયાકિનારે ગયો જ્યાં હંમેશાં હું પ્રસન્નતા અનુભવું છું. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં ફરી પેરિસ આવ્યો. સામાન્ય રીતે મારે માટે આ માસ સુખદ હોય છે. એ સમયે મારા પ્રકાશકે મને બોલાવ્યો અને કહ્યું કે મારે પુસ્તકના અંતે કેટલીક નોંધો લખવાની બાકી છે. આ પ્રકારની પાદટીપ મારે માટે ચિંતાનો વિષય હોય છે અને સામાન્ય રીતે લખવી અઘરી હોય છે. બે-ત્રણ દિવસમાં એ કામ પણ મેં પૂરું કર્યું. પાદટીપને અંતે પંક્તિ મૂકી : ‘આ સાથે શ્રેણીનું સાતમું પુસ્તક ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ પૂરું થાય છે.’ એ રાત્રે અસ્થમાએ જોરથી ઊથલો માર્યો અને વાક્ય ‘આ પૂરું થયું’ મનમાં ફરી ઊપસી આવ્યું. અસ્થમાને કારણે હું સખત પીડાતો રહ્યો. એ રાત્રે લગભગ ત્રણ વાર ડૉક્ટર ઘરે આવ્યા અને મારી સારવાર શરૂ કરી. હું ભાગ્યે જ શ્વાસ લઈ શકતો હતો... આ બધું કહેવા પાછળનો એક માત્ર આશય એ છે કે આપણે આપણા શરીરથી કામ કરીએ છીએ. આપણા શ્વાસોચ્છ્વાસ, આપણી લયાત્મકતા આ બધાંનું એક અર્થમાં લખાણમાં અનુકરણ રહેલું હોય છે. આ લખાણ બે દિશામાં કાર્ય કરે છે. લખાણ એ વિસ્તરણ અને સંકોચન બન્ને છે. આ બધું હું મેક્સ જૅકબ પાસેથી શીખ્યો. જોકે આ બધું સમજતાં ઘણો સમય લાગ્યો. ઓગણીસ કે વીસ વર્ષની ઉંમરે હું જૅકબને મારાં કાવ્યો મોકલતો, દરેક કાવ્ય પાછળ તેની નાની અમથી નોંધ તો હોય જ કે અમુક જગ્યાએ વધારે લંબાણ થયું છે તો તેને વધારે સંક્ષિપ્ત કર. પછી એને સંક્ષિપ્ત કરું તો કહે કે આ તો વધારે પડતું સંકોચાઈ ગયું છે તેને જરા વ્યવસ્થિત કર. આમ હું મૂંઝાઈ જતો. કલામાં લાઘવ તથા વિસ્તાર બન્નેનું આગવું મૂલ્ય છે તે સમજતાં મને ઘણો સમય લાગ્યો. આ બધાંનો મદાર શૈલી પર જ છે. શૈલી જ લખાણનું જીવાતુભૂત તત્ત્વ છે. શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા અને લખાણની પ્રક્રિયા સરખાં જ છે. શ્વાસ લેવાની રીતે જ તમારે લખવું રહ્યું. ઑસ્ટર : તમે મને એક વાર કહ્યું હતું કે જ્યારે ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ લખતા હતા ત્યારે તમને એવી લાગણી થતી હતી કે તમે શ્રુતલેખન લખી રહ્યા છો! ઝાબે : તદ્દન સાચું નહીં... પણ લગભગ એવું જ, તમને તો ખબર જ છે કે આ લખાણોનો મોટો ભાગ મેટ્રો તરફ કામ માટે જતાં-આવતાં જ લખાયો છે. આપણી આજુબાજુ ઘણા લોકો હોય પણ આ પુસ્તકે મારા પર એવી સત્તા જમાવી હતી કે... પણ હું પ્રેરણા કે એના જેવા કશામાં માનતો નથી. મારી અંદર પહેલેથી જ એવું કંઈક હતું જેમાંથી આ પુસ્તક આપોઆપ પ્રગટ થતું આવતું હતું. ઑસ્ટર : તમારી આગળની કવિતા શું આ રીતે જ લખાઈ છે? અથવા તો ખરેખર ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ લખતાં તમારો અનુભવ પહેલાં કરતાં કંઈક જુદા જ પ્રકારનો રહ્યો છે? ઝાબે : કવિતા લખવા માટે હંમેશાં મને કોઈ ગુપ્ત રીતે દોર્યા કરે છે, આને કારણે હું ઘણી વાર કહી શકું છું કે આ કવિતા કેટલી લાંબી ચાલશે, કોઈ વાર તો લખતાં પહેલાં એની મને જાણ થઈ જાય છે – મને ખબર પડી જાય છે કે ત્રણ પૃષ્ઠની હશે કે છ પાનાંની કે અડધા પાનાની. આનો ખુલાસો એક રીતે જ આપી શકાય કે જ્યારે તમે કવિતા લખવાની શરૂઆત કરો છો તે પહેલાં જ એ તમારામાં લખાઈ ચૂકી હોય છે. જોકે તમે એનાથી સભાન હોતા નથી. આ બધી મારી જિજ્ઞાસા હતી. ઉદાહરણ તરીકે હું કવિતા લખવાની શરૂઆત કરું અને એકાદ બે વાક્યો લખાય પછી હું બહાર જાઉં, કહોને કે સિનેમા જોવા જાઉં કે બીજેકશે જાઉં અને ઘરે આવી ફરી લખવાનું શરૂ થાય. આ વીતેલા સમયમાં પણ કવિતા સતત મારી સાથે જ રહી હોય, એક ક્ષણ પણ તેનાથી હું વિખૂટો ન પડ્યો હોઉં, એ મારી અંદર સતત રચાતી જ રહી હોય. મને દસ પાનાંનું દીર્ઘકાવ્ય પણ યાદ રહે છે. એક સાંજે હું ઘરે આવ્યો, તરત જ સૂવા ચાલ્યો ગયો, અડધી રાતે જાગ્યો, મારી પત્નીએ કહ્યું : આ શું ચાલી રહ્યું છે! તમે માંદા પડશો. મેં કહ્યું, ના, હું તો લખીશ જ અને હું મારા લખવાના ટેબલ પર બેઠો અને કવિતા લખાતી ગઈ. થોડી વાર પછી ફરી ઊંઘી ગયો. બીજે દિવસે ફરી એ કવિતા હાથમાં લીધી અને લખવાનું આગળ ચાલ્યું. મેં મારી પત્નીને કહ્યું કે જોજે આ કવિતા દસ પાનાંની થશે અને થયું પણ એમ જ. આ તમે કઈ રીતે બીજાને સમજાવી શકો? આ ખૂબ દુર્ગમ છે. આપણી અંદર સતત કંઈક ચાલ્યા કરતું હોય છે અને કંઈક નાનું અમથું બને છે, આકસ્મિક સંનિકર્ષ દ્વારા બધું ક્રમશઃ રચાવાની ભૂમિકા તૈયાર થઈ જાય છે... એટલે તો કવિતામાં આવતા શુષ્ક પથરાટો મુખ્યતઃ ત્રાસ આપનારા હોય છે. એવો પણ સમય આવે છે કે તમે કશું લખતા નથી ત્યારેય બધું વ્યવસ્થિત ચાલતું હોય છે. થોડા જ માસમાં તમે દસ કે વીસ કવિતા લખો અને તમને સારું લાગે અને એકાએક તમે કશું જ લખો નહીં એવી પરિસ્થિતિ પણ નિર્માણ થાય. તમે પેન પણ ઉપાડો નહીં અને એક પંક્તિ પણ લખી શકો નહીં. આ સમય દરમિયાન તમે આશંકાથી ભર્યા ભર્યા રહો. તમને ભય લાગે કે તમે કદી લખી શકશો નહીં. આ કંઈક વિશિષ્ટ અકળાવનારી સ્થિતિ હોય છે જે ભાગ્યે જ કોઈ સમજી શકે છે. જ્યારે જ્યારે તમે લખો છો ત્યારે એક કટોકટી સાથે, આશંકા સાથે લખો છો કે કદાચ હવે તમે ફરી કદી નહીં લખી શકો... અને પછી ક્યારેક નવી કવિતા તમારી પાસે આવે અને તમે મુક્તિનો અનુભવ કરો. તમે તમારી જાતને આખરે કહો કે ચાલો એ ફરી આવી, પછી તમે લખતા જ રહો અને અંતે પ્રતીતિ થાય કે આનો પણ કંઈ અર્થ નથી. લખાણ પોતાની શરતે આવે છે, તમે તેના પર સત્તા ચલાવી શકો નહીં. ઑસ્ટર : હવે આપણે ‘ધ બુક ઑફ ક્વેસ્યન્સ’માં આવતા કથાતત્ત્વની વાત કરીએ, તમે આ કથાતત્ત્વને વેરવિખેર રીતે કહો છો. આ તમારી પસંદગી છે? અથવા તો તમને પરંપરાગત રીતે કથા કહેવાનું અશક્ય લાગે છે? ઝાબે : નથી એ પસંદગી કે નથી એ અશક્યતા. મારા મત પ્રમાણે વાર્તા કહેવી એટલે વાર્તા ગુમાવવી. ધારો કે હું મારી જિંદગી વિશે વાત કરું, આ માટે હું વિગતવાર વાત કરવાની રીતિ અખત્યાર કરું તો તો મારી વાત વિગતોના ખડકલામાં જ ખોવાઈ જાય. જિંદગીની બાબતમાં તમારી પાસે વિકલ્પ હોતો નથી. તમને એ તે કેવી રીતે ખબર પડે કે મહત્ત્વનું પાસું કયું છે? માણસની જિંદગીની કથા કહેવાની હોય ત્યારે તમારે કેટલાંક નિયંત્રણો સ્વીકારીને ચાલવાનું હોય છે. આનું કારણ એ કે વાર્તા કહેતી વખતે બીજો કોઈ એના વિશે વાત કરતો હોય છે. આ નાનો કે મોટો કે કોઈ પણ હોઈ શકે. છેવટે કંઈક તો શેષ રહે છે. તમે બધું કહી શકતા નથી. કંઈક તો બાકી રહે છે. જો હું કહું કે એ અહીં જન્મ્યો હતો અને અહીં મર્યો હતો... અને આમ તમે જેની શક્ય કલ્પના કરી હોય એ જિંદગીને આકાર મળવાનું શરૂ થાય... ઑસ્ટર : તેનો અર્થ એ થયો કે તમને પરંપરાગત કથામાળખામાં ભાગ્યે જ રસ પડે છે. ઝાબે : ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’નો મુખ્ય આધાર એ છે કે જેનાથી આપણે ગ્રસ્ત છીએ એવા રેઢિયાળ શબ્દો સાથે આપણે સદા જીવ્યા કરીએ છીએ. અહીં પ્રશ્ન એ નથી કે કયો શબ્દ તીવ્ર ઊર્મિયુક્ત છે. ઉદાહરણ તરીકે ‘પ્રેમ’ શબ્દ લો, ‘મૃત્યુ’ શબ્દ લો. દરેકને માટે આ શબ્દો એકસરખો અર્થ ધરાવતા નથી. આ શબ્દો પાછળ આપણે આપણાં ‘પ્રેમ’ કે ‘મૃત્યુ’ની કથાઓ જોઈએ છીએ. ‘પુસ્તક’માં (અહીં ‘ધ બુક ઑફ ક્વેસ્ચન્સ’ એમ વાંચવું) આવતી કથામાં મારે તો યુગલના જીવનની નાટ્યાત્મકતાનો માત્ર નિર્દેશ કરવાનો છે. તેના જીવનની માંડીને વાત કરવાનો પ્રશ્ન જ નથી કારણ કે અંતે તો જેમાં મને રસ પડ્યો હતો એ તો એમની પોતાની જિંદગી રહેતી જ નથી. મારી નિસ્બત એમની આંતરિકતા સાથે વિશેષ છે. કથાની આજુબાજુના પ્રશ્નો જ કથાને વિશિષ્ટ પરિમાણ આપે છે. પરન્તુ માત્ર પાયાના બહાના તરીકે ત્યાં વાર્તા આવે છે એટલું જ. યહૂદીઓની કમનસીબી તો એ રહી છે કે અનેક કાંટાળી છાવણીઓ અને ભયાનકતાઓ પછી પણ આ વાર્તા તો શાપગ્રસ્ત જ બની રહે છે. અહીં વાર્તાની વિગતોમાં ઊતરવું અનિવાર્ય નથી. તમે જ્યારે એમ કહો કે તેઓનો દેશનિકાલ થયો ત્યારે યહૂદીઓ સહજપણે સમગ્ર વાર્તા સમજી જશે... મને એક વાર એક માણસ મળ્યો જેણે પોતાનું આખું કુટુંબ આ યુદ્ધની કાંટાળી છાવણીઓમાં ગુમાવ્યું હતું. માત્ર આ માણસ તથા તેનો એક પુત્ર જ બચી ગયા હતા. તેણે મારી સાથે આ વાત કરી અને પછી તદ્દન જ બીજી ભળતી વાતોમાં સરી ગયો. મને લાગ્યું કે આમાં જ તેની જિંદગીની કથા આવી ગઈ. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પણ ખરાં જ. માત્ર આટલી જ વાતમાં – ‘મારા આખા કુટુંબનો દેશનિકાલ થયો. માત્ર હું અને મારો દીકરો જ બચી ગયા.’ આ વાતની મારા મન પર ઊંડી અસર થઈ. પછીથી તે માણસે મને પોતાના દીકરાની વાત કહી. જેરુસેલમના ઘેરાવા દરમિયાન સિરિયનો શહેર તરફ જતા ખટારાઓ પર ગોળીબાર કરતા; બાનમાં પકડાયેલા એક ખટારાના ડ્રાયવર થવા માટે તે માણસના ૧૫-૧૬ વર્ષના દીકરાએ પિતાની પરવાનગી માગી; પિતાએ સમ્મતિ આપી, પછી પુત્ર ઠાર થયો. તેનું નામ હતું બેનઝવી. મેં તો માત્ર તેનું નામ પૂછ્યું હતું પણ તેણે મને વિગતે વાત કરી. આ એવું કંઈક હતું જે હું ક્યારેય નહીં ભૂલી શકું. આ જ વસ્તુ દર્શાવે છે કે સમગ્ર નાટકના રહસ્યને પ્રગટ કરવા માટે નાની અમથી વાત પણ પૂરતી છે... ઑસ્ટર : તમે મનને ઘેરી વળતા શબ્દોની વાત કરી, ગ્રસ્ત-રેઢિયાળ શબ્દોની વાત કરી, એવા તો કેટલાયે શબ્દો અને વિષયો છે જે સતત પુનરાવર્તન પામતા રહે છે. તમારા પુસ્તકના દરેક પાને લગભગ ‘રણ’, ‘અનુપસ્થિતિ’, ‘મૌન’, ‘ઈશ્વર’, ‘શૂન્ય’, ‘શૂન્યાવકાશ’, ‘પુસ્તક’, ‘શબ્દ’, ‘હદપારી’, ‘જીવન’, ‘મૃત્યુ’ આવા અનેક શબ્દો તમે સતત પ્રયોજતા રહો છો. આ પરથી મને એવો વિચાર આવે છે કે પ્રત્યેક શબ્દ વાણીની બીજી બાજુનો (પ્રતિવાણીનો?), એક પ્રકારની સીમાનો અને અભિવ્યક્તિની અશક્યતાનો નિર્દેશ કરે છે. ઝાબે : બરાબર. પરન્તુ સાથે આ વસ્તુઓની અભિવ્યક્તિ જો અશક્ય છે તો એવી બીજી કેટલીય વસ્તુઓ છે જેનો અર્થ તમે ઉલેચી શકતા નથી પરન્તુ તમે એનાથી છટકી શકો નહીં. હું ‘યહૂદી’ શબ્દથી પલાયન થઈ શકું નહીં. મારે માટે ‘યહૂદી’ શબ્દથી દૂર જવું ક્યારેય શક્ય નથી. અથવા તો આપણે ‘ઈશ્વર’ શબ્દ જ લઈએ. આ શબ્દને કારણે શરૂઆતમાં સારી એવી માત્રામાં ગેરસમજ થઈ છે. લોકો પૂછતા કે ‘ઈશ્વર’ જ શા માટે? તમને તો ઈશ્વરમાં શ્રદ્ધા નથી ને? ફ્રાન્સમાં એવા પણ લોકો છે જે પોતાને ભૌતિકવાદી તરીકે ઓળખાવે છે. એ લોકો ‘ઈશ્વર’ શબ્દ બોલતાં ખચકાય છે, ભય પામે છે. મને આ મૂર્ખતાભર્યું લાગ્યું છે. જોડણીકોશમાં આવતા અનેક શબ્દો જેવો એક શબ્દ છે ‘ઈશ્વર.’ ‘ઈશ્વર’ શબ્દ મને ભય પમાડતો નથી. મારી રચનાઓમાં આવતો ‘ઈશ્વર’ શબ્દ એવો છે કે જેની સામે આપણે પડ્યા છીએ. ‘ઊંડાણ’, ‘અવકાશ’ કોઈક એવું તત્ત્વ જેની પાસે આપણે અસહાય છીએ, લાચાર છીએ અથવા તો શક્તિહીન છીએ. આ અંતર છે – બે વસ્તુઓ વચ્ચે હોય એવું અંતર. આપણે જ્યાં જવું હોય ત્યાં જઈએ છીએ અને પછી પણ પેલું અંતર તો કાપવાનું બાકી જ હોય. અને એક ક્ષણ એવી પણ આવે કે આ અંતર વધતું જ જાય. તમે ત્યાં પહોંચો અને તમારી જાતને કહો, ચાલો બધું ખલાસ થયું. હવે આથી વધારે શબ્દો મારી પાસે નથી. ઈશ્વર કદાચ શબ્દ વિનાનો શબ્દ છે. એવો શબ્દ છે જેનો કોઈ અર્થ નથી. એક અસામાન્ય બાબત તો એ કે યહૂદી પરંપરામાં ઈશ્વર અદૃશ્ય છે, અદૃશ્ય તત્ત્વ છે. આ દર્શાવવા માટે ઈશ્વર શબ્દ નીચે રેખા દોરવામાં આવે છે. એ એક ન ઉચ્ચારી શકાય એવું નામ છે. મને ખરેખર અદ્ભુત વસ્તુ તો એ લાગી છે કે તમે જ્યારે કોઈને ‘અદૃશ્ય’ કહો છો ત્યારે તમે કશાકને નામ આપો છો. એનો અર્થ એ થયો કે તમે અદૃશ્યનું પ્રતિનિધિત્વ કરો છો. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે તમે અદૃશ્ય (અરૂપ) એમ કહો છો ત્યારે દૃશ્ય (રૂપ) તથા અદૃશ્ય વચ્ચેની સીમારેખા દર્શાવો છો. અલબત્ત એમને માટેય શબ્દો છે. પરન્તુ તમે જ્યારે કોઈ શબ્દ ન કહો ત્યારે તમે શૂન્યની સન્મુખ થાવ છો. મારે માટે તો આ જ વધારે શક્તિશાળી છે કારણ કે આખરે તો અરૂપમાં જ રૂપ સમાયેલું છે જેવી રીતે રૂપમાં અરૂપ. અને આ જ, આ જ સર્વનો વિનાશ કરે છે, બધું ભૂંસી નાખે છે. ઑસ્ટર : એનો અર્થ એ કે આ એના એ જ શબ્દો છે અને તેઓ એકબીજાનો વિનાશ કરી અંત પામે છે. ઝાબે : શૂન્ય તરફની ગતિની પ્રક્રિયા દરમિયાન, આ શબ્દો એકમેક વિશે પ્રશ્નો જન્માવી પોતાનો વિનાશ કરે છે. એક તબક્કે મેં લખ્યું હતું, ‘સત્ય કદાચ આ ખાલીપો (શૂન્ય) છે.’ જે કંઈ છે તે સત્યની સીમામાં આવેલું છે. ત્યાં સતત છેક-ભૂંસ છે, સતત પડ પછી પડ ઊખડ્યા કરે છે. નામને પણ જ્યાં સુધી ઉચ્ચારહીનતાની સ્થિતિ સુધી પહોંચે નહીં ત્યાં સુધી અનાવૃત કરવામાં આવે છે... આને નિરીશ્વરવાદ સાથે કોઈ લેવાદેવા નથી. જોકે કેટલાકે મને નિરીશ્વરવાદી કહી ભાંડ્યો પણ છે. મારા કાર્યનો આ મૂળ સ્વભાવ છે. વસ્તુઓ વિશે સતત કોયડાઓ ગૂંથવા પાછળનો આશય અંતે તો એ છે કે આખરે પોતાની ઓળખ શી છે? આપણે બધા શું છીએ? નામ શું છે? આ નામને વહન કરનારા આપણે આખરે શું છીએ? મારી પાસે પહેલેથી નક્કી કરેલા કોઈ નિશ્ચિત ઉત્તરો નથી. હું પ્રશ્નો પૂછું છું. હું પ્રશ્નોને વિશિષ્ટ દરજ્જો આપું છું કારણ કે મને ઉત્તરના સ્વરૂપ વિશે કંઈક અસંતોષ લાગ્યા કર્યો છે. ઉત્તરો ક્યારેય પૂરેપૂરા આપણા કાબૂમાં રહેતા નથી. મને સાથે સાથે એ પણ મહત્ત્વનું લાગે છે કે પ્રશ્નો એ ચોક્કસ સત્તાનું મૂર્તિમંત સ્વરૂપ છે. પ્રશ્નો તો સત્તાવિહીનતાનું સ્વરૂપ છે પરન્તુ આ પ્રશ્નો એવા પ્રકારની અ-સત્તા છે જે સત્તાને પણ ઉથલાવી દે... સત્તાને મૂંઝવી નાખે, એને અસ્વસ્થ કરી નાખે. સત્તાને ચર્ચાવિચારણા ગમતી નથી. સત્તા હુકમો આપે અને તેને મિત્રો હોય અથવા દુશ્મનો હોય. પ્રશ્નનું સ્થાન આ બે વચ્ચે ક્યાંક છે. બંનેની સરખામણી એ પ્રશ્ન વચ્ચે છે (અહીં પ્રશ્ન વિશેના બધા સંકેતો યાદ રાખવાના છે. અર્થથી અન્અર્થ સુધીના અનેક સંદર્ભોના સંકેતો.). મારા પુસ્તક પર એક યુવાન વિદ્યાર્થી પેપર લખતો હતો. તેણે મને એક વાર પૂછ્યું કે તમારાં લખાણોમાંથી કોઈ બોધ તારવી શકાય ખરો? મેં કહ્યું ના. કોઈ પણ પ્રકારનો નહીં. મને લાગે છે કે આ પુસ્તક૧[1] વાચકને કંઈક કહે તો એ છે કે તેને જે કંઈ સતાવે છે તે તેણે જાતે જ વેઠવાનું છે. છેક સુધી પોતાના પ્રશ્નો લઈ તેણે જવાનું છે. તેનો અર્થ એ કે દરેકે પોતાની જાતને પ્રશ્ન તરીકે જોવાની છે, જીવનના અંત સુધી. ખરું કે? ઑસ્ટર : એનો અર્થ તો એ થયો કે આ યાત્રા અંતહીન છે. ઝાબે : હા. આ યાત્રાનો કોઈ અંત નથી. અલબત્ત કેટલાય લોકો એવા છે જેને પરિણામ સ્વરૂપ શાંતિ મળી છે... પરન્તુ એવી શાંતિ મારી નિયતિમાં નથી. લાગે છે કે મારામાં કોઈક એવું છે જે મને પ્રશ્નો પૂછવાની ફરજ પાડે છે. મારાં પુસ્તકોમાં જે કંઈ છે એ બધું જ સાચ્ચે મહત્ત્વનું છે, અનિવાર્ય છે. એને કોયડો કહી શકાય. ‘બુક ઑફ ક્વેસ્ચન્સ’નાં ત્રણ પુસ્તકોની રચના પછી (આ ત્રણ પુસ્તકોમાં યહૂદી ધર્મ વિશેના સ્પષ્ટ સંદર્ભો આવે છે) બીજાં બે પુસ્તકો ‘યેઅલ્’ અને ‘એલ્યા’ (‘Yael’ and ‘Elya’)માં લેખક અને તેના શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખ્યો છે. આગળ જતાં આ વધુ અંગત બને છે... આ શ્રેણી (Ae’ly) અને (El) સુધી આગળ ચાલે છે. અંતે ‘ધ લાસ્ટ બુક’ (El, on le dernier) પ્રગટ થાય છે. તેના મુખપૃષ્ઠ પર માત્ર એક બિન્દુ છે, ટપકું છે. અને આ જુઓ તો ખરેખર એ જ પુસ્તકનું શીર્ષક છે. એ નાનામાં નાનું કહી શકાય એવું વર્તુળ છે. આ વર્તુળ એ જ પછીથી ટપકું બને છે અથવા એક સમયગાળો, વર્તુળની અંદરનું વર્તુળ. ‘કાબ્બાલાહ’ (kabbalah)માં કહ્યું છે : ‘ઈશ્વર આ ટપકામાં પોતાને પ્રગટ કરે છે કે વિઘટનનું આ બધું કાર્ય સમગ્રને જ પ્રગટાવે છે. પરન્તુ આ સમગ્રને ક્યારેય દેખાડી શકાતું નથી. આ સમગ્રતા એ એક વિભાવ છે અને એ માત્ર વેરવિખેર ટુકડાઓ દ્વારા જ દર્શાવી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે આ ઓરડામાં છીએ અને સમગ્ર મકાનને જોઈ શકતા નથી પણ આપણને ખબર છે કે આપણે મકાનમાં છીએ આવું જ પુસ્તકની બાબતમાં બને છે. આપણને ખબર પડે કે આપણે કશાક બૃહદ્માં છીએ પણ પ્રત્યેક ક્ષણે આપણે માત્ર આપણી સામે જે છે તેને જ જોઈ શકીએ છીએ. આ સમગ્રતા એક એવી વસ્તુ છે જેનું આપણે વેરવિખેરપણામાંથી જ પુનર્ઘટન કરવાનું હોય છે કારણ કે આ ટુકડાઓ સ્વનેત્રે જોવાની સગવડ હોય છે. આ જ રીતે શબ્દોને કારણે પુસ્તક વાંચી શકાય. શબ્દો આપણને પુસ્તક વાંચવાની પરવાનગી નથી આપતા. પુસ્તક એક એવી જગ્યા છે કે જ્યાં શબ્દ ઊઘડે છે. આગળ જતાં પણ એ જ શબ્દ છે. શૂન્યમાં શબ્દ છે. એક અને બીજા શબ્દ વચ્ચેનો અવકાશ જ વાચનને શક્ય બનાવે છે. આપણા વાચનનું સ્થાન આ શબ્દો વચ્ચેની ધવલતામાં છે. આ ધવલતા (પ્રકાશ) આપણને યાદ અપાવે છે બૃહદ્ અવકાશની કે જ્યાં આ શબ્દ ઊઘડ્યો હોય. (અહીં શબ્દાખ્યઃ જ્યોતિઃ...નું સ્મરણ થાય.) ઑસ્ટર : ‘શબ્દ’ની વાત કરતાં કરતાં આપણે હવે અનુવાદના પ્રશ્ન પાસે આવી પહોંચ્યા. ફ્રેંચમાં ભાષામાં (parole) બોલાતી વાણી અને શબ્દ (mot) વચ્ચે પાયાનો તફાવત જોવા મળે છે. જ્યારે અંગ્રેજીમાં આ બંને માટે માત્ર ‘શબ્દ’ જ સંજ્ઞા યોજાય છે. તો શું વાણી (speaking - ઉચ્ચારણ) અને ‘લેખન’ વચ્ચે તફાવત છે? ઝાબે : એટલે તો હું હંમેશાં ‘vocable’ (સાર્થ શબ્દ)નો ઉપયોગ કરું છું. અંગ્રેજીમાં આ અઘરું લાગે. કદાચ ‘vocable?’ જોકે ફ્રેંચમાં આ ઉચ્ચાર ભારેખમ લાગે છે. પરન્તુ આ અસામાન્ય શબ્દ છે... લખાયેલા શબ્દ અને ઉચ્ચારાયેલા શબ્દ વચ્ચે પાયાનો તફાવત એ લાગે છે કે લખાયેલો શબ્દ ઇન્દ્રિયગોચર છે. ઉચ્ચારણની ઘણી (બોલાયેલા શબ્દની) મર્યાદાઓ છે. હવે પછી શું થવાનું છે એના વિશે કોઈ વાત ન કરી શકે. જે કંઈ થઈ ગયું છે એ વિશે વાત થઈ શકે છે. જોકે લખાણમાં, કંઈક શરૂ થવાનું છે તેની મોઢામોઢ, તમે તમારી જાતને પામો છો. તમે કોઈ અન્ય સમયમાં, અન્ય વિશ્વમાં પ્રવેશ કરો છો... કંઈક એવું જ્યાં આપણે અભિવ્યક્તિ પામી શકીએ. જોકે આ પણ ખાતરીપૂર્વક કહી શકાય નહીં. સાહિત્યમીમાંસાની પ્રસ્તુતતા અંગેની મારી હંમેશાંની ચુપકીદીનું કારણ આ જ છે. મેં મારાં પુસ્તકોમાં (કાવ્યસંગ્રહોમાં) મીમાંસા વિશેના ઘણા પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી છે પરન્તુ મારે મન સિદ્ધાંત એ કોઈ ગૃહીત નથી, પૂર્વોક્ત તત્ત્વ નથી. સાહિત્ય એ મારે માટે સાચું સાહસ છે. જો પહેલેથી જ તમારી પાસે બધી વસ્તુઓ વિશેનો આખેઆખો નકશો તૈયાર હોય તો તેમાં સાહસ ક્યાં આવ્યું ? તમે શરૂઆતના જ તબક્કે હો છો... એક રીતે તો મારા દરેક પુસ્તકની શરૂઆત એ બીજા ન લખાયેલા પુસ્તકની તૈયારી હોય છે. અથવા એમ જ કહોને કે મારું દરેક પુસ્તક એ કદીયે ન લખાયેલા એવા પુસ્તકની શરૂઆત છે. એટલે જ તો બીજું પુસ્તક એ પહેલા પુસ્તકનો વિસ્તાર છે. સાથે સાથે તમે જે કંઈ પહેલાં વાંચ્યું હોય છે એના કેટલાક અંશને એ રદ પણ કરે છે. ઑસ્ટર : એ શું એ રીતે છેકે છે જે રીતે શબ્દો એકબીજાને છેકી નાખે છે? ઝાબે : હા. એ વાચનને છેકે છે, રદ કરે છે તેથી તો તમે ફરી વાંચો છો. આ છેકભૂંસની ક્રિયા અનંત રીતે પુનરાવર્તન પામતી રહે છે. વચ્ચે કોઈએ માલાર્મેના પુસ્તક વિશે વાત કરી હતી પરન્તુ હું જેને પુસ્તક કહું છું એ અને માલાર્મેનું પુસ્તક જે છે તે એ વચ્ચે મોટો ફરક છે. માલાર્મેની ઇચ્છા પુસ્તકમાં સઘળું જ્ઞાન ઠાલવી નાખવાની હતી અને મહાન પુસ્તકની રચના કરવાની એની ઇચ્છા હતી. પુસ્તકોનું પુસ્તક. મારા મંતવ્ય પ્રમાણે આ પુસ્તક એકદમ નશ્વર બની રહે કારણ કે જ્ઞાન સ્વયં જ ભંગુર છે. વિચારતાં લાગે છે કે એ જ પુસ્તકની ટકવાની સંભાવના છે જે પુસ્તક સ્વયંનાશી હોય. એ પુસ્તક પોતાનો વિધ્વંસ કરી અન્ય પુસ્તકો પર કૃપા કરે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરશે. જો તમે સમજો તો પુસ્તકના વિઘટનનો મારો આ જ દૃષ્ટિકોણ છે. (યાદ કરો દેરિદાને - બૌદ્ધ દર્શનને). ઑસ્ટર : તેને મુક્ત રાખીએ, માલાર્મેનું પુસ્તક (માલાર્મેનો પુસ્તક વિશેનો વિભાવ) પોતાના તરફ વળેલું છે, પોતાનામાં જ મર્યાદિત રહે છે. ઝાબે : એમ જ. આનો આધાર પ્રશ્ન પૂછવાની રીત પર છે. એ તો કહેવાની એક રીત થઈ જે અપૂરતી છે. મારે તો એથીયે આગળ જવું છે. એવી જગ્યાએ કે જ્યાંથી પાછા કેમ ફરવું એ માત્ર પ્રશ્ન જ રહે... એક પુસ્તક પોતાની અંદર અનેક પુસ્તકો સમાવી બેઠું હોય છે, એનો પ્રત્યેક અંશ એ પુસ્તકનો આરંભ હોય છે. એ અસ્તિત્વમાં આવે એ જ ક્ષણે એ લુપ્ત થાય છે....એમ જ. બાળકના જન્મ સમયે આપણે આપણા બાળકને આપણાથી વિખૂટું પાડીએ છીએ અથવા તો જન્મ સમયે આપણે બાળકમાં ખોવાઈ જઈએ છીએ. સમય જતાં એ જ બાળક આપણું સ્થાન લે છે. ‘અમે અસ્તિત્વ ધરાવતા નથી’ એવું કહેવાવાળા કરતાં આ તદ્દન જુદું જ છે. હું મારી જાતને ભૂંસી નાખું છું. આભાર અને અલવિદા. ના. હું મારી જાતને એટલા માટે ભૂંસી નાખું છું જેથી હું વધારે આગળ જઈ શકું. ઑસ્ટર : તમે ક્યાંક લખ્યું છે કે લખાણને કલ્પના સાથે કશું જ લાગતુંવળગતું નથી. કદાચ કોઈનેય ઉશ્કેરે એવું આ વાક્ય છે, તમે એ વિશે સ્પષ્ટતા કરો તો સારું. ઝાબે : હું કશાયનીયે કલ્પના કરતો નથી. હું શબ્દોની સાથે, શબ્દોને પ્રશ્ન પૂછીને ગતિ કરું છું અને આમ પુસ્તકની ગતિની સાથે આગળ વધું છું. એને કોઈ શોધ સાથે સંબંધ નથી. આવું કહીને કે જુઓ હું અમુક-તમુકની કલ્પના કરું છું અને આ રીતે તેને પ્રશ્નરૂપે મૂકું છું. ના. હું અત્યારે જે રીતે વાત કરી રહ્યો છું એ જ રીતે બધું ચાલે છે. આપણે વાતચીત કરીએ છીએ, તમે મને પ્રશ્ન પૂછતા જાવ છો. આ રીતે ચાલ્યા કરે છે માટે જ કહું છું કે હું કશાયની કલ્પના કરતો નથી... આ બધાને અનુભવ સાથે સંબંધ છે. જે કંઈ જીવ્યા હતા અથવા તો જીવાય છે એની સાથે સંબંધ છે, નહીં કે કલ્પના સાથે. બોલ્ડરમાં એક છોકરી મારી પાસે આવી અને એણે મને કહ્યું કે મને તમારું આ વાક્ય ખૂબ જ સ્પર્શી ગયું. ‘જ્યારે હું બાર વર્ષનો હતો ત્યારે મેં આકાશ ગુમાવ્યું.’ તેણે પૂછ્યું કેમ દસ વર્ષનો નહીં, અથવા તો પંદરનો નહીં? અથવા તો સરળ રીતે એમ કેમ નહીં કે ‘હું જ્યારે બાળક હતો. માત્ર બાર જ કેમ? ખૂબ અદ્ભુત પ્રશ્ન હતો. બાર વર્ષની ઉંમર એ મારે મન ઘણી અગત્યની હતી. જ્યારે હું બાર વર્ષનો હતો ત્યારે મારી બહેન મારા જ હાથમાં મૃત્યુ પામી હતી. આ મારી જિંદગીમાં સદા માટે જડાઈ ગયેલો અનુભવ હોય છે. જે કંઈ ભૂતકાળમાં જીવાઈ ગયું છે તે સદા મર્મને ઊંડાણથી સ્પર્શતું રહે છે. ઑસ્ટર : તમારા કામનું બીજું મહત્ત્વનું પાસું મુખ્યત્વે એ લાગ્યું છે... ખાસ કરીને તાજેતરમાં પ્રકાશિત થયેલાં બે પુસ્તકો (Ae’ly and El...) તમે હંમેશાં શબ્દો, ધ્વનિઓ, અક્ષરો અને અર્થો સાથે રમત રમ્યા કરો છો... (ત્યાર પછી મુલાકાત લેનારે ફ્રેંચ શબ્દોની અલગ અલગ અર્થચ્છાયા પ્રગટાવતાં શબ્દગુચ્છો આપ્યાં છે, અહીં એની નોંધ લીધી નથી કારણ કે એ બધાં શબ્દોના ધ્વનિઓ (sounds) સાથે કેટલીક અર્થગત સંગતિ ધરાવે છે.) આ ઉપરથી મને એવું લાગે છે કે અનુભવો તથા વિચારોની સમગ્ર શ્રેણી આ શબ્દોની તોડફોડથી ઝંકૃત થઈ ઉઠે છે. ઝાબે : દરેક સ્તરે પુસ્તકમાં કોયડાઓ (પ્રશ્નો, મૂંઝવણો) મૂકવાનો મારો પ્રયત્ન રહ્યો છે. છેલ્લા પુસ્તક(El)માં મોટે પાયે સપાટીની જાંચ-તપાસ રહી છે. મારાં બધાં જ પુસ્તકોના કેન્દ્રમાં વિચ્છેદ તથા વિયોગની, કપાઈ ગયાની, છેદાઈ ગયાની વાત વારંવાર આવે છે. એક છેડાથી બીજા છેડા સુધી વેરવિખેર દશામાં મારું પુસ્તક હોય છે. સતત વિચ્છેદ... અને મારા છેલ્લા પુસ્તકમાં મારે એ જ દર્શાવવું છે કે શબ્દના સ્તરે આ કાર્ય કેવી રીતે થયું છે. શબ્દરમતની સામે મારો કોઈ વાંધો નથી, શબ્દરમતની છોછ પણ નથી, તેનું આગવું મૂલ્ય કવિતામાં છે. હું તો શબ્દરમતનો હિમાયતી છું પરન્તુ મારે માટે એ માત્ર રમત નથી. એ તો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો માર્ગ છે. પ્રગતિનો માર્ગ છે. માત્ર શબ્દોના આધારે જ. ઉદાહરણ તરીકે (El) ૧૨૬ પાનાનું પુસ્તક છે. એના ૬૩મા પાના પર, પુસ્તકના મધ્ય ભાગમાં એક નકશો છે, એ નકશાના ઉપરના ભાગમાં શૂન્ય (nul)-) છે અને છેવાડે એક (l’un -) છે. આ સ્થળ ‘એક’ અને અંતમાં દર્શાવેલા ‘શૂન્ય’માંથી સમગ્ર કાર્યની અસર જન્મે છે. આ જ રીતે વેરવિખેરપણાનું જીવાતુભૂત તત્ત્વ છે, અને એક રીતે આ નકશો એ મારાં બધાં જ પુસ્તકોનું એકમાત્ર કલ્પન છે. લખાણના હાર્દમાં વિચ્છેદ હોય છે. સ્વયં લખાણના કેન્દ્રમાં પણ. શા માટે? કારણ કે શબ્દોમાં એવાં તત્ત્વો રહેલાં છે જેમાં પરસ્પરનાં આકર્ષણ અને ઘૃણા સંકળાયેલાં હોય; હકીકતમાં એકસરખા અક્ષરોમાંથી તાણ અને સંબંધ ઉદય પામે અથવા તો એકસરખો રણકાર જગાવતા કે સ્વરસામ્ય ધરાવતા શબ્દોના પ્રકાર પણ વિચ્છેદનું કારણ સંભવી શકે અને આ શબ્દનું અન્ય શબ્દ સાથેનું કાર્ય સ્વયં શબ્દ દ્વારા જ પ્રગટી શકે. બીજાં કોઈ સાધનોથી તો નહીં જ... આ રીતે મારા પુસ્તકમાં બધું કાર્યાન્વિત થાય છે. તમને ખબર છે કે કોઈ ચોક્કસ ફકરાનું મારે મન મૂલ્ય હોય એમાં મેં કહ્યું હોય કે હિબ્રુ પ્રજાએ મોઝિસને વાચનનો મહત્ત્વનો પાઠ ભણાવ્યો. તેની પાસે બળજબરીથી કાયદાની તકતી તોડાવી. કારણ કે મૂળ વિના શબ્દને સ્વીકારવો તેઓ માટે અશક્ય હતું. ઈશ્વરનો શબ્દ. પુસ્તકના કાયદા-કાનૂનનો ભંગ કરવો એ મોઝિસ માટે અનિવાર્ય હતું, માનવીય હતું. હિબ્રુ પ્રજાએ પુસ્તકનો સ્વીકાર કર્યો એ પહેલાંનું હિબ્રુ પ્રજાનું વલણ-વર્તન તેમના પક્ષે અનિવાર્ય હતું. આપણે પણ આ કરતાં હોઈએ છીએ. ત્યારે આપણે પણ પુસ્તકનું વિસર્જન કરીએ છીએ જેથી એમાંથી જ બીજા પુસ્તકનું સર્જન થઈ શકે. હંમેશાં વિસર્જિત પુસ્તકમાંથી જ પુસ્તક જન્મે છે. ભાંગેલા-તૂટેલા શબ્દમાંથી શબ્દ પણ જન્મે છે. ઑસ્ટર : તમે એમ કહો છો કે શબ્દોની આ રૂપાંતરની ક્રિયાને રમત કે જાદુ જોડે કોઈ લેવાદેવા નથી. તમારે મન તો એ પૂર્ણપણે સભાન પ્રવૃત્તિ છે. ઝાબે : તદ્દન ખરું. હું જે કંઈ કરું છું તે વિશેની જો સભાનતા હોય તો શબ્દ સાથેના મારા વ્યવહારમાં પણ તે સભાનતા છે જ. ઑસ્ટર : એ કોઈ પદ્ધતિ છે? ઝાબે : ના, હું કોઈ પદ્ધતિ સૂચવતો નથી. ઑસ્ટર : મારો ભાવાર્થ એ છે કે કોઈ અંગત પદ્ધતિ, એવું સાધન કે જે કોઈ ચોક્કસ પ્રકારના ચિંતનને એના ગંતવ્ય સ્થાને લઈ જાય. ઝાબે : હા, પણ હું બીજા કોઈને એની દરખાસ્ત કરતો નથી. એ પદ્ધતિ મને કાર્યરત લાગી છે. કોઈ બીજાને એ કદાચ પ્રમાણભૂત ન પણ લાગે... હું હંમેશાં આ સિદ્ધાંત પર કામ કરું છું... એ સિદ્ધાંત કંઈક આવો છે, મારા એક અન્ય પુસ્તકમાં ધર્મગુરુ કહે છે, ‘પુસ્તકને પ્રશ્નો પૂછવામાં સંકોચ રાખો નહીં, અરે, એવી વસ્તુઓ વિશે પ્રશ્નો પૂછો કે જે વિશે લગભગ બીજાઓ વિચારે કે આ તો અસંગત પ્રશ્ન છે, કારણ કે પ્રત્યેક વસ્તુ પોતાનામાં કોઈ ને કોઈ સત્ય ગોપાવી બેઠી હોય છે. હું એ દેખાડવાનો પ્રયત્ન કરું છું. દરેક શબ્દની પાછળ બીજા અનેક શબ્દો છૂપાયેલા હોય છે અને દરેક વખતે તમે એક શબ્દ બદલો અથવા તો એક શબ્દમાંથી બીજા શબ્દને પ્રગટાવો. આ રીતે તમે સમગ્ર પુસ્તકને બદલી શકો. હું જ્યારે એમ કહું છું કે એક પુસ્તકની અંદર અનેક પુસ્તકો રહેલાં છે એનું કારણ એ છે કે એક શબ્દની અંદર અનેક શબ્દોનો નિવાસ હોય છે. એ તો સ્પષ્ટ જ છે કે તમે શબ્દમાં ફેરફાર કરો તો વાક્યનો સંદર્ભ પણ પૂરેપૂરો બદલાઈ જાય. આ રીતે આ જ શબ્દમાંથી બીજું વાક્ય જન્મે અને તદ્દન જુદા જ પુસ્તકનો આરંભ થાય. આ સંદર્ભમાં મારા મનમાં દરિયાનું કલ્પન આવે છે. દરિયો કાંઠા પર સતત પોતાને ભાંગતો રહે છે. એ કંઈ માત્ર મોજાંઓ નથી કે કાંઠે આવે છે. એ તો છે આખેઆખો દરિયો. દર વખતે કાંઠે આવે છે અને ફરી ચાલ્યો જાય છે, ફરી પાછો વળી જાય છે. એ ક્યારેય માત્ર મોજું હોતો નથી. એ હંમેશાં સર્વસ્વ છે, સમગ્ર દરિયો જ છે. સાચ્ચે જ, મારાં બધાં પુસ્તકોની મૂળભૂત ગતિ આ જ છે. કશુંક કશાક જોડે ગૂંથાયેલું હોય. પ્રશ્નોનો સમગ્ર દરિયો. પ્રશ્નોનો આખો મહાસાગર એના ઊંડાણમાં, એની ગતિવિધિમાં. પાછળ મૂકેલાં ફીણમાં, મૂકી જાય કિનારા પરની નાજુક ફીતમાં પોતાને. સમગ્રને... પ્રત્યેક ક્ષણે નાનામાં નાનો પ્રશ્ન. સમગ્ર પુસ્તક જે પાછું આવે, સમગ્ર પુસ્તક જે ફરી ચાલ્યું જાય. ઑસ્ટર : એ અર્થમાં આખી યોજના અખૂટ વ્યાખ્યાઓથી ભરેલી છે, પ્રત્યેક પુસ્તક એ બીજા પુસ્તકને જન્મ આપે છે... ઝાબે : હા. અથવા લગભગ. એનો પૂરેપૂરો ત્યાગ કરવા હું અસમર્થ છું કારણ કે હું જે પુસ્તક લખી રહ્યો છું એ લખવાની મારી જરા પણ ઇચ્છા નહોતી. જો હું મારી અંદર રહેલા પુસ્તકને લખીશ તો એ મારું અંતિમ પુસ્તક હશે અને એ પુસ્તક લખવું અશક્ય છે. જો હું લખીશ તો એનું કારણ એ હશે કે હજી મારે એ પુસ્તક વારંવાર લખતા રહેવાનું છે. ઑસ્ટર : આગળ આપણે બૅકેટ વિશે વાતો કરી, છેલ્લી ચાલીસીમાં એણે જે કંઈ લખ્યું એ મને યાદ આવે છે : ‘કળાકાર થવું એટલે નિષ્ફળતાને વરવું, બીજું કશું એને ભાગ્યે જ પડકાર ફેંકી શકે.’ ‘To be an artist is to fail, as no other dare fail.’ ઝાબે : અનન્ય સુંદર વાક્ય. યોગ્ય પણ, એકદમ જ. ઑસ્ટર : મને લાગે છે કે તમે પણ કંઈક આવું જ કહેવા માગો છો. ઝાબે : સંપૂર્ણપણે, એ જ, ચોક્કસ એ જ.
(પરબ, ૧૯૯૧ : ૧૧)
પાદટીપ
- ↑ ૧ ઝાબે જ્યારે ‘પુસ્તક’ સંજ્ઞાનો પ્રયોગ કરે છે ત્યારે યહૂદી ધર્મગ્રંથો તો એના મનમાં છે જ, સાથે સાથે ‘બુક’ જોડે સંકળાયેલાં લખાણ, લેખક તથા વાચકોનો સંબંધ પણ આપણે યાદ રાખવાનો છે. આ પુસ્તકો-ગ્રંથોમાં ભાષા આદેશની હોય; તેમાં સૂત્રાત્મકતા હોય તેથી એક પ્રયુક્તિ તરીકે તેનો વિનિયોગ, એક સ્ટ્રેટેજી તરીકે આ રીતિ જ તેને મન અનન્ય મૂલ્ય છે. આ રીતે પરંપરા સાથે આ રીતિયોજના દ્વારા નવેસરથી સંબંધ રચવો, તેનું ડિકન્સ્ટ્રક્શન (વિઘટન-વિનિર્મિતિ) અને રિકન્સ્ટ્રક્શન સતત કરતા રહેવું.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
(‘અપૂર્ણ’)