ગુજરાતી નારીસંપદા : કવિતા/ઉનાળો ઉજવીએ
ઉનાળો ઉજવીએ
રક્ષા શુક્લ
⯐
આવ, ઉનાળો હવે ઉજવીએ.
તને જોઇ ઉછરેલા એ ગુલમ્હોરી ઘેલા વન ગજવીએ
આવ, ઉનાળો હવે ઉજવીએ.
પણે ઝૂલતા ગરમાળેથી ચપટી અમથું કેસર લઇ મુઠ્ઠીમાં ભરીએ,
પંચાગે સૂતેલા ફાગણ સાથે ફોરમ ફોરમ રમતા કરાર કરીએ.
સૂરજના કિરણો પર તારી આંગળિયેથી સરતી શીતળ રાત ચીતરીએ,
ખટ્ટમીઠ્ઠી કેરીના સ્વાદે આવ, સરીને સાકાર લઈને પાછા ફરીએ.
માટીમાંથી ઠીબ બની પથરાળા જળને ચાલ, રીઝવીએ,
આવ, ઉનાળો હવે ઉજવીએ.
ભરબપ્પોરે છાના પગલે લૂ આવી ઘૂમરાતી ઘરની વચ્ચે ગાજે,
ત્યારે આવી આંખોથી તું અમી ભરેલી ઝીણીઝીણી ઝરમર પાજે.
લીલા વનના અડવાણા એ પડછાયાંના પગલાં જો હાંફીને દાજે,
લંબાવી ત્યાં હાથ બાથમાં બળબળતા પડછાયાં તેડી લઇશું આજે.
પાણીપોચા વાદળ ઓઢી તડકે આપ્યા ઘાવ રુઝવીએ,
આવ, ઉનાળો હવે ઉજવીએ.
***