સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મણિલાલ નભુભાઈ દ્વિવેદી

Revision as of 02:52, 25 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

[આપણા એક મોટામાં મોટા વિચારકે ‘વાચન’ના વિષય ઉપર કીમતી સૂચનાઓ આ લેખમાં આપી છે. ‘આત્માને પુષ્ટિ આપનાર’ વાચન વિષેની આપણી બેદરકારી પર એમણે યોગ્ય રીતે જ પ્રહાર કર્યો છે. ‘વિચારવા’ને બદલે ‘વાંચવા’ની ટેવ પાડી આપણે ઉપરચોટિયો અભ્યાસ કરીએ છીએ, ‘વખત જવા’ અને નહિ કે ‘વખતને કામમાં લેવા’ વાંચીએ છીએ. વિચારશક્તિ કેળવવાને બદલે પુસ્તકને વિચાર કરવાનું સોંપીએ છીએ. આને લીધે આપણા લખવામાં પણ ભલીવાર હોતો નથી. વર્તનમાં ગંભીરતા અને સારાસાર વિવેક પણ ક્યાંથી આવે? અને મોટાં કાર્યો તો કરી જ શેના શકીએ? લેખકે આપણને રત્ન જેવું સદ્વચન એક આપ્યું છે કે: કાર્યસિદ્ધિનો રહસ્યમાર્ગ ગંભીર વિચાર છે. ગમે તે કાર્ય સિદ્ધ કરવું હોય તો તેનો ભેદી રસ્તો કયો? એટલે કે જે માર્ગ ગુપ્ત હોય, ટૂંકામાં ટૂંકો હોય, સૂક્ષ્મ હોય. લેખક કહે છે કે એ માર્ગ તે એ કે અગાઉથી કાર્ય વિષે ગંભીરપણે વિચાર કરી લેવો. આ વિચારની શક્તિ સારા અને સારી રીતે કરેલા વાચનથી આવે છે. વાચન સંસ્કૃત શબ્દ છે, જે ઉપરથી આપણો શબ્દ ‘વાંચન’. મૂળની ભાષામાં હોય તેવા ને તેવા રૂપમાં આપણી ભાષામાં શબ્દ વાપરીએ તો તે ‘તત્સમ’ (તેના સમો - સરખો) શબ્દ કહેવાય. દા. ત., વાચન, કાર્ય, ગૃહ, પત્ર, કબૂલ, માલૂમ, દફતર, ટેબલ, સ્કૂલ. આપણી ભાષામાં આવતા શબ્દના અસલ રૂપમાં ફેરફાર થઈ જાય તો તેને ‘તદ્ભવ’(તેમાંથી—અસલ ભાષામાંથી ઉદ્ભવેલો –થયેલો) કહે છે. દા. ત., વાંચન, કાજ–કારજ, ઘર, પાંદડું-પાનું, માલમ, ઇસ્કુલ, ગિરમીટ (ઍગ્રિમેન્ટ), રંગરૂટ (રિક્રુટ-લડાઈમાં ભરતી કરવામાં આવતો માણસ), વગેરે. આ લેખક આપણા ગદ્ય લખનારાઓમાં ઘણા જ આગળ પડતા લેખક ગણાય છે. તેમની શૈલી તત્સમ શબ્દોની પક્ષપાતી છે. સાંગ અધ્યયન — કોઈ એક વિષયના આખા દેહનો અભ્યાસ કરવો જરૂરી છે, એટલે કે તેના એકેએક અંગનો – અવયવનો પરિચય મેળવવો જોઈએ. તલસ્પર્શ અને પલ્લવગ્રાહી પાંડિત્ય — સાચો વિદ્વાન કે અભ્યાસી હશે તે વિષયના તલ - તળિયા સુધી પહોંચવા પ્રયત્ન કરશે, બાકી જેને ડોળ જ કરવો છે તે તો પલ્લવ – પાલવ – છેડાને અડીને જ પોતાને ધન્ય ધન્ય થયો માનશે. પ્રાકૃત – સામાન્ય – નહિ – જેવા સંસ્કારવાળો. મૂલથી પરિપાક પર્યંત — ઝાડને મૂળથી ફળ પર્યંત જોવાથી તેનો સાચો પરિચય થશે તેમ જ કોઈ પણ વિષયનું પણ. આપણે ‘વાંચન’ શબ્દ ‘પાઠ કરવો તે’, ‘મોટેથી વાંચવું તે’, એ અર્થમાં પણ વાપરીએ છીએ. આપણી પ્રાથમિક શાળાઓમાં ‘વાંચન’ કરાવવામાં આવે છે. મૂળાક્ષરો ને બારાખડી સમજી વાંચતાં શીખ્યા એટલે ‘વાંચન’ આવડી ગયું એમ સમજવામાં આવે છે. પણ એ બરોબર નથી. મોટપણ સુધી ‘વાંચન’ ચાલુ રાખવું જોઈએ, એટલે કે સારા સારા ગદ્યના નમૂનાઓ મોટેથી વાંચતા રહેવાની ટેવ ચાલુ રાખવી જોઈએ. કેટલીક વાર એ રીતે વાંચવાથી ભાવાર્થ તરત અને બરોબર રીતે સમજાઈ જાય છે. વિરામચિહ્નો આગળ યોગ્ય પ્રમાણમાં અટકતા જઈ વાક્ય વાંચતા જઈએ તેમ તેમ તેની ખુશબો આપણે પામતા જઈએ છીએ. અંગ્રેજીમાં તો કહેવત જેવું એક વચન છે કે, મહેતાજીઓએ ‘મિલ્ટન કવિનું ખૂન કર્યું છે’, એટલે કે તેની રચનાઓનું ખોટું ‘વાંચન’ કરીને. આપણે આપણા ખરાબ વાંચનથી કેટકેટલા લેખકોનું એમ કરતા હોઈશું એ જોવું જોઈએ.]