સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો

Revision as of 07:20, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪. આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો

અખો

આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો, પરિબ્રહ્મની મુંને ભાળ લાધી;
ગુંગાની સાનમાં સામો સમજે નહિ, અદબદ મૂઠડી રહી રે બાંધી.
કોઈ તીરથ અડસઠ કરે, દેવ દેરાં ફરે, ખટ મારગમાં રે જોગ સાધી;
તે રે વહાલો મુજ પાસથી પ્રગટિયો, સદ્ગુરુ શબ્દની ચોટ લાગી.
કોઈ કહે જીવ છે, કોઈ કહે શિવ છે, થાપ ઉથાપમાં કોઈ ન સીધ્યો;
આપ તે આપનો અમીરસ ઘૂંટ્વા શિવ તે જીવનો વેશ લીધો.
હાથથી નાખીને દૂર લેવા ગયો, જાણે શું વસ્તુ નવ હોય આઘી;
આવી અજ્ઞાનની આડ ઊભો રહ્યો, તારે માટે તું તો જોને જાગી.
હું ટળ્યો, તું ઠર્યો, કરતાર કરુણા કરી, સુખદુઃખ વૃક્ષની મૂળ દાઝી,
સુપન સમાઈ ગયું, જ્યમ હતું ત્યમ થયું, અખે નિજપદ લહ્યું સુખની ગાદી.

સ્વાધ્યાય

૧. દૃષ્ટાંતથી મોટા વિચારને પણ સહેલો કરી સમજાવવાની અખાની શક્તિનો ખ્યાલ આપો. તમને ગમતાં કોઈ પણ બે દૃષ્ટાંતની ખૂબી વિગતે સમજાવો.
૨. અખાના પુણ્યપ્રકોપનો જે વાક્યોથી પરચો મળતો હોય તે જુદાં તારવી સમજાવો.
૩. અખાના આનંદના ઉદ્ગારો કંઠે કરો.
૪. છેલ્લા ભજનને નરસિંહના તેવા પરભાતિયા જોડે સરખાવો.
૫. ઊંચનીચ ભેદ વિરુદ્ધ અખાને શું કહેવું છે?