દરિયાપારથી.../હરીચ્છા

Revision as of 06:08, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હરીચ્છા

આપણા આ જીવનમાં બે બાબતો નક્કી લાગે છે : એક, લગભગ દરરોજ દરેક જણ કોઈને કોઈ રીતે છેતરાવાનું, અને બે, લગભગ દરેક જણ છેતરાય નહીં તેનો સતત પ્રયત્ન કરતું રહેવાનું. હા, એમ તો ક્યારેક ઘણાં બચી પણ જવાનાં. ખાસ કરીને એ દહાડે બહાર ના નીકળ્યાં હોય, કે કોઈ સાથે બોલ્યા-ચાલ્યા વગર ચૂપચાપ પડી રહ્યાં હોય, તેવાં જણ. પણ આવા દહાડા મહિનામાં, વરસમાં કે જીવનમાં કેટલા આવવાના? કામવાળાં ને શાકવાળાંથી દૂર તો લાંબું નહીં જ રહેવાય. વળી, પગે ચાલીને તો નજીકમાં જવાશે, પણ વાહનમાં ચઢ્યા વગર કેટલો વખત ચાલવાનું? વાહન એટલે ગતિ, ને ગતિ એટલે શીઘ્રતા. ઝટપટ કામ પતાવી દેવાનું કોને ના ગમે? ને તેથી જ, આધુનિક જમાનામાં રહેનારે વાહનો સાથે સંકળાયેલી સજા ભોગવવી જ પડવાની. વાહમ પોતાનું હોય તો સજા પ્રમાણમાં ઓછી સહેવાની આવે. પરન્તુ જાહેર વાહનો સાથે જેમને પનારો પાડવાનો હોય, એમની પાસે બચવાના ખાસ કોઈ ઉપાય હોતા નથી. એવે વખતે કર્મના સિદ્ધાંતમાં માનવા માંડવાનું હોય છે, ને સહેજ નિસાસો નાખીને ‘હરીચ્છા’ કહેતાં રહેવાનું હોય છે. આવાં જણમાંની હું પણ એક છું – પણ તે અમુક અંશે. ને તે એટલા માટે, કે સભાનપણે ઘણા દિવસ ઘરમાં રહું છું, તથા પોતાની ગાડી ચલાવી લઉં છું. જોકે તેથી શું? જાહેર વાહનોમાં ચઢવાના પ્રસંગો તદ્દન નાબુદ તો નથી જ કરી શકાતા. જ્યાં વસવાટ કરું છું તે ખૂબ મોટા ન્યૂયોર્ક શહેરમાં, તેમજ દુનિતાભરમાં જ્યાં પ્રવાસે નીકળી પડું છું ત્યાં, ‘પબ્લિક ટ્રાન્સ્પોર્ટ’ તો લેવો જ પડે. આ શબ્દ-પ્રયોગમાં બસ, ભૂગર્ભ રેલ ને ટ્રેન ઉપરાંત ટેક્સી,રિક્શા, છકડો વગેરેનો સમાવેશ પણ થઈ જતો ગણવો. જાહેર વાહનો દરેક સમાજના બહુસંખ્ય સદસ્તો માટે અત્યંત આવશ્યક છે જ. ને એમાંયે ટેક્સી અને રિક્શાને તો ‘આવશ્યક અનિષ્ટ’ કહેવાં પડે – જેમના વગર ચાલે નહીં, અને જે દુરિત હોય તે. એમાં બેસવું વધુ ભાગે સજા-રૂપ બનતું હોય છે. ચાલકની ચલન-રીતે, તેમજ ઘણી વાર એનું વર્તન પણ, માંડ સહન થાય એવાં હોય. પરદેશોમાં ટેક્સીનો વપરાશ જ દેખાય, જ્યારે ભારતનાં શહેરોમાં રિક્શાનું એકચક્રી રાજ્ય લાગે. છેતરપીંડીની વાતમાં એવું છે, કે ઓછાવત્તા અંશે બધાં યે એની આપ-લેમાં સંડોવાયેલાં હોય – રોજ નહીં તો ક્યારેક ક્યારેક. અમુક લોકો માટે એ જ જીવવાનો ધારો બની ગયો હોય, એવું પણ બને. દુનિયામાં પ્રવાસ કરતાં કરતાં મારી થિયરી એ થઈ ગઈ છે, કે ભાડાની બાબતે, ટેક્સીવાળો તો છેતરવાનો જ. એકલી સ્ત્રીને અજાણી જગ્યાએ જુએ એટલે એના લોહીમાં, ભાડાના પૈસાની બાબતે, કશાક પ્રકારની રસાયણક્રિયા થતી હશે. આપણા દેશમાં ટેક્સી-ચાલકોનો આ સ્વભાવ કદાચ બહુ નહીં દેખાતો હોય, પણ દુનિયાના અન્ય દેશોમાં મને વારંવાર – ઘણી ઘણી વાર – એવા અનુભવ થયા છે, કે હું માનતી થઈ ગઈ છું કે ટેક્સીવાળો મને છેતરવાનો જ. એનો એ સ્વભાવ, ને મારું એ ભાગ્ય! આમ છેતરાતાં છેતરાતાં પછી હું આ બાબતને હસતાં હસતાં, હળવા હૈયે, સ્વીકારતી થઈ ગઈ છું. “હશે, જા, તારા નસીબના હશે – તે તું લઈ જા, જા”, માથું હલાવતાં મનમાં એમ કહેતી હોઉ છું! ત્રીજા વિશ્વના ગરીબ દેશોમાં તો ટેક્સીવાળાથી છેતરાવું પોસાય પણ ખરું, કારણકે અમેરિકન ડૉલરની સામે ત્યાં ત્યાંનું નાણું નબળું હોય. પણ ડૉલરમાં છેતરનારો ટેક્સીવાળો મળે ત્યારે ઘણી ખોટ ખાઈ બેસવી પડે. સદ્ભાગ્યે એવો અનુભવ મને થયો નથી, પણ ન્યૂયોર્ક શહેરના આંતર્રાષ્ટ્રીય વિમાન-મથકે ઊતરનારા નવા, બિન-અનુભવી, ખાસ અંગ્રેજી ના બોલતાં હોય તેવાં આગંતુકો તો બિચારાં અમેરિકા આવતાંની સાથે જ સખત છેતરાઈ જતાં. વર્ષો પછી, છેવટે, વિમાન-મથકેથી શહેરની અંદર જવા માટેનો એક નિયત દર બનાવી દેવામાં આવ્યો. એટલે ત્યારથી એ માટે નિશ્ચિંત રહી શકાય છે. ભારતના રિક્શાવાળાઓની તો વાત જ નિરાળી છે. પૈસાની બાબતે છેતરવામાં એ બધાને રસ નથી પણ હોતો, પરન્તુ એના પોતાના મન-મિજાજનો એ રાજા હોય છે. એને ના જવું હોત તે દિશામાં એ નહીં જ જવાનો. માથું ધુણાવીને ના પાડી દેવાનો. એને “ભાઈ, ભાઈ” કહીએ, રિક્શા ધીમી ચલાવવા વિનંતી કરીએ, પણ એને શૂર ચઢેલું હોય એમ એ કશું નહીં સાંભળવાનો. ભાડું ચુકવતી વખતે દરનું પત્તું જોવા માગીએ તો ક્યાંતો એ નહીં બતાવવાનો, “નથી” એમ કહી દેવાનો; ક્યાંતો મોઢું બગાડી, ક્યાંકથી ખેંચી કાઢી, આપણી આંખો સામે ધરીને કહેવાનો – “જોઈ લો, જોઈ લો.” બંને રીતે ભોંઠા પડવાનો વારો તો આપણો જ હોવાનો. છતાં રિક્શાવાળા વગર આપણો છૂટકો ક્યા છે? એક વાર બોપલને રસ્તેથી પંચવટી જવા રિક્શા લીધી. એ ચાલવા માંડી કે તરત, રિક્શા-ચાલકને હળી ગયેલો મોટો એક કૂતરો દોડતો આવ્યો. સાથે દોડ્યા જ કર્યો, પાછો જાય જ નહીં. આખરે ચાલકે એને માટે રિક્શા ઊભી રાખી. એને અંદર મારી સાથે રાખ્યો, એટલે ઊતરી જવું તો મારે પડ્યું. ઉપરથી ચાલકની લાલ આંખો ને ગંદો ગુસ્સો પણ મારે ખમવો પડ્યો. એ પછી પણ, ઘર સુધી પહોંચવા માટે બીજી રક્શાનો, ને એના ચાલકનો અશરો તો લેવો જ પડ્યો. બે-ત્રણ જગ્યાએ જવું હોય ત્યારે સમજાવી-પટાવીને થોડી મિનિટો રિક્શાવાળાને ઊભો રાખું ત્યારે હું એને “થૅન્ક્યુ, હોં ભાઈ” કહેતી હોઉં, ને એનો ભાવ ઉપકાર-કર્તાનો હોય. એક વાર વિસનગરમાં લીધેલી એક રિક્શા એટલી તો ખખડધજ, ને બધી રીતે ઘસાઈ ગયેલી હતી, કે સાવ ધીમે, માંડ માંડ ચાલી. પણ એ માટેની ચીડ થોડી વારમાં ઊતરી ગઈ, ને ઊલ્ટું, એ સાવ સૂકલકડા ચાલકને માટે જીવ બળવા માંડ્યો. એવી રિક્શામાં ફસાઈ હતી તો હું, છતાં અપરાધ-ભાવ અનુભવવાનો પણ મારે જ હતો! આપણાં બધાંનો સાચો સગો યે રિક્શાવાળો જ છે. એ જો મોઢું ફેરવી લઈ શકે છે, તો રસ્તાની ધારે અસહાય ઊભાં હોઈએ ત્યારે આવીને એ જ પાસે ઊભો રહે છે! આપણે બધાંને સાચો આધાર જાહેર વાહનોનો જ હોય છે, એમ નથી લાગતું? હું પરદેશથી આવી છું એમ ના લાગે એ માટે હું તો ઘણી મહેનત કરું – મિટરમાં શૂન્ય થયું છે કે નહીં તે ખાસ જોઉં, કયે રસ્તે વાહન લેવું તે કહું, ભાડું બહુ થયાની ફરિયાદ કરું, પણ કોઈ ચાલક ક્યારેય મારાથી ગભરાતો કે છક થતો નથી હોતો. એમાંનો કોઈ ક્યારેય મારાથી છેતરાયેલો પણ જાણ્યો નથી. હશે. હરીચ્છા.