દરિયાપારથી.../અપરાજેય નિજત્વ

Revision as of 05:29, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અપરાજેય નિજત્વ

હા, ઘણાંને મનમાં થતું હોય છે કે અમેરિકા પર હસવું, કે એની દયા ખાવી? આ દેશમાં લાંબું રહ્યા પછી, એને ઊંડાણથી સમજીએ – ખાસ કરીને, લગભગ ૨૪૦ વર્ષ પહેલાં લખાયેલા એના રાજ્ય-બંધારણને જાણીએ – ત્યારે એની મહત્તા પર માન થયા વગર રહેતું નથી. પણ સાધારણ રીતે અમેરિકાની સમસ્યાઓથી દુનિયા વધારે પરિચિત હોય, એટલે એની ટીકા કરવી સહેલી બને. ખરેખર તો, કોઈ પણ દેશ, ને એના સમાજ નબળાઈ કે ક્શતિ વગરના હોતા જ નથી. અમેરિકાના જીવનને પણ મુશ્કેલીઓનો હિસ્સો આ જ રીતે મળેલો હોય તે સ્વાભાવિક છે. એની જુદી જુદી મુશ્કેલીઓનાં કારણ શું છે, તે અંગે કેટલાં જણ વિચાર કરવા બેસવાનાં? દા.ત. અત્યાર સુધી અમેરિકાની નીતિ કાયમી વસવાટને માટે આવનારાં પ્રત્યે ઘણી ઉદાર રહી છે. દરેક પ્રજા પોતાના ગુણોની સાથે પોતપોતાની ક્શતિઓ પણ અમેરિકામાં લાવે છે, અને એ બધાંની અસરો અહીંના સમાજ પર પડતી જ રહે છે. એમ તો આ દેશ વસ્યો જ આગંતુક વસાહતીઓથી, ને આજ સુધી એની રાજનીતિ આવકારની જ રહી છે. આ બિનશરતી આટકાર સાથે અમેરિકાએ થોડી સ્પષ્ટતા કરવાની જરૂર હવે ઊભી થઈ છે. ૧૮૨૦ના અરસાથી એક કે બીજી રીતે બીજા દેશોનાં પ્રજાજનો અમેરિકામાં દાખલ થવા માંડ્યાં. કરોડોની સંખ્યામાં દુનિયાના લોકો આ દેશમાં આવી વસ્યા છે. જે બાબતનો આપણે વિચાર પણ ના કર્યો હોય એવી એક વિગત આપું – અમેરિકાનાં ઘણાં શહેરોમાં એવી શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી ૮૦-૮૫, કે વધારે પણ, (માતૃ) ભાષાઓ બોલાતી હોય. ક્યાં ક્યાંથી આવ્યા હશે એ બધાં અને એમનાં કુટુંબો! આ વિભિન્નતા ઉપરાંત, જેને કારણે અમેરિકી સમાજ પર ઘણો ભાર પડે છે તે છે વસાહતીઓનું સ્વાર્થીપણું. હોંશિયારી અને મહેનતની સાથે આ વલણ ભેગું થતાં એ મિશ્રણ સ્થાનિક નાગરિકતાને નુકસાનકારક બને છે. સાચે જ, વસાહતીઓના ધસારાને થોડા સમય માટે અટકાવીને અમેરિકાએ થોડો થાક ખાવાની જરૂર ઊભી થઈ છે. રાજ્યનીતિના સ્તરે અમેરિકાની માનસસરણી ઘણી સીધી છે. વસાહતીઓની સ્વ-અર્થી પાકટતાને સમજવી, કે એનો સામનો કરવો તે એને માટે સહેલું નથી. આથી જ, ટપાલમાં જ્યારે એક પરિપત્ર આવે, કે “અમેરિકાની રાષ્ટ્રભાષા અંગ્રેજી હોવી જોઈએ કે નહીં?”, ત્યારે આ પ્રશ્નની વાહિયાતતા પર હસવું આવે, ને બીજી તરફ, આવો પ્રશ્ન આખા રાષ્ટ્ને સ્તરે ઊભો થાય એ હકીકત અજંપો પણ કરાવે. સ્પષ્ટ રીતે, રાજનીતિ એટલી હદે લોકશાહીની હિમાયતી છે કે વસાહતીઓનો આટલો ખ્યાલ રાખે છે. આટલા મોટા દેશમાં એની રાજકીય, શાસકીય, સામાજિક ભાષા એક હોય તે એના સ્વસ્થ, સક્શમ એકીકરણને માટે આવશ્યક છે. ને અલબત્ત, એ ભાષા, પહેલેથી છે તે પ્રમાણે, અંગ્રેજી જ હોય ને. અમેરિકા પર લદાયેલી આ બહુ મોટી સમસ્યા છે – વસાહતીઓને અમેરિકાનાં સુખ-સંપત્તિ પર અધિકાર જોઈએ છે, પણ દેશના હિતને પોતાનું ગણવું નથી. જન્મભૂમિને છોડીને, વધારે સારા જીવનની લાલચે, પરદેશ આવી વસ્યા પછી અચાનક, બસ, બાપ-દાદાના વારસાની સભાનતા આવે છે, ને સાથે જ, બે-તરફી સ્વાર્થ પણ. આ દેશમાં તો એના સમકાલીન વિચારકો અને દાર્શનિકોનું સૈદ્ધાંતિક ને બૌદ્ધિક વલણ પણ સમાજ પ્રત્યે ખૂબ ઉદાર છે. એમના મતે સારાસારનો વિવેક વ્યક્તિગત છે. જેમ ‘સત્ય શું તે જાણી શકાતું નથી, તેમ ‘શિવ શું’ તે પણ કઈ રીતે કહી શકાય? તેથી સરકાર પણ પ્રજા માટે થોડા નિયમ બનાવવા સિવાય શું કરે? અહીં જાણે જવાબદારી કરતાં હક્ક પર વ્યક્તિઓ વધારે ભાર મૂકે છે. ગ્રીક દાર્શનિકો માનતા કે સદ્ગુણો વિકસાવવાને કારણે વ્યક્તિ આનંદ, ડહાપણ, હિંમત અને હોશિયારી ભરેલી બને છે, જવાબદાર નાગરિક બને છે. સદ્ગુણી વ્યક્તિઓ વગર સમાજ કઈ રીતે સારો થાય? અને સદ્ગુણી સમાજ ના હોય તો વ્યક્તિનું જીવન કઈ રીતે સારું બને? સદ્ગુણો સુસ્થાપિત છે, જેમકે મક્કમ નિર્ધાર, હિંમત, શિસ્ત, ધીરજ, ઇમાનદારી વગેરે; જ્યારે નૈતિક મૂલ્યો સાપેક્શ છે. અમેરિકી સમાજના બધા સદસ્ય આ બેના ભેદ તરફ સભાન નથી, ને ખરેખર તો, ગુણો અને મૂલ્યોની શોધમાં પણ નથી. આ સમાજમાં અનેકાનેક ઘર, કુટુંબ, પાડોશ, અને આખો સમાજ વિભંગની અવસ્થામાં હોય ત્યારે અનુસરણીય ઉદાહરણ કોણ કોને પૂરાં પાડવાનું? આ સમાજમાંની અનેકાનેક વ્યક્તિઓને શિસ્ત, સ્થિરતા અને શાંતિની ઘણી જરૂર છે, જે મેળવવા માટે ઘણા લોકો નાના નાના જૂથમાં ભળી, જુદા જુદા વિચાર કે ધાર્મિક પંથો દ્વારા પ્રયત્ન કરતા રહે છે. ૧૯૬૦ના દસકામાં અમેરિકનો ‘ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન’ પર તૂટી પડેલાં. પછી પ્રભુપાદનો હરે ક્રિષ્ણ-પંથ અને રામકૃષ્ણ મિશન પણ પૉપ્યુલર બન્યાં. આજકાલ આગળ આવી રહ્યો છે પૂર્વીય બૌદ્ધ ધર્મ. કેટલાક મઠ પણ થયા છે, જ્યાં અમેરિકનો કલાકો સુધી ધ્યાનમગ્ન રહે છે, દિવસો સુધી મૌન રાખે છે. સમાજનો મોટો અંશ આ પંથ તરફ નથી જ વળ્યો. એમ તો ચાલીસ-પચાસ લાખ લોકો જ આમાં રસ ધરાવતા હશે, પણ ઘણા જાણીતા લોકો આમાં જોડાયા છે, ને તેથી ઝેન તેમજ તિબેટી બૌદ્ધ ધર્મ-પ્રથાએ પ્રચાર-માધ્યમોનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. આ પ્રથા પર નવેસરથી પુસ્તકો લખાયાં છે, ને સામયિકો પણ નીકળે છે. ઝેન ઇન અમેરિકા, શમ્બાલા સન, અને ટ્રાઇસિકલ, જેમનાં ચાલીસ-પચાસ હજાર ગ્રાહકો થયેલા જોવા મળે છે. દલાઈ લામાને ખૂબ નજીકથી જાણવા માંડેલાં કેટલાંક મશહૂર અમેરિકનો આ ચળવળને બધી જાતની સહાય કરી રહ્યાં છે. પ્રચલિત થવાની સાથે સાથે આ પંથ માટે દેશમાં એક સુશિક્શિત સભાનતા ઊભી થઈ છે. પણ અમેરિકા જેનું નામ. ‘શોધ’ પણ એ પોતાની રીતે જ કરવાનું! બોદ્ધ ધર્મમાંથી પણ એને જે આકર્ષે તે જે એ અપનાવવાનું – રંગ, દર્શન, ધૂપ, ધૂન, સમજદારી, શાંતતા. ઉપરાંત, જે પ્રાચીન ગ્નાનાધાર પાસેથી એ લાભ મેળવે છે, તેને એ નવી યુક્તિઓ દ્વારા સમકાલીન વ્યવહારિતા તરફ પણ લઈ જાય છે. જેમકે, અમેરિકન બૌદ્ધ-પંથમાં સ્ત્રીઓ અગ્રતા પામી શકે છે, ટેલિફોન પર ‘ધ્યાન’ શીખવાડી શકાય છે, એ માટે હવે તો ડિવિડિ વગેરે પણ છે. ક્યાંક પર્યાવરણના વકીલો માટે ઝેન-શિબિર પણ થતા હોય છે. અમેરિકાનું પ્રશસ્ય સ્વરૂપ આ છે – કોઈ પણ બાબતમાં નવા પ્રાણ પૂરવા તે. આ પ્રજામાં સમસ્યા છે, તો એથી ય વધારે સર્જનાત્મકતા પણ છે; જો ચંચળતા છે, તો ઇષત્ ઊંડાણ પણ છે. બૌદ્ધ ધર્મની કઠોર શિસ્તનું આહ્વાન એ ઝીલી શકે તેમ છે, ને એનાં આધ્યાત્મિક “ઉખાણાં”થી એ ગભરાય તેમ નથી. “એક હાથની તાળીનો અવાજ કેવો હોય?” – જેવી વિરોધાભાસી પ્રહેલિકા પર આ લોકો મહિનાઓ કે વર્ષો સુધી વિચાર કરી શકે છે. શક્ય છે કે, એમને જવાબ ના પણ મળે, પણ તેથી એ ઝંખવાશે નહીં. શક્ય છે કે એમાંનું કોઈ નવી જ પ્રહેલિકા શોધી કાઢે. તો લામા પોતે એ ઉકેલી શકશે ખરા?! કૈં કેટલીયે બાબતો દ્વારા જોઈ શકાય છે કે અમેરિકાનો અંતર્ગત અને આગવો સ્પિરિટ એના અપરિસીમ મૌલિકત્વ તથા અપરાજેય નિજત્વને કારણે અત્યંત વિશિષ્ટ બનેલો છે.