સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પ્રેમાનંદ
[અંગદ દેશના સુધાર્મિક નામે રાજાને પુત્ર આવ્યા પછી રાજાનો દુશ્મનોએ વધ કર્યો. રાણી સતી થઈ. કુંવરને એક દાસીએ કૌંતલ દેશમાં જઈ દળણાં-ખાંડણાં કરી ઉછેર્યો. ત્યાંના પ્રધાન ધૃષ્ટબુદ્ધિને ત્યાં એક વાર બ્રહ્મભોજન હતું. કુંવર ત્યાં જઈ ચડ્યો. એને પંગતમાંથી ઉઠાડી મૂકવામાં આવ્યો. ત્યારે ગાલવ ઋષિએ પ્રધાનને કહ્યું કે, ‘આ બાળક તારો જમાઈ થશે.’ એથી ક્રોધે ભરાઈ એણે એને મારી નાખવા ચંડાલોને સોંપ્યો. એની કાન્તિ જોઈ તથા મુખેથી ભગવાનનું નામ બોલાતું સાંભળી ચંડાલોને દયા આવી. તેમણે એની વધારાની ‘જમણા પગની છઠ્ઠી અંગુલિ કાપી’ અને ‘એક મૃગ વાટે મૂઓ હતો તેનાં લોચન કાઢી લીધાં.’ એ નિશાની મળતાં પ્રધાનને શાંતિ થઈ. પછી બાળક કુલિંદરાજના હાથમાં આવ્યો. ત્યાં મોટો થયો, યુવરાજ બન્યો અને દેશો જીત્યા. કુલિંદરાજ કૌંતલરાજને ખંડણી ભરતો તે કેમ એણે ભરી નથી, એમ રોષે ભરાઈને ધૃષ્ટબુદ્ધિએ ચડાઈ કરવા સેના તૈયાર કરી. ચારણોને પૂછતાં ખબર મળી કે, આ કુંવર - ચંદ્રહાસ રાજાને જંગલમાંથી મળ્યો હતો. આ જ પેલી ભિખારણનો પુત્ર, એમ મનમાં આવતાં પ્રધાનને ઝાળ ઊઠી. તે કુલિંદ ગયો. રાજાએ અને ચંદ્રહાસે એનું સામૈયું કર્યું એટલે પોતે સહેજ નરમ પડ્યો. પણ પછી ચંદ્રહાસનો ઘાટ ઘડવા એણે યુક્તિ શોધી કાઢી. રાજાને એણે કહ્યું કે, ‘મારા પુત્ર મદનને મારે તાબડતોબ એક ગુપ્ત સંદેશો કાગળમાં મોકલવો છે, પણ લઈ જાય એવો કોઈ માણસ નથી.’ પણ ‘વાટમાં વાંચે નહિ એવો સાધુ તમારો તન’ છે માટે તેને મોકલો. અહીં ત્રણ પ્રસંગ આપ્યા છે! (૧) ચાંડાલોએ ચંદ્રહાસને છોડી દીધો તે પછીનો, (૨) કૌંતલપુરના બગીચામાં થાકેલો ચંદ્રહાસ, પ્રધાનપુત્ર મદનને મળતા પહેલાં, સૂતો છે ને પ્રધાનની પુત્રી વિષયા એને જુએ છે તે, (૩) ઘડિયાં લગન લેવાય છે તે. (૧) પ્રકૃતિમાતાએ ચંદ્રહાસની કેવી રીતે રક્ષા કરી એનું વર્ણન કવિએ કેવું હૃદયસ્પર્શી આપ્યું છે!...... (૨) વિષયા ઘોડાને કેમ વિનવણી કરે છે, ઘરેણાંનો આવાજ ન થાય તે માટે કેવી ચાલે છે, કેવી રીતે ચંદ્રહાસને જુએ છે, કભાય (અંગરખા)ની કસે બાંધેલા કાગળમાં અક્ષર શી રીતે ઉમેરે છે, એ બધાં ચિત્રો કવિએ અજબ જાદુગીરીથી દોર્યાં છે, એ સહેજમાં દેખાઈ આવશે...(૩) ચંદ્રહાસને બાળાપણનું સ્થાન દેખતાં સ્મરણો તાજાં થાય છે, એ પ્રસંગ કરુણતાથી ભરેલો છે. છેલ્લે ગાલવ જોશીનું ચિત્ર આબેહૂબ છે.]