દરિયાપારથી.../વધતી વસ્તી, ઘટતી વસ્તી

From Ekatra Foundation
Revision as of 01:41, 27 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વધતી વસ્તી, ઘટતી વસ્તી

આ દુનિયામાં એવા પણ દેશો છે જેની અંદર વસ્તી ઘટતી જાય છે. ત્યાંની સરકારો માટે આ ઘણો ચિંતાનો વિષય બનતો હોય છે. જ્યાં વસ્તી હંમેશાં વધતી જણાતી હોય તેવા એક દેશના નાગરિકો તરીકે આપણે આ બાબત જાણીને નવાઈ પામી જઈ શકીએ – શું ખરેખર એવા દેશો હશે જ્યાં પ્રજાજનોની સંખ્યા ઘટતી જતી હોય? હકીકતે આમ બની રહ્યું છે. અલબત્ત, ગરીબ અથવા ત્રીજા વિશ્વના દેશોમાં નહીં, પણ ખાસ કરીને યુરોપના દેશોમાં. આયરલૅન્ડ, આઇસલૅન્ડ, સ્કૅન્ડિનેવિયાના અન્ય દેશો વગેરેમાં વસ્તીનો ઘટાડો ચિંતાજનક બન્યો છે. ત્યાં પહેલેથી જ કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ઓછી હોય, આત્મહત્યાનો આંકડો પણ નોંધવો પડે, અને આ સિવાય, દેશાંતર કરી જનારાં પણ ખરાં. સુંદર અને સાધનસંપન્ન એવા આ દેશોનું જીવન પણ જાણે ત્યાંના લોકો માટે અપૂરતું હોય છે. વળી, અમુક દેશોમાં અત્યાચારી સરકાર અને ગુંડાગિરિના કારણે લોકોને હિજરત કરી જવી પડતી હોય છે. દુનિયાના ગરીબ તેમજ તવંગર દેશોનાં પ્રજાજનોની મોહસિક્ત દૃષ્ટિ જેના તરફ હંમેશાં ખેંચાયેલી જણાય છે તે એક સ્થાન એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા. લાખો સૂરજમુખી જેની દિશામાં મુખ ફેરવતાં રહે છે તેવો સૂર્ય, તે અમેરિકા છે. લાખો જીવન-પ્રવાહો જેની તરફ વહી, ધસી, ધસમસી રહે છે તેવો મહાસાગર, તે અમેરિકા છે. લાખો લોકો જેની મોહજાળમાં ફસાવા ઝૂરી રહે છે તે અનાયાસ જાદુગર, તે અમેરિકા છે. આવા આ અમેરિકાની વસ્તી આમ જુઓ તો ઘટી નથી રહી, ને આમ જુઓ તો ઘટી રહી છે. એની મુશ્કેલી તો દ્વિવિધ છે. એ ફરિયાદ કરે તો કઈ રીતની કરે? ક્શેત્રફળમાં ભારતથી પાંચ ગણા વિશાળ એવા આ દેશમાં ઘણી મોટી પ્રજા-સંખ્યા સમાઈ શકે એમ છે. વળી, દેશના બહુવિધ કારોબાર માટે બહુસંખ્ય માનવગણ પણ આવશ્યક છે. તેથી અન્યત્રથી લાખો લોકો અમેરિકામાં પ્રવેશતા રહે તો શું વાંધો? ને આમેય, દરિયા વળોટીને આવેલી વિવિધ પ્રજાના સામૂહિક વસવાટથી જ અમેરિકાની એક દેશ તરીકેની શરૂઆત થઈ છે ને? પેલી દ્વિવિધ કે ત્રિવિધ મુશ્કેલીનું મૂળ આ વિખ્યાત શરૂઆતમાં રહેલું છે. એક, વિવિધ પ્રજાના આગમન-સ્વીકારની નીતિ બસો પચાસ વર્ષ પહેલાં લખાયેલા કાનૂની સંવિધાનમાં સમાવિષ્ટ થયેલી છે. આ દરમિયાન સંજોગો કેટલા બદલાઈ ગયા છે એનું શું? બીજું, અનેક શિક્શિત અને શિષ્ટ વિદેશીઓ તો અમેરિકામાં દાખલ થાય છે જ, પણ ઘણા વધારે આંકડામાં ગુંડા, ગુનેગાર, ગરીબ, અભણ લોકો યેનકેન પ્રકારેણ ઘુસી આવતા રહે છે. એમનો બહુ મોટો બોજો છે, જે ઉઠાવવા આ સરકાર અને એનું તંત્ર પૂરેપૂરું કાબેલ નથી. ત્રીજું, આવા લોકોની વસ્તી સંતતિ-પ્રજનન દ્વારા વધતી રહે છે, જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગ અને શ્રીમંતો સંતતિ-નિયમનમાં માનતા હોય છે. આમ, ગેરકાનૂની આગંતુકો, નિરાશ્રિતો ઇત્યાદિ મિશ્રિત પ્રજાની સંખ્યા વધી રહી છે, જ્યારે મૂળ કહી શકાય તેવા, પુરોગામી, શ્વેતરંગી પ્રજાજનોનો અંક ઘટી રહ્યો છે. અમેરિકાનો સમગ્ર સમાજ પાછો ખંડિત છે, વિચ્છિન્ન છે. કુટુંબનું ઘટક અહીં સુસ્થિર, સ્વસ્થ અને શાશ્વત નથી હોતું. પહેલાં તો, બધાં સ્ત્રી-પુરુષો લગ્ન નથી કરતાં. કરે તો છૂટાછેડા અને સંબંધોના તૂટવાનું પ્રમાણ ઊંચું હોય છે. પરણ્યા વગર બાળકો હોઈ શકે છે, ને બાળકની સંભાળ ફક્ત મા કે ફક્ત બાપ રાખતા હોય એવું, લગ્ન તૂટ્યા પછી, બનતું હોય છે. શહેરોમાં તો એક જ બાળક હોય તેવો આગ્રહ દેખાય છે. એક સમયે એક બાળક હોવામાં સ્ત્રી-પુરુષો સ્વાર્થી ગણાતાં. આજે અભ્યાસીઓ એમ કહે છે, કે એક બાળક ઘણા વધારે પ્રમાણમાં મા-બાપનું ધ્યાન અને વહાલ પામે છે, ને એની બુદ્ધિમત્તા પણ ઘણી વધારે હોય છે. ઘરમાં એકલવાયી ઉછરતી, ને શાળામાં એવાં જ બીજાં બાળકો સાથે મોટી થતી, આ પેઢી ભવિષ્યમાં દેશના સમાજને કેવો આકાર આપશે? આવતાં ચાલીસ-પચાસ વર્ષમાં અમેરિકાના શ્વેત લોકોની સંખ્યા ખૂબ સૂચક રીતે ઓછી થવાની છે. વળી, બાળક જોઈતાં જ ના હોય તેવાં યુગલોનો આંકડો પણ વધતો જાય છે. ઘટતો જાય છે નવા જન્મનો દર, ને તે સાથે ઘટતી જાય છે દેશની ભવિષ્યની વસ્તીની સંખ્યા. ખાસ કરીને સુખી અને શિક્શિત વર્ગમાં. અમેરિકાનું રાષ્ટ્ર-બંધારણ ખૂબ ઉદાર છે. એમાં કોઈ પણ પ્રજાની કોઈ વ્યક્તિ માટે ભેદ-ભાવ નથી. પણ એ શબ્દોને કેટલી હદે અક્શરશઃ પકડી રખાય? વાસ્તવિકતાના સંજોગો પ્રમાણે એમાં જરૂરી નિયમન દાખલ કરવાં જ પડે ને?આ દેશમાં જેટલાં જણ છે, તેટલા હક્ક છે. રાષ્ટ્રની સમાજ પ્રત્યેની ઉદારતાનો લાભ વ્યક્તિગત સ્વાર્થ લીધા જ કરે છે. આનો સામનો કરવામાં, ઉપાય કરવામાં દેશનાં ઘણાં સ્રોત-સાધનો ને શક્તિ-સમય ખર્ચાઈ જતાં હોય છે. ઘટતી જતી વસ્તી કોઈ પણ દેશને માટે ચિંતાનું કારણ છે, પણ જેમાં નાગરિકતાના ગુણ ના હોય તેવી વસ્તીની ઘનતા નિરર્થક છે, નુકસાનકારક છે. અમેરિકાના સમાજનું પોત, એના મિશ્રપણાને લીધે અત્યંત વિસ્મયકારી છે. એક તરફ અહીં વિશિષ્ટ ફિલસૂફો અને નિઃસ્વાર્થ સમાજસેવકો છે, તો બીજી તરફ ગુનાહિત માનસ અને છેતરનારા લોકો છે. અહીં હોશિયારમાં હોશિયાર જન-ગણ જોવા મળે છે, અને સાવ કમઅક્કલ ને સાધારણ લોક-સમૂહ પણ મોજુદ છે. વિવિધ ક્શેત્રના વિદ્વાનો ઊંચાંમાં ઊંચાં પારિતોષિક મેળવે છે, ત્યારે સમાજના અસંખ્ય સદસ્યો બોલચાલની ભાષા ને સાદા સરવાળા-બાદબાકી વગેરેમાં પણ તદ્દન કાચા હોય છે. અમેરિકાના અર્થતંત્રને સધ્ધર રાખવા માટે મહેનત-મજૂરી કરવા તૈયાર એવા અન્યદેશીય લોકો ઘણા જરૂરી છે, ને સાથે જ, વસ્તીનો આ વધારો સમાજમાં, દેશના જીવનમાં લગભગ ભયજનક પરિવર્તન લાવી રહ્યો છે. અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પામેલા શ્રી અમર્ત્ય સેને લખ્યું છે તેમ, “સામાજિક દરિદ્રતા આર્થિક દરિદ્રતાને પણ સ્થાયી કરવામાં કારણભૂત બને છે.” તાજેતરમાં અહીં પ્રથાગત દસ-વર્ષીય વસ્તી-ગણત્રી કરવામાં આવી. અહીં પણ, જેમણે ફોર્મ ભરી ના મોકલ્યું હોય તેવા લોકોને ઘેર ઘેર જઈને કાર્યકરો ટકાવારી ભેગી કરતા હોય છે. એ બધી સરેરાશ વિગતોમાંથી આજના તથા ભવિષ્યના અમેરિકાનું કેવું ચિત્ર ખડું થાય છે તે જોવાનું રહ્યું.