સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મૈંસૂરનું ‘વૃંદાવન’
ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’
મૈસૂર રાજ્યની ભૂમિ અત્યંત રમણીય છે. એનો આખો વિસ્તાર સાગરનાં મોજાં જેવી લીલીછમ ટેકરીઓથી ભરપૂર છે. એમાં જોગના ધોધ જેવાં અનુપમ નૈસર્ગિક દૃશ્યો છે. શ્રવણબેલગોડા, હળેખીડ અને બેલૂર જેવાં સ્થાપત્યનાં અજોડ કળાધામો છે. પણ કુદરતે તથા ભૂતકાળે આપેલી સુંદરતાથી સંતોષ માનીને મૈસૂરનું રાજ્ય બેસી રહ્યું નથી. મૈસૂર નગરને અનેક રીતે સૌંદર્યમંડિત બનાવવામાં આવ્યું છે. રાજાના મહેલો તો સુંદર હોય જ, પણ સાધારણ લોકોને માટે પણ અનેક સુંદર બગીચાઓ બનાવેલા છે. સુંદર સાફ જાહેર રસ્તા ઉપર જ્યાં જ્યાં જગા મળી ત્યાં ફૂલો ઉગાડવામાં આવ્યાં છે. અને દિવસ કરતાંયે રાતે તેમની પર નાખવામાં આવતી ખાસ રોશનીથી તે વધારે સુંદર લાગે છે. પણ આપણે જ્યારે શહેરની ઉત્તરે આઠેક માઈલ ઉપર આવેલી કાવેરી નદીના ખોળામાં ઊભો કરેલો વૃન્દાવન બાગ જોઈએ છીએ ત્યારે આ તો બધું એક અપોશણ જેવું લાગે છે. વૃન્દાવન બાગ જાણે સૌન્દર્યની મીઠાઈનો ભરચક થાળ છે. કાશ્મીરના શાલેમાર બાગને બાદ કરીએ તો આખા હિંદમાં આટલો સુંદર ઉદ્યાન બીજે જડવો મુશ્કેલ છે. એક રીતે તો આ સ્થળ શાલેમારને પણ ટપી જાય. કારણ. અહીં એકલા ઉદ્યાનના સૌન્દર્યનો ચમત્કાર નથી, પણ ત્રણ ચમત્કારિક દૃશ્યો એક સ્થળે ભેગાં થયાં છે. દૂબળી પાતળી કાયાવાળી કાવેરી નદીની આરપાર પોણાબે માઈલની, ૧૨૦ ફૂટ ઊંચી વજ્ર જેવી કાયાવાળી એક દીવાલ ઊભી કરી લઈ, કુશળ ઇજનેરોએ એક બાજુ વિશાળ જળસાગર ઊભો કર્યો છે. એ જળસાગર કૃષ્ણરાજસાગર નામે ઓળખાય છે. બીજી બાજુ આ અત્યંત લાક્ષણિક એવું ઉદ્યાન છે. અને તે બે વચ્ચે મનુષ્યના બાહુબળની અને તે કરતાંય બુદ્ધિબળની મૂર્તિ જેવો આ બંધ પડ્યો છે. ત્રણે ખરેખર ચમત્કારિક દૃશ્યો છે. કાવેરી પશ્ચિમમાંથી પૂર્વ ભણી વહે છે. બંધે રોકેલાં તેનાં પાણી સેંકડો માઈલથી વહેતાં વહેતાં આશ્ચર્યચકિત બનીને અહીં થંભી ગયાં છે. નાખી નજર ન પહોંચે એટલે લગી એક વિશાળ સરોવર લહેકા દઈ રહ્યું છે. પાણી તો દર પળે દૂર દૂરથી ભેગાં થતાં જ જાય છે. એ પાણીના વિશાળ સૈન્યને માત્ર પોતાના પ્રચંડ પડખાથી રોકતો હોય તેવો આ બંધ વચ્ચે પડ્યો છે અને પાણીના એ વેગની સામે ટક્કર લેવાને તેની કરોડ પાણી સામે આછી કમાન બનીને પડી છે. દોઢ બે માઈલ જેટલા પટમાં પથરાયેલાં પાણીના પ્રવાહના બળને વહેંચી નાખવા માટે એંજિનિયરિંગની આ એક બુદ્ધિભરી શોધ છે. નદીમાં બંધ એટલે સીધી ભીંત નહિ પણ જે બાજુથી પાણી આવતું હોય તે તરફ વળાંકવાળી વાંકી ભીંત. અને એ બંધની આ બીજી બાજુએ નદીના ખાલી થયેલા પટમાં રમણીય બાગ છે. આપણે એ બાગમાં જ જઈએ : પેલા જળસાગરમાં હોડી વગર જઈ શકાય તેમ નથી. અને એવાં સરોવરો બીજે પણ ઘણાં છે. આ બંધ મૂર્તિમંત દૃઢતા જેવો છે એ ભાન ઘડીભર પણ મનમાંથી જતું નથી. છતાં તેના ઉપર પ્રેમ થાય તેમ નથી. બે માઈલની લાંબી સડક જેવો આ બંધ પગને કસરત આપવા માટે ચાલવું હોય તે કામમાં આવે. પણ એવી સડકોયે બીજે ઘણી છે. માત્ર બીજે ક્યાંય નથી એવો તો પેલો બાગ છે. બરાબર નદીના ખોળામાં જ. પાણીથી ભરેલી નદી એના ખોળામાં આપણને ભાગ્યે જ નિરાંતે રમવા દે. પણ આ કાવેરીએ પોતાના ખોળાને ખાલી થવા દઈ માનવ બાળકોને રમવા માટે કેવી અપૂર્વ વત્સલતા બતાવી છે! સાબરમતી જેવી નદીના પટ સીધાસપાટ હોય છે. પણ બધી નદીઓ એવી નથી હોતી. અહીં તો માતાના અંતઃકરણની જેમ જેમ નિકટ જતા જઈએ તેમ તેમ ઊંડાણ આવતું જાય છે. જાણે કોઈ પાતાળની નાગપુરીમાં જવા માટે ઘાટ ઊતરતા ન હોઈએ એવું લાગે છે. બેય બાજુના કિનારા પરથી એવા ઘાટ, પગથિયાં ને પગથારો રચતો રચતો અહીંનો માળી ઠેઠ મધ્યભાગમાં નદીની પટની કરોડ લગી પહોંચી ગયો છે. બાગમાં વૃક્ષો તો હોય જ. પણ આ તો માત્ર પાણીનો જ બાગ એમ કહીએ તો ચાલે. વૃક્ષોને તો ઊગીને મોટાં થતાં વરસો લાગે. પણ પાણીને તો છૂટું મૂકો કે તરત વહેતું થયું. એટલે અહીંના માળીએ પાણીમાંથી જ છોડ, વૃક્ષો, કમાનો, મંડપો અને રંગભવનો બનાવી લીધાં છે. અને તે માત્ર એક ફુવારાની નાનકડી યુક્તિનો જ આશરો લઈને. આપણે સામાન્ય રીતે સીધો એકધારો ઊંચો ઊડતો જ ફુવારો જાણીએ છીએ. પણ અહીં જ આપણને ખબર પડે છે કે એ ફુવારાને કેળવીને કેટલી બધી કલાબાજી કરાવી શકાય છે. એમ કહો કે અહીં બધી લીલા ફુવારાની જ છે. એ ફુવારા માત્ર ઊંચે અક્કડ જડ બનીને ઊડ્યા જ નથી કરતા. તેઓ બાળકના ઉત્સાહ પેઠે ઘડી ઘડી ઊંચાનીચા પણ થાય છે. એક ઊંચા તાડ જેવા ફુવારાની છાતી આગળ બીજો ફુવારો કૂદાકૂદ કરી રહ્યો હોય છે, તો ત્રીજો વળી તેની કમર આગળ કૂદે છે. બીજા ફુવારા સીધા નહિ પણ માથાં વાંકાં નમાવી સામસામેથી આવી એક કમાન બનાવે છે. એનાથી હોશિયાર બીજા બે ફુવારા તે જ કમાન ઉપર બીજી કમાન બનાવે છે, અને તેના ઉપર વળી ત્રીજી કમાન રચનાર પણ છે જ. આ અહીં તો બે પાંચ નહિ પણ પચાસેક જણને ભેગા કરી તેમનાં માથાં વાંકાં નમાવી એક ખાસ્સો મંડપ જ બનાવી દીધો છે. આ એક બાજુ એક ઊંચા થાંભલા પર દીવો મૂકી તેને પકડવાનું કામ એક ફુવારાને સોંપવામાં આવ્યું છે. પણ પેલા દ્રાક્ષ ખાવા નીકળેલા નાનકડા શિયાળ પેઠે તે બિચારો તે દીવો પકડી શકતો જ નથી. પણ તેથી કાંઈ તે હારતો નથી. તે તો ઊછળી ઊછળીને કૂદ્યા જ કરે છે. છેવટે તો કાવેરીનું પાણી છે ને! પણ આ બધા ફુવારા છેવટે તો રમતિયાળ જ લાગે છે. પાણીની પાસેથી જરા વધારે ગંભીર કામ પણ લેવાયું છે. તે છે ધોધ બનીને વહેવાનું. કાવેરી મૈયાએ આટલો બધો પગથિયાંવાળો ઘાટ આપ્યો છે તો તેનો પણ ઉપયોગ કેમ ન કરી લેવો? ઠેઠ ઉપરના પગથારથી એક નાનકડો ધોધ બરાબર સીધી બે પાળો વચ્ચે થઈને વહેતો મૂકવામાં આવ્યો છે. એની સુંદરતા વધારે ગંભીર છે અને એટલે તેનો આનંદ પણ એટલો વધારે પ્રૌઢ અને સ્થાયી છે. આ ગતિના સૌન્દર્યમાં રાત્રિવેળાએ રંગનું સૌંદર્ય ઉમેરવામાં આવે છે. દરેક ફુવારાને ઇંદ્રધનુના સાત રંગોમાંથી એકાદ મજાનો રંગ ભેટ આપેલો છે. કોક નસીબદાર ફુવારાને ભાગે એક કરતાં વધારે રંગો પણ આવેલા છે. અને એ અનેક રંગોથી શોભતા ફુવારા કેવી લીલા રચે છે! આ ફુવારાની એક સીધી ધારામાં જ ત્રણચાર જુદા જુદા રંગ જોઈ લો. આ પેલો બીજો વર્ષાઋતુના કાંચીડા પેઠે ઘડી ઘડીમાં પોતાના રંગ બદલે છે. અને પેલો ધોધ! એ તો આખી જાણે રંગની નદી જ બનીને વહેવા લાગ્યો છે. અને તે એક પગથારે એક રંગની તો બીજા પગથારે વળી બીજા રંગની! એમ રંગ બદલતી એ નદી કાવેરી મૈયાના ઠેઠ હૃદય લગી પહોંચી જાય છે. અહીં ફૂલોના ક્યારા અને ખુશબોદાર વૃક્ષો પણ કેટલાંય છે. પણ આ પાણીનું અને રંગનું સૌંદર્ય જ આપણાં નેત્રોનો બધો વખત કબજો લઈ લે છે. આ સ્થળને વૃંદાવન નામ આપનાર ખરેખર કવિ જ હોવો જોઈએ. રંગની નદીને કિનારે કિનારે ફુવારાઓની ફુંજોમાંથી પસાર થતા થતા આપણે ઠેઠ ઉદ્યાનના મધ્ય ભાગમાં પહોંચી જઈએ છીએ. અહીં બંધની દીવાલની પૂરી એકસો ને વીસ ફૂટની ઊંચાઈ જોવા મળે છે. જેટલી ઊંચી તેટલી જ પહોળી આ મહાકાય દીવાલના મૂળમાં ઊભા રહીએ છીએ. અને અહીંથી થોડા જ અંતર પર તોળાઈ રહેલાં અફાટ પાણીનો વિચાર કરતાં મગજ કંપી ઊઠે છે. ધારો કે કોઈ અકલ્પ્ય બળવાળી ભુજા આ આખી દીવાલને ઉપાડી લે તો! આપણે પાણીની એ પ્રચંડ પછાડ નીચે લોટ ભલે થઈ જઈએ પણ જળપ્રલયનું દૃશ્ય તો જરૂર જોવા મળે! પણ એવી ગાંડી કલ્પના કરતાં આવી રચનાત્મક સર્જક કલ્પનાને જ આપણે વિશેષે આરાધીએ. કારણ, આ આટલું પાણી અહીં ભેગું કરવામાં આવ્યું છે તે પણે નીચે બગીચો કરવાને ખાલી જમીન કરવા માટે નથી, અથવા આ બાજુ પાણીનું સરોવર બનાવવા માટે પણ નથી. એ તો છે જેમાંથી માનવો અન્ન મેળવે છે તે ખેડૂતનાં ખેતરોની ભૂમિને આર્દ્ર કરવા માટે. આ બંધાયેલાં પાણીને સામે કિનારે નહેરમાં છુટ્ટાં મૂકવામાં આવે છે. અને બે માઈલ લગી પર્વતોને કોરીને વહેતી એ નહેર પણ ઓછી ચમત્કારી નથી. એમાંયે આ છેડેથી હોડીમાં બેસી બીજે છેડે નીકળવાની કેટલી મઝા પડે! પણ ચાલો, એ માટે હમણાં વખત નથી. અને પેલી સર્જક કલ્પના માત્ર પથ્થર સિમેન્ટની દીવાલ બાંધીને કે આ બાગ બનાવીને જ વિરમી નથી. માનવીની કલ્પના જેટલી હદે જઈ શકે તેટલી હદે તે જઈ પહોંચી છે. તે શું હશે? સહેજે કલ્પી શકાય તેવું નથી. તે શું છે તે જોઈએ. જુઓ, જ્યાં આ બંધનું બરાબર હૃદય છે, જ્યાં કાવેરીના પટનું મધ્યબિંદુ છે, જ્યાં પેલી બાજુ પાણીનો વધારેમાં વધારે આઘાત છે, તે સ્થળે બંધની દીવાલમાં આ સર્જકે કાવેરી માતાની એક પ્રતિમા મૂકી દીધી છે. એ મેઘશ્યામ, નાજુક, નમણી મૂર્તિના હાથમાં કળશ છે અને તેમાંથી એનું કૃપાજળ નાનકડી ધારારૂપે ટપકે છે. અમે ગયા ત્યારે તેના ગળામાં ગલગોટાનો સુવર્ણહાર હતો. એ શ્યામ પ્રતિમા એટલા હાર, માત્રથી જ સુવર્ણમય થઈ ગઈ હતી જાણે. આ પ્રતિમા આ બંધને માત્ર પથ્થરનું ચણતર બનતું રોકી રાખે છે, આ ઉદ્યાનને માત્ર વિહારભૂમિ થઈ જતી અટકાવે છે, અને એક માણસને હાથે કુદરતના એક મહાભૂત ઉપરનો આ વિજય છતાં તેના ચરણોમાં પોતાની ભક્તિ પાછી અર્પે છે, એમ સૂચવવાને કે આ જે વિજય છે તે પણ કાવેરીમૈયાના પ્રતાપને લીધે જ છે. માનવની સર્વ શક્તિ અને પ્રતાપની જનની તો તે આ મૈયા જ છે. ધરાઈ ધરાઈને કાવેરીમૈયાનું એ સૌન્દર્યામૃત જોયા પછી અમે ઉપર ચડ્યા. વિશાળ જલસાગર ઉપર ત્રીજનો ચંદ્ર એ સાગરજળનું આચમન કરવા ઇચ્છતી રાત્રિરાણીની અંજલિ જેવો ઝૂકી રહ્યો હતો. બંધ ઉપર બે માઈલ લાંબી વાંકી દીપમાલા ઝળહળતા હીરાના હાર જેવી સળંગ નજરે આવતી હતી. અને શાંત કાવેરી અખૂટ સમૃદ્ધિના સંચય જેવી સ્વસ્થ પડી હતી. એ વૃંદાવનનાં, એ મહાબંધનાં, એ કૃષ્ણરાજસાગરનાં અને એ તૃતીયાના શુભ ચંદ્રનાં દર્શન કરતા કરતા અમે પાછા ફર્યા.
સ્વાધ્યાય