સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મારું ઢણકતું ઢોર

From Ekatra Foundation
Revision as of 10:13, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫. મારું ઢણકતું ઢોર

દયારામ

મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં,
સીમખેતર ખળું કાંઈ ન મૂકે;
ના જાવું જાય ત્યાંહાં, ના ખાવું ખાય તે,

રખડવું નિત્ય તે એમાં ન ચૂકે.
મારું૦


વાળી લાવું ઘેર ને ઘોતું માંડું ગળ્યું,
લીલું નીરું છ પણ તે ન સૂંઘે;
પહેલાં રાડાંઓ ઘાસ કહ્યું કૂસકા

માર ખાઈને પણ તે જ ઠૂંગે.
મારું૦


હેડલો-હોડેરડો મારો માન્ય નહીં,
થયું હરાડું, હાવાં હું તો હાર્યો;
વશ ભારે નથી તદૃપિ મારું કહાવ્યું,

(માટે) રહું છું ભયભીત ચિંતાનો માર્યો.
મારું૦


રે ગુરુ આ ગોપાળ મેં અરપ્યું એ આપને,
વશ કરી રાખો નિજ પાસ માગું;
સાધુપણું શીખવી વૃંદાવન ચારજો,

ક્લેશ મારા ટળે પાય લાગું.
મારું૦


હે હૃષીકેશ, એ ક્લેશ મુજ મનતન તણા
આપ ટાળો, કરો શુદ્ધ સાચું;
સ્મરણ સેવન બને અહરનિશ આપનું,

અચળ આનંદ માને એહ જાચું.
મારું૦


મન મતિ બગડતાં સર્વ કાંઈ બગડિયું,
ડરવું બહુ નાથજી દયા આણો;
જન દયાના પ્રિ’તમ શ્રીગોવરધનધરણ,

કરુણાદૃષ્ટે જુઓ, નિજનો જાણો.
મારું૦