સાહિત્ય પલ્લવ – ભાગ ૩/નરસિંહ

From Ekatra Foundation
Revision as of 01:40, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નરસિંહ

[શરૂઆતનાં ચાર કાવ્યો કૃષ્ણ અને ગોપગોપી વિષે છે. પહેલું ગીત આપણને શીખવે છે કે સાધારણ માણસ હોવામાં પણ મજા છે. ‘ભરવાડાં’ કહી જેને તુચ્છકારવામાં આવે છે તે લોકનો આનંદ તો જુઓ. અને તેઓના વલોણાનું વર્ણન! બીજા ગીતનો વિષય અનેક કવિઓએ પાછળથી ગાયો છે. પણ આમાં ‘વા’લા’ અને ‘શામળિયા વા’લા’ ગાવામાં જે ઠેકો છે તે તો નરસૈંયાનો જ. ત્રીજા ગીતમાં બધું રાતું જ દેખાય છે. કાળા કૃષ્ણ ને ગોરી ગોપી તે પણ ‘રાતાં’ છે! ચોથું ગીત અત્યંત પ્રસિદ્ધ છે. પ્રિયજન આવવાથી થતા આનંદનું એમાં વર્ણન છે. પછીનાં બે ગીત તે નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો છે. પોતે સામાજિક બંધનોમાં પુરાઈ રહેવાને બદલે માણસાઈના વિશાળ ધર્મને અનુસરે છે. લોકો નિંદા કરે તો કહે છે, ‘હા ભાઈ, અમે એવા! બીજું શું?’ છેલ્લાં ત્રણમાં પહેલું પદ છે ને બાકીનાં બે ‘પ્રભાતિયાં’ છે. પદમાં બતાવ્યું છે : જેઓ સાચા ભક્ત છે તે તો મુક્તિ માગતા નથી. મુક્તિ મળ્યા પછી અવતાર ન મળે. ભક્તને તો અવતાર જોઈએ, જેથી વારે વારે ભક્તિ કરવાની તક મળે. આ ભાવના સમજવા જેવી છે. છેલ્લે કહ્યું છે તેમ, એ ભાવના ‘વ્રજની ગોપી’ઓ કાંક સમજી હતી. તેથી તો પછીના પરભાતિયામાં કહ્યું છે તેમ જેને અ-બળા કહેવામાં આવે છે તેના જ અવતારમાં સાર તો છે. કેમકે ગોપીઓને સહેજે કૃષ્ણ મળ્યા. એટલું જ નહિ, સામેથી, કોઈ વાર રિસાય ત્યારે, મનામણું પણ કૃષ્ણને કરવું પડતું. છેવટનું પરભાતિયું ‘આ જગત તે મિથ્યા માયા છે, બ્રહ્મ જ સત્ય છે,’ એ સિદ્ધાંતને અનુસરી કવિએ રચ્યું છે. પણ એનું વર્ણન કેટલું તો કાવ્યમય છે! કોઈને પ્રશ્ન થાય કે, તો પછી આ માયારૂપી જગત રચનારાએ રચ્યું શા માટે, તો કવિ તેનો ઉત્તર તાદૃશ ચિત્ર રજૂ પોતાની આગળ લટકાં કરીને આપે છે : ભાઈ, એ તો બ્રહ્મ પોતે જ પોતાની આગળ લટકાં કરે છે. ૧. ૨. ગોઠ - ગોષ્ઠ, ભરવાડનો નેસ. ૪. ૪. આલા - ભીનાશવાળા, કૂંણા. (आर्द्र ઉપરથી આલા, જેમ भद्र ઉપરથી ભલા.) ૭. ૨. પુણ્યપ્રતાપે ઇન્દ્રપુરીને પામે છે તે છેવટે તો પુણ્ય પૂરાં થતાં પાછા લખચોરાસીના ફેરામાં પડે છે. સરખાવો : क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति । (ગીતા) ૮. ૧. બળિભદ્રવીર – બળિભદ્રના ભાઈ, કૃષ્ણ. ૩-૪. પુરુષ જો સાચા સેવકભાવથી બરોબર ભક્તિ કરે તો મુક્તિ સુધીની તો એને પ્રાપ્તિ થાય. પણ પોતે રસભર્યું રુસણું લેવું ને મનામણું કરનાર કૃષ્ણ હોય, એ પ્રસંગ તો નારીઅવતાર વગર શી રીતે મળે? ૯. ૬. જેમ સોનાનાં વિવિધ પ્રકારનાં ઘરેણાં બનાવવામાં આવે ને તેને જુદાં જુદાં નામ ને રૂપ અપાય, પણ આખરે તો તે સોનું જ છે, તેમ આ વિશ્વમાં પણ છેવટનું તત્ત્વ તો બ્રહ્મ જ છે. આને અદ્વૈતવાદ કહે છે, કેમકે એ અ+દ્વૈત (બે ન હોવાપણું) પ્રતિપાદિત કરે છે.]