ગુજરાતી નારીસંપદા : કવિતા/ઝૂક્યાં નહીં
Jump to navigation
Jump to search
ઝૂક્યાં નહીં
સપના વિજાપુરા
⯐
પીડા વગર જીવી શક્યા હોત, જીવ્યાં નહીં,
આંસુને પણ ખાળી શક્યા હોત, ખાળ્યાં નહીં.
બેડી પડી પગમાં, હૃદય આ છે જખ્મોથી ચૂર,
તોડીને એ ભાગી શક્યા હોત, ભાગ્યાં નહીં.
લઈને સહારો કોઈ ખભાનો રડીને અમે,
જખ્મોને પણ સીવી શક્યા હોત, સીવ્યાં નહીં.
કરતાં રહ્યાં લાખો ગુના, દિલ દુભાવ્યાં ઘણાં,
તૌબા કરી, ઝૂકી શક્યા હોત, ઝૂક્યાં નહીં.
લેબલ લગાવ્યા ધર્મના આ કપાળે જુઓ,
માનવ ને પણ જાણી શક્યા હોત, જાણ્યાં નહીં.
આકાશને પામી હસી ના શક્યા આપણે,
ધરતી ઉપર ચાલી શક્યા હોત, ચાલ્યાં નહીં.
સપનાં સુગંધી ફુલ જેવા હતાં આપણા,
પાંપણ ઉપર રાખી શક્યા હોત, રાખ્યાં નહીં.
***