ગુજરાતી નારીસંપદા : કવિતા/મનવા

Revision as of 00:54, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (=૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મનવા

હર્ષા દવે

તમે ધારો સરોવર ત્યાં બધે રણ હોય છે, મનવા!
તમારા દુઃખનું બસ એ જ કારણ હોય છે, મનવા!

તમે આ આંખ મીંચી હીંચકે ઝુલ્યા કરો છો,એ
ભીની આંખો છુપાવવાની મથામણ હોય છે, મનવા!

અહીં આ શ્વાસ પંખી જાતમાં બાંધ્યા કરે માળો,
મરણના હાથમાં ત્યાં એક ગોફણ હોય છે, મનવા!

તમે આગળ, વધુ આગળ નકામી દોટ મૂકો છો,
તમારી પીઠ પાછળ યાદનું ધણ હોય છે, મનવા!

કૂતુહલથી ક્ષણોના કાંગરા ખરતા જુએ છે એ
તમારી આંગળીએ એક બચપણ હોય છે, મનવા!

***