આચમની/૧

Revision as of 15:00, 17 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઊંચા શિખર પરથી ઝરણાએ પડતું મૂક્યું. તે ધોધમાર વહેવા લાગ્યું ત્યાં આડો વિશાળ પર્વત આવ્યો. ઝરણાએ વિનંતિ કરી : ‘પર્વતરાજ, મને માર્ગ આપોને! મારે ઘણે દૂર જવું છે.’ પર્વતે કહ્યું : ‘બોલ બોલ ન કર. તને તો રઝળપાટ કર્યા વિના ચેન પડતું નથી. મારી જેમ આસન જમાવી બેસ, મૌન રાખ, ધ્યાન ધર.’ ‘હું યે ધ્યાન ધરું છું, પર્વતરાજ!’ ‘તું? અને વળી ધ્યાન? કેવુંક ધ્યાન ધરે છે?’ ‘હું ધ્યાન ધરું છું દૂરના ગામડાનું, નગરોનું, સૂકાં ખેતરો અને જળ વિના ટળવળતાં પશુઓનું.’ ‘એ બધી મિથ્યા માયા. મને એમાં રસ નથી.’ ‘તો તમારાં ચરણને સ્પર્શ કરી ચાલી નીકળું છું, પર્વતરાજ ! ઉન્નત શિર નમાવી જરા આશીર્વાદ આપજો.’ અને ઝરણ પર્વત પાસેથી વળાંક લઈ વહેવા માંડ્યું પછી તો ઘનઘોર વાદળ ચડી આવ્યાં. મૂશળધાર વરસાદ પડ્યો. વીજળીના કડાકા-ભડાકા થયા અને પર્વતનું શિખર તૂટી પડ્યું. શિલાઓ ચારે તરફ ઊછળી પડી. કેટલાક પથ્થર ઝરણામાં પડ્યા. ઝરણું એના પર ઠેક દેતું. ખળખળ ધ્વનિ કરતું વહેતું રહ્યું. યુગો વીતી ગયા. પર્વતના એક શિખર પર મંદિર બંધાયું. પર્વતે ઝરણાને કહ્યું : ‘જોયું? મારી યુગોની તપસ્યા ફળી. મારા શિરે ભગવાન પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. હજારો યાત્રીઓ દર્શન કરવા આવશે.’ ‘મને ખબર છે.’ ઝરણાએ કહ્યું. ‘તને? તને વળી શી ખબર?’ ‘જુઓને પર્વતરાજ, મારા જળમાં તમારો પથ્થર પડ્યો હતો તે મારી સાથે વહેતો વહેતો શિવલિંગ આકારનો બની ગયો. એ જ તો પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે.’

***