ગુજરાતી નારીસંપદા : કવિતા/પુલ પર કામ કરતાં લોકો

From Ekatra Foundation
Revision as of 02:42, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પુલ પર કામ કરતાં લોકો

ઈંદુ જોશી

શહેરના ભરચક રસ્તાઓને
એકબીજા સાથે જોડતા પુલ પર
કામ કરતા લોકોના મોં પર
થોડી નિરાંત દેખાય છે –
કારણ કે પુલનું કામ
લગભગ પૂરું થવામાં છે.
પહેલાં રોજ સવારે ઊઠીને
કપચીનું, ડામરનું મશીન લઈ જતો માણસ
પુલ પર ધીરે ધીરે આગળ વધતો,
પાછળ ડામર બરાબર પથરાયો છે કે નહીં
તેનું ધ્યાન રાખતો.
રસ્તા પર ઊભેલો
કોન્ટ્રાક્ટર જેવો માણસ,
પેલા મશીનવાળા માણસને અને
ડામર સરખો કરતા માણસોને
સૂચનાઓ આપતો.
પુલની નીચે ભરચક ટ્રાફિકમાં,
કેટલીક સ્ત્રીઓ મોટા મોટા બ્રશ વડે,
રસ્તા પરની ધૂળ, કપચી
બાજુ પર કરતી રહેતી.
પુલ સાથે બાંધેલા દોરડાને આધારે
કેટલાક માણસો
સળિયા બાંધતા, ગોઠવતા.
કેટલીકવાર ભરબપોરે
ત્યાંથી પસાર થઈએ તો
લોટાને મોંએ માંડ્યા વગર
અધ્ધરથી પાણી પીતા માણસોના ગળા
પાણીની છાલકથી
બહારથી પણ ભીના થતા
જોઈ શકાય.
રાત્રે ત્યાંથી પસાર થઈએ તો
પુલ નીચે બાંધેલા
હંગામી ખોરડાનો અસબાબ
બલ્બના અજવાળે
ઘડીક નજરે પડે -
ગોદડીઓ, માટલું, ચાદર, પોતડી,
રાંધવા માટેનું એલ્યુમિનિયમનું હાંલ્લું દેખાય.
હું દેશીવાદમાં માનતી નથી
પણ આવા વિષયની કવિતા લખવી
મને ગમે છે જેમ કે,
પુલ પર કામ કરતા લોકો.
છેવટે પ્રશ્ન તો
એક માણસ બીજા માણસને
સમજી શકે
એ જ હોય છે ને!

***