દરિયાપારથી.../કાગળ – સઘળું કે કૈં નહીં?

કાગળ – સઘળું કે કૈં નહીં?

વર્ષો પહેલાં યંત્ર-યુગ કહીને વખોડ્યો હતો તે કાળ, જુઓ તો ખરાં, હવે તો કેવો આકરો બની ગયો છે. હવે તો ડગલે-પગલે મશિન, શ્વાસે શ્વાસે અને ક્શણે ક્શણે મશિન. શબ્દે શબ્દે પણ મશિન જ છે ને. નથી થતું બધું જ લખવાનું કામ હવે ઇલેક્ટ્રૉનિક સાધનો દ્વારા? અરે, હવે તો એ સમય આવ્યો છે કે જ્યારે લખવા માટે આંગળંા નહીં, ટેરવાં પણ નહીં, કેવળ અવાજ વપરાઈ શકે છે. મારે માટે તો આ પરમ કષ્ટનો કાળ છે. એકવીસમી સદીમાં જે જુનવાણી કહેવાય તેમાંની હું એક છું. વૈદ્યુત્તિક સાધનો નછૂટકે જ વાપરવાનો દુરાગ્રહ હું ધરાવું છું. કાગળના સામીપ્ય અને સ્પર્શ માટેનું મારંુ આકર્ષણ ઘટવાનું નથી. કાગળના ઇતિહાસ વિષે વાંચીએ તો સમજાય છે કે વિશ્વના વિભિન્ન સમાજોમાં ગ્નાન ને ધર્મ ફેલાવવામાં, તથા એમની પ્રગતિમાં કાગળ ઘણો કારણભૂત બન્યો હતો. સૌ પ્રથમ, ચીનમાં બે હજારથી વધારે વર્ષ પહેલાં કાગળ શોધાયો હતો. એ પછી હજાર વર્ષ વીતી ગયાં ત્યારે કાગળ યુરોપમાં પહોંચ્યો. જેમ જેમ ચીનની વેપાર -વણઝારો બહાર જતી ગઈ, ને જેમ જેમ બીજા દેશો ચીન પર ચઢી આવતા ગયા, તેમ તેમ કાગળ અંગેની માહિતી અન્યત્ર પહોંચવા લાગી. જાપાન, કોરિઆ અને મધ્ય-એશિયા આ રીતે કાગળથી પરિચિત બન્યા. આઠમી સદીમાં ઇસ્લામના પ્રસારણ સાથે આ પરિચિતતા ઇરાક, સિરિયા, ઇજિપ્ત અને ઉત્તર આફ્રિકા થતી થતી સ્પેઇન, એટલેકે દક્શિણ યુરોપમાં પ્રવેશી. આઠમીથી ચૌદમી સદીના ગાળામાં કાગળ અંગેની માહિતી અને એને બનાવવાની આવડત આખી દુનિયામાં પ્રસરી ગઈ. એનાથી વિભિન્ન ક્શેત્રો- જેવાંકે કળા, સાહિત્ય, ગણિત, વિગ્નાન, વેપાર ઇત્યાદિમાં પ્રચંડ પરિવર્તનો આવ્યાં. બગદાદના ખલિફ હારુન-અલ-રશિદની સલ્તનતથી બધાં સત્તાવાહી રુક્કા અને ફરમાન કાગળ પર લખાવાં શરૂ થયાં, પયગંબરનાં કથનો કલમ દ્વારા કાગળ પર ઊતર્યાં, તથા “એક હજાર ને એક અરબી રાતો” જેવી રોમાંચક વાર્તાઓ પુસ્તકાકાર પામીને અનેક લોકો સુધી પહોંચતી થઈ. નવમી સદીમાં તૈયાર થયેલી એની હસ્તપ્રતના જર્જરિત અંશ આજે શિકાગોના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રદર્શિત કરાયેલા છે. નવા શબ્દો અને પર્યાયો પણ નિપજતા ગયા. આપણો ‘રીમ’ શબ્દ મૂળ અરબી ‘રિઝ્મા’ પરથી આવ્યો, ને સ્પૅનિશમાં એ ‘રૅસ્મા’ થયો. શેતૂર જેવાં ઝાડની છાલની લાંબી પ્રક્રિયા પછી ચીનમાં જે કાગળ બન્યો, તેને માટે ત્યાં ‘ગુ-શિ’ શબ્દ હતો. કહે છે કે એ પરથી અરબીમાં ‘કાઘદ’ જેવો શબ્દ આવ્યો, ને પછી ઘસાઈને આપણને ‘કાગળ’ શબ્દ મળ્યો. ચૌદમી સદીથી અંગ્રેજીમાં પેપર શબ્દ વપરાઈ રહ્યો છે, જેની મૂળ ધાતુ લૅટિનના ‘પેપિરસ’માં છે. ઉપરાંત, ‘પૅપિરસ’ નામનું પાતળું ઘાસ નાઇલ નદીનાં કાદવિયાં ભાઠાંમાં સદીઓથી ઊગતું આવ્યું છે. જો સરખાં હવા-પાણી મળે તો એ પાંચ મિટર ઊંચું ઊગે છે, ને એના સાંઠાનો ઘેરાવો બે ઉંચ જેટલો પુષ્ટ થઈ શકે છે. આની પાતળી પટીઓને સાથસાથે મૂકીને, એને ઠોકી ઠોકીને સપાટ કરીને લંબચોરસ બનાવવામાં આવતા. પણ આ પ્રથા શેતૂરની છાલના કાગળ જેટલી લોકપ્રિય કે કાર્યદક્શ ક્યારેય બની નહીં. અગિયારમી સદીમાં જથ્થાબંધ કાગળ બનાવવા માટે ઝપાટાબંધ કારખાનાં ખુલવા લાગ્યાં. મોરોક્કોના ફૅઝ શહેરમાં જ બારમી સદીના અંત સુધીમાં ચારસો કારખાનાં થઈ ગયાં હતાં. સ્પેઇન પણ એની પાછળ જ હતું. રંગ રંગના કાગળ બનવા માંડ્યા. ઇટાલિએ એક વાર કાગળ બનાવવાનું હાથમાં લીધું, ને જોતજોતાંમાં એ બીજા દેશોથી આગળ નીકળી ગયું. ચૌદમી સદીથી માંડીને આજ સુધી ઇટાલિ અને ફ્રાન્સ જ આ કાગળ-કળા-ક્શેત્રમાં પ્રધાન રહેલા છે. કુર્રાનને કાગળ પર ઉતારવાનું શરૂ થયું પછી કળાત્મક અને સુંદર એવી ‘કુફિક’, ‘નકશી’ વગેરે લેખન-લિપિ પણ વિકસી. એ જમાનો કુર્રાન-લેખનનો સુવર્ણકાળ હતો. વીસ ઇંચ બાય ત્રીસ ઇંચ જેવી સાઇઝના પત્ર પર કુશળ લહિયા સ્યાહી અને પ્રવાહી સોનાથી, ચિત્રાંકન જેવી અરબી લિપિમાં કુર્રાનના પાઠ ઉતારતા. આવી હસ્તપ્રતો હજી ખાસ પ્રદર્શનોમાં અને બ્રિટિશ લાયબ્રેરીમાં જોવા મળતી રહે છે. આટલાં મોટાં પાનાંના રિવાજને કારણે, પાઠ અને ઉક્તિઓની સાથે, એની આસપાસ, સુયોગ્ય રંખાંકન દોરવાની શૈલી પણ પ્રચલિત થઈ. પાઠ અઘરો હોય તો એની સમજૂતી માટે નાનાં ચિત્રો દોરાતાં, ખગોળ-શાસ્ત્રનાં પુસ્તકોમાં તારા ને નક્શત્રો રજૂ થતાં, વનસ્પતિશાસ્ત્રની વાત હોય ત્યાં ફૂલ-છોડના નમૂના દર્શાવાતા. પર્શિયન “લઘુ-ચિત્રો” તરીકે ઓળખાતી શૈલી પણ આ કારણે જ સર્જાઈ. ‘શાહનામા’ જેવા ચૌદમી સદીના ગ્રંથમાં દરેક પાના પર વિવિધ દૃશ્યો અનહદ ઝીણવટથી ચિત્રિત થયેલાં છે. કથા અને કળાનો આ સમન્વય પછીની સદીઓમાં ટક્યો નહીં, પણ એ ગ્રંથો હજી અભ્યાસીઓને સંમોહિત કરતા રહે છે. અઢારમી સદી ‘ઔદ્યોગિક ક્રાન્તિ’ માટે જાણીતી છે. ત્યારે છાપખાનાં સિવાય બીજાં કેટલાંયે મોટાં, ઝડપી, વિનાશક યંત્રો શોધાઈ ચૂક્યાં હતાં. આજની સદીમાં તો દુનિયા યંત્રયુગમાં તદ્દન ખૂંપી ગયેલી જણાય છે. યાંત્રિક સાધનો વગરનું જીવન કેવું હતું તે હવે કોઈને ખાસ યાદ પણ નહીં હોય. બલ્કે, એમનાં વગરના જીવનની સંભાવના પણ માનવીઓને ગભરાવી-ગુંગળાવી દે છે. સતત બાહર આવતાં, નવાં નવાં યંત્રો અને યુક્તિઓ માટેની જરૂર અભાનપણે ચિત્તને ગ્રસતી રહે છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ભીંસ રોજે રોજ વધતી જાય છે. કમ્પ્યુટર દ્વારા પ્રાપ્ત થતી શીઘ્રતા અને સુવિધાને કારણે લેખિત લિપિ નિષ્પ્રભાવી બનતી ગઈ છે, તો હાથવગાં નાનકડાં ઉપકરણોને કારણે સુંદર, સાહિત્યિક ભાષા નકામી, બિનઉપયોગી લાગતી થઈ છે, ને કોઈ નવી જ જાતની ‘શૉર્ટ હૅન્ડ લૅન્ગ્વૅજ’ અસ્તિત્વમાં આવી ગઈ છે. સાથે જ, કમ્પ્યુટરના આરંભકાળનું વાક્વચન ‘કાગળ વગરનાં કાર્યાલય’ માટેનું હતું, અને બગાડ ઓછો થશે તે ખાત્રી અપાઈ હતી. એવું તો અલબત્ત, નથી જ થયું. જંગલો તો કપાતાં જ જાય છે, અને કમ્પ્યુટરમાંથી ઉતારેલી કોપીઓના કાગળ કચરો થઈને રખડતા રહે છે. મારા મનમાં કાગળનો બીજો એક સંદર્ભ ધ્યાનપાત્ર બનેલો છે, જે સામાજિક છે. બલ્કે ભાવાત્મક છે. એ મૈત્રીના સંકલ્પન પર આધારિત છે. બે વ્યક્તિઓ જેના દ્વારા મૈત્રીની, સમાચારોની, સંવેદનોની આપ-લે કરે તેને આપણે “કાગળ” કહીએ છીએ; ના, ના. કહેતાં હતાં. એનું તો ભવિષ્ય જ નથી રહ્યું હવે. હું વર્ષના સો-સવાસો કાગળ-પત્ર લખતી હતી. પ્રત્યુત્તરની આશા ધીરે ધીરે છોડી દીધેલી, ને હવે તો લાગે છે કે કોઈને કાગળ લખીએ તો કદાચ હાસ્યાસ્પદ બનીએ. થોડાં જ વર્ષો પહેલાં જે જીવનનું અગત્યનું અંગ હતું તે હવે ક્યાંય નથી, કૈંયે નથી.