ગુજરાતી નારીસંપદા : કવિતા/દોરડા પર ચાલવું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દોરડા પર ચાલવું

રન્નાદે શાહ

શક્યતાના દોરડા પર ચાલવું
ને પછી ક્હેવું, ‘ખરું આ તાવવું?’
પ્રેમનું દ્રાવણ બધું ઑગાળશે,
આ ઉદાસીનું નગર તો બાંધવું.
મ્હેક પારાવાર છલકે ચોતરફ,
નામ-સરનામું હવે ક્યાં આપવું?
વૃક્ષને ક્યાંથી ડરાવે પાનખર?
કહી ગયાં છે પાંદડાં, ના થાકવું.
આ ધરાને આભ ઝૂકેલું મળે,
એટલું મનને ટકાવી રાખવું.
રોજની લાંબી સફર ત્હારા સુધી,
આ ચરણનું કામ રસ્તો માપવું.

***