સાહિત્યિક સંરસન — ૪/ભૂખ

From Ekatra Foundation
Revision as of 18:16, 5 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
10. ભૂખ

પ્રિયંકા જોષી

Priyanka Joshi 1.jpg

ઓલ સેટ! આમ તો તું આવામાં હાથ નાખે એવો છે નહીં પણ, વખત જ કેવો આવ્યો છે! પછી ભલા માણસ, કોઈ કરે તો શું કરે? માણસે જીવતા રહેવું હોય તો ભૂખ ભાંગવી કે નહીં? એકલવાયો જીવ હોવા છતાં તારે જાતે ચૂલો પેટાવવાનો વારો આવતો નથી! કે કોઈ દિ’ ભૂખ્યા કે રે’વાનો વારોય નથી આવ્યો. ખરો નસીબદાર છો હોં! ઓલું શું કયે છે! કીડીને કણ અને હાથીને મણ. આમ તો ઘરની બહાર નીકળીએ એટલે મોંઘીદાટ હોટલથી માંડીને પાણીપૂરીની લારી સુધી બધ્ધીયે બધ્ધી આપણી રાહ જોઈને ઊભી હોય. હોવી જોઈએ ભૂખ અને ખિસ્સાંમાં ખનખનીયા. બરાબર ને! ઇ મને ખબર છે કે તને આમ બજારુ વાનગીઓમાં બહુ રસ નથી. ઇ બધુ તબિયત બગાડે. વળી ક્યાંક કોઈ રોગ લાગુ પડી જાય તો લેવાના દેવા થઈ જાય, એનુંય જોખમ તો રયે ને! એટલે તો તેં હમેશાં ઘરેલુ ભોજન જ પસંદ કરેલું. એમાં ખાસ ખર્ચોય નહીં. તું ઓછો તો નથી જ. .. પણ, સાલો વખત જ એવો આવ્યો કે તુંય સબળ ડબ્બે પુરાનો છો. એટલે આ બધુંય નકામું. આ બારીમાંથી દેખાતા ચાર રસ્તા આટલા સૂમસામ અડધી રાતેય જોયા નથી. અને અત્યારે! ધોળા દહાડે સોંપો પડેલો છે. આજકાલ કરતાં આ શહેરમાં આવ્યા એને પંદર વરસ થઈ ગયાં. યાદ છે ને, નોકરી મળી અને અહીંનો ઓર્ડર આવ્યો ત્યારે મમ્મી કેવી ચિંતા કરતી’તી. ક્યે ભઈ, હવે પરણી જા. પણ તું જબરો. પાછો પૂછે છે કે કેમ? કેમ શું વળી, રાંધવા-ખાવાની તકલીફ નો પડે એટલે. બિચારી ભોળી મા. એ બિચારીને ક્યાં ખબર છે કે તું ભણતો’તો ત્યારેય તને તો એવી કોઈ તકલીફ પડી નથી. કોલેજમાં આરતી કેવી શ્રદ્ધાથી ખાણું લઈ આવતી? એક મિનિટ, આરતી કે શ્રદ્ધા? નામ બરાબર યાદ નથી આવતું... પણ જવા દો. સ્વાદ તો યાદ છે ને. ક્યારેક હોસ્ટેલમાં, ક્યારેક લાઇબ્રેરીમાં, ક્યારેક વળી એનાં ઘરે.. દૂધીનું શાક અને ઘીથી લસપસતી ખિચડી, આહા! નરમ-નરમ, પોચી-પોચી. ન વધારે ગરમ, ન સાવ ઠંડી. ન વધારે મસાલેદાર, ન સાવ ફિક્કી. રોટલી જેવું ગોળ હસતું મોઢું ને નાની-નાની ફૂલકા જેવી હથેળીઓથી જમાડતી જાય. તું તારે ટેસથી ખાધે જાય. મસ્ત કામ ચાલતું’તું આપણું. આમને આમ કોઈ ખટપટ વિના કોલેજનાં વરસો ક્યાં પૂરાં થઈ ગયાં એની ખબરેય ન પડી. છેલ્લા દિવસે દાળમાં જરા મીઠું વધારે પડી ગયેલું. ઠીક છે ચાલ્યા કરે હવે. કોલેજકાળના સંબંધોને કોણ સીરિયસલી લેતું હશે! એને પણ સમજવું જોઈએ ને! એમાં આપણે શું કરીએ! છોડો... બાજુના બ્લોકના રસોડાની બારીમાંથી મસ્ત સુગંધ આવે છે. છમકારા સંભળાયા? લે જરા નજર તો નાખીએ, જોઈએ તો ખરા કે અંદર શું રંધાઈ રહ્યું છે? સાલા’વ, બધાયને સારું-સારું રાંધીને એકલા એકલા પેટ ભરી લેવું છે. અમારે ખાલી તમારા ચટાકારા ને સિસકારા સંભાળવાના! અમારા જેવા એકાકી જીવને કોઈ પૂછો તો ખરા! ક્યારના ટળવળીએ છીએ, તમને ખબર છે કંઈ, હેં! ઓફિસ ચાલુ હતી એનુંય સુખ હતું, હવે તો આ રજાઓથી કંટાળ્યો. ઓફિસમાં નીલા હતી ત્યાં સુધી કોઈ દિવસ આમ ભૂખે ટળવળવાનો વારો આવ્યો નથી. હાજર થયો એનાં બીજા જ દિવસે એણે કહી દીધેલું કે દેસાઈ, મને ખબર છે કે તમારે ઘેર કોઈ નથી, તે હુંય એકલી છું, એટલે આજથી તમારે મારી ભેળા જમવાનું છે. સમજી ગયાં ને! હવે કોઈ આ રીતે સમજાવે તો મજાલ છે કોઇની, કે ન સમજે! તે તું’ય સમજી ગયો’તો. પણ શું થાય, અત્યારે તો બિચારી નીલાડીય એકલી રાંધી-ખાતી હશે! પણ સમતાભાભીના હાથનો સ્વાદ એટલે આહાહા.. પચીસ-પચાસ ટિફિન બનાવે પણ સ્વાદમાં એક ટકોય ફરક પડે તો નામ બદલી નાખો. શનિ-રવિ તો આપણા ધામા ત્યાં જ હોય. યાદ છે ને! ઘરે ટિફિન મોકલવાની એમણે ધરાર ના પાડી દીધેલી. “હાય, હાય, બીજે બારણે રે’તા હોવ ને ટિફિન મોકલાતું હશે! તમારે તો ઘરે જ આવી જવાનું જમવા. આવો તો બે મીઠી વાત થાય. બોલો, આવશો ને?”, છાતી પર હાથ મુકાવીને એમણે તો રીતસર સમ દીધેલા. વાત તો સાચી હતી. તું રહ્યો અઠંગ બોલ બચ્ચન. મીઠું-મીઠું બોલવામાં તને કોઈ ન પહોંચે. સરસ્વતી દેવીની કૃપાથી જ કેટલાંયને રીઝવી શક્યો છે, કેટલાંયથી છટકી શક્યો છે, અને અટક્યા વિના આગળ વધી શક્યો છે. ચિંતા ન કર, સમાજ તારા જેવા ‘સોફેસ્ટીકેટેડ’ લોકો માટે કંઇક વધારે પડતો જ ઉદાર છે. સાચું કે નહિ? પણ એ ઉદારતાને હાલ કરવાનું શું? સાલો શું વખત જ એવો આવ્યો ને! શું કરીએ! આખેઆખા દિવસ કશું બોલ્યા વિના પસાર થઈ જાય છે. તું ને હું મનોમન વાતો કર્યા કરીએ. ખુદને જ મનાવવાનું ને ખુદથી જ રીસાવાનું ને એમ કરતાં પોતાનાથી જ કંટાળવાનું. મોંમાંથી શબ્દ બહાર પડે તો જાણે બારીમાંથી કોઈએ પથરો ફેંક્યો હોય એવું લાગે છે. પણ હજી આપણી ‘આશા’નો ઉદય કેમ નથી થયો? આ ઘડિયાળનેય તાવ આવ્યો છે કે શું? કાંટો બે અને ત્રણ વચ્ચે જાણે કોરન્ટીન થઈ ગયો એમ બહાર જ નથી નીકળતો. બેસ હવે શાંતિથી. આ બપોરથી બારીથી સોફા, સોફાથી રસોડું, રસોડાથી બારીનાં ચક્કર મારી-મારીને તું થાક્યો. કાલે પાક્કું તો કરી દીધું છે. પછી શું ઉધામા કરે છે. ગરજ કંઈ તારે એકલાને થોડી છે! આવશે એ તો નીચી મુંડીએ. જેમ ગઈકાલે જિગરભાઈને ઘરેથી નીકળતી જોઈ’તી એમ જ. જિગરભાઈ પણ જબરા છે. ભાભી હોસ્પિટલ ગયાં એટલે કામ કરવા આને બોલાવી લીધી! કાલે એને સરખી જોઈ ન જોઈ, એટલામાં તો એ નીકળી ગઈ. આમ તો સારા ઘરની લાગતી’તી. એવી તો નથી લાગતી. જોઈ છે ને એવીઓને. રસ્તા પર પથારા પાથરીને, ટોપલા લઈને કે ઠેલા લઈને ઊભી હોય. એ તો તરત પરખાઈ જાય. ધોળેલા મોંઢાથી, લાલ-લાલ લપેડાથી ને ગુલાબ કે મોગરાના તેજ અત્તર ને... જુવાન, આધેડ... લોકોને પણ કેવાં-કેવાં શોખ હોય છે, નહીં? એ બધાંના રંગેલા મેલા નખ, ધૂળવાળા પગ જોઈને ભૂખ જ મરી જાય, એક મિનિટ પણ ત્યાં ન ઊભા રહેવાય ને! આ ડોરબેલ વાગી પણ તું હડી કાઢતો નહિ, શાંતિ રાખજે. બીજીવાર વાગે એ પહેલાં ખોલતો નહીં. જિગરભાઈએ એને સારી રીતે સમજાવી દીધું હોય તો સારું. નકામી માથાકૂટ મટે. “આવો.”, આમ બાઘાની જેમ ઊભો શું છે? એની સાડીનો ઝેરી લીલો કલર તને ચડી ગયો કે શું? આઘો ખસે તો ઇ અંદર આવે ને! “ઘર શોધવામાં મુશ્કેલી તો નથી પડી ને?”, અલ્યા, બુદ્ધિના બારદાન, હજુ કાલે તો આ જ બ્લોકમાં આવી’તી. શાંતિ... શાંતિ...શાંતિ; ઊંડા શ્વાસ લે. હવે અંદર આવી ગઈ છે તો પાછળ બારણું કોણ બંધ કરશે, તારો બાપ! સાઈડ ટેબલ પર ચોકલેટનાં રેપર, સેન્ટર ટેબલ પર પિત્ઝાનાં ખોખાં અને રસોડાના પ્લેટફોર્મ પર આઈસક્રીમના ડબ્બા... ચારેબાજુ ઉકરડો કરી મૂક્યો છે. શરમ આવે છે! નહિ શરમાવાનું, એ બહાને તો એને બોલાવી છે, ભૂલી ગયો! “જિગરભાઈને મેં કહેલું કે તમને મોકલે. જરા સફાઈનું કામ, આઈ મીન, હાઉસ-કીપિંગ કરી આપે. ઘરમાં હું એકલો છું, એકલો રહું છું ને, યુ નો.” સારું કર્યું વળી આજે તેં નાહીને આ નવું સફેદ ટી-શર્ટ ચઢાવી લીધું. આદિમાનવમાંથી આજે કંઈક માનવ જેવો લાગે છે. આમ પણ ચોખ્ખાં કપડાં બચ્યાં છે જ કેટલાં? મેલાં કરીને જ્યાં-ત્યાં નાંખ્યા છે. ઠીક છે, જવા દે એ બધું. પણ કોઈ માણસ ઘરમાં આવે તો એને કમ સે કમ તું તો જોવાલાયક લાગવો જોઈએ, હેં ને! વાહ! આટઆટલા દિવસો પછી આ ઘરમાં એક જુવાન કાયા ફરતી જોવામાં બહુ સારું લાગે છે હોં! કચરો ઉપાડતીય કેવી રૂપાળી લાગે છે! શું લાગે છે? કેટલી ઉંમર હશે? ત્રીસ, બત્રીસ, પાંત્રીસ? તેના ઝપાટાબંધ કામ કરતા અનુભવી હાથની મજબૂતી તો પાંત્રીસની લાગે છે, નમણાશ ત્રીસની. ૩૮-૩૦-૩૮, બધ્ધેથી બે-બે ઇંચ વધારે, જાણે ભરેલી શિંગ. હા, ભાઈ હા એ જ અવર ગ્લાસ ફિગર. “કામ પતી જાય પછી આરામ કરજો.”, એને રૂમ તો બતાવ. “અહીં, હું અહીં આ રૂમમાં જ છું.” “મારે ત્રણ કલાકમાં નીકળવું છે.”, કેમ વળી બીજે પણ જવાની છે, એક દિવસમાં કેટલી જગ્યાએ જાતી હશે! ઓહો, લાગે છે તો સીધીસાદી, પણ છે પહોંચેલી માયા. એને ચોખ્ખેચોખ્ખું કહી દે જે બધુંય કામ પતાવીને જવું પડશે એ વગર પૈસા નહિ મળે. બધ્ધું એટલે બધ્ધું. બોલ ને, મોઢામાં મગ ભર્યા છે? “કંઈ વાંધો નહિ લાવો હું તમને મદદ કરું. કામ જલદી પતી જશે ને આપણને વધુ ટાઈમ મળશે. મ્યુઝિક સાંભળીશું?” સાચું કહું આ મ્યુઝિકવાળો તારો દર વખતનો આઈડિયા ખોટો નથી પણ આ વાસણની ખખડ-ભખડ વચ્ચે! પણ સંગીતનાં લયમાં તેનું હિલોળતું શરીર જોવાનીય મજા છે. માન ગયે બોસ! પણ જો કઈ દવ છું, હવે વધુ ટાઇમ નો બગાડતો. “કામ પતી ગયું હોય તો તમે જરા નાહીને ફ્રેશ થઇ જાઓ”, આ માણસમાં અક્કલ જ નથી. હે મૂર્ખ પ્રાણી, તું નથી જાણતો કે પદ્મિની સ્ત્રીના પરસેવામાંથી પણ અત્તર ઝરે છે! “સર, મારે ખરેખર મોડું થશે. મારે...” “ટેક અ ક્વિક શાવર.” “સારું.” તું ને તારા ચોખલિયાવેડા. એ બિચારી ગભરાતી હશે. એનો ઘરવાળો આવી ગયો ને એને ખબર પડી ગઈ તો! આ ફેન્ટસી કરવા જેવી છે, હોં. તમે બંને આમ પથારીમાં પડ્યાં હોવ અને એનો વર આવી જાય. તમે બંને પલંગ નીચે ભરાઈ જાઓ. એ બિચારો બારણું ઠોક્યા કરે અને તું.... લો, આવી ગયાં સદ્યસ્નાતા દેવી, હવે આવાહન કરો. “પ્લીસ કમ. બી કમ્ફર્ટેબલ. તમે શાંત હશો તો તમને પણ મજા આવશે.” ડફોળ હવે જલદી કર, તારે એણે મજા નથી કરાવવાની. જિગરભાઈ સાથે કેટલાંમાં વાત પાક્કી થઇ’તી, વસૂલ થવા જોઈએ બરાબર. લે, આણે તો તને જ ઉપર ખેંચી લીધો તરત. ભારે ઉતાવળી હોં. શું કહેવાય! બોલ્ડ, બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ! તું જ ખાલી-ખોટી ચાગલાઈ કરસ. સારું, સારું હવે હું મારું મોઢું બંધ રાખીશ અને આંખો ખુલ્લી. “સર, જરા જલદી.” “રીલેક્સ. ના, તમે નહિ. હું કરું છું. લેટ મી ડુ ઈટ લેટ મી અનડ્રેસ યુ.” “હા.. હા..” “યુ લુક અમેઝિંગ. તમે હાથ લઇ લો. યુ સ્મેલ લાઇક .... લાઇક કાર્ડમોમ. લેટ મી ટેસ્ટ યુ ....લેટ મી અનબટન ધિસ... ઓહ, વોટ ધ ....” અલ્યા શું થયું, આ ક્યાં દોડી! ટાઇમ અપ થઇ ગ્યો. હું થ્યું વળી? અરરરર ....આ શું, તારા કપડાં, ચાદર બધું બગાડ્યું. આમ તો સતી-સાવિત્રી લાગતી’તી. ધાવણા છોકરાને મૂકીને આવી’તી! શરમાણીય નઈ? હાલો ત્યારે બીજું શું! જય જગન્નાથ. “ચૂપ મર.”

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

પ્રેમ કરવાની કે જાતીય સુખ મેળવવાની તક હોય પણ આવડત વિનાના અને અપરિણીત રહી ગયેલા કોઈ એકલની ભૂખ વિશેની આ કોઈકે કરેલી વીતક, એક સ્વગતોક્તિના રૂપમાં છે અથવા એ પોતે જ એવા સ્વભાવનો છે, જે આમ પોતાની વાત કોઈક કરે એમ કર્યા કરે છે. સ્વરૂપે એ વાત કલ્પના, જલ્પના કે reverie છે, અને એની કરી છે, પ્રિયંકાએ આ વાર્તા.

રચનાના એવા સ્વરૂપને કારણે વાચક કથનકેન્દ્ર પકડી શકતો નથી. એ જુએ છે કે અહીં ‘સર્વજ્ઞ’ અને ‘પ્રથમ વ્યક્તિ’ કથનકેન્દ્રની કારણ વગરની ભેળસેળ છે. મેં આ દૃષ્ટાન્તમાં, " " માં મૂકેલા શબ્દ એમ સૂચવે છે કે કથનકેન્દ્ર બદલાઈ ગયું: ઓફિસ ચાલુ હતી એનુંય સુખ હતું, હવે તો આ રજાઓથી "કંટાળ્યો". ઓફિસમાં નીલા હતી ત્યાં સુધી કોઈ દિવસ આમ ભૂખે ટળવળવાનો વારો આવ્યો નથી. હાજર "થયો"... પણ -- તે તું’ય સમજી ગયો’તો. પણ શું થાય, અત્યારે તો બિચારી નીલાડીય એકલી રાંધી-ખાતી હશે! -- એમ પાછું મૂળ કથનકેન્દ્ર આવી ગયું. વાચક રચનાના એવા સ્વરૂપને કારણે કથક અને જેને વિશે કહેવાઇ રહ્યું છે એ બન્ને વચ્ચે સમ્બન્ધ શું છે એ પણ જાણી શકતો નથી. ઘણે ભાગે કોઈક કહી રહ્યું છે, પણ જેને વિશે કહેવાઈ રહ્યું છે એ તો પુરુષ છે પણ એટલે લાગે કે કથક સ્ત્રી‌ છે. તેમછતાં, એ નથી કહેવાયું કે એ બન્ને ભાઇ-બેન છે કે બૉયફ્રૅન્ડ-ગર્લફ્રૅન્ડ છે. આ દૃષ્ટાન્તો જુઓ: -- તું ને હું મનોમન વાતો કર્યા કરીએ. -- પણ સ્પષ્ટ નથી કે ‘તું’ અને ‘હું’ વચ્ચે સમ્બન્ધ શું છે. -- મમ્મી કેવી ચિંતા કરતી’તી. -- એ વાક્યથી ભાઇ અને બેન હશે એમ, માત્ર લાગે છે. -- પણ હજી આપણી ‘આશા’નો ઉદય કેમ નથી થયો? -- આપણી એટલે એ બે-ની પણ એટલે કયાં બેની, તે સ્પષ્ટ નથી થતું. આ પૃથક્કરણને પરિણામે એટલું નક્કી થાય છે કે આ એક કલ્પના, જલ્પના કે reverie રૂપે બરાબર રચના છે. પણ એ જ કારણે વાચકોને એમાં ટૂંકીવાર્તાનો રસ ન દેખાય એમ થવું અસંભવિત નથી. સમજાશે કે એની ભૂખ પેટની છે, પણ એ જાતીય ભૂખ પણ છે. રચનામાં લગભગ બધો વખત પેટની ભૂખનું કથન એવી રીતે થયું છે, જેમાં વાચક જાતીય ભૂખને પણ વાંચી શકે. કેટલાક દૃષ્ટાન્તોમાં એ દ્વિઅર્થ પકડી શકાશે. એ માટે વધુ અસરકારક શબ્દો મેં " "માં મૂક્યા છે: -- આમ તો ઘરની બહાર નીકળીએ એટલે મોંઘીદાટ હોટલથી માંડીને પાણીપૂરીની લારી સુધી "બધ્ધીયે બધ્ધી આપણી રાહ જોઈને ઊભી હોય". હોવી જોઈએ ભૂખ અને ખિસ્સાંમાં ખનખનીયા. બરાબર ને! ઇ મને ખબર છે કે તને આમ "બજારુ વાનગીઓમાં" બહુ રસ નથી. ઇ બધુ તબિયત બગાડે. વળી ક્યાંક "કોઈ રોગ" લાગુ પડી જાય તો લેવાના દેવા થઈ જાય, એનુંય જોખમ તો રયે ને!’ -- સાલા’વ, બધાયને સારું-સારું રાંધીને "એકલા એકલા" પેટ ભરી લેવું છે. અમારે ખાલી તમારા "ચટાકારા ને સિસકારા" સાંભાળવાના! અમારા જેવા "એકાકી જીવને" કોઈ પૂછો તો ખરા! ક્યારના "ટળવળીએ" છીએ, તમને ખબર છે કંઈ, હેં! -- આવો તો "બે મીઠી" વાત થાય. -- એ બધાંના રંગેલા મેલા નખ, ધૂળવાળા પગ જોઈને "ભૂખ" જ મરી જાય, એક મિનિટ પણ ત્યાં ન ઊભા રહેવાય ને! -- એની સાડીનો "ઝેરી લીલો" કલર તને "ચડી" ગયો કે શું? -- પણ સંગીતનાં લયમાં તેનું "હિલોળતું" શરીર જોવાનીય મજા છે. -- "બધુંય કામ" પતાવીને જવું પડશે એ વગર પૈસા નહિ મળે. ‘બધ્ધું એટલે બધ્ધું’. અને છેલ્લે તો બધું ચોખ્ખું કહેવાઈ ગયું છે. દ્વિઅર્થી બોલવાની જરૂર નથી પડી. જુઓ, આ દૃષ્ટાન્તોમાં એક જ અર્થ છે: -- ૩૮-૩૦-૩૮, બધ્ધેથી બે-બે ઇંચ વધારે, જાણે ભરેલી શિંગ. -- લે, આણે તો તને જ ઉપર ખેંચી લીધો તરત. ભારે ઉતાવળી હોં. શું કહેવાય! બોલ્ડ, બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ!

= = =