સાહિત્ય પલ્લવ – ભાગ ૨/હૃદયનો હક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હૃદયનો હક

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

વિશ્વની દૃષ્ટિએ જોતાં આ વિશાળ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિનું મરણ હિસાબમાં ગણવા જેવી વસ્તુ નથી : કેમ કે પ્રતિક્ષણ આ વિશ્વરૂપી ગહન વનમાં અસંખ્ય પાંદડાં ખરે છે, અને અસંખ્ય નવાં જન્મે છે. ‘तत्र को मोहः कः शोकः ।’ પણ વિરુદ્ધ મનુષ્યને પોતાના હૃદયના હક પણ રજૂ કરવાનો અધિકાર છે. એ રીતે જોતાં ‘હું’ અને ‘મારું’ પણ અવગણવા જેવા પદાર્થો નથી, બલકે એની સ્વાભાવિકતાથી એ દૃષ્ટિ મનુષ્યને અધિક હૃદયંગમ અને રુચિકર થાય છે. ભલે એ દૃષ્ટિ મનુષ્યની ઊંચી ભાવના સાથે અસંગત હોઈ વસ્તુત : અયથાર્થ ગણાય, પણ મનુષ્યની સાધારણ મનુષ્યતા તો એમાં જ રહેલી છે એમ કહેવામાં ખોટું નથી. આમ હોઈ મનુષ્ય એના નિકટનાં સંબન્ધીઓ - ‘ઘરદીવડાંઓ,’ વા મનુષ્યજાતિના મહાન જ્યોતિઓ આ લોક છોડી ચાલ્યા જાય છે ત્યારે પોતાના સંબન્ધ પ્રમાણે વા એ જ્યોતિના તેજ પ્રમાણે એક વા અનેક શોક અને ખેદના ઉદ્ગાર તો કરે છે જ. સમગ્ર મનુષ્યજાતિને ખળભળાવે એવાં મરણ તો થોડાં જ થાય, કારણ કે એ કોટિના મહાન પુરુષો થોડા જ હોય. પણ સામાન્ય જનતાથી અધિક એવા નાના મોટા જનોનાં મરણ એમના પોતાના પ્રદેશમાં તો મહત્ત્વનાં જ ગણાવાં જોઈએ.