ગુજરાતી નારીસંપદા : કવિતા/સ્વીકાર

Revision as of 02:53, 22 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સ્વીકાર

ગીતા ત્રિવેદી

ના બનું સીતા કે દ્રૌપદી
સાનિયા કે સુનિતાને ચીલે નથી ચાલવું
કલ્પનાની પાંખે નથી ઊડવું
નક્કર ધરતી પર હવે વિહરવું
બનવું નથી સતી કે દેવી
રહેવું ના મનસ્વી કે બિચારી
સમોવડી બનવાની નથી ઇચ્છા
શ્રેષ્ઠ બનવાની ના તાલાવેલી
આત્મસન્માનના પ્રકાશપુંજે
પુત્રીજન્મનું ગૌરવ લઈ
જોઈએ છે ફક્ત મારે તો
ખુદ
મારા અસ્તિત્વનો સ્વીકાર.

***