આચમની/૩

Revision as of 15:03, 17 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

માનવવંશશાસ્ત્રી લોરેન એઈઝલીએ એક પ્રસંગ વર્ણવ્યો છે. તે એક ટેકરી પર ચડ્યા. ટોચે પહોંચી થાકી ગયા અને ઢોળાવ પર લાંબા થઈ સૂતા ઊંઘ આવી ગઈ. અચાનક ચારે તરફ પક્ષીઓનો કલબલાટ થતાં જાગી ગયા. જોયું તો સામેના વૃક્ષની ડાળી પર જંગલી કાગડો બેઠો હતો. તેની ચાંચમાં એક નાનકડા પક્ષીનું બચ્યું હતું. નાનાં પંખીડાં તેની આસપાસ ચીં ચીં ચિત્કાર કરતાં ઘૂમતાં હતાં. પણ પેલા કાગડાનું તો રૂંવાડુય ફરકતું નહોતું. તે જાણે પોલાદનો બન્યો હોય એમ બચ્ચાને ચાંચમાં દબાવી સ્થિર બેઠો હતો અને પક્ષીઓના શોરબકોર અને ફફડાટની પરવા કર્યા વિના તે બચ્ચાને ચાવી ગયો. પેલા વૃક્ષ પર સૂનકાર પથરાઈ ગયો. કાગડો ઊડી ગયો. થોડીવાર પહેલાં ચિત્કારથી ગાજી ઊઠેલું વૃક્ષ સૂમસામ થઈ ગયું. એક ઝીણો અવાજ પણ ક્યાંયથી ઊઠતો નહોતો. વાતાવરણમાં નરી સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. લોરેન એઈઝલી મૃત્યુની ભયાનકતા, નિષ્ઠુરતા અને તેની પાસે આપણી સહુની નિસહાયતા આ પ્રસંગે નીરખી રહ્યા. પેલા નિર્દય કાગડાની ચાંચમાંના પક્ષીના બચ્ચાની જેમ મૃત્યુ પાસે આપણાં પ્રાણપંખીનું કાંઈ પણ ચાલતું નથી. એઈઝલી વિષાદમાં ગરકાવ થઈ ગયા. ત્યાં વૃક્ષની એક સઘન ડાળમાંથી ધીમો, દબાતો, માંડ બહાર નીકળવા મથતો ટહુકો સંભળાયો. ફરી નિઃસ્તબ્ધ શાંતિ. ત્યાં વળી બીજે છેડેથી મંદ ટહુકો સંભળાયો અને પછી તો જાણે વૃક્ષની ડાળી ડાળી પરથી ટહુકા ઊઠવા લાગ્યા. એનો સ્વર પણ વધુ ખુલ્લો ને ખુશાલીથી સભર થવા લાગ્યો. પછી જાણે આખું વૃક્ષ જ પંખીનો ટહુકાર બની ગયું. મૃત્યુના મુખમાં પડેલા અને મૃત્યુથી ઘડીભર વિમૂઢ થઈ જતા જીવનની આ કેવી લીલા! જંગલી કાગડો લોખંડી ચાંચ પહોળી કરી આપણી વચ્ચે જ બેઠો છે. જીવનના સંગીતને તે ભીંસી નાખે છે પણ ફરી એ સંગીત વહેતુ થાય છે. મૃત્યુ જીવનને ઘડીભર સ્તંભિત કરી નાખે છે પણ જીવનના સૂરને રૂંધી શકતું નથી. પ્રારંભ કાળના ખ્રિસ્તીઓને રોમન સત્તાધીશો ભંડકિયામાં પૂરતા સિંહના મોઢે ફાડી ખવડાવતા, ત્યારે ઈસુને પગલે ચાલતા આ ખરા ખ્રિસ્તીઓ વિજયનું ગાન ‘હોલે-લૂઈયા’ ગાતા. એકબીજાને કહેતાઃ ‘ગાઓ, અને મૃત્યુના પેલા ભયાનક ઓળા પસાર થઈ જશે.’ લોખંડી પંજાવાળા કાગડા વચ્ચે જ આપણે સહુએ કંઠ વહેતો મૂકવાનો છે.

***