સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વાચન
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
દિનપ્રતિદિન શિક્ષણના વિસ્તાર સાથે વાચનનો પણ વિસ્તાર થતો જાય છે અને વાચનની રુચિને તૃપ્ત કરનાર લેખો પણ વૃદ્ધિ પામતા જાય છે. એ વાત સંતોષ ઉપજાવનારી છે, તથાપિ આપણે અને આપણે સ્થાને આવનારાં આપણાં બાળકો શું વાંચીએ છીએ, કેવી રીતે વાંચીએ છીએ, એનો વિચાર કરવાની બહુ આવશ્યકતા છે. શરીરને પુષ્ટિ આપનાર અન્નની અને ભોજનની આપણે અનેક રીતે પરીક્ષા કરીએ છીએ, પણ મન અને આત્માને પુષ્ટિ આપનાર જે વાચન તેની યથાયોગ્ય પરીક્ષા આપણે કરતા નથી. જેમ સર્વ વાતોમાં આજકાલ બહારની ટાપટીપ અને શોભા ઉપર વિશેષ લક્ષ અપાતું થયું છે તેમ વાચનમાં પણ થઈ ગયું છે. આપણી શાળાઓ અને પાઠશાળાઓ સુધી દૃષ્ટિ કરી જોઈશું તો કોઈ એક વિષયના તલસ્પર્શ પર્યંત સાંગ અધ્યયનનો ક્રમ જોવામાં આવશે નહિ. સર્વ વિષયનું પલ્લવગ્રાહી પાંડિત્ય આપણા વિદ્યાલયમાંથી પદવી ધારણ કરીને બહાર આવતા યુવકોમાં પણ દીઠામાં આવે છે, ત્યાં અન્ય પ્રાકૃતોની તો વાત જ શી કરવી? શાળાઓમાં જેમ ગણિતની કૂંચીઓ, ઇતિહાસાદિનાં સંક્ષેપ, એવાં કૃત્રિમ સાધનો પ્રયોજવા માંડ્યાં છે, તેમ મનુષ્યના જીવનને પરમોપયોગી એવા અતિ ગહન વિષયો પણ સંક્ષેપમાં હસ્તગત કરવાની લલુતા સર્વ પાસા વધેલી દીઠામાં આવે છે. મનુષ્યોના વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે કે મનુષ્યોની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે, પણ જાણે દોડતે દોડતે જ જ્ઞાનમાત્રને ઉપાડી લેવાય તો ઠીક, એવી અસાધારણ તૃષ્ણા દીઠામાં આવે છે. પુસ્તક હાથમાં લીધું, પ્રથમ પત્ર જોયું, અંત્યપત્ર જોયું, વચમાં આમતેમ ઉથામ્યું અને અમુક અભિપ્રાય તે પુસ્તકના વિષય સંબંધે ધારણ કરીને ઊંચું મૂક્યું — એ જ પ્રચાર પડ્યો છે. ‘વખત નથી’ એ તો એક બહુ સામાન્ય અને સાધારણ ફરિયાદ થઈ પડી છે. અને કેટલીક વાર તે વાત ખરી હશે, તથાપિ સેંકડે પંચાણું જનને સંબંધે તો આળસ્ય, બેપરવાઈ, અને પોતાની બુદ્ધિનું અભિમાન સંતાડવાનો એ મોટો માર્ગ છે. આટલું છતાં એમ નથી કે વાચનની રુચિ ઓછી થઈ છે, પ્રથમ કરતાં ઘણી વધી છે. અભણમાં અભણ માણસના ઘરમાં પણ ચાર પુસ્તકો હશે. ગાંધીની દુકાને હિંગ, મરી ને મરચાંની વાસમાં પણ નાટકનાં ગાયનો યે પડેલાં હશે, રેલવેમાં મુસાફરી કરતા ઘણાખરા માણસોના હાથમાં પુસ્તક કે ‘ન્યુસપેપર’ હશે, અને સર્વ કોઈ પોતાની શક્તિ અનુસાર કોઈ ને કોઈ ‘પેપર’— ‘છાપું’— રાખતા હશે, અથવા રાખી નહિ શકતા હોય તો વાંચવાની જોગવાઈ કરી લેતા હશે. ઘણાક જનોને નિત્ય ‘પેપર’ જોયા વિના અન્ન ભાવતું નથી એવી પણ સ્થિતિ છે. આટલી બધી વાચનની રુચિ બહુ સંતોષ ઉપજાવનારી છે, પણ એનો સાર શો છે? જેમાં કશો ઉપદેશ નહિ એવી, અથવા આડકતરી રીતે અવળો ઉપદેશ આપનારી વાતો, તેવાં જ નાટકો, અને વેપાર, લડાઈ, કેસ, ઇત્યાદિની ખબર-અંતરોનાં ‘પેપરો,’ એ વિના બીજા પ્રકારનું વાચન આ બધી પ્રવૃત્તિમાં દેખાતું નથી, એ બહુ શોચનીય છે. આપણી શાળાઓ અને પાઠશાળાઓમાં જેમ પરીક્ષા ‘પાસ’ કરવા માટે જ અધ્યયન ચાલે છે, ગોખીને, મોઢે રાખીને, ગમે તે રીતે પણ પરીક્ષામાં ઉત્તર આપવા જેટલી જ તૈયારી કરવામાં અને કરાવવામાં આવે છે, તેમ આપણા વાચનમાં પણ કામ જેટલું, ખપ જેટલું, પૈસો પેદા થાય તેટલું વાંચવા ઉપર વાચકોનું લક્ષ છે. ‘પાસ’ અને ‘નોકરી’ની ઉતાવળમાં જેમ શિક્ષણનો હેતુ — બાળકના મનનો વિકાસ કરાવી તેને વિચારતાં શીખવવું — તે ઊંધો વળ્યો છે, તેમ પૈસો, પૈસો, એ ઝંખનામાં વાચનનો વાસ્તવિક હેતુ — પ્રાકૃત જીવનને ઉન્નતિકારક પ્રવાહમાં ધોઈ સ્વચ્છ અને ઉન્નત કરવું — તે પણ ઊંધો વળી ગયો છે. વાચન તે જાણે વખત ગાળવાને માટે જ હોય એમ મનાવા લાગ્યું છે, વખત વાચનને માટે છે એમ મનાતું બંધ થયું છે. રેલવેમાં ‘વખત જવા’ માટે પુસ્તકો અને પેપરો સાથે રહે છે, વખત મળશે ત્યારે વિચારવાને માટે રહેતાં નથી. પ્રાચીન સમયમાં કોઈ પણ ગ્રંથને ‘વિચારો’ એમ કહેવાતું તેને સ્થાને હવે ‘વાંચવો’ એટલું જ કહેવાય છે, નેતે અન્વર્થ છે કેમકે વિચાર્યા વિના વાંચી જવાય તેવા જ વાચનની આ સમયને ભૂખ છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે સર્વ કોઈ વાંચનારે તત્ત્વશાસ્ત્રઅને ગહન વિચારના ગ્રંથો જ વાંચવા અને વિચારવા. પરંતુ એવા વિષયોને એ રેલવેની મુસાફરીમાં લઈ જવાને અને વખત ગાળવાને સાથે રાખેલાં વાતો તથા નાટકો કે પેપરના આર્ટિકલોની પેઠે ઉપર ઉપરથી જોઈને જ હાથ કરી લેવાની આશા રાખવી, કે તે રીતે તે વિષયોને ચર્ચાયેલા જોવાની ઇચ્છા કરવી એ અતિશય અયોગ્ય અને હાનિકારક છે. ગહન વિષયોને એ રીતે ચર્ચી શકાતા નથી, અને એ રીતે ચર્ચવાથી તેમનું સંપૂર્ણ જ્ઞાન ન થતાં સમજનારને વિચાર કરવામાં ભૂલ થયા વિના રહેતી નથી. વાચનની જે જે પદ્ધતિ પડી ગઈ છે, કથા, વાર્તા, નાટક, ન્યુસપેપર એટલામાં જ વાચનનો વિસ્તાર આજકાલ આવી રહ્યો છે તેથી ગંભીર વિષયોની ચર્ચાનો અવકાશ જતો રહ્યો છે એટલું જ નહિ, પણ જે વિષયો રુચિકર વાચનમાં ગણાય છે તેમાં પણ તેના સ્વરૂપને અનુસરીને કે તેના તલસ્પર્શને અનુભવવાને કાંઈ લખાતું જણાતું નથી. ગંભીર વિષયોની ચર્ચાને અભાવે અને ગંભીર વિષયોનું વાચન અરુચિકર થવાને લીધે, તથા જે રુચિકર વાચન છે તેમાં પણ બહુ ઊંડાઈ ન હોવાને લીધે, વાચકોના જીવનમાંથી, વ્યાપારમાંથી, વિચારમાંથી, આચારમાંથી, ગાંભીર્ય અને વિવેક પ્રત્યક્ષ રીતે ન્યૂન થતાં જાય છે. આ જગતમાં અવતરીને મરવાની વચમાં જાણે ખાવા પીવા અને મોજમજા કરવા વિના બીજું કશું કર્તવ્ય જ ન હોય તેવી લઘુતા, ચંચલતા, વિકલતા આપણા વાચકોના અંગમાં વારંવાર જણાય છે; અને અભિમાન તથા સંકુચિત મન અને વિચાર સાથે સ્વચ્છંદિતા, ગંમત, મોજ, એ જ સર્વત્ર નિયામક થઈ ગયાં હોય એવું ખેદકારક ભાન વિચારવાનને થયા વિના રહેતું નથી. જીવન અને તેના ઉપયોગ અને નિર્વાહ તથા સ્વરૂપ વિષે ગંભીરતાથી વિચાર કરવો, તે વિચારને અનુસરી મહત્કાર્યોમાં પ્રવેશ કરવાનાં સાહસ, સ્વાર્પણ અને આગ્રહ પોતાના ચારિત્રમાં પ્રતિક્ષણે દર્શાવવાં, એ વાત જ જાણે આપણા વાચકોના લક્ષમાં ન હોય, ને કાર્યસિદ્ધિનો રહસ્યમાર્ગ ગંભીર વિચાર છે એનું જાણે વિસ્મરણ જ થઈ ગયું હોય, તેવું વર્તમાન સમયના વાચનની સ્થિતિથી જણાઈ આવે છે. આપણા દેશમાં જ આમ થયું છે એમ નથી; યુરોપ અને અમેરિકામાં પણ દેશની ઉન્નતિના સ્વરૂપને સમજનારા વિચારવાન પુરુષો આવા જ પ્રકારની ફરિયાદ કરે છે. વરાળયંત્ર, વીજળી અને ચુંબકની પાંખો ઉપર ઊડતા અને મહાલક્ષ્મીની પ્રતિમાના પ્રતાપમાં ઝંખવાઈ ગયેલા આ સમયને પોતાનાં અંતઃકરણ અને બુદ્ધિમાં પણ વરાળયંત્ર, વીજળી અને ચુંબકનાં સાધનોથી વિચારવાનો અને નિર્ણય કરવાનો પ્રકાર જોઈએ છે. આમ હોવાથી આજ તમને એવાં સ્ત્રીપુરુષો બહુ જડશે કે જેમણે ઘણાં શાસ્ત્રો, ઘણા ગ્રંથો, ઘણા વિચારોનાં મોઢાં, પૂછડાં, ગમે તે, પણ કાંઈક ને કાંઈક જાણ્યાં હોય, પણ એવાં જન તો અતિ વિરલ જડશે કે જેને કોઈ એક વિષયનું તેના મૂલથી પરિપાક પર્યંત સાંગોપાંગ યથાર્થ જ્ઞાન હોય. આથી કરીને આ સમયનું જીવન કેવલ એક રમત જેવું, નકામું, હલકું, અને સ્વાર્થી થઈ ગયું છે; જ્યાં જોઈએ ત્યાં રમત ગમતની મંડળીઓ, ક્લબો, સોસાયટીઓ છે; અને વિદ્યા કે જ્ઞાનના ગંભીર વિસ્તાર માટેનાં તેવાં સ્થાન અન્ય દેશોમાં ક્વચિત્ ક્વચિત્ દેખાય છે, તથાપિ આપણા ભરતખંડમાં તો એક પણ નથી એ અતિશય શોકજનક દશા છે. વિદ્યાવિનોદ, શાસ્ત્રચર્ચા, એ તો એક અનાદરનો વિષય છે, લોનટેનિસ, બિઝિક, ક્રિકેટ, ચાપાણી, જ્યાફતો અને વચમાં વચમાં નાટકોનાં ‘ગાયનો’ એ આજકાલના વિદ્યાના ઉપાસકોનો શોખ છે! પઠનપાઠનનો જે પ્રાચીન સંપ્રદાય હતો તેનો તો અત્યંત ઉચ્છેદ થયો છે. અને આજ એક શતકથી પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવથી આપણે વાંચતા અને લખતા થયા છતાં એક પણ શુદ્ધ પ્રતિભાવાળો (original) લેખ ઉપજાવી શક્યા નથી! આપણું વાચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે; માણસ કોની સાથે રહે છે ને શું વાંચે છે તે કહો એટલે તે કેવો છે એ કહી શકાશે એમ જે જ્ઞાનીએ કહ્યું છે તેણે સત્ય કહ્યું છે.
સ્વાધ્યાય