સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દી. બ. અંબાલાલ સાકરલાલ

From Ekatra Foundation
Revision as of 01:59, 5 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દી. બ. અંબાલાલ સાકરલાલ

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

દી. બ. અંબાલાલ સાકરલાલના સ્વર્ગવાસથી ગુજરાતને પડેલી ખોટ એ આપણા પ્રાન્તમાં ગયા માસનો મોટામાં મોટો શોકજનક વૃત્તાન્ત છે. ચાર માસ ઉપર ‘વસન્ત’ પત્ર માટે મેં દીવાન બહાદુરની મુલાકાત લીધી તે વખતે મને જરા ખ્યાલ ન હતો કે આ મહાન પુરુષના મહાન વિચારો અત્યારે છેલછેલ્લા જ ગુજરાત સમક્ષ પ્રકટ થાય છે! દીવાન બહાદુરનું શરીર નાનપણથી જ રોગગ્રસ્ત હતું, છતાં તે એમણે એવી અસાધારણ કાળજીથી અને કેળવણીથી – એક દેહાત્મવાદી તરીકે નહિ, પણ દેહ તે આત્માના સંકલ્પને કાર્યરૂપે પરિણત કરવાનું આવશ્યક સાધન છે એવી ચોખ્ખી સમજણપૂર્વક અને દૃઢ સંકલ્પથી — જાળવ્યું હતું, કે ૭૦ વર્ષની વયે પણ એ એકદમ લુપ્ત થઈ જશે એમ બે માસ ઉપર કોઈના ધારવામાં ન હતું. ચોખ્ખી સમજણ અને દૃઢ સંકલ્પ — આ બે સહજ સૂઝી આવેલાં વિશેષણોમાં દીવાન બહાદુરના માનસિક બંધારણનું સંપૂર્ણ તત્ત્વ સમાયેલું છે. એ વિશેષણો ગુપ્ત કૂંચીની માફક શોધવાં પડે એમ નથી – ઝગઝગતા સુવર્ણમય ધ્વજલેખની પેઠે એમના જીવન ઉપર એ ફરકે છે, અને ‘રસ્તે દોડતાં દોડતાં પણ વંચાય એવાં’ છે. મનુષ્યજીવન — વ્યક્તિનું તેમ જ પ્રજાનું—એ કાલપ્રવાહમાં તણાતું નિર્માલ્ય તૃણ નથી, પણ દીર્ઘદૃષ્ટિ અને પ્રબળ પ્રયાસ થકી ઉદ્દિષ્ટ સ્થાને પહોંચાડવાની અમૂલ્ય નૌકા છે; જીવનસંબન્ધી આ સાચી સમજણ દીવાન બહાદુરની રગેરગમાં વ્યાપેલી હતી, અને એ સમજણને અંગે એ જે જે નિર્ણયો અને સંકલ્પો કરતા તે સર્વ ઉપર સ્વતંત્ર, અનુભવી અને ઠરેલ બુદ્ધિની, ઉત્સાહ, ધૈર્ય અને અડગ નિશ્ચયની, તેમ જ સ્વદેશાભિમાન અને સ્વદેશભક્તિની, સ્પષ્ટ છાપ લાગેલી હતી. એમના જેવા ઉચ્ચ પૌરુષના અને પ્રભાવશાલી બુદ્ધિના ગુણો અત્યારે વર્તમાન ગુજરાતમાં નથી; એ સ્વદેશાભિમાન અને સ્વદેશભક્તિની ઝલક પણ બીજી કયી મુખમુદ્રામાં જોશો? કૉલેજમાં મળતી ઉચ્ચ કેળવણીના બુદ્ધિના પ્રદેશમાં જે બે મુખ્ય પ્રયોજન – એક બુદ્ધિને વ્યવસ્થિત કરવાનું, અને બીજું દેશસેવામાં પ્રવૃત્ત થવા માટે જોઈતી બુદ્ધિની સામગ્રી પૂરી પાડવાનું —એ બંને દીવાન બહાદુરે બહુ ઉત્તમ રીતે સિદ્ધ કર્યાં હતાં. વ્યવસ્થિત કરેલી બુદ્ધિને પરિણામે એ જે જે વિષય હાથ ધરતા તે તે સંપૂર્ણ રીતે હાથ કરી લેતા; અને દેશસેવા જ્યાં જણાતી — કૉન્ગ્રેસના પ્લૅટફૉર્મ ઉપર કે મજૂરની રાત્રિશાળામાં — ત્યાં તે પૂર્ણ ઉત્સાહથી બજાવતા. અંગ્રેજી અને સંસ્કૃત લઈ એમ. એ. ની પરીક્ષા ફર્સ્ટ કલાસમાં પાસ કરનાર વિદ્યાર્થીઓમાં દીવાન બહાદુર — યુનિવર્સિટી સ્થપાઈ ત્યારથી તે આજ સુધીમાં – એકલા જ છે.[1] એવી અદ્વિતીય બુદ્ધિની સંપત્તિવાળા પુરુષે પોતે ધાર્યું હોત તો મુંબઈ જેવી નગરીમાં રહી બહુ તેજસ્વી કીર્તિ પ્રાપ્ત કરી હોત. પણ કીર્તિરૂપી વીજળીના પ્રકાશમાં ઝગમગતા ઊભા રહેવાની સ્પૃહા દીવાન બહાદુરના માનસિક બંધારણમાં બિલકુલ ન હતી. ખરી કેળવણી મેળવવી, ઉત્તમ નૈતિક ગુણોને દૃઢતાથી વળગવું, અને ઉભય વડે દેશની સેવા કરવી — એ સિવાય જીવનની ઉચ્ચતાનું બીજું કોઈ પણ ધોરણ એમની દૃષ્ટિમાં ન હતું, અને તેથી એલએલ. બી. થઈને વ્યવહારમાં પડવાનો વખત આવ્યો ત્યારે મુંબઈમાં કીર્તિની ટોચે ચડવાનો લોભ ન કરતાં, પોતાની સ્થિતિને અધીન થઈ કેળવણીખાતામાં પોતે ખુશીથી જોડાયા, અને એ ખાતામાં એમણે અસાધારણ યશ પ્રાપ્ત કર્યો. તે જ પ્રમાણે જ્યારે કેળવણીખાતું છોડવાનો અણધાર્યો પ્રસંગ ઊપજ્યો ત્યારે પણ મુંબઈની જાહોજલાલીથી ન મોહાતાં,[2] એક દેશી રાજ્યનું ન્યાયખાતું, જેમાં તે વખતે લોકસેવાનો પુષ્કળ અવકાશ હતો તેમાં, જોડાવાનું એમણે પસંદ કર્યું. આ પસંદગી એમના માનસિક બંધારણ ઉપર બહુ બોધકારક પ્રકાશ નાખે છે. કાશીનાથ ત્ર્યંબક તેલંગને યુનિવર્સિટીની પરીક્ષામાં પાછળ મૂકવાના કરતાં પણ આમાં અધિક પૌરુષ – બુદ્ધિ કરતાં નીતિનું – આત્મસંયમનું પૌરુષ જેટલું અધિક છે તેટલું સમાયેલું હતું. સાદી દેશસેવાને અંગે અહંભાવને ભૂલી જેવો એ જેવો તેવો માનસિક ગુણ નથી. દેશની સેવા અને કર્તવ્યનું આચરણ કીર્તિના ઝગમગતા પ્રકાશમાં જ થઈ શકે છે એમ નથી. સેવા અને કર્તવ્યને અવકાશ સઘળે સ્થળે છે, અંગ્રેજી રાજ્યમાં નથી તેટલો દેશી રાજ્યમાં છે. આ ખરી દૃષ્ટિ એમના જીવનમાં કદી મીંચાઈ ન હતી. વિશાળ અનુભવપૂર્વક એ હમેશાં કહેતા કે હિંદુસ્તાનને ઉદ્ધાર શહેરોનાં ચોગાનમાં નહિ પણ ગામડાંની ગલીઓમાં છે. અને તેથી કૉંગ્રેસના પ્લૅટફૉર્મ ઉપર ઊભા રહેવામાં એમને જેટલો આનંદ આવતો નહિ, તેટલો એક મજૂર વર્ગના લત્તામાં જઈ રાત્રિશાળા ઉઘાડવામાં, અને તેમાં જાતે દેખરેખ રાખવામાં આવતો. દીવાન બહાદુરે ગુજરાતને કરેલી નાની મોટી સર્વ સેવાઓમાં કેળવણીના વિષયમાં કરેલી સેવા કદી પણ વીસરાશે નહિ. એમના શિષ્યો એક અવાજે એમની શિક્ષણપદ્ધતિની જેવી પ્રશંસા કરે છે તેવી પ્રશંસા કેળવણીના ક્ષેત્રમાં, બલ્કે દેશસેવાના કોઈ પણ ક્ષેત્રમાં, કોઈની થયેલી સંભળાતી નથી. શિક્ષણપદ્ધતિ સંબંધી આજકાલ નવી નવી શોધો થાય છે, અને એનું જ્ઞાન આપવા માટે ટ્રેનિંગ કૉલેજોમાં વિવિધ પ્રયત્નો આદર્યા છે — એના શુભ ઉદ્દેશ પરત્વે કે વ્યવહારુ આવશ્યકતા પરત્વે કાંઈ જ વાંધો લેવા જેવું નથી – પણ એક તરફ એ સર્વ પ્રયત્નોને અને બીજી તરફ દીવાન બહાદુર જેવા શિક્ષકને મૂકીને બેનું તોલ કરીએ છીએ ત્યારે એટલું દેખાઈ આવ્યા વિના રહેતું નથી કે, આખરે પદ્ધતિ કરતાં મનુષ્ય અધિક છે. દીવાન બહાદુરની કેળવણીના વિષય ઉપર મમતા અસાધારણ હતી, અને જીવનના અવસાનના સમયમાં પણ એમણે પોતાનું સઘળું બળ — એક યુવકના જેટલા ઉત્સાહથી – ગુજરાતમાં કેળવણીની એક ભગીરથ સંસ્થાનો પાયો નાખવામાં વાપર્યું હતું. આ સંસ્થા –‘ગુજરાત કેળવણી મંડળી’ના[3] ઉદ્દેશ ‘વસંત’ પત્રમાં અનેકવાર જાહેર થયા છે, એટલે એ સંબંધી આ સ્થળે કાંઈ કહેવાનું નથી. પરંતુ દીવાન બહાદુર પ્રત્યે ભાનની દૃષ્ટિ ધરાવનાર દરેક સજ્જનની ફરજ છે કે એ સંસ્થાને આગળ વધારવી, અને પોતાની આસપાસના જીવનમાં એના ઉદ્દેશ યથાશક્તિ અમલમાં લાવવા. આ જ ગુજરાતના એ મહાન પુરુષનું ઉત્તમ સ્મારક છે.

સાહિત્યવિચાર’માંથી


  1. * દીવાન બહાદુર ગુજરાતીઓમાં સૌથી પહેલા ગ્રૅજ્યુએટ છે એમ કેટલાંક પત્રોમાં કહેવામાં આવ્યું છે એ ભૂલ છે. ગુજરાતી હિન્દુઓમાં પહેલા ગ્રૅજ્યુએટ સુરતના વણિક ગૃહસ્થ રા. રા. નગીનદાસ તુલસીદાસ મારફતિયા છે.
  2. મુંબઈમાં રહી તેલંગ, ફિરોઝશાહ વગેરે ગૃહસ્થોએ દેશની જે અતુલ સેવા કરી છે તેને હું નીચે પાડવા માગતો નથી. પણ મુંબઈની બહાર સામાન્ય દેશનો સેવા માટેનો હક સ્મરણમાં રાખનાર થોડા છે તેથી આ લખવું થાય છે.
  3. * એ સંસ્થાના ઉદેશ–ઉદ્દેશપત્રિકામાં જણાવ્યા પ્રમાણે તો - બહુ વિશાળ છે, પરંતુ જેમને એમની સાથે આ વિષયમાં વાતચીત કરવાનો પ્રસંગ આવ્યો હશે એ સારી રીતે જાણે છે કે એ સંસ્થામાં એમને પોતાનો ઉદ્દેશ માતૃભાષા દ્વારા સામાન્ય લોકને વ્યવહારુ કેળવણી આપવાનો હતો. મોટા ટાઈપમાં મૂકેલા ત્રણે શબ્દો બહુ મહત્ત્વના છે. મૂળથી જ દીવાન બહાદુરનો માતૃભાષા દ્વારા કેળવણી આપવા ઉપર બહુ આગ્રહ હતો. એ મતલબની એમણે ૧૮૮૨ના સર વિલિયમ હંટરના એજ્યુકેશન કમિશન આગળ જુબાની આપી હતી. બીજું, ઉચ્ચ વર્ગનું શિક્ષણ ગમે તેટલું વધારો પણ સામાન્ય લોકમાં જ્યાં સુધી કેળવણી પ્રસરી નથી ત્યાં સુધી હિન્દુસ્તાન નવા જીવનમાં પ્રવેશ કરવાનું નથી, એવી એમની દૃઢ સમજણ હોઈ એમણે ઑ. મિ. ગોખલેની દરખાસ્તને બહુ લાગણીથી વધાવી હતી. ત્રીજું, સામાન્ય પ્રજાને અત્યારે શાળામાં જે શિક્ષણ અપાય છે તેવા – બુદ્ધિની કેળવણી રૂપ- શિક્ષણ કરતાં સંસારવ્યવહારમાં ઉપયોગી થાય તેવા શિક્ષણની વધારે જરૂર છે, અને આ જાતનું શિક્ષણ આપવાની ખાનગી શાળાઓ થાય તો સરકાર તરફથી અપાતા શિક્ષણની ખામી પૂરી પડે અને પ્રજાનો ઘણો ભાગ આ વ્યવહારોપયોગી શિક્ષણનો લાભ લે; અત્યારે રાષ્ટ્રીય કેળવણીનો મોટામાં મોટો પ્રશ્ન તે ગરીબ મજૂર, ખેડૂત, કારીગર અને વેપારી વર્ગને – એમને ઉપયાગી થાય એ જાતની કેળવણી આપવાનો છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

સ્વાધ્યાય

૧. ‘હૃદયનો હક્ક’ એટલે?
૨. મૃત્યુ વિષે આચાર્ય ધ્રુવના વિચાર દર્શાવો.
૩. ‘ઘરદીવડાં’થી તમે શું સમજ્યા?
૪. અંબાલાલભાઈનો પરિચય આપો.
૫. ‘હિંદુસ્તાનનો ઉદ્ધાર શહેરોનાં ચોગાનમાં નહિ પણ ગામડાંની ગલીઓમાં છે.’ સમજાવો.
૬. કેળવણી વિષે અંબાલાલભાઈના વિચાર સમજાવો. આ જમાનાના વિચારો જોડે તેની તુલના કરો.