ગુજરાતી નારીસંપદા : કવિતા/વેળા
વેળા
ગીતા પરીખ
⯐
જાય છે વેળા, જાય છે વેળા, જાય છે વેળા છૂટી, પળની પાછળ પળની સાંકળ, એક કડી તૂટી. – જાય.
રાત ને દિવસ એકબીજાની પાછળ કરે દોડ, લેશ ચૂકે ના તોય કદી યે મળતાં જોડાજોડ; એકમેકના તલસાટે પણ ક્યાંય ન જરી ત્રુટી. – જાય.
જાય છે વેળા, આવતી કદી પળ ન પાછી એક, આજના ફૂલની આજ માણી લો મન ભરીને મ્હેંક! પળની ભીતર શાશ્વતીની રખે મળે જડીબુટ્ટી! – જાય.
જાય છે વેળા, જાય છે વેળા, જાય છે વેળા છૂટી, મોકળો મેલ્યો કાળ-ખજાનો, આવડે તો લ્યો લૂંટી! – જાય.
***