સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/દીપનિર્વાણ
પ્રાચીન હિંદમાં નાનાં નાનાં સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્યો – ગણરાજ્યો- સંઘરાજ્યો હતાં એવું પાણિનિ, બૌદ્ધ સાહિત્ય, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, પરદેશીએાનાં બયાનો વગેરેમાંના ઉલ્લેખો અને સિક્કાઓ ઉપરથી જાણવા મળે છે. મલ્લ, માલવ, પટલ, પાટલ, લિચ્છવી, ત્રિગર્ત, શિબિ, યૌધેય, કઠ, બ્રાહ્મણક, કુકુર, કુરુ, પાંચાલ, સુરાષ્ટ્ર આદિ અનેક ગણરાજ્યો યશસ્વી કારકિર્દી ભોગવી ગયાં છે. મગધનું સામ્રાજ્ય ફાલ્યું-ફૂલ્યું ને એના બૃહદ ઉદરમાં આ લઘુક કોળિયાશાં ગણરાજ્યો વિલીન થયાં. ગણરાજ્યોના ટમટમતા છેલ્લા દીવડાઓ કેમ નિર્વાણ પામ્યા – હોલવાયા તેની આ વીરતાભરી રોમાંચક કથા છે.
કથાસૂત્ર ટૂંકામાં જોઈ એ :–
શતદ્રુ (સતલજ) અને સિંધુને કાંઠે માલવ, બ્રાહ્મણક, કઠ વગેરે વાહિકપ્રદેશનાં ગણરાજ્યો છે. બ્રાહ્મણક ગણના નેતા આત્રેયની દીકરી ગૌતમી જોડે કઠગણવાસી દેવહુતિને પ્રેમ થાય છે. પિતાની શરતોને અવગણી પ્રેમીઓ નાસી જાય છે. બાળક આનંદના જન્મ પછી દેવહુતિ બૌદ્ધ ધર્મની પ્રવજ્યા લઈ શીલભદ્ર બને છે. આનંદ આત્રેયને ત્યાં ઉડુગ્રામમાં ઊછરે છે એવામાં જ નંદિગ્રામમાં શીલભદ્રની માંદગીના સમાચાર મળતાં ગૌતમી એને પડખે જઈને ઊભી રહે છે અને સેવાનો અધિકાર મેળવવા બૌદ્ધ સાધ્વી – આર્યા સુવ્રતા – બને છે. ગણાધીશ આત્રેય માબાપના કશા સમાચાર આનંદને આપતા નથી. એને ગણશ્રેષ્ઠ બનાવવાની ઇચ્છાથી કેળવે છે. વાહિકપ્રદેશના સમાજ-ઉત્સવ થાય ત્યારે આનંદ જયમાળ પણ મેળવે છે. એ સેનાની પદે છે એવામાં આત્રેય એને માલવગણના નંદિગ્રામે મહાકાશ્યપ પાસે ચિકિત્સાશાસ્ત્ર શીખવા મોકલે છે. સંસ્કારિતા આપીને એને એ મઠારે એ ઇચ્છા પણ ખરી. આશ્રમમાં પગ મૂકતાં જ, વીણા વગાડીને મયૂરોને રીઝવતી મહા-કાશ્યપની પુત્રી સુચરિતાના અલૌકિક રૂપની આભાથી આનંદ પ્રભાવિત થાય છે. પિતાપુત્રી પાસેથી એને જાણવા મળે છે કે પોતાનાં માતપિતા પડખેના નિર્વાણગિરિ ઉપર જ છે. માતા માટે એ તલસે છે – રડી પણ પડે છે. પિતાએ ત્યાગ કરેલો એથી એમના ઉપર એને રોષ છે. – બૌદ્ધ ધર્મ ઉપર જ લાગણીહીનતાનો – અધર્મિતાનો મનમાં એ આરોપ મૂકતો હોય છે. પછીથી જરીક પોચો પડે છે ને મળવા જાય છે ત્યાં શીલભદ્ર તો લાંબા સમય માટે ચાર ઘડી પહેલાં જ દૂર વિહાર કરી ગયેલા.
માતાની છાયા નીચે આવ્યો ને પ્રિયતમા પણ પામી બેસવામાં હતો, પણ ત્યાં આનંદને ખબર પડે છે કે નગરશ્રેષ્ઠિના પુત્ર અને મહાકાશ્યપના શિષ્ય સુદત્ત સાથે સુચરિતાનો ઘણો સંબંધ છે. તરત જ પ્રણયત્રિકોણ રચાય છે. સુદત્ત પ્રતિભાસંપન્ન કળાકાર છે. નિર્વાણગિરિ પર પદ્મપાણિની અપૂર્વ સુંદર પ્રતિમા એ નિર્મી રહ્યો છે. તે તૈયાર થાય ત્યારે મહાકાશ્યપ એને સારી ગણે તો સુચરિતા સુદત્ત માગે તે આપવા બંધાઈ છે. આનંદ બધાને રથચર્યા શીખવે છે તેમાં સુદત્ત સુચરિતાને પોતે ખોઈ રહ્યો છે એ જુએ છે. સુચરિતા દ્વિધા અનુભવે છે. સુદત્ત વચનમાં પોતાની સાથે લગ્ન કરવાનું માગશે એમાં એને શંકા નથી, પણ એનું હૃદય આનંદને કબજે થઈ ગયું છે. પોતે આનંદની થવા કૃતનિશ્ચય થાય છે. કળાકાર સુદત્ત આયુધવિદ્યા શીખવા કઠગણના નગર શાકલમાં જાય છે. પાછા આવે છે ત્યાં ઉડુગ્રામમાં સમાજ-ઉત્સવ છે. ઉત્સવમાં આનંદના ઘોડાને સુદત્ત દગાથી ભાલો મારે છે. (ગયા એક સમાજમાં આનંદના રથની હડફેટમાં આવીને એનો રથ તૂટી જતાં એ જયમાળ ચૂકેલો.) આનંદ એ ‘દ્રોહી’ને ચાબખાથી મારે છે. ઘોડાઓ દોટ મૂકી જયમાળ તો અપાવે જ છે. બધા ગણમુખ્યોની સભા મળેલી ત્યાં સુદત્ત ઉપર એના ન્યાયી પિતા ધનપાલ આરોપ મૂકે છે, પણ સુદત્ત આનંદ ઉપર એક નવો જ આરોપ લાવે છે. કઠ બાળકની શારીરિક તપાસ થતી. બરોબર ન હોય તો (સ્પાર્ટામાં થતું એમ) ટેકરી પરથી એને ફગાવી દેતા. બાળક આનંદ નિર્બળ હતો અને માતાએ બે મહિનામાં બાળકને સારો કરી દેવાની અધિકારીને ખાતરી આપી હતી. પછી તે માલવગણમાં ભાગી આવી હતી અને મહાકાશ્યપ – જે દેવહુતિના સહાધ્યાયી અને ગૌતમીના ‘મામા’ હતા, તેમની પાસે એણે આશરો લીધેલો. ત્યાંથી પછી આત્રેય પાસે ગયેલી. આમ બ્રાહ્મણક સેનાની આનંદ એ કઠ હતો. ગણોના અનુશાસનનું આ ઉલ્લંઘન પોતે સમિતિ આગળ પ્રગટ કરવાનો છે એ જાણવાથી આનંદે પોતાને ચાબુક માર્યો ને એક આંખ ફોડી દીધી, સ્વરક્ષણ અર્થે પોતે તો ભાલો ઉગામેલો. – આમ સુદત્તે વાત મૂકી. માને વાંકે દીકરાને દંડવાનો ન હોય, એવો અભિપ્રાય ધરાવવા છતાં કઠગણના નિયમને માન આપવા સારુ આનંદને આખી વાહિક સેનાના મહાસેનાપતિપદે નીમી વરસ માટે પદચ્યુત કરી શકપતિ મૈનેન્દ્રનું માપ લેવા સારુ હરૌવતી – ગાંધાર તરફના પ્રતિનિધિ તરીકે મોકલવો એવો રસ્તો ગણશ્રેષ્ઠો કાઢે છે.
સમાજ પત્યા પછી પણ નગરશ્રેષ્ઠિને ત્યાં ગણસેના અંગે સભા મળે છે. તેમાં મગધપતિનો ભાઈ વસુમિત્ર અને મહામાત્ય પ્રભાકરવર્ધન આ ગણોને પોતાની સામ્રાજ્યનીતિમાં ભેળવી લેવા ઘણા ઊંચાનીચા થાય છે, પણ મહાકાશ્યપ દોસ્તી સરખે સરખા વચ્ચે હોય, તમારું સૈન્ય વાહિકથી દૂર રાખો, શક મૈનેન્દ્ર જોડે સૌ સાથે લડીએ, તેમાં સેનાપતિ અમારો જ હોય, ખર્ચમાં સારો એવો ભાગ અમે આપીએ – વગેરે રાજનીતિ રજૂ કરી બધી બાજી ધૂળ મેળવે છે. સમાજની સ્પર્ધામાં આનંદથી એક વાર આગળ નીકળી ગયેલી કેકયકન્યા કૃષ્ણા આગલી રાતે મગધપક્ષનું કાવતરું તંબૂ ઉપરના વડ પરથી કાનોકાન સાંભળી આવેલી ને બધું જ મહાકાશ્યપને એણે વિદિત કરેલું.
સુદત્તને પણ દેશવટાની સજા મળી છે. જતાં પહેલાં એ મહાકશ્યપ પાસે પદ્મપાણિની પરીક્ષા કરવાની માગણી કરે છે. મૂર્તિ તો પૂર્ણ કલામય હતી. એ ગુરુએ છુપાવ્યું ન હતું. આનંદ ગયા પછી સુચરિતા બૌદ્ધ સાધુ ચારુદત્ત પાસે દિલ ખોલે છે. વચન પ્રમાણે તો સુદત્તની વધૂ થવું જોઈએ એવા પિતાના મત વિશે જાણે છે. ‘આનાથી પ્રવજ્યા શી ખોટી?’ એવો ચારુદત્તથી ઉદ્ગાર થઈ જાય છે. પછીથી પિતાની પણ અનુમતિ મળે છે. સુદત્ત જ્યારે હરખભેર આવે છે ત્યારે લુંચિતકેશા ચીવરધારિણી સુચરિતા મધુર સ્વરે બોલતી હોય છે : ‘આવો સુદત્તભાઈ! મારી શક્તિ મુજબનું માગી લો.’
બીજા ખંડમાં આપણે જોઈએ છીએ કે આનંદ તક્ષશિલા પહોંચે છે. ત્યાં ગ્રીક સત્તા છે, છતાં એ યવનો (આયોનિયન્સ) વચ્ચે મહર્ષિ ઐલ સરસ્વતીનું રાજ્ય તક્ષશિલામાં સાચવી રહ્યા છે અને ગ્રીક યુવકોને પણ શિક્ષણ આપી રહ્યા છે. યવન માતાનો પુત્ર, શક-નેતા મૈનેન્દ્ર પણ એમના હાથ નીચે ભણ્યો છે. જાતિઓની પાર સંસ્કારિતાનો વિજય જોતી સર્વસમન્વયકારી આર્યતાનો ઐલ પાસેથી સંદેશો પામીને આનંદ મહાક્ષત્રપ મિનિન્દરનો તાગ લેવા ઊપડે છે. ત્યાં ચારુદત્ત આવી મળે છે અને ઐલશિષ્યા કૃષ્ણા તો સાથે થઈ જ છે. થોડીક ઝપાઝપીને અંતે પકડાઈ સૌ મૈનેન્દ્ર આગળ રજૂ કરાય છે. મૈનેન્દ્ર અને સહાધ્યાયિની કૃષ્ણા વચ્ચેનો નાનપણનો ભાવ આ નવા સંજોગોમાં પ્રેમમાં પરિણમે છે. આર્યાવર્ત સામે એને આક્રમણ કરતો અટકાવવા આવેલી જાસૂસ પોતે નથી એ ઠસાવવા યુદ્ધને અંતે લગ્ન કરવા એ કહે છે અને યુદ્ધમાં પોતે પ્રિયતમ મૈનેન્દ્રની સામે રહીને લડશે એમ નિર્ણય જાહેર કરે છે. સૌ તક્ષશિલા નજીક, યુદ્ધમાં મળીશું એમ કહીને, છૂટા પડે છે. પણ ઐલ કૃષ્ણાના શુભ સમાચારથી આનંદ પામીને શક સરદારોને જ્યાફતમાં નોતરે છે. ભોજનમાં શકોને રત્ન આદિ જરઝવેરાત પીરસવામાં આવે છે. મૈનેન્દ્ર મર્મ પામી જાય છે પણ ઐલને એનો અર્થ બધાને સમજાવવા વીનવે છે. ખાવાનું ન મળતું હોય તો આવાં આક્રમણો કરવા નીકળી પડવું પડે વગેરે ઐલ સમજાવે છે. મહાક્ષત્રપ ચડાઈ માંડી વાળે છે અને તક્ષશિલાને સીમા તરીકે કબૂલે છે.
અહીં કઠ, બાહ્મણક, અને માલવ સિવાયના ગણો મગધ-મહારાજની શેહમાં આવી ગયા છે. મગધરાજે મૈનેન્દ્ર સામે લડવાનું મુલતવી રાખી – ઊલટું નાના શકક્ષત્રપો સાથે સંધિ કરી, ગણોને ઓહિયાં કરવા બીડું ઝડપ્યું છે. સુદત્ત ખૂટલ નીકળ્યો. મગધ વતી વિષ્ટિ કરવા નંદિગ્રામ એ આવે છે ને હડધૂત થાય છે. નંદિગ્રામને પ્રચંડ ઘેરો ઘાલવામાં આવે છે. ભૂખ, કોટ બહારની ટેકરીઓ ઉપરથી થતી અગ્નિવર્ષા અને મૈનેન્દ્રે આક્રમણ માંડી વાળ્યું તેના મગધથી એ બી ગયો છે એ રૂપે આવેલા સમાચાર – એ બધાથી નંદિગ્રામના નેતાઓ ચિંતામાં પડે છે. મહાકાશ્યપ પોતે શતદ્રુમાં તરતા તરતા જઈને આભીરોની મદદ લાવવા તૈયાર થાય છે. કઠગણાધીશ આસંગ કિલ્લામાં છૂપી રીતે આવી પહોંચે છે અને આભીરોની મદદ આવે તે ક્ષણે મગધસેના પર એક બાજુ છાપો મારવો ને બીજી બાજુ આખી વસ્તીને શતદ્રુ – સિંધુ માર્ગે ખસેડી ત્યાંથી અરવલ્લીની માધ્યમિકા નગરીમાં લઈ જઈ સુરક્ષિત કરવી – ગણોનું બીજ આ રીતે સાચવવું – એવી યોજના કરે છે. એ પાર પણ ઊતરે છે. મગધસેના સામે આઠ કઠ કન્યાઓ અગ્નિ વરસાવે છે. તેમાંની એક રોહિણી જ જીવતી રહે છે. એ મગધ-રાજકુમાર ઇન્દુને પકડી લાવી હોય છે. આસંગ સાથે વસ્તી માધ્યમિકા જાય છે, પણ મહાકાશ્યપે સિંધુ વચ્ચે લવણદ્વીપમાં થાણું કરેલું ત્યાં નગરશ્રેષ્ઠિ આદિ રહે છે. આભીરો વગેરેનું હજારેકનું માત્ર સૈન્ય છે. ત્રીજે દિવસે મગધની મહાસેના આવી પહોંચી. હાથીઓના ગંડસ્થળ પર નિસરણીઓ ટેકવી ઉપર ચઢી. અલગ વરુણ-મંદિરમાં મહાકાશ્યપ, નગરશ્રેષ્ઠિ, ચારુદત્ત, ઇન્દુ ને રાહિણી ભરાય છે. જાળ કાપી નાખવામાં આવતાં, પાંદડાં પર ગુજારો કરે છે. છેવટે ખાવાનું છોડે છે. ઇન્દુકુમારને ભૂખે મરાય નહિ એટલે દરવાજા બહાર ધકેલીને મોકલી દે છે. રોહિણી અને ચારુદત્ત દુશ્મનનાં બાણનો ભોગ બને છે. નગરશ્રેષ્ઠિ બહાર જાય છે અને મગધસેનામાંથી પોતાના પુત્ર સુદત્તને શોધી એને જીવલેણ ઘા કરે છે.
આ બધી મહાઆપત્તિના મૂળમાં પોતે છે એમ સુચરિતાને થાય છે અને સુદત્તને વીનવવા એ આવી પહોંચે છે. એ જ વખતે સુદત્તને જખમી દશામાં તંબૂમાં લાવવામાં આવે છે. સુદત્ત પિતાના જખમને કૃપાપ્રસાદી લેખે છે. પોતે સરસ્વતીને ભગવતી સ્થાને સ્થાપી સુચરિતામાંથી મન વાળી ન લઈ શક્યો ને આડે રસ્તે ગયો એ બધાનો પશ્ચાત્તાપ એ અનુભવી રહે છે. સાધ્વી ફરી સંસારમાં ન આવી શકે, વિહારિણી આવી શકે. સુચરિતાએ વિહારિણીની દીક્ષા લીધી હતી એમ ચારુદત્તને મોંએ સુદત્તે સાંભળેલું અને પોતાની સામે આનંદ ખાતર છેતરપિંડી થઈ એમ માન્યું હતું ને એને અહમ્ વકર્યો હતો.૧[1] પશ્ચાત્તાપમાં સિઝાતા એના હૃદયે વાહિકપ્રદેશની મુક્તિનો ઉપાય પણ શોધ્યો હતો ને સુચરિતાને એણે એ સમજાવ્યો. થોડા વખત પહેલાં જ આનંદની હોડીને પોતે જવા દીધી હતી. સમ્રાટ અગ્નિમિત્ર થોડાક દિવસમાં આ તરફ હશે. આ રાજમુદ્રા આનંદને આપવાથી એને માર્ગ મળશે અને સમ્રાટને એ પકડી શકશે. [આનંદ અને ચારુદત્ત તક્ષશિલાથી પાછા વળ્યા પછી ભારે આફતમાં સપડાયા હતા. લવણદ્વીપમાં મહાકાશ્યપનો અચાનક ભેટો થઈ ગયો. પોતે આભીરોની મદદ મેળવે અને આનંદ જાય મૈનેન્દ્ર તરફ, જેથી મીનનગરના ક્ષત્રપને ઉડુગ્રામનો ઘેરો ઉઠાવી લેવા મૈનેન્દ્ર આજ્ઞા કરે એમ યોજના થઈ હતી.] આનંદે સમ્રાટને કેદ કર્યા. જે મગધસેના વાહિકપ્રદેશ નહિ છોડે તો સમ્રાટને મૈનેન્દ્રને વેચવામાં આવશે એવી ઘોષણા થઈ. ટપોટપ મગધની એડી નીચેથી રાજ્યો, ગણો, માથું ઊંચકવા લાગ્યાં. ઉડુગ્રામથી આવેલા આત્રેયે લવણદ્વીપ મુક્ત કર્યો. મગધકુમાર ઇન્દુ અને આચાર્ય શીલભદ્રની મદદથી સમાધાન થયું. નંદિગ્રામની પુનર્રચનાનું મૂલ્ય મગધે ચૂકવવું અને મગધ સેનાએ ચાલ્યા જવું એમ નક્કી થયું.
લવણદ્વીપમાં મહાકાશ્યપનાં ધવલ અસ્થિ માત્ર યજ્ઞકુંડમાં સૌએ જોયાં. માધ્યમિકાથી આસંગ આવી પહોંચ્યા હતા. આચાર્ય શીલભદ્રને સુચરિતા અને આનંદ પગે લાગે છે. કૃષ્ણા બંનેના હાથ મેળવે છે. મૈનેન્દ્ર આચાર્યને પોતાના શકોમાં સંસ્કારિતા ફેલાવવા પ્રાર્થે છે, ને આચાર્ય એ માગણી સ્વીકારે છે. શકોને સંસ્કારવા શીલભદ્ર અને ઐલ ‘બેય પૂરા નથી, ત્રીજાં તમેય જોઈ શો’ એવી તોફાની કૃષ્ણા પ્રત્યેની ઠાવકી સુચરિતાની નર્મોક્તિ આગળ – બલકે એ રમૂજે પ્રેરેલા આસંગ ને આત્રેયના ખડખડાટ હાસ્ય આગળ કથા પૂરી થાય છે.
કથાપટ ઉપર એક નજર ફેરવતાં પહેલી છાપ એ પડ્યા વગર રહેતી નથી કે આપણે સૈકાઓ જૂના સમયમાં માનસયાત્રા કરી રહ્યા હતા. ઇતિહાસનું તથ્ય આ નવલકથામાં સારું સચવાયું છે. ઐતિહાસિક નવલકથાઓનો સામાન્ય દોષ એ હોય છે કે અર્વાચીન ભાવનાઓને નિરૂપવાના ઓઠા તરીકે જૂના સમયનો ઉપયોગ થતો હોય છે. સાચી ઐતિહાસિક નવલકથા તત્કાલીન ઇતિહાસના સત્યને સાંગોપાંગ જાળવવા મથે છે અને માનવભાવોની સનાતન લીલા તે સમય પર કેવી ખીલી શકે એનું આલેખન કરી ઇતિહાસના અને માનવતાના સત્યને એકરસ કરી મૂકે છે. શ્રી દર્શક ‘કલાશત્રુ’ બ્રાહ્મણકો કે ‘રમણી લુબ્ધ’ માલવો, અર્ભકહત્યારા કઠો કે અજ્જડ શકો, યવન યુવકો કે મગધના રાજપ્રપંચવીરો – એ સૌ વચ્ચે એમની હેડીના જ હોય એ રીતે સ્વાભાવિકપણે વિચરે છે.
નવલકથામાં તરત ધ્યાન ખેંચે છે – અદ્ભુત રસના અવસરો. આનંદનું મગર સાથેનું યુદ્ધ, ઉત્સવની રથદોડ, તક્ષશિલાનાં ખાવા ધાતાં ખંડેર, મૈનેન્દ્રની ભવ્ય રઝળપાટ, માથા પરનું લીંબુ તીરથી ચીરવાનો (વિલ્હેલ્મ ટેલની યાદ આપતો) પ્રસંગ, સોનાથાળીમાં રત્ન પીરસવાનો બેત, નંદિગ્રામને ઘેરો, કઠકન્યાઓની આગ-રમણાનો હાહાકાર, અને અંતે વીર કરુણ લવણદ્વીપ – એક પછી એક રોમાંચકારી સાહસભર્યા અને આશ્ચર્યભર્યા અવસરો કથાનકમાં પથરાયેલા છે. કલાકૃતિમાં આગંતુક ન લાગે એ રીતે –બલકે કથાપ્રવાહને પોષે એ રીતે – અદ્ભુત પ્રસંગોની ગૂંથણી લેખક કેવી કલાથી કરે છે તેમાં ઘણી વાર એનું માપ મળી આવે છે.
શ્રી દર્શકે ભૂતકાળના કાવ્યનું આકંઠ પાન કરેલું છે. મયૂર-યુગલને વીણાવાદનથી નચવતી સુચરિતાનું પ્રથમ દર્શન, સુદત્ત-પ્રાસાદનું વર્ણન, નિર્વાણગિરિ પરના વિહારની શિલ્પકલા – વિશેષતઃ પદ્મપાણિની પ્રતિમા, તક્ષશિલાના વિવિધ વિદ્યાનિવાસે, – આ બધું પ્રાચીન સમયના અલૌકિક કાવ્યલોકમાં તરત જ આપણને ઉપાડી જાય છે.
પણ આ બધું કથાવસ્તુની સપ્રમાણ ઔચિત્યભરી ગૂંથણી વિના ભાગ્યે જ કાર્યક્ષમ નીવડે. તે સમયના જીવનની વાસ્તવિકતા ઉપરથી લેખક કદી નજર ખસવા દેતા નથી. કથાના કોઈ અંશને વધુ પડતો લડાવતા પણ નથી અને બધા પ્રસંગોને અનિવાર્યતાના સંબંધથી પરસ્પર સાંકળે છે. દેખીતાં જ આનંદ-સુચરિતા મુખ્ય પાત્રો છે, પણ બીજા ખંડમાં છેક અંતે જતાં બંને મળે છે. આનંદની માતાની વાત પ્રથમ ખંડના આરંભમાં આવી એ જ. લેખકના કલાસંયમનો એક સૌથી મોટો દાખલો છે – આનંદ અને એના પિતા આચાર્ય શીલભદ્રનું છેક કથાના અંતે થતું પ્રથમ મિલન. આચાર્ય મૈનેન્દ્રના શકોને સંસ્કારવા હરૌવતી તરફ વિહાર કરવાનું સ્વીકારે છે ત્યારે આપણે મનોમન સમજી શકીએ છીએ કે ઐલની સમન્વયદૃષ્ટિનો વારસો પામેલા, પિતાથી હંમેશના અસંતુષ્ટ, આનંદને એ સૌથી વધુ ઋણી બનાવી રહ્યા છે.
ભાષા કથાસૃષ્ટિને યોગ્ય રૂપની જ છે. તે સમયના સૂચક પ્રયોગો૨[2] – ગણાધીશ, નગરશ્રેષ્ઠિ, કાર્ષાપણ, કંટકશોધક, સમાજ, સંથાગાર, વેણુ સંઘાત – વાતાવરણ જમાવવામાં ફાળો આપે છે. શ્રી દર્શકની ભાષા સંસ્કારી છે. તે સમયની સંસ્કારિતાની દીપ્તિ કથાના અવયવે અવયવમાં તરવરતી પ્રતીત થતી હોય તો તે આ ભાષાના પ્રતાપે. લેખકની શૈલી શિથિલ કે દીર્ઘસૂત્રી નથી, બલકે સુશ્લિષ્ટ લેખન(tight writing)માં રાચનારી છે, એટલે વખતે દુરૂહ પણ ભાસે. પણ શ્રી દર્શકમાં સાત્ત્વિક રસિકતા ભરપૂર પડેલી છે. એમના શિલીપ્રવાહમાં તણાયે જ છૂટકો. ‘વનસ્પતિથી ઊભરાઈ ઊઠેલી નીચેની સાંકડી ખીણ અને આ યુવતીમાં કોણ વધુ સુંદર હતું?’ – એમ નિર્વાણગિરિ પર વિચારચગડોળે ચઢેલા આનંદ તરફ નજર કરો કે સિંધુતટના નિબિડ ભીષણ મહાકાન્તાર પર વારી જતા લોથપોથ મહાકાશ્યપ ઉપર આંખ માંડો – લેખક સૌન્દર્ય જ્યાં પડ્યું હોય ત્યાંથી ભાષામાં ઝીલી લેવા કેવા સજાગ છે એનો ખ્યાલ આવશે.
આ બધાં લક્ષણોથી કથાસૃષ્ટિ મનહર બની છે, પણ એ મનભર બની હોય તો તે એનાં થોડાંક ચિરસ્મરણીય પાત્રોને લીધે – બલકે એ પાત્રોનાં સંકુલ જીવનના આઘાત-પ્રત્યાઘાતો દ્વારા કથા-સૃષ્ટિમાં ડોકિયાં કરતા માનવ્યસમૃદ્ધિના અખૂટ ખજાનાઓને લીધે.
આમે પાત્રો બહુ નથી. આત્રેય, મહાકાશ્યપ, આસંગ, ઐલ, શીલભદ્ર, ધનપાલ, પ્રભાકરવર્ધન – એ વૃદ્ધો અને પ્રૌઢો; આનંદ, સુદત્ત, ચારુદત્ત, મૈનેન્દ્ર, વસુમિત્ર, દિમિત્ર – એ યુવકો; અને સ્ત્રીઓમાં તો આરંભમાં પ્રૌઢા ગૌતમી અને અંતમાં કિશોરી રોહિણી બાદ કરતાં માત્ર સુચરિતા અને કૃષ્ણા એ બે યુવતીઓ.
સુચરિતા અને કૃષ્ણા એ અનુક્રમે પહેલા અને બીજા ખંડનાં રસબિંદુ છે. કળા ઉપર મોહેલી સ્વયં કલાધરી સુચરિતા, એક નાની અમસ્તી – વચન આપી બેસવાની ભૂલથી પારાવાર યાતનામાં હડસેલાતી, માધુર્ય અને વેદનાની મૂર્તિ, સહન કરી કરીને સ્નેહનાં અશ્રુ વડે જગતના દુરિતને આત્માના એકાન્તમાં ધોતી અને અંતે વિશ્વના કેન્દ્રમાં વિરાજતી અમોઘ લક્ષ્મી સ્વરૂપે આત્મસ્થાપના કરતી નારી, સીતા અને શકુંતલાના સહિયરવૃંદમાંની છે. અને કૃષ્ણા? તોફાની, રણકુશળ, ચારુદત્ત જેવા શ્રમણ સાધુને ભોગે પણ ઠેકડી કરી લેનારી, તક્ષશિલાની ‘કાબર’, મૈનેન્દ્ર જેવા ઝંઝાવાતને નાથનારી, ઉન્માદિની, વિદ્યુતસમી દેદીપ્યમાન એ નિત્યતરુણી છે. બિચારા સુદત્ત જેવાને પણ એનું ‘મિજાજી નાક’ વાગ્યું છે! સમાજમાં એ કેકયકન્યા એક વાર આનંદથી આગળ નીકળી જાય છે તે ક્ષણે થાય છે કે આ સુદત્ત-સુચરિતાના ઝઘડાનું મૂકોને લપ, આનંદ અને આ કેકયકન્યાની જુગતી જોડી જામશે, વિધાતા (કે આ કથાસૃષ્ટિવિધાતા) એને પણ આનંદ કરતાં વધુ સારો વર ક્યાંથી મેળવી દઈ શકશે? – પણ બીજા ખંડમાં જોઈને આપણી આંખ ઠરે છે તેમ મૈનેન્દ્ર ને કૃષ્ણા એ બે જ પરસ્પર માટે નિર્મિત છે. આખી કથામાં હાસ્ય ન-જેવું છે, પણ જે કાંઈ છે તે આ કેકયકુમારીને લીધે છે. બધાની ઠેકડી ઉડાવનાર કૃષ્ણા શક સરદારોએ ઉચ્ચારેલા આશીર્વાદના લાગની જ હતી : ‘અમારા કબીલાને તું આવીને સમૃદ્ધ કર! અશ્વ જેવાં વેગીલાં ને રીંછ જેવાં શક્તિશાળી સંતાનોની માતા થા! પ્રસૂતિ વખતે તને પીડા ન થાય!’ કૃષ્ણા દ્વારા લેખક આંતરજાતીય લગ્નોનો સંસ્કારવિસ્તારની પ્રક્રિયામાં કેવો અગત્યનો ફાળો છે તેનું સૂચન પણ કરતા હોય એમ લાગે છે. સુચરિતાનું કથાના અંતભાગનું નર્મવચન ઘણું સારગર્ભ છે. ઐલ અને શીલભદ્ર જેવા ઋષિવરોએ પ્રચારેલી સંસ્કારસમન્વયની ભાવનાનું પરિબળ કૃષ્ણા જેવી સન્નારીનાં સ્નેહરસાયણ વિના ખરે જ અ-પૂરતું ગણાય.
આનંદ અને મૈનેન્દ્ર પૌરુષના અવતાર સમા છે, છતાં બંને કેવા જુદા? સંઘસેનાપતિપદને પામનાર – એ પદને સર્વથા પાત્ર આનંદ જન્મ સમયે કઠગણના ધોરણે અશક્ત હતો એ હકીકતમાં વિધિનો સુંદર કટાક્ષ છે. મૈનેન્દ્રમાં બે વ્યક્તિઓ છે. પણ ઐલ અને કૃષ્ણાની બેવડી અસર નીચે પલોટાઈને એનું વ્યક્તિત્વ એકતા પામશે એ માત્ર આશા નથી, હકીકત જેવું લાગે છે. પણ એ પ્રક્રિયા ચાલે છે તે દરમ્યાન તરુણી કૃષ્ણા સાથે એનું મિલન થાય છે. બંને ઉત્કટ સ્વભાવનાં છે, બંને વચ્ચેનો પ્રણય નાનપણની ધીંગામસ્તી ખ્યાલમાં રાખીએ તોપણ કાંઈક સહસા પ્રગટી ઊડતો ભાસે છે. કૃષ્ણાના હૃદયમાં પ્રણયનો પ્રથમ ઉદય થતો વરતાય છે – એ ક્ષણ જાણે કે જરીક આઘાતકારી અને અનપેક્ષિત રીતે આવે છે. આનંદ-સુચરિતાનો હૃદયસંબંધ જે પૃષ્ઠોમાં નિરૂપાયો છે તેવા, પ્રેમની ઊંડી સમજદારી અને સંયમભરી શ્રીવાળાં પૃષ્ઠો આપણી ભાષામાં ક્યારેક જ જોવા મળે છે. સુદત્ત તરફ સુચરિતા લળી હતી એ કુદરતી હતું, બંને કળાના જીવ હતાં. પણ સુદત્તમાં સુચરિતાના જીવનનાં ઊંડાણોને સ્પર્શવાની ગુંજાશ ન હતી. એ પણ વિધિની કેવી કટાક્ષપ્રિયતા કે કળાધરી સુચરિતાને કળાકાર સુદત્ત૩[3] કામ્યા તરીકે જુએ છે, એનામાં ભગવતીનાં દર્શન કરી શકતો નથી? જ્યારે સેનાની આનંદ સુચરિતાને ક્યાંય કેવળ કામ્યા તરીકે જોતો હોય એવું આપણને લાગતું નથી – બલકે સુચરિતા કોઈની આંખમાં દેવીરૂપ હોય તો તે આનંદની આંખમાં! ચારુદત્તનું પાત્ર આ કથામાં મજાનું છે. નિર્મળ સ્વભાવના ચારુદત્તને લીધે સુચરિતાને, કહો કે, સખીનું સુખ છે.
વૃદ્ધોના આલેખનમાં લેખક સિદ્ધહસ્ત લાગે છે. શ્રી દર્શકને કોઈ એમ ન કહી શકે કે ‘ન વૃદ્ધાઃ સેવિતાસ્ત્વયા|’ શરૂ શરૂમાં બધા વૃદ્ધો એક ઢાળાના ભાસે છે, પણ પછી તરત જ સૌ નિજ-નિજનાં વ્યક્તિત્વે ઓપી રહે છે. આસંગ વીર છે. આત્રેયની વીરતામાં સ્વભાવના ઉગ્ર અંશોનો ભેળ છે. શીલભદ્રનું પાત્ર એક ખ્યાલ (idea) રૂપ જ રહે છે. આત્રેયે નિરૂપેલા દેવહુતિ, મહાકાશ્યપ અને ગૌતમીના હૃદયમાં અંકાયેલા દેવહુતિ અને સુદત્તગુરુ શીલભદ્ર – એ બધામાંથી એક સુગ્રથિત (well-integrated) પાત્ર ઊપસતું હોય એવી છાપ પડતી નથી. આગળ તરી આવે છે મહાકાશ્યપ. ‘અહીં બધી કામનાઓના વિસર્જનમાંથી સર્વ શુભનો પુનર્જન્મ થાય છે. અહીં પુષ્પની સૌરભ, પૃથ્વીની દાનશીલતા ને મુક્તિનું અમરત્વ આવી વસ્યાં છે. આકાશને ઊંચે લે તેવા આ ઉન્નતશીર્ષને કોઈ લોકાપવાદ સ્પર્શી શકે તેમ નથી, ને આ વક્ષઃસ્થળ હરકોઈનાં કૂડ-કપટ, વાંધા-વિરોધ સમાવી શકે તેવું વિશાળ છે.’ ગણમુખ્યોની સમિતિમાં મગધના મહા-અમાત્ય આગળ એમની માર્મિક વાગ્ધારા ચાલે છે, એમાં એ કેવડા મોટા ગજાના માણસ છે તે સહેજે જણાઈ આવે છે. સંસારથી એ પોતે ન્યારા છે પણ સંસારસું સરસા રહે છે, જાણે સંસારને જોઈ એમની એક આંખ રડે છે ને એક હસે છે. આનંદને ‘પ્રેમનો મહિમા ગાવા’ સુચરિતાથી વિયુક્ત રહેવા પ્રેરે છે. સત્પુત્રી સુચરિતાને વજ્જર છાતી કરીને સંન્યાસમાર્ગ ચીંધે છે, વારંવાર સુદત્તને પોતાની કલા કરતાં ઊંચો થવા ઉદ્દબોધે છે, મગધકુમાર ઇન્દુને ભણાવે છે, – શા માટે? ‘મારો એ ધંધો છે, એટલે.’ મહાકાશ્યપના સર્વે ગુણોને સોળે કળાએ પ્રગટાવવા તો લેખકની કલ્પનાને લવણદ્વીપની અદ્ભુતસુંદર રચના કરવી પડી છે. એમના તપસ્ને શોભે એવા અન્તને એ પામે છે.
પણ ઐલની તોલે કોઈ ન આવે. ઐલ આ કથાની મંગળમૂર્તિ છે. તપસ્નો પાર નથી, પણ અંદર કોઠામાં કોઈ પરમ સંવાદિતાનું નિત્યલીલું પાતાળઝરણ છે. પોતે યવનોને વેચાઈ ગયા છે એવો આરોપ વેઠીને પણ સૂની તક્ષશિલામાં ‘સરસ્વતીનું રાજ્ય’ સાચવતા એ બેઠા છે. હું ‘નથી આર્ય કે નથી યવન – હું માત્ર સારસ્વત છું.’ છૂપો રત્નભંડાર જોઈ આનંદ આશ્ચર્ય પામે છે; તેને કહે છે : વિદ્યાલય મારા પર ઊભું કરવા માગું છું – ધન પર નહિ.’ પરમ શ્રદ્ધાભરપૂર એમનો અવાજ છે. ‘શકો સાથે તલવારોભાલાં વતી લડવા કરતાં તેમને બૌદ્ધ સાધુસંન્યાસીઓ વડે જીતવા તે સહેલું છે’ એમ એ માને છે. ‘આવા સંન્યાસીઓ પૃથ્વીપટે નહિ વિચરે ત્યાં સુધી વિજિગીષુ ચક્રવર્તીઓનાં રક્તચર્ચિત પૈડાં વડે જ કેડીઓ પડવાની’ એમ એ સ્પષ્ટ જોઈ શકે છે. શકો પાસેથી શીખવા પણ તૈયાર છે : ‘જેમ કે અશ્વવિદ્યા.’ યવન વિદ્યાર્થીઓેને એ હોંશે હોંશે ભણાવે છે અને ઍરિસ્ટોટલ-પ્લેટોની મર્યાદાઓ પણ સુરેખ આંકી આપે છે. અને એમાં ભારતવર્ષની સાધનાનો મુખ્ય તાર છેડાય છે : ‘આપને અરસ્તુ કેવો લાગ્યો?’ ‘સ્મૃતિરત્ન.’ ‘ફિલસૂફ નહિ?’ ‘ના, વિદ્યાવારિધિ ખરો.’ ‘ને અફલાતૂન?’ ‘ફિલસૂફ ખરો, પણ સાન્તમાં વધારે પડતી શ્રદ્ધાવાળો. તમારા બધા જ વિચારકો તંત્રમાં વધારે પડતી શ્રદ્ધા રાખવાવાળા દેખાય છે. જનચિત્તમાં જે અનંત મંગલ પડ્યું છે તેમાંથી ઊઠતી શ્રદ્ધાનો અવાજ અહીં જેવો નિર્ભય રીતે સંભળાય છે તેવો તેમાં નથી સંભળાતો.’ ‘તંત્ર પર તમને શ્રદ્ધા જ નથી?’ ‘ના, અનંત પરની શ્રદ્ધામાંથી જે તંત્ર જન્મે તે તો મને વંદનીય લાગે છે, પણ તમે તો પહેલાં અમુક શુભાકાંક્ષા સાથે જ એ તંત્રમાં ગોઠવાનાર અણુ પ્રત્યે અશ્રદ્ધાનું બીજ પડ્યું છે તે આકાંક્ષાથી તંત્ર રચો છો. અમારા ઋષિઓ તો તંત્ર રચતા નથી એ તો માનવ ચિત્તને મઠારે છે, જાગ્રત કરે છે ને જાળાં કાઢી નાખે છે. પછી તંત્ર રચવાનું એને જ સોંપે છે. અમે કોઈ તંત્રના આશ્રિત થતા નથી.’ સંસ્કૃતિના સંગમસ્થાન પર ઐલની સંસ્કૃતિસમન્વયકારી સાધના ચાલી રહી છે. એમાં ભારતવર્ષની આખાય ઇતિહાસકાલમાં પ્રતીત થતી પ્રધાન સાધનાનો ક્રમ જોવા મળે છે. સુચરિતાના પ્રેમથી પરિપ્લાવિત થયેલું સેનાની આનંદનું હૃદય ઐલની આ બૃહત્ આર્યતાની દીક્ષા પામવા તૈયાર થઈ રહ્યું જ હતું. – ભારતવર્ષનો સાચો સેવક બનવા માટે એ દીક્ષા એ પામે એ કેટલું ઉચિત હતું? ઉપર નિર્દેશેલી સમૃદ્ધિઓ ‘દીપનિર્વાણ’ને ગોવર્ધનરામ પછીની એક અગ્રગણ્ય નવલકથા, – ખાસ કરીને ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાક્ષરજીવન’ના ઉચ્ચ આદર્શની જેનામાં કાંઈક ઝાંખી થતી હોય એવા એક લેખકની કૃતિ ઠેરવવા બસ છે. આરંભમાં કહ્યું કે ‘દીપનિર્વાણ’ એ ગણરાજ્યો રૂપી દીપકો હોલવાયાની કથા છે. પણ પુસ્તકમાં તો અંતે ગણોનો વિજય નિરૂપાયો છે. ‘નંદિગ્રામ’ની પુનર્રચનાનું મૂલ્ય મગધરાજે આપવું એવો એમની ઉપર દંડ પણ નખાયો છે. ભલે કથાનો સુખાન્ત સધાયો, ભલે એ પળે ગણો ટકી રહ્યા અને અંતે ફાવ્યા પણ ખરા, પરંતુ હવે ઇતિહાસની આંખ ગણો ઉપર રૂઠી છે. આલિકસુંદર વખતે ગણો ટક્યા. અલેક્ઝાન્ડર ઝટ પાછો વળ્યો હતો. પણ યવન સામ્રાજ્યના સામંતો હિંદને બારણે હોય અથવા મધ્ય એશિયામાંથી શક જેવી શક્તિ-ઉદ્રેકથી ઊભરાતી જાતિઓ ધસી આવતી હોય, ત્યારે હિંદમાં સામ્રાજ્ય હોય તો જ કાંઈક સબળ સામનો થઈ શકે. પોતા પૂરતા સમાજો સુવ્યવસ્થિત હોય, પણ બહારની પરિસ્થિતિ એમને આકાર બદલવા ફરજ પાડે છે એ ઇતિહાસમાં જોઈ શકાય છે. આજે અમેરિકામાં કરવેરા શા રાખવા તે એની આંતરજરૂરિયાતો ઉપર નહિ પણ દૂર ક્રેમલિનમાં ખેલાતી રાજરમતો ઉપર અવલંબતું હોય છે. બહારની પરિસ્થિતિએ હિંદમાં કઈ રાજ્યવ્યવસ્થા વધુ કાર્યક્ષમ નીવડે તે નક્કી કર્યું હતું. અને આજની લોકશાહી ભાવનાને કારણે ગણો આપણને ગમે તેટલા ગમે એવા હોય, એ વખતની પરિસ્થિતિએ સામ્રાજ્યપદ્ધતિ દ્વારા દેશ ઊભો રહી શકે એમ ચુકાદો આપ્યો હતો. મૌર્ય, ગુપ્ત અને હર્ષવર્ધનનાં સામ્રાજ્યો પછી હિંદ નવાં આક્રમણ સામે ઊભું રહી શક્યું નથી એ સુવિદિત છે. ગણો કાળધર્મ પામ્યા, ઇતિહાસની ગોદમાં શમ્યા. આત્રેય કહે છે તેમ ગણો ‘એકલપંથી’ હતા. એ એકલપંથીપણાનો રંગ એ પણ માનવ-જીવનનું કાવ્ય છે. ફરી રાજપૂતોમાં એ રંગ દેખાય છે. એક રીતે જોઈએ તો બાહ્ય આક્રમણો સામે હિંદુ ધર્મને ટકાવનાર મોટા ભાગના ભક્ત સંતોમાં પણ એ તત્ત્વનાં દર્શન થશે. એકલપંથીપણાના – મરણિયાપણાના વીર રંગમાં ભગવાન મહાકાલની વિભૂતિ વિલસતી જરૂર જણાય છે, પણ ભારતવર્ષની પ્રધાન સાધના તો છે બહારનાં આક્રમણના આઘાતો અગર તો અંદરની ફાટફૂટોથી ડઘાયા વગર સર્વસમન્વયકારી પરમસંવાદિતાનું રસાયણ નિપજાવ્યાં કરવાની સાધના.
હેથાય આર્ય, હેથા અનાર્ય, હૈથાય દ્રાવિડ, ચીન—
શક હુનદલ પાઠાન મોગલ એક દેહે હલ લીન.
– આમથી આર્યો, આમથી અનાર્યો, આમથી દ્રવિડો, આમથી ચીનવાસીઓ, અહીંથી શક-હૂણનાં દળ, પઠાણો ને મુગલો – સૌ આવીને આ ભારતમાં એકઆકાર બન્યા છે. એ ભારતના પુણ્યતીર્થ તીરે આપણા યુગના સંવાદિતાના એક મહાસાધક રવીન્દ્રનાથ પોતાના ચિત્તને (અને સાથે સાથે આપણાં સૌનાં ચિત્તને) જાગ્રત થવા નિમંત્રે છે :
હે મોર ચિત્ત! પુણ્ય તીર્થ
જાગો રે ધીરે —
એઈ ભારતેર મહામાનવેર
સાગરતીરે.૪[4]
તાપીતટે માંડવી
મે ૧૭, ૧૯૫૩
પાદટીપ
- ↑ ૧. ખરેખર, આર્યા સુવ્રતા(આનંદમાતા ગૌતમી)એ અને ચારુદત્તે સુચરિતાને વિહારિકાની જ દીક્ષા અપાવેલી. એ બે જ એ જાણતાં હતાં. એ બંને વચ્ચેની વાત સુદત્ત સાંભળી ગયેલો, એમાંથી અનર્થપરંપરા નીપજી, સુચરિતા અને મહાકાશ્યપ આ જાણતાં ન હતાં. સુદત્ત સુચરિતાની સચ્ચાઈ અંતે જોઈ શકે છે અને અંતિમ ક્ષણોમાં એ ‘આનંદ, સુચરિતા તારી હું – તારી!’ – એમ બોલે છે. સુદત્ત સાથેનું નૈતિક બંધન સરી જતાં સુચરિતા અંતે આનંદ સાથે લગ્ન કરી શકે છે. મહાકાશ્યપે પણ ‘સુદત્ત માને તો આ વેશ ઉતારી શકાય?’ – નો ‘હા.’ – એવો અનુમતિનો ઉત્તર આપેલો.
- ↑ ૨. તત્કાલીન વાતાવરણને બાધક એવા કેટલાક અર્વાચીન પ્રયોગો મારા ધ્યાનમાં આવ્યા છે તે નોંધું છું. મુખ્યત્વે તે સૌરાષ્ટ્રી પ્રયોગો છે : દોડજો જોઈ (પૃ. ૬૩), ઓલી આંબલી (૨૦૭), ટેવાયલ (૨૧૨), જોતું (૨૭૧); રામ બોલો ભાઈ (૨૬૯) અને કંસાર (૧૮) પણ આધુનિકતાના સૂચક છે. નવી આવૃત્તિમાં નિવારી શકાય એવી આ વીગતો છે.
- ↑ ૩. કથાના અંતભાગમાં સુદત્ત પશ્ચાત્તાપના અગ્નિમાં તવાઈને શુદ્ધ બને છે ત્યારે સુચરિતા પ્રત્યેની એની દૃષ્ટિમાં પણ મેલ રહેતો નથી. મૃત્યુ-પૂર્વે એ મેધાવી કળાકારનો વાસનાકોષ વિગલિત થઈ જાય છે. જો સુદત્ત કથાનું મુખ્ય પાત્ર હોત, તો ‘દીપનિર્વાણ’ સુદત્તના જીવનદીપના નિર્વાણની કથા લેખાત.
- ↑ ૪ ‘દીપનિર્વાણ’ લે. દર્શક, ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના રૂપે લખેલો લેખ.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
(નિરીક્ષા)