સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નરભેરામ
[જૂના કવિઓમાં નરભેરામ એના નીતિના છપ્પાથી વખણાય છે. પણ ઠાવકા હાસ્યથી એણે થોડીક કવિતા લખી છે એ ઓછી રસદાયક નથી. નરભેરામ ‘નિત્યે પૂનમે’ ડાકોર દર્શને જતો. તેમાં એક વાર પણસોરા ગામ પાસે પોતે લૂંટાયો. લૂંટાવામાં મોટી બહાદુરી કરી હોય તેમ તેનું રસિક અને આબેહૂબ વર્ણન એણે આપ્યું છે. પોતાને બીક લાગી એ કબૂલ કરતાં એને નાનમ લાગતી નથી. અને પાઘડી આંચકી લેવામાં આવતાં માથું બોડું થયું, પછેડી પણ પડાવી લીધી, એ બધું વર્ણન કેટલી તટસ્થતાથી અને રસથી એણે કર્યું છે! જાણે કોઈ બીજા પર ગુજરી હોય ને પોતે તો સલામતીમાં બેઠો બેઠો ઠંડે પેટે મલકાતો મલકાતો વર્ણન કરતો ન હોય! આ જ આ કાવ્યની ખૂબી છે. જ્યારે જોયું કે બધું લૂંટાઈ જવાનું, ત્યારે પોતે સામેથી જ દાન કરતા હોય એમ નરભેરામ ‘જે જોઈએ તે માગી લોને, ના કહ્યાનો નેમ’ કહીને ઊભા રહે છે. અંદરથી પાકી ખાતરી છે કે, મોઢામાં જીભ સાજી છે તો ડાકોરવાળાની કૃપા થયા વગર રહેવાની નથી (જુઓ લીટી ૧૮). પણ આ વાત એ કેટલી હાસ્યરસિકતાથી મૂકે છે? એ તો કહે છે કે, ડાકોરવાળાની ઇચ્છા થઈ હશે કે આ નરભાનાં જૂનાં લૂગડાં લઈ લઈને નવાં કરાવી આપવાં. સાચા ભક્તોની શ્રદ્ધા કેવી હોય છે તે આ સરળ પણ મર્માળા શબ્દોમાંથી જોવા મળે છે. પણસોરા ગામના લોકો વહાર કરી લૂંટારાને પકડવા ઇચ્છા કરે છે. નરભો ના કહે છે. કેમકે દર પૂનમે પોતાને તો ડાકોર જવાનું થતું, તેમાં કોઈ વાર ચોર લોકો ખાર રાખી જાન લઈ લે. ગામલોકોએ બેચાર દિવસ નરભાને રાખ્યો. શા માટે? હરિના ગુણ ગાવા. પરિણામે નરભાને નામે બાજરી લખાવા માંડી. પાંચ દિવસના કીર્તન પછી બાર મણ બાજરી નરભો કમાયો. આટલી બધી બાજરી ઉપાડતાં વેઠિયાઓને આકરું પણ પડ્યું. નરભો કહે છે કે આપણે તો પાર મેલ્યો. એટલે કે પોતે લેવામાં નહિ પણ દેવામાં શૂરો હતો. બાજરીમાંથી ઘણીખરી વહેંચી દીધી હશે. ૧. ધોળાં—ધોળ રાગનાં પદ. ૨. બ્રાહ્મણ—નરભેરામ પોતે. ૪. યુક્તિ કરીને જોડો પડાવી લીધો. ઠાકોર—ચોર. (કોળીને માટે કટાક્ષમાં માનવાચક શબ્દ વાપર્યો છે.) ૫. ભાંજ—તમાકુ. ૯. દોટી અને ૧૩. ચોખાની—ખાસ જાતના કાપડનાં નામ. ૧૫. પણસોરા— ગામનું નામ.]