સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ'

From Ekatra Foundation
Revision as of 02:36, 2 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઝીણાભાઈ દેસાઈ–‘સ્નેહરશ્મિ’

[આ ત્રણે ગીતો એક જાતની ઊંડી વેદનાનાં છે. પહેલા ગીતમાં જીવનરૂપી નાવનું વર્ણન છે. એની શી દશા છે? સૂર્ય કે ચંદ્રનું કિરણ સરખું જોવા મળતું નથી. યુગયુગનો અંધકાર જાણે ખડકાયો (સંચિત) છે. આસપાસ કાળાં પાણી ઘૂઘવે છે. શુભ ભવિષ્યરૂપી અનુકૂળ પવન નથી. ઊલટું, ભૂતકાળનો ભાર (ઑથાર) ડુબાડી દે એટલું દબાણ કરે છે. દીવાદાંડી અરધી પાણીમાં છે અને તેની ઉપર પછડાઈને આશાના ચૂરેચૂરા થઈ જાય એ સ્થિતિ છે. આવા સંજોગોમાં જીવનનાવને તરીને પાર ઊતરવું લગભગ અસંભવિત છે. પણ ન ઊતરે તોયે શું? એવી શી મોટી ખોટ આવી જવાની હતી? એમાં ઓછાં જ હીરા-માણેક-મોતી કે સુવર્ણ છે? કવિ કહે છે : ના, એવું કશું જ નથી. છે માત્ર ભાંગેલાં સ્વપ્નાંના ખંડખંડ થઈ ગયેલા ટુકડા. એને તે તારીને કોણ પાર ઊતારે? આમ અગાધ વેદનાનું આ ગીત છે. વેદના કવિતા દ્વારા ગાવામાં આવતાં મધુર બની જતી લાગે છે? એ પ્રશ્ન નિરાંતે કોક વાર વિચારવા જેવો છે. બીજા ગીતનો ઉપાડ આપણાં મામેરાનાં ગીતોમાંના એકના ઉપાડની યાદ આપે છે. બહેન વિરાની વાટ જુએ છે. મામેરાનો વખત થયો છે. ઝાડ ઉપર ચડીને જુએ છે, શેરી આખી ઊતરી પડીને સામી જઈને જોવા કરે છે, બેડું લઈ પાણી ભરવાને બહાને કૂવે જઈને દૂર દૂર નજર નાખે છે, કે ભાઈ આવતો જણાય છે? ત્યાં એને વહેલના બળદના ઘૂઘરાનો અવાજ સંભળાય છે ને ધૂળ ઊડતી દેખાય છે. ગીતનો ઉપાડ છે :

હું તો ચંપો ચડું ને શેરી ઊતરું રે.

‘ડુંગર ચડું ને—‘માં કોઈ અત્યંત મોંઘી અને હાથમાં આવતી આવતી ને છટકી જતી ભાવના માટેનો તલસાટ વર્ણવ્યો છે. મામેરાના ગીતની પેઠે ‘સુખી છેવટ’ નથી, પણ ભાવનાના ઉદયને માટે વાટ જોયાં જ કરવી એમાં પણ સુખ છે એમ એ વાટ જોનારાઓ તો કહેવાના. ત્રીજું ગીત જીવનની છેલ્લા પ્રયાણની – મૃત્યુની – ‘ઘડીનું, પરંતુ આનંદભર્યું છે. મૃત્યુ પામેલા પ્રિયજનને જીવંત રહેલ વ્યક્તિ વિદાય આપતાં આપતાં તેના રસ્તાનું બયાન આપે છે, અને છેવટે બંનેના રસ્તા જુદા પડતાં અહીંની આપણી કંગાલ (દીન) ભોમ તરફ આખરી દૃષ્ટિ ફેંકવા વીનવે છે. એનાં સ્વાગત તો વિરાટ સાગરને સામે કિનારે આવેલા ઘાટ (ઉપર રહેલા દેવદૂતો, સ્વર્ગવાસીઓ, વગેરે) ગાશે એમ કહે છે અને છેવટની વિદાય લઈ પાછાં પગલાં ભરતાં સૌને દિલાસો આપે છે કે, ‘દુનિયાનાં કોઈ સ્વજનો રોશો મા. હે દિશાઓ, હે પ્રકૃતિમાતા, તમે પણ શોક ન કરશો. મૃત્યુની આ પ્રયાણ-ઘડી શોક કરવા જેવી નથી, અભિરામ-સુંદર છે.’]